top of page

અછારણ ગામની શાળા સંગાથે...

આ વખતે ‘સેતુ’ કાર્યક્રમ અંતર્ગત શહેરના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયા હતા. અછારણ ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી-શિક્ષકો સાથે પ્રવૃતિ સાથે જોડાવાનો આ અભિક્રમ માત્ર ચોકલેટ ખાવા પૂરતો જ નહોતો, વેકેશન પહેલાંની તાલીમનો પણ હતો! આ વિશે મારા નવા સાથી મિત્રોનો અનુભવ વાંચો:


ડિમ્પલ જણાવે છે કે-

આજે બાળકો સાથે બાળક બનીને જીવી લેવાનો અવસર મળ્યો. ઘણાં સમય પછી નિર્દોષ હાસ્ય જોયું. આવી નિર્દોષતા તો શહેરના કહેવાતા આધુનિકરણમાં જાણે ખોવાઈ જ ગયેલી દેખાય છે. આજે ફરી એ બાળપણ સાથે મુલાકાત થઈ. આ નિર્દોષ ભૂલકાંઓ ને હસતાં, રમતાં જોઈ ખુબ આત્મસંતોષ થયો. સાથે સાથે ગુરુદક્ષિણા મા બે કેરી પણ મળી!

આ બાળકોમાં શીખવા માટેનો ઉત્સાહ દેખાયો. શહેરના બાળકોને તો વણમાંગ્યે બધું જ મળી જતું હોય છે, પણ આ બાળકોને પ્રેમથી થોડું પણ આપીએ તો ભાવવિભોર થઈ, ઉત્સાહ સાથે શીખે છે. બાળકો ખંતીલા લાગ્યાં.


સાચું કહું તો મેં પોતાને, એક celebrity જેવી અનુભવી. કેમ કે ત્યાંની એક વિદ્યાર્થિની આરતીએ મારા કેટલાક video જોયા હતા! આજે મને પ્રત્યક્ષ જોઈને તેણી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મને આરતીની આંખમાં મારા પ્રત્યેની એક ચમક દેખાઈ, જે મને સ્પર્શી ગઈ હતી. મજા જ આવી ગઈ. ફરી આવો લ્હાવો મળે.

સાહિલે વાત આ રીતે રજૂ કરી છે-

એક વખત મેં મારા શિક્ષકને કહ્યું કે, “સર, મને આ વિષયમાં બહુ જ રસ તો છે પણ મારી પાસે આ વિષય માટે કોઈ એવાં સારાં શિક્ષક કે પાઠ્યપુસ્તક નથી. તેથી જ હું આ વિષયમાં કશું સમજી નથી શકતો કે, સારાં ગુણ નથી મેળવી શકતો. તો શું તમે મને કોઈ માર્ગ દેખાડશો?”

આટલું સાંભળીને શિક્ષકના મનમાં એક વિચાર પ્રગટ થયો અને તેમણે કહ્યું કે, “ચાલો, આપણે કાલે એક જગ્યાએ જઇએ જ્યાં તને કદાચ આ પ્રશ્નનો ઉકેલ મળી જશે.” બીજા દિવસે તે શિક્ષક વિદ્યાર્થીને એક ગામની પ્રાથમિક શાળામાં લઈ ગયા. હું રસ્તામાં વિચારતો હતો કે શહેરમાં જે વિષયના શિક્ષક કે પુસ્તકો નથી મળતાં તે માટે ગામડાંમાં શું મળશે?!

ત્યાં પહોંચ્યા પછી હું એ શિક્ષકના માર્ગદર્શન મુજબ શાળાના બાળકોને તેમનાં માનસિક વિકાસમાં ઉપયોગી એવી ઓછી પ્રચલિત ‘કૂકડી રમત’ શીખવાડવા લાગ્યો. જેમાં વિદ્યાર્થીઓને રમવા માટે ચેસ જેવી કેટલીક કૂકડીઓની જરૂરિયાત હતી. આ દરમ્યાન શિક્ષકે બાળકોને પૂછ્યું કે, “ચાલો, હવે તમને રમત રમતાં તો આવડી ગઈ, પરંતુ હવે તમે આ રમત વેકેશન દરમિયાન રમવા માટે કૂકડી તરીકે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરશો?”

આટલું બોલતાં જ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જવાબો આપવાનું શરુ કરી દીધું. કોઈ કહે, ચોકના ટુકડા, તો કોઈ કહે લાકડીના ટુકડા, કોઈ નાના પથ્થરનું સૂચન કરતુ હતું તો ક્યારેક કોઈ રબરનું સૂચન કરતુ હતું! આમ જોત જોતામાં તો બાળકોએ એક મોટી યાદી બનાવી દીધી અને પોતે જાતે અંદરોઅંદર રમવા લાગ્યા.

મારી એક રમત પૂરી થઈ એટલે મારા સાથી ડિમ્પલબેને બાળકોને કંઈક સર્જનાત્મક પ્રવૃત્તિ શીખવાડવા માટે અલગ અલગ વસ્તુઓ પર કલાકૃતિ દોરવાનું શીખવાડ્યું. પછી તેમણે દરેકને પોતાની કલા-કૃતિનો વિકાસ કરવાં માટે રંગ અને જરૂરી સાધન-સામગ્રી પણ આપી. અંતે શાળાના દરેક વિદ્યાર્થીઓએ અમને ખૂબ જ ઉત્સાહપૂર્વક અને હૃદયસ્પર્શી વિદાય આપી.

અંતમાં, મને એવું લાગે છે કે ઘણી વખત આપણે આપણા જીવનમાં એટલાં ખોવાયેલાં રહીએ છીએ કે આપણને આપણી આસપાસનાં લોકોની અસુવિધાઓ દેખાતી નથી. કેટલીક વખત બાળક પોતાની કંઈક નવું શીખવાની આળસને એવું બહાનું આપીને નકારી કાઢે છે કે મારી પાસે પાઠ્યપુસ્તક નથી કે મારી પાસે સારા શિક્ષક નથી.

પણ શું ખરેખર આપણી પાસે કશું જ નથી હોતું ? આજના ઈન્ટરનેટના યુગમાં ટેક્નોલોજી એટલી બધી વિકસિત થઈ ગઈ છે કે દરેક

જાણકારી તમે તમારી આંગળીના વેઢે મેળવી શકો છો અને કોઈ પણ નવું કૌશલ્ય કેળવી શકો છો, અને તે પણ હજારો અલગ અલગ રીતે! પરંતુ આજે તે ગામની પ્રાથમિક શાળાના બાળકો જેવો ઉત્સાહ ક્યાંક ખૂટી ગયો છે કે જેઓ પાસે ખરેખર કેટલાક સાધનોની અછત હોવા છતાં પોતાનો પથ જાતે પ્રકાશિત કરવાંની શક્તિ ધરાવે છે. ખરેખર તો રામાનુજન જેવા મહાન ગણિતશાસ્ત્રીના ગુણોની અછત છે કે જેઓએ ગણિતશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન પોતાની જાતે જ કોઈ પણ શિક્ષકના માર્ગદર્શન વિના ફક્ત પાઠપુસ્તક દ્વારા મેળવ્યું હતું અને તેટલું જ નહિ પરંતુ ઘણુંખરું યોગદાન પણ પોતાના ક્ષેત્રમાં આપ્યું હતું! નવલ રવિકાંત કહે છે કે, Free education is abundant, all over the internet. It’s the desire to learn that’s scarce.

તો હવે જયારે પણ તમારાં મનમાં વિચાર આવે કે મારી પાસે કંઈક નથી, તો વિચાર કરજો કે ખરેખર મારી પાસે કઈ જ નથી? કે આ પણ મારાં અવચેતન મન દ્વારા રચાયેલી એક ભ્રમણા જ છે…?!

Thank you again for the lovely and inspiring experience. And i would love to contribute to work like this in the future also.

મિત્રો, આવી પ્રવૃતિમાં રસ ધરાવતા હોવ તો આપ ઈમેલથી કે રૂબરૂ સંપર્ક કરી શકો છો.

302 views0 comments

Comments


bottom of page