વ્હાલા મિત્રો,
સાચું કહું તો વાણિજ્યના વિષયો, ભણતી વખતે મને બહુ આકર્ષક નહોતા લાગ્યા, પણ ભણાવતા ભણાવતા વ્હાલા બની ગયા હતા! છતાં મોટેભાગે આનંદિત રહેલું વર્ગખંડ શિક્ષણ ક્યારેક અજંપો પેદા કરી જતું. બસ, એમાંથી જે નિરાશા છલકી જતી તેને એને અહીં અછંદાસ કાવ્ય સ્વરૂપે તમારી વચ્ચે મૂકું છું. (એમાં વાણિજ્ય સાથે સંકળાયેલા કેટલાક શબ્દોનો પ્રયોગ કર્યો છે!)
સમજો, વર્ષો સુધી આવા વિષયોના સંપર્કમાં રહેવાથી જીવનની એક ફિલસૂફી સર્જાઈ. આપ વાણિજ્ય સાથે સંકળાયેલા હોવ તો તો ગમશે જ પણ વાણિજ્ય સાથે નાતો ન હશે તો પણ તેમાં રહેલો મર્મ સમજી લેશો. આનંદ માણો ત્યારે!
એક ઉતરેલો ચેહરો
હવાઇ ગયેલા ફટાકડાંની જેમ
બનાવે છે મને નિષ્ક્રીય.
છલોછલ હોઉં છતાં
અનુભવાય છે કશાકની અછત.
ઘટે છે ઉત્સાહનો પુરવઠો
ને નીચા ઉતરી જાય છે
આનંદના સઘળા સરેરાશ મૂલ્યો.
એવામાં મળે છે એક આછેરું સ્મિત જ્યારે,
અવલોકનની ભૂલથી ગણાયેલો
ખોટો દાખલોય ઉકલી જાય છે ત્યારે.
ને સંબંધોના સરવૈયામાં જમા થાય છે
જીવન જીવવાનુ નવું ખાતું.
હસતાં ચેહેરાઓના પાનેથી
બધુય આવક પેટે નોંધાય છે
જીવનની પાસબૂકમાં.
સરભર બની જાય છે આવક,ખર્ચ અને દેવાં.
- પણ,
પવનની જેમ બદલાતી આ દુનિયાએ
ભીતર રાખ્યો છે એક રંજ...
રોજ દેખાતા ચહેરાઓની માહિતીમાં
હસતો ચહેરો
બહુલક યા ઉઘડતી સિલક બનીને તો રહેશેને ?!
- ડો. વિજય મનુ પટેલ
અમારા કાયમી સભ્ય બનો એવી આશા છે. બીજાને પણ જોડવામાં નિમિત્ત બનો. નીચીની લિન્ક પર ક્લિક કરી આજે જ જોડાવો.
Comments