બાળકો નાદાન હોય છે. એને કંઈ સમજ ન પડે! એ લોકોને તો આસાનીથી પટાવી શકાય છે વગેરે જેવા વિધાનો વર્ષો પહેલાના હોઈ શકે. વર્તમાનમાં જે કોઈ વડીલો આવું વિચારતા હશે તો તેઓ પોતે જ નાદાનમાં ખપી જશે! બાળકોની વર્તણુક વિશે સતત અભ્યાસ કરનારાઓનું સામાન્ય તારણ એ જોવા મળ્યું છે કે છેલ્લા દશકામાં બાળકો પાસે ઇન્ટરનેટ ટેકનોલોજીના માધ્યમથી ઘણી બધી માહિતી આવી પડી છે. આને કારણે તેઓની સામાજિક અને મનોવૈજ્ઞાનિક ભૂમિકામાં મોટું પરિવર્તન દેખાઈ રહ્યું છે.
સાંવેગિક અસમંજસતા, ઉગ્રતા, તડપ, હતાશા જેવા વર્તન લક્ષણો એમનામાં દેખાઈ રહ્યા છે. આની સાથે જ સ્થૂળતા, સામાજિક કુશળતાનો અભાવ, સમૂહમાં કામ કરવાની અધૂરપ, એકાગ્રતામાં ખલેલ જેવી સમસ્યાઓમાં આપણા બાળકો ધકેલાયા છે. આ પ્રશ્નો બાબતે બહુ ઓછા લોકો ઇનકાર કરી શકશે. ખાસ કરીને છેલ્લા દોઢ વર્ષમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં આ દ્રશ્ય ‘મોટા પડદા’ જેવું વિશાળ અને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શિક્ષકો, વાલીઓ અને સંચાલકોને માટે મોટો પડકાર છે એમ માનવું રહ્યું.
એમાં, આવી માહિતી જો ખોટી, નકલી કે અધૂરી હોય તો? આજના સમયમાં સૌથી મોટી વિટંબણા બની છે કે જે માહિતી બાળકો સુધી પહોંચી છે તે કેટલી યોગ્ય, સારી અને વિશ્વસનીય છે. સોશિયલ મીડિયાના અસાધારણ વ્યાપ અને આકર્ષણને કારણે બાળકો અને તરૂણો ઉપર અને સારી-નરસી અસરો પેદા થઈ છે. આવા સંજોગોમાં વર્ચુયલ(ડિજિટલ) સાક્ષરતાના માર્ગદર્શક સેમિનાર કે વર્કશોપ હવે વાલીઓ અને શિક્ષકો માટે આવશ્યક બન્યા છે. વર્તમાન પરિસ્થિતિના અનુભવોથી જાણી શકાયું છે કે આપણે બધી જ માહિતીની ખરાઈ વિના કેવી મુશ્કેલીઓમાં મુકાઇ રહ્યા છે, તો બાળકો બાકાત રહી શકે ખરા?
ખોટી કે બનાવટી માહિતી લખાણ, ચિત્ર, ટૂંકા ચલચિત્ર, અવાજ કે આમાંથી કોઈ પણના સમન્વયરૂપ હોઈ શકે છે. આવી નકલી માહિતીની ચકાસણી માટેના એપ્સ કે ઇન્ટરનેટ માહિતી ભંડોળ ઉપલબ્ધ છે તે આનંદદાયક અને હકારાત્મક બાબત છે(જો કે તેની વિશ્વસનીયતા પણ જોખમી હોઈ શકે છે!) વિડિયોઝમાં રજુ થતા ચિત્રો અને તેની સાથેનો અવાજ આબેહૂબ અને પ્રભાવી લાગે છે છતાં ઘણીવખત એમાં મોટાઓ અને અનુભવી પણ ફસાઇ જતા હોય તો બાળકો કે તરુણોની વિસાત કેટલી? ખોટી કે બનાવટી માહિતીઓમાં ભરમાઈને શરીર અને મનમાં પેદા થતી વિકૃતિઓનો ઈલાજ જો મોડું થાય તો મોંઘો પડતો હોય છે.
ખોટું કરનારાઓની ક્યારેય ખોટ પડવાની નથી. જ્યારે, જે સમયે, જે ક્ષેત્રમાં આવી તક દેખાય એટલે આવા લોકો સક્રિય થતા હોય છે. છેલ્લા થોડા સમયમાં ઓનલાઇન શિક્ષણનો વ્યાપ અસાધારણ વધ્યો છે. એટલે તેમાં શૈક્ષણિક સાધનો, રમકડાં, પરીક્ષાલક્ષી એપ્સ, વિડીયો ગેમ્સ વગેરેની લોકોની જાહેરાતો સીધી જ તરુણો અને નાના બાળકો સુધી પહોંચી રહી છે. તેનો વારંવારનો અતિરેક અને આકર્ષણ આ વયના લોકોને આસાનીથી પોતાના તરફ ખેંચી જાય છે. આ માહિતી સાચી છે કે ખોટી તે સમજ્યા વગરની તેમની ‘ક્લિક’ ક્યાંથી ક્યાં લઈ જઈ શકે તે તો દુર્ઘટનાઓ બને છે પછી જ ખબર પડે છે. સોશિયલ મીડિયાના ભયસ્થાનો વિશે આપણને ક્યાંય પણ જાહેરમાં મોટા હોર્ડિંગ્સ દેખાય છે ખરા?
આમાંથી બચવાનો મહત્વનો ઈલાજ છે જે તે માહિતીનું ઉદગમ સ્થાન કયું છે જાણવાનો જો કે આ માહિતીના સર્જક (કોઈ વ્યક્તિ કે સંસ્થા)ની ઓળખ સ્પષ્ટ હોય અને તેનો સંપર્ક થઇ શકે તેમ હોય તો તેની વિશ્વસનીયતા વધુ છે એમ કહેવાય. જો કે પરંતુ સાયબર નિષ્ણાતો વિના આ ‘મૂળ સ્રોત’ને શોધવાનું કામ ખુબ જ અઘરુ છે. જેઓ ખોટું જ કરવા નીકળ્યા છે તેઓ વધારે ચાલાક હોય છે. બાળકોનો વેપાર કરનારા લોકો જાતજાતના નકલી આકર્ષણ પેદા કરીને તેઓને સકંજામાં લેતા હોય છે. છતાં કેટલા ઘરવાળા સાયબર નિષ્ણાતોની સલાહ લેતા હોય છે? જો કે સો ટકા વિશ્વસનીયતાની ચકાસણી માટે કોઈ સાધનો આજપર્યંત ઉપલબ્ધ નથી તો પણ તકનીકી કુશળ માણસો જ રસ્તો દેખાડી શકે છે ખરું?
તેથી આધુનિક સમયમાં કોઈ સાહિત્યકૃતિ કે વ્યક્તિ વિશેષના જીવન દર્શન માટેના વક્તવ્ય ગોઠવવા કરતાં પણ સાઈબર એક્સપર્ટ વ્યક્તિઓના પ્રવચનો ગોઠવવા વધુ તર્કસંગત જણાય છે. શાળાઓમાં તરુણોની જાતીય મૂંઝવણ બાબતે હજીય આપણે ત્યાં છુપાછુપી કે આંખ આડા કાન કરી દેવાની વૃત્તિ ચાલે છે, ત્યારે મોબાઇલ કે ઈન્ટરનેટના ગુનાઓ વિશે પણ આવું જ કરીશું કે?! જેમ વાતચીતમાં, ભોજનમાં, ધાર્મિક મેળાવડાઓમાં ખાસ પ્રકારના શિષ્ટાચારની આવશ્યકતા રહે છે તેમ ડિજિટલ વ્યવહારોમાં પણ હોય જ. શિક્ષકો વાલીઓ અને ઉપયોગ કરતા તમામે આ જાણવું જરૂરી બન્યું છે.
ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થામાં તરુણો અને બાળકોને તેના ભયસ્થાનો વિશે વાકેફ કરવા જરૂરી છે. આમેય આ વ્યવસ્થામાં તેઓનું વાચાળપણું શરમાળપણાંમાં ફેરવાઈ ગયું છે. વિદ્યાર્થીઓનું આ મૌન અભ્યાસ પ્રત્યેની ગંભીરતા જ બતાવતું હોય એ જરૂરી નથી, ઊલટું તેની પાછળ દુષ્ટ વિચારો આકાર લઈ રહ્યા હોય તેમ બને! શિક્ષકો અને વાલીઓ માટે એટલે જ આ મોટો પડકાર છે જે દેખાય છે તેનું અવલોકન કે મૂલ્યાંકન શક્ય છે પણ જે દેખાતું ન હોય તેને ઓળખવું એ કપરું કામ છે. સ્ક્રીન પરથી જે કંઈ મળી રહ્યું છે તે સાચું, ખોટું કે યોગ્ય સમયનું છે તેનું માપ નહીં કાઢીશું તો અનર્થો સર્જાઈ જશે.
એક તરફ વાલીઓ બાળકોની સતત ‘ગૃહસ્થી’ થી કંટાળ્યા છે અને બીજી તરફ બાળકો સ્ક્રીનની આકર્ષક દુનિયામાં અટવાયા છે. બાળકોની ડામાડોળ મનઃસ્થિતિ તેમને ડિજિટલ ફ્રોડનો ભોગ બનાવી રહી છે. આવા સંજોગોમાં તેઓના અભ્યાસનો ગ્રાફ નીચો જઈ રહ્યો છે. આક્રમક વર્તન ઘરના વડીલોથી અંતર વધારી રહ્યું છે. આ સ્થિતિમાં તેઓ કોની પાસે જઈને પોતાની મનોવ્યથા ઠાલવે? ઇન્ટરનેટના વપરાશ માટેના ચુસ્ત નિયમોના પાલન માટે પણ વાલીઓ અને શિક્ષકો પાસે જાણકારી અને કુશળતા હોવી જોઈએ પણ અહીં ભારે અધૂરા વર્તાય છે.
નવી ટેકનોલોજીથી સાવ વિમુખ થવાય તેમ નથી જ, કેમ કે તેના સારા લાભો પણ છે. સવાલ માત્ર સાયબર ગુનાઓમાં લપસી ન જવાય તે જોવાનો છે. આ માટે અગાઉ કહ્યું તેમ ઈન્ટરનેટ સુરક્ષાને લગતા વર્કશોપ સેમિનારનો વ્યાપ વધારવો જોઈએ. વિદ્યાર્થીઓના વર્તનમાં આવેલા પરિવર્તનોને ધ્યાનમાં રાખી વાલીઓ, શિક્ષકો અને સંચાલકોને ખાસ તાલીમ આપવી જોઇએ. વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ શાળાકીય માહોલથી દૂર રહ્યા છે એટલે વાલીઓને ખાસ તાલીમની આવશ્યકતા બની છે.
છતાં વાચકો માટે કેટલીક મહત્વની ટિપ્સ જણાવું. એક, વિદ્યાર્થી દ્વારા ઉપયોગમાં લેવાતાં કમ્પ્યુટર, ટેબ્લેટ કે મોબાઈલને સતત અપડેટ રાખો. બે, આવા કોઈપણ ઉપકરણને વિશ્વસનીય (શક્ય હોય તો ખરીદેલા) એન્ટિવાયરસ સોફ્ટવેરથી સજ્જ જ રાખો. ત્રણ, મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો. ચાર, કોમ્પ્યુટર કે મોબાઇલમાંની માહિતીનો સંગ્રહ (બેકઅપ) રાખો. પાંચ, સમયે-સમયે કુટુંબના સભ્યો સાથે ઇંટરનેટના વિચિત્ર અનુભવો બાબતે ચર્ચા કરો, ઓળખાણ વગરના સંપર્કોથી દુર રહો અને સાત, કોઈ સંકટ આવે તો ઘરના વ્યક્તિ કે સંબંધીને જાણ કરો.
આટલું કરવાથી મોટા ગુનામાંથી બાળકોને બચાવી શકાશે છતાં કોઈ માહિતીના ઉપયોગ બાબતે બે ત્રણ સક્ષમ એવા અલગ અલગ સ્રોતથી જાણીને સાચી-ખોટીનો નિર્ણય કરવો સલાહ ભરેલો છે. નજર હટી તો દુર્ઘટના ઘટી એ વાત અહીં પણ ધ્યાનમાં રાખવી જ!
નજીવી કિંમતનો આ કોર્સ તમને કે તમારા સંતાન ને ઉપયોગી નીવડશે. નીચેની લિન્ક પાર ક્લિક કરીને જોડાવો:
ગુજરાતીમાં શીખવા માટે:
હિન્દીમાં શીખવા માટે:
Comments