આઝાદી મળી અને ૭૫ વર્ષ પૂર્ણ કરીને ૭૬માં વર્ષમાં પ્રવેશ્યા ત્યાં સુધીમાં મને આઝાદી વિશે વિચારવા કે સમજવા માટે કેટલા વર્ષો મળ્યા? દેશ વિશે વિચારવાની ક્ષમતા પ્રાપ્ત થાય તેવા જન્મ થી ૧૫ વર્ષ બાદ કરું તો લગભગ ૪૨ વર્ષ મળ્યા કહેવાય! નિખાલસતાથી કબૂલ કરું તો આટલા બધા વર્ષોમાં દેશની પ્રગતિ અને વિકાસ માટે પ્રત્યક્ષ રીતે ખાસ કોઈ યોગદાન આપ્યું નથી. હા, દેશ કે સમાજ વિશે કશું જ નકારાત્મક કે ઉપદ્રવી કાર્ય કર્યું નથી એટલો હાશકારો જરૂર લઈ શકું.
અમૃત મહોત્સવ પર્વ તરિકે ઘોષિત આઝાદી પર્વના ખાસ વર્ષમાં આપણે દેશના નાગરિક તરીકે જરૂર મંથન તો કરીએ જ કે આઝાદીને સમજવામાં અને તેને જાળવી રાખવામાં આપણું યોગદાન કેટલું રહ્યું? વિચારશો તો ઘણાબધાના વર્ષો પણ મારી જેમ જ વહી ગયા હશે, ખરું? બસ, એટલા માટે જ આજે મારાથી શરૂઆત કરીને અહીં આ ખાસ પણ ટુંકા વિચારો મૂકું છું. વાંચો ત્યારે.
એક સામાન્ય નાગરિક તરીકે દેશ પાસેથી મેં શું મેળવ્યું?
1) રોજિંદા જીવનમાં ગુલામીની યાતનાને બદલે મોકળાશ મળી છે.
2) ધર્મ, રોજગારી, અધ્યાત્મ, સંબંધો વગેરેના નિર્ણય લેવામાં સંપૂર્ણ સ્વતંત્રતા મળી છે.
3) દેશના નાગરિક તરીકે જીવનની પાયાની સુવિધા (રોટી-કપડા-મકાન-શિક્ષણ)ને પ્રાપ્ત કરવામાં કોઇ ખાસ સંઘર્ષ કે અવરોધ આવ્યો નથી.
4) રાષ્ટ્રીયથી સ્થાનિક સુધીના શાસકોના જુલમનો ભોગ નથી બન્યો, પરંતુ બધું જ ન્યાયપૂર્ણ થાય છે એ બાબતે સંમત નથી !
5) સરકારી આંતરમાળખાકીય સુવિધાઓ ઘણેઅંશે પ્રાપ્ત બની છે
હવે એક નાગરિક તરીકે મેં શું ગુમાવ્યું અથવા શાનો રંજ રહ્યો છે તે પણ નિખાલસતાથી જણાવું.
1) એક નાગરિક તરીકે દેશની અસ્મિતા, સંસ્કૃતિ અને વારસાને નવી પેઢી તરફ આગળ લઈ જવાના ઇરાદાપૂર્વકના પ્રયત્નો નહીંવત્ જ કર્યા છે.
2) શાસન વ્યવસ્થા (ટ્રાફિક, સ્વચ્છતા વગેરે) જાળવવાના નિયમોનું ઘણી વખત ઉલ્લંઘન કર્યું છે.
3) આસપાસના કે દૂરના નાગરિકો સાથે રાષ્ટ્રધર્મ કે રાષ્ટ્ર ઉત્કર્ષ વિશે ભાગ્યે જ ચર્ચા કરી છે.
4) સરકારી સુવિધાઓની પ્રશંસાને બદલે મોટેભાગે ટીકા કરવાનું જ વલણ સેવ્યું છે.
5) આઝાદી અપાવનારા કે ભૂતકાળની પેઢીને યાદ કરવામાં કે તેના વિશે વધુ જાણવામાં હું ઊણો ઉતર્યો છું.
6) ધર્મ-સંપ્રદાય, નાત-જાતના વાડામાં પડ્યો નથી, પણ (સનાતન) માનવ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવામાં નબળો પુરવાર થયો છું.
7) દેશના નાગરિક તરીકે કરચોરી નથી કરી, પણ ક્યારેક જાહેર કામચોરી કરવાના દુષ્ટ વિચારોમાંથી બચી શક્યો નથી.
મિત્રો, દેશે મને જેટલું આપ્યું છે તેટલું એ દેશ કે સમાજને આપ્યું નથી એ સત્ય આટલું વિચારવા બેઠો ત્યારે મને સમજાયું. આઝાદીના અમૃત મહોત્સવનું આ વર્ષ છે એ રીતે મારે માટે ‘હોકાયંત્ર વર્ષ’ બન્યું કહેવાય! કુટુંબથી લઈને વિશાળ જનસમૂહ પ્રત્યેની મારી જવાબદારી (ઉત્તરદાયિત્વ) કેટલી છે અને તેને પૂર્ણ કરવા હજી કેટલું કામ કરવાનું બાકી છે તે ખબર પડી.
તો હવે આપ પણ કંઈક મંથનમાં ડૂબીને વિચારી જુઓ કે અત્યાર સુધીમાં દેશના સંદર્ભમાં ‘કયા ખોયા કયા પાયા?’ સ્વયંની શોધ પણ ક્યારેક કરીએ...
コメント