top of page

આવનારું શિક્ષણ: આવું હશે કે?!

Updated: Dec 3, 2021

આજથી દશેક વર્ષે પહેલા નર્સરીમાં દાખલ થયેલાં બાળકો લગભગ ૨૦૭૧માં નોકરીની નિવૃત્તિને આરે પહોંચશે! આવનારા પાંચ વર્ષમાં દુનિયામાં શું બદલાશે તેની આપણને જાણ નથી, છતાં આપણે તો વિદ્યાર્થીઓને (ભાવી નાગરિકો) બદલવાનો પુરુષાર્થ કરીશું જ! આવનારા સમયમાં વિદ્યાર્થીઓને ભાગે ગ્લોબલ વોર્મિંગ, દુષ્કાળ, પૂર, ભૂકંપ, અને નવી નવી માનવ સર્જિત આપત્તિઓ આવવાની છે ત્યારે તેઓને સ્થાનિકથી લઈ વૈશ્વિક કક્ષા માટે વ્યક્તગત, સામાજિક, અને આર્થિક રીતે બદલવા માટેનું કોઈ આયોજન આપણી પાસે છે? આ પેઢીને સૌથી વધુ જરૂર પડશે દુનિયા સાથે સંવાદ સાધવાની. આ માટે તેની પડખે હશે નવી ટેક્નોલૉજી, ઊર્જાના નવા વિકલ્પો, મેડિકલ ક્ષેત્રની નવી શોધખોળો, ઊંચે આકાશ અને નીચે સમુદ્ર તરફની લંબાતી જતી ક્ષિતિજો. પણ...

આ બધાનો ભરપૂર ઉપયોગ કરવા માટે અભ્યાસક્રમમાં સમાવવી પડશે કેટલીક ખાસ આવડતો. અહીં મને યાદ આવે છે ટોની વેગનર. તેમણે પોતાના પુસ્તક The Global Achievement Gapમાં આવી સાત આવડતો રજૂ કરી છે:

1)ઊડાણપૂર્વકની વિચારશક્તિ અને સમસ્યા ઉકેલ

2) વિશાળ નેટવર્ક સાથે જોડાણ

3) સ્ફૂર્તિલું શરીર-મન અને અનુકૂલન શક્તિ

4) પહેલવૃત્તિ અને નિયોજનશક્તિ

5) અસરકારક વાણી અને લેખન કૌશલ્ય

6) માહિતીની પ્રાપ્તિ અને પૃથક્કરણ

7) જિજ્ઞાસાવૃત્તિ અને કલ્પનાશક્તિ

આ દરેક ઉપર લાંબી ચર્ચા થઈ શકે છે. પણ અત્યારે માત્ર એટલું વિચારો કે આવા કૌશલ્યો કેળવવા માટે આપણી શાળાઓ તૈયાર છે, શિક્ષકો સક્ષમ છે? ઉત્તર બહુધા નિરાશાજનક મળે તેમ છે. બીજી તરફ, શહેરોની નવી પેઢી ‘ડિજીટલ’ બની ગઈ હોય તેમ લાગે છે. કેમ કે, હવે તેમની પાસે ટી.વી., લેપટોપ, ઇન્ટરનેટ, મોબાઈલ, આઇપેડ, વગેરે જેવા આધુનિક ઉપકરણો હાથવગા છે. અને તેઓ ઘણુખરું તેની સાથે જોડાયેલા જોવા મળે છે. વિદેશમાં થયેલાં હેનરી કેઇસરના એક સર્વેક્ષણ મુજબ ૮થી ૧૮ વર્ષના યુવાનો રોજના સરેરાશ છ કલાક ઈલેક્ટ્રોનિક મીડિયા પર ગાળે છે અને કેટલાક તો બે કામ કરવામાં માહિર છે. એટ્લે કે સંગીત સાંભળતા સાંભળતા સર્ફિંગ કરે અને વિડીયો ગેમ રમતાં રમતાં મેસેજ પણ કરે!! જો કે આ પેઢી હજી આ તકનિકીનો ઉપયોગ મહદંશે મનોરંજન માટે જ કરે છે. ભારતમાં ભલે આજે મોટેભાગે શહેરના યુવાનો જ આ બધામાં વધુ સામેલ છે. પણ આવનારા વર્ષોમાં સરકારના પ્રયત્નો વધુ વિકાસલક્ષી બનશે તો ગામડાઓમાં પણ આ ટેક્નોલૉજી ઝડપથી પહોંચશે એ નક્કી.

અને તેથી જ આવનારા સમયમાં શાળાઓએ ‘મકાનો’માંથી ‘ચેતના’ કેન્દ્રો બનવું પડશે. મતલબ વિદ્યાર્થીઓ-શિક્ષકોએ બહારની દુનિયામાં જે જ્ઞાન સંપત્તિ છે તેની સાથે પારદર્શક દીવાલો થકી જોડાવું પડશે. શિક્ષકોનું કામ માહિતી ખવડાવનાર તરીકેનું નહીં પણ માહિતીને જ્ઞાનમાં, અને જ્ઞાનને ડહાપણમાં ફેરવનાર તરીકેનું હશે. એટલે? નહીં સમજાયું? એક ઉદાહરણ આપું. પેટ્રોલના દહનથી હવામાં કાર્બન ડાયોક્સાઈડ કે કાર્બન મોનોક્સાઈડ ભળે છે એ માહિતી આપી કહેવાય. પણ પેટ્રોલના સંપૂર્ણ દહન માટે વાહનના એન્જિનની નિયમિત સર્વિસ કરાવવાની ટેવ વિદ્યાર્થીઓમાં વિકસાવવી એ ડહાપણ આપ્યું કહેવાય!!

હવે એ ભૂલવું પડશે કે વિદ્યાર્થી શાળામાં આવે, થોડા કલાકો ગાળે, થોડા ગુણાંક મેળવે, પછી કોલેજમાં જાય, સ્નાતક થાય ને તેનું કામ પૂરું થાય! ખરેખર તો જીવનને સુંદર બનાવવામાં શિક્ષણ કઈ રીતે મદદરૂપ થાય છે તેની સમજ દ્વારા વિદ્યાર્થીમાં રસ પેદા કરવાનો છે, તેનામાં જિજ્ઞાસાવૃત્તિને સતત જીવતી રાખવાની છે. અને આ બધામાં શિક્ષકોએ સતત બદલાતા (Live) રહેવાનુ છે, જડ નહીં! શાળાની બહાર નીકળ્યા પછી પણ વિદ્યાર્થી શીખતો રહે તેટલો ઉશ્કેરાટ તેનામાં પેદા કરવાનો છે.

શું આપણે એવી શાળા બનાવી શકીશું ખરા જેમાં ટાઈમટેબલ નહી હોય, પણ પરિણામો હોય. માત્ર પાઠ્યપુસ્તકોથી શિક્ષણ ન ચાલે, સંશોધનોથી ચાલે. શિક્ષણ ચાર દિવાલોમાં જ નહીં, આરપાર ચા લે! શિક્ષકો જ ભણાવનારા નહીં, શિક્ષક-વિદ્યાર્થી સાથે મળીને ભણે. અને હા, માત્ર છાપેલું સાહિત્ય જ નહીં, પ્રોજેક્ટર, કેમેરા, ઇન્ટરનેટ જેવા સાધનોથી ભણાતું હોય..? બનાવી શકીશું આવી શાળા?

તમે કહેશો કે આમાં અભ્યાસક્રમ અને પરીક્ષા તો આવી જ નહીં તો પછી વિદ્યાર્થીમાં કયા ગુણો વિકસવાના?! અરે મિત્રો! જ્ઞાનને માહિતીના ઢગલાથી નહીં પણ સંશોધન અને વ્યવહારુ પ્રયોગોથી આપવાની વાત છે. વિદ્યાર્થીઓ જાત અનુભવ થકી જ રસ, આવડત, સંવાદ કલા, સમૂહ ભાવના વગેરે જેવા ગુણો કેળવશે. મલ્ટીમીડિયાના ઉપયોગ દ્વારા નાની દસ્તાવેજી ફિલ્મો બનાવે કે કમ્પ્યુટર પર પ્રેઝન્ટેશન તૈયાર કરનારા વિદ્યાર્થીઓનું ગુણાંકન અચૂક સુધરે જ ને?! વિદ્યાર્થીઓ ગોખીને ભણવાનું, અને શિક્ષકો ગોખીને ભણાવવાનું છોડે બસ. આટલું તો કરવું જ પડશે. બનાવી શકીશું આવી શાળા?! વિચારી જુઓ.

આવનારા સમય સાથે કદમ મિલાવવા શરમ છોડવામાં શરમ શાની!? જે બદલાય છે તે નિત્ય નૂતન છે. શૈક્ષણિક સંસ્થાઓ પણ તેમાંથી બાકાત નથી. પણ હા, વધારે પડતો ઊંચા કૂદકા માટે ન વિચારતા, પહેલા એકાદ-બે નાના પરિવર્તનો અપનાવો બસ!

મિત્રો, આ લેખ આપને ગમ્યો હશે જ. આવી જ નવીન જાણકારી મેળવવા, ભવિષ્યની આવડતો શીખવા અને શિક્ષણના પ્રશ્નોનું સમાધાન મેળવવા નીચેની લિન્ક દ્વારા અમારી આ વેબસાઇટના સભ્ય બનો અને અન્યોને પણ બનાવી સભ્યપદના લાભ મેળવો.

129 views0 comments

Comments


bottom of page