top of page

આ નવા સંકલ્પો, તમનેય ગમશે!

આપણી ભારતીય સંસ્કૃતિમાં શકિતઓને પૂજવા માટેના અનેક પ્રસંગો વર્ણવાયા છે. દીપોત્સવી પર્વના ધનતેરસના દિવસે આમ તો ધનની(ધન એ પણ શક્તિ છે!) પૂજા કરવામાં આવે છે પરંતુ ધનની સાથે મનની શકિતઓને પણ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, કેમ કે મનની કેળવણી થકી જ આપણને આપણું ધન સદમાર્ગેથી ભટકવા ન દેશે. જો આમ થાય તો આપણા વાણી અને વ્યવહારમાં આપોઆપ પરિવર્તન આવે. પણ આવું હંમેશા બનતું નથી એટલે આ નવા વર્ષે વાચકો તમને કેટલીક બાબતો અંગે ઢંઢોળવા છે.

મારી વાત સાથે આપ સંમત થશો જ કે માનવજાતને હંમેશા નવી શરૂઆત કરવાની ગમે છે. તેથી જ તો જિંદગીમાં વરસ પછી વરસ ઉમેરાતા જાય છે છતાં દર વર્ષે ‘નવું’ વર્ષ જ આવ્યા કરે છે ! જે ભૂલો અગાઉના સમયમાં થઈ ગઈ છે તેને હવે પછી ન કરીએ એવો સંકલ્પ લેવાનું પણ ગમે છે. ચાલો આજે આપણે આવા દશ નવા શિષ્ટાચારો વિશે વિચારીએ અને અમલમાં મુકવાનો નકકર સંકલ્પ પણ કરીએ..

૧) કોઈને ત્યાં મળવા જઈએ ત્યારે અચાનક પહોંચી જવા કરતાં જાણ કરવાનું રાખીએ. અને મનમાં એ બાબતે પણ સ્પષ્ટ રહીએ કે ત્યાં કેટલો સમય બેસવાનું છે. (બીજાનું ઘર આપણું આશ્રય સ્થાન નથી એનો ખ્યાલ રાખીને જજો !)

૨) હોસ્પિટલમાં માંદગી વિશે ખબર કાઢવા જઈએ ત્યારે માસ્ક હંમેશા રાખીએ અને હા, બની શકે તો મૌન જ રહીએ, પણ ચહેરો પ્રસન્ન જ રાખીએ. જરૂર પડે તો ‘હવે આપણે જલદીથી તમારા ઘરે મળીએ’ એમ બોલીએ. (અહીં આવ્યા એટલે તમારા પંદર-વીસ દા’ડા પાકકા! મહેરબાની કરીને આવા લવારા ન કરીએ..)

૩) ઘરમાંથી બહાર નીકળવાની ઈચ્છા થાય તો જાહેર બગીચા કે મંદિર પરિસરની મુલાકાત ગોઠવીશું. શોપિંગ મૉલ કે બજાર ટાઈમ પાસ કરવાના સ્થળો નથી ! મનોરંજન મોંઘા ખર્ચમાં ન પરિણમે એ વિચારીએ. (ઘણી વખત મનોરંજન માટે નીકળેલાં લોકો ઘરે આવતી વખતે ‘અબોલા’ લઈને પાછા ફરતાં હોય છે !)

૪) સામાજિક પ્રસંગોમાં એકબીજા વચ્ચે યોગ્ય અંતર સાથે સંવાદ કરવાનું રાખીએ. બધાને સાંભળીએ અને તેઓના પહેરવેશની સાથે તેમની બોલચાલની છટા પણ નિહાળીએ. નકારાત્મક કે તોછડી વાતો કરનાર પાસેથી સિફતપૂર્વક ખસી જઈએ.(આપણને સારી વસ્તુ શીખવામાં રસ હોવો જોઈએ, નહિ કે ટીકા-ટીપ્પણીમાં !)

૫) ટી.વી.,રેડિયો, કે ટેપરેકૉર્ડરના અવાજને ઘર પૂરતો જ સીમિત રાખીએ. આપણે જે સાંભળીએ એને આપણાં માટે જ રાખીએ, બીજાને સંભળાવવાની જરૂર નથી. (આપણને ગાયનનો ‘ગ’ કે ડાન્સનો ‘ડ’ નથી આવડતો એ પડોશીઓને ખબર જ હોય છે, સાચું કે ની બોલો ?!)

૬) ઘરનો કચરો કે એંઠવાડ કોઈ ન જૂએ તે રીતે આજુબાજુ નાંખી દેવાની કુટેવ સુધારીએ. કચરા ટોપલીની વ્યવસ્થા રાખીએ જ. ઘર અને

આસપાસની સ્વચ્છતા રોગેાને ભગાડવાનો અકસીર ઈલાજ છે તે સમજીએ. (ઍપાર્ટમેન્ટમાં રહેનારાઓમાંથી કેટલાંક તો બારીઓને જ ‘ડસ્ટબીન’ સમજે છે !)

૭) આપ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ હોવ તો અભ્યાસ તમારું પ્રથમ કર્મ છે એમ માનજો. તમે કમ્પ્યુટર, કેલ્કયુલેટર કે મોબાઈલ ભલે વાપરતાં હો, પણ પરીક્ષા આ સાધનોએ નથી આપવાની તે ખ્યાલ રાખજો. (તમારી સફળતા વાઈબ્રન્ટ થાય તે માટે અભ્યાસ વખતે વર્ગમાં કે સામૂહિક કાર્યક્રમોમાં તમારો મોબાઈલ ‘વાઈબ્રન્ટ’ ન જ થવો જોઈએ !)

૮) સમાચાર વાંચવાની કે જોવાની ટેવ અચૂક રાખીએ. શકય હોય તો અંગ્રેજી ભાષાને શીખવામાં આળસ ન કરીએ. કેમ કે જ્ઞાન માહિતીનો વિપુલ ભંડાર સૌથી વધુ અંગ્રેજી ભાષામાં સચવાયેલો છે. (પણ અંગ્રેજી ફિલ્મ જોવાથી અંગ્રેજી આવડી જશે એવા ભ્રમમાં ન રહેતાં!)

૯) જીવનમાં કંઈક નવું વિચારતા જ રહેવું. આપણી પાસે જે આવડત કે કુશળતા છે તેની ધાર કાઢતા રહેવાનું રાખીએ. કેમ કે, નવું ચપ્પુ પણ પડી રહે તો કટાઈને નકામું બની જશે. જેનો આનંદ અણમોલ હોય તેવું એકાદ કામ તો આ વર્ષમાં કરશો જ. (‘કંઈ ન કરવાનો આનંદ પણ અણમોલ હોય છે’ એવો અશુભ વિચાર મનમાં ન લાવશો !)

૧૦) તંદુરસ્તી અને કારકિર્દી બે ‘નોન ટ્રાન્સફરેબલ’ સંપત્તિ છે. તમારી પાસેથી એ કોઈ છીનવી પણ નહિ શકે અને તમે એ કોઈને આપી પણ નહિ શકો! વિચારી જુઓ. (આ બંને વિશે ચાલહે-ફાવહેવાળી વાત જ ન કરતાં !)

શિષ્ટાચાર એ માનવીય વ્યવહારનું દર્શન છે. જે લોકોને આપણે સફળ માનીએ છીએ તેઓએ જીવનમાં શિષ્ટાચાર કે સંકલ્પોને પૂરા કર્યા હોય છે. મતલબ કે તે માટે જરૂરી સમય, શકિત, અને નાણાંનો ભોગ આપ્યો હોય છે. દૃઢ ઈચ્છા શકિતથી નવું કાર્ય કર્યાનો સંતોષ સૌ કોઈનો અધિકાર છે. પણ શું આપે એ અધિકારનો ઉપયોગ આજ સુધી નથી કર્યો ? તો આજથી જ શરૂ કરો.

ગ્લાસમાં પાણી ભરો, દૂધ ભરો કે શરબત, ખાલી રહે તેના કરતાં તો સારું જ છે. કેમ કે તે ભરેલો હશે તો અને તો જ ગમે તે સ્થિતિમાં પણ તે ‘મૂલ્યવાન’ બનશે ને ?! સૌને નવા વર્ષના સુભાશિષ! અને હા, અમારી membership લેવાનો સંકલ્પ આજે જ કરો તો?! Do join...

નવા વર્ષે આપના પ્રતિભાવો આપશો તો ગમશે!

190 views1 comment

1 Comment


દસ માંથી દસ નિયમો.. અથવા એકાદ નિયમ પણ દરેક વ્યક્તિ પોતાના દૈનિક જીવનમાં ચરિતાર્થ કરી તો સમાજનું સુંદર સ્વરૂપ ચોક્કસ જોવા મળે. મને તો દશે'ય ગમ્યાં છે. હું તો ઉતારીશ. 😊😊

Like
bottom of page