રોજગારી એક વૈશ્વિક પ્રશ્ન છે, અને જ્યાં સુધી માનવ જીવન છે ત્યાં સુધી રહેવાનો છે. સમયની સાથે વિજ્ઞાન-ટેકનોલોજી બદલાય છે એટલે નોકરી વ્યવસાયના સ્વરૂપોમાં પણ બદલાવ આવે છે. તેથી રોજગારીના વિવિધ ક્ષેત્ર બાબતે સમયાંતરે મૂલ્યાંકન કરતા રહેવું જરૂરી છે. સાંપ્રત સમયમાં કેટલાક ખાસ ક્ષેત્રો રોજગારી માટે વધુ અનુકૂળ બનેલા જણાય છે. આવો, એનો સંક્ષિપ્તમાં પરિચય મેળવીએ.
આરોગ્ય ક્ષેત્ર: આ એવું ક્ષેત્ર છે જેમાં હંમેશાં તેજી રહે છે! ઉંમર વધતા સારા સ્વાસ્થ્યની કાળજી માટે ડૉક્ટરની જરૂર રહે જ છે. આ કારણે આરોગ્ય સંબંધિત બાબતોમાં ક્યારેય મંદી આવશે નહીં. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આરોગ્યની સમસ્યાઓના સમાધાન માટે જુદી જુદી ક્ષમતાવાળા સહાયકોની જરૂર વધે છે. અને આરોગ્યની સેવા તો હવે ઘર સુધી પહોંચી છે. માતા-પિતા નોકરી વ્યવસાયમાં જોડાયા હોય, સંતાનો અભ્યાસમાં હોય ત્યારે વડીલોની સંભાળ સાંપ્રત જરૂરિયાત બની છે, ખરું? તેથી સુરક્ષિત નોકરીના સંદર્ભમાં પણ આ એક સારો વિકલ્પ છે.
ડોક્ટરી સહાયક: પાછલા કેટલાક સમયમાં મેડિકલ સહાયકની માંગ વધી છે. આ એક ખાસ કુશળતા સાથે સંકળાયેલી બાબત છે, તેથી તેની વૈધિક તાલીમ લેનારા માણસોને અગ્રિમતા આપવાનું ચલણ વધ્યું છે. જો આપ આવા ડોક્ટરી સહાયક બનવાનું વિચારતા હોવ તો કોઈ સંસ્થામાંથી અનુરૂપ તાલીમ કે ડિગ્રી મેળવો તે ઇચ્છનીય ગણાય.
મનો-શારીરિક સલાહકાર: અગાઉની સરખામણીએ મનોચિકિત્સકોની માંગ ઘણી વધી છે અને ભવિષ્યમાં પણ તેમાં વધારો થવાનો છે. તેમાં માનસિક સ્વાસ્થ્ય સલાહકાર ઉપરાંત સોશિયલ વર્કર્સ તરીકેની કામગીરીનો વિકલ્પ પણ જોડાયેલો છે. તણાવ અને દોડભાગવાળી નોકરીના કારણે લોકોમાં માનસિક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. મનોવૈજ્ઞાનિક સલાહકાર બનવું હોય તો તેને માટે પણ અનેક પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે તેથી આપ કે બાબતે કોઈ સારો વિકલ્પ વિચારીને આગળ વધી શકો છો.
IT programmer: આ ક્ષેત્રમાં કેટલાક વિકલ્પો એવા છે જે કારકિર્દી બનાવવાની દ્રષ્ટિએ આજે પણ શ્રેષ્ઠ છે. નેટવર્ક સિસ્ટમ અને ડેટા એનાલિસ્ટ બનવા માટે કમ્પ્યુટર્સમાં અનુસ્નાતક સુધીનો અભ્યાસ જરૂરી બને છે. કમ્પ્યુટર પાસે ગમે તેવા ક્ષેત્રોમાં કામ લઈ શકાય છે તેથી જો તમને કમ્પ્યુટરની ભાષામાં(Coding) કામ કરતા આવડી જાય તો ઉત્તમ તકો મળી શકે છે. મોબાઇલ એપ્સ એ પણ આ ક્ષેત્રના ઇજનેરો કે તજજ્ઞોનું જ સર્જન છે. જો આપ પહેલેથી જોબ કરતા હોવ તો તેમાં વધારે સારી તક અપાવી શકે છે.
કમ્પ્યુટર એન્જિનિયર: આજના સમયમાં કમ્પ્યુટર સોફ્ટવેર એપ્લિકેશન એન્જિનિયરની કારકિર્દી પણ સારી છે. હા, એ માટે કોમ્પ્યુટરની ચોક્કસ ડિગ્રી હોય એ ઇચ્છનીય છે. વિશ્વમાં અને દેશમાં જે ઝડપે ડિજિટલ વ્યવહારો વધી રહ્યા છે તે જોતાં ઇજનેરીનું આ ક્ષેત્ર ભવિષ્યમાં પણ આકર્ષક જ બની રહેવાનું છે એ નક્કી માનજો. જો આ ક્ષેત્રમાં ટૂંકાગાળાના અનેક કોર્સ દ્વારા આપ આપની આવડતમા વધારો કરી શકો છો.
ટીચિંગ-કોચિંગ: શિક્ષણ કે જ્ઞાનનું ક્ષેત્ર પણ ક્યારેય ઠંડુ પડતું નથી. દેશના દરેક ખૂણામાં યોગ્ય શિક્ષકોની જરૂરિયાત હંમેશા રહેશે. વસ્તી વધવાની સાથે શિક્ષણની માંગમાં પણ વધારો થયો છે, તેથી શિક્ષકોની માંગ પણ વધવાની જ છે. કોરોના બાદ અને ભવિષ્યમાં હવે વર્ગખંડમાં ભણાવે તેવા અને ઓનલાઈન ભણાવે તેવા શિક્ષકોની જરૂરિયાત રહેવાની જ છે. ટેકનોલોજીથી સજ્જ કુશળ શિક્ષકોને માટે અનેક તકો અને સારી કમાણીની આશા આ ક્ષેત્ર છે. જો કે તે માટેની ખાસ તાલીમ લેવી અનિવાર્ય છે.
કાયદાકીય સલાહકાર: જ્યાં સુધી માનવ સમાજ છે, ત્યાં સુધી કાયદાઓની મદદ વિના ચાલવાનું નથી! પરંતુ વિવિધ કાયદાઓની જાણકારી, તેની આંટીઘૂંટી અને તેના ઉપયોગ બાબતે બધાનું ગજુ નથી. તેથી આવી જાણકારીવાળા ખાસ અને કુશળ લોકોને જરૂર સતત રહેવાની છે.
હિસાબી સલાહકાર: નાણાંનું સંચાલન સૌ કોઈને માટે અગત્યનું કાર્ય છે. નાની બચતથી લઈ મોટા એકમોમાં નાણાકીય વ્યવહારો થતાં હોય છે. આવા વ્યવહારોની પ્રમાણભૂતતા અને વિશ્વસનીયતા ચકાસવા હિસાબી નિષ્ણાતોની જરૂર રહે છે. આવી વ્યક્તિઓ એમ. બી. એ. કરીને અથવા અન્ય અભ્યાસક્રમોની તાલીમ લઇને તૈયાર થઈ શકે છે. આવા કામનો અનુભવ વ્યક્તિનું મૂલ્ય વધારી દેતું હોય છે.
માનવ સંસાધન સંચાલક: કોઈ ક્ષેત્ર એવું નથી જેમાં યોગ્ય લાયકાતવાળા માણસોની જરૂર ન હોય. ઉત્પાદન અને સેવાકીય એકમોમાં તેની માંગ દિવસે દિવસે વધી રહી છે. ધંધાદારી એકમોને કર્મચારીઓની ભરતી, તાલીમ અને તેમને સુવિધાઓ બાબતે જાણકારી ધરાવનાર અને મદદરૂપ થાય તેવી એજન્સીની આવશ્યકતા રહે છે. અને આવી એજન્સીઓને ધંધાકીય કામગીરીમાં મદદરૂપ થાય તેવા નિષ્ણાત અને તાલીમી વ્યક્તિઓની જરૂર રહે છે.
૧૯૯૧ના વૈશ્વિકીકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણના વિસ્તાર પછી દેશમાં વિવિધ રોજગારીના ક્ષેત્રોના વિકાસની તકો વધી. જો કે કોરોનાકાળમાં એમાં બ્રેક લાગી છતાં અવનવા વિવિધ નવા ક્ષેત્રોનો ઉદય પણ થયો છે. દેશના અર્થતંત્રને ફરી એક નવો ધક્કો (push) મળ્યો છે, છતાં હજી એટલે જ ઉપર મુજબના જેવી આપણી નવી પેઢી પોતાના શિક્ષણ તાલીમ અને કૌશલ્ય વૃધ્ધિ બાબતે જુનવાણી ખ્યાલ અને પદ્ધતિઓમાં જ વધુ રોકાયેલી જણાય છે. રોજગારીના થોડા નવા ક્ષેત્રો તરફ દ્રષ્ટિપાત કરાવ્યો છે. ગાંધી જયંતી અને આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં આ માહિતી સાર્થક અને પ્રસ્તુત બની રહેશે, ખરું ને?
અર્થોપાર્જનની પ્રવૃત્તિ અનાદિકાળથી ચાલી આવી છે અને માનવના અસ્તિત્વ સુધી ચાલતી રહેવાની છે, તેથી સમય સાથેના પરિવર્તનો પર નજર રાખીને પોતાને અનુકૂળ થાય તેવા ક્ષેત્રમાં જોડાઈ જવામાં જ શાણપણ છે.
--------------------+++++++++++++++---------------------++++++++++++++++++++-------------------------
નોંધ: નિયમિત રીતે લેખ, ઉપયોગી માહિતી, ઓનલાઈન કોર્સ અને માર્ગદર્શન મેળવવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લો અને નજીવી રકમમાં સભ્ય (Member) બની જાવ!
Comments