એક દિવસ એક માણસ ટેક્સીમાં બેસીને એરપોર્ટ જઈ રહ્યો હતો. ડ્રાઇવર ગીત ગણગણતો ગાડી ચલાવી રહ્યો હતો ત્યાં અચાનક એક પાર્કિંગમાંથી બીજી કાર રોડ પર આવી ગઈ. ટેક્સીવાળાએ ચીસ પાડતી બ્રેક મારી એટલે અડધા ઇંચ દૂરથી જ તેઓ અથડાતાં બચી ગયા.

પેલો માણસ વિચારતો હતો હમણાં આ ડ્રાઇવર પેલા કારવાળાને ખરી ખોટી સંભળાવીને બરાબર ખંખેરશે. પણ તેને બદલે સામેવાળો ડ્રાઇવર જ તેની સાથે ગાળાગાળી કરવા માંડ્યો. આમ, છતાં ડ્રાઈવર હસતાં હસતાં હાથના ઇશારાથી સમજાવી ધીમે રહી આગળ નીકળી ગયો. ગાડીમાં બેઠેલાં માણસને આશ્ચર્ય થયું. તેણે ડ્રાઈવેરને પૂછ્યું, ‘તેં આમ કેમ કર્યુ...ભૂલ તો તેની હતી....આપણે માંડ બચ્યા હતા?’
ડ્રાઈવર બોલ્યો, ‘સાહેબ, ઘણા લોકો કચરાની ટ્રક જેવા હોય છે. તેઓ કચરાનો ઢગલો ઉઠાવીને જ ચાલતાં હોય છે-નારાજગીનો, ગુસ્સાનો કે દુખોનો. જ્યારે આ બધાનો બોજ ખૂબ વધી જાય ત્યારે પોતાનો બોજો હળવો કરવા તેઓ બીજા ઉપર નાંખવાનો મોકો જ શોધતા હોય છે. જ્યારે આવો કોઈ માણસ મારો શિકાર કરવા માંગતો હોય છે ત્યારે હું હસતાં હસતાં આમ જ નીકળી જાઉં છું! કોઈએ આવો કચરો લેવો ન જોઈએ. જો લઈ લઈશું તો કદાચ આપણે પણ એકબીજા પર, આજુબાજુ ફેંકવાનું શોધવા લાગીશું. ઘર, ઓફિસ, રસ્તે બધે જ ખરાબ વ્યવહારનું સામ્રાજ્ય ફેલાઈ જશે.’
ઘડીક વિચારો: એક વ્યક્તિ તરીકે આપણે પણ આવા કચરાના વાહક તો નથી ને?
પેલા કાર ડ્રાઈવર જેટલી વિશાળતા અને હળવાશથી આપણને આશ્ચર્ય જરૂર થાય છે કેમ કે, ખોટું કે કપટ કરનારને આટલી સાહજિકતાથી લેવી એ જન્મજાત લક્ષણ જ હોઇ શકે. એ કઇં તાલીમ મેળવીને કેળવી શકાય તેવી શક્તિ નથી જ. પણ અહીં જ આપણી ગેરસમજ પણ થાય છે. કેવી રીતે? સમજાવું. એક તો, એ એક ડ્રાઇવર છે એટલે અસાધારણ પ્રતિભાશાળી વ્યક્તિ તો નથી જ (જો એમ હોત તો એ ડ્રાઇવર ન હોત!) બીજું કે, એ બહુ ભણેલો કે શિક્ષિત પણ નહોતો (નહિતર એ ડ્રાઈવર શું કામ બને?) અને ત્રીજી વાત કે એ વિચારશીલ અધ્યાત્મ પુરુષ પણ નહોતો (જો હોત તો તે સાહેબની જગ્યાએ હોત!) તો પછી તેનામાં વિશિષ્ટ શું હતું?!
સાવ સામાન્ય જણાતા એક ટેક્સી ડ્રાઈવર પાસે અસામાન્ય ફિલસૂફી હતી! વ્યક્તિને ઓળખવાની કે જીવનને પ્રશન્ન રાખવાની તેની પાસે અનોખી શૈલી હતી. એ તેણે ક્યાં તો પુસ્તકોના વાંચનમાંથી કે જીવનના અનુભવોમાંથી તારવી હશે. બીજાઓનો ગુસ્સો-નારાજગીને એ જોઈ શકતો હતો એટલું જ નહીં એ જોયા પછી કોઈ પોતાના પર એને (કચરાને!) ઠાલવી ન જાય એ બાબતે ભારે સભાન હતો. દરેક વ્યક્તિ પોતાની હતાશા-દુખને ક્યાંકને ક્યાંક, કોઈ ને કોઈ વ્યક્તિ ઉપર ખાલવી નાંખવા તત્પર રહેતો હોય છે. અર્થાત આવી વ્યક્તિનો કોણ ક્યારે શિકાર બની જાય તે નક્કી નહી! શક્ય છે આપ પણ હોવ!

જ્યારે અખબારોમાં છપાય છે કે ફલાણા શિક્ષકે વિદ્યાર્થીને ફૂટપટ્ટી ફટકારી, અમુક અધ્યાપકે યુવકને તમાચો માર્યો, કે શિક્ષિકાએ વર્ગમાં અભદ્ર શાબ્દિક ટિપ્પણી કરી ત્યારે તેઓ અચૂક આવા જ કોઈ કચરાનો બોજ લઈને ફરતા હશે! મુશ્કેલી એ છે કે આ વિદ્યાર્થીઓ પેલા ડ્રાઈવર જેટલા આર્ષદ્રષ્ટા નથી કે વર્ગમાં દાખલ થતાં જ ટીચરનો મૂડ પારખી લે, એટલે ક્યારેક આવા કચરાનો બોજ લઈને તેઓ પણ ફરતાં થઈ જાય છે. વડીલ વ્યક્તિઓ કરતાં તરુણો પર શિક્ષક-વાલીઓની ટીકા-ટીપ્પણી, ગુસ્સો કે હતાશાનો બોજ ખૂબ વજનદાર બનતો હોય છે.
તરુણો પોતાના માનસમાં ભરાયેલાં આવા કચરાને બીજા પર મોટેરાઓ જેટલી ઝડપથી ઠાલવી શકતા નથી. વડીલોની આમાન્યા કે સામાજિક સભ્યતાને કારણે તેઓ તેને પોતાના માથા પર જ લઈને ચાલ્યા કરતાં હોય છે. તે જ્યારે અસહ્ય બની જાય છે ત્યારે ‘સમાચાર’ બનીને પ્રગટતા હોય છે! વ્યક્તિઓ પોતાની દુનિયામાં મગ્ન બનીને જીવતાં હોય છે ત્યારે પોતાના પરિવારના કે અન્ય વ્યક્તિઓના મગજમાં ભરાયેલાં આવા બોજ(કચરા)ને ઓળખી શકતા નથી. આવી સ્થિતિમાં તેઓ પોતાનો કચરો (ગુસ્સો, ચિંતા, ઈર્ષ્યા..) જો વળી પાછો આ લોકો પર ઠાલવે તો શું થાય તેની કલ્પના કરી જુઓ.
જીવનના સુખની ચાવી આ ડ્રાઇવરે આપણને આપી છે. હકારાત્મક અભિગમ, બી પોઝીટિવ કે પ્રસન્ન રહો અને જીવો જેવા સોહામણા શીર્ષકોવાળા પુસ્તકો વાંચવાથી રોજિંદા જીવનને ‘ખુશનુમા’ બનાવી શકાતું નથી. સ્વયંની અંદર જે છે તેને સમજવાની સાથે બીજાના મગજમાં જે ચાલે છે તેને સમજવાથી જ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના વૈમનસ્ય, સંઘર્ષ કે ભેદભાવોને મીટાવી શકાય છે. શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ કે વર્ગખંડના વ્યવવ્હારમાં આ ફિલસૂફીને અપનાવીએ અને એકબીજા ઉપર નકારાત્મકતાના કચરાને ફેંકવામાંથી મુક્ત બનીએ.

સરકારનું સ્વચ્છતા અભિયાન ભૌતિક સુવિધા અને વાતાવરણના સંદર્ભમાં ઉપયોગી છે, પણ સમાજમાં ક્રોધ, ઈર્ષ્યા, હતાશા, દુખ, લોભ વગેરે જેવી ગંદકીનો પણ પાર નથી. રસ્તા-મહોલ્લાઓ ચોખ્ખા કરીએ, પણ તેની સાથે સાથે મનને પણ ચોખ્ખા કરવાનું અભિયાન ચલાવીએ. દરેક વ્યક્તિ ગુસ્સાથી બચે અને નિરાશ લોકોને વધુ નિરાશ ન કરવાનું વલણ આપનાવે તો આ અભિયાન પણ કીમતી બની રહેશે.
Comments