top of page
Writer's pictureDr.Vijay Manu Patel

એક અનોખું ‘એસાઈન્મેન્ટ’!

Updated: Dec 3, 2021

વાચક મિત્રો, આજે મારા પોતાના નહીં પણ જે વધુ સારાં છે તેવા અન્યના વિચારો તમને વહેંચવા છે. આશા છે એ તમને પણ વિચારતા કરશે જ. વાંચો ત્યારે.

*****

પુખ્ત વયનાઓના એક વર્ગને હું ‘ભૂલ્યા વિના કરવા જેવા કામ’નું એસાઈમેન્ટ શીખવતો હતો. એસાઈમેન્ટ હતું: જેને તમે ચાહતા હોવ પણ કહ્યું ન હોય અથવા લાંબા સમયથી કહ્યું ન હોય, તો તેમને આવતા અઠવાડિયામાં જ કહી દેવાનું છે કે- “તમે તેમને અત્યંત પ્રેમ કરો છો.”

તમે કહેશો કે આ તો કેટલું સહેલું કામ છે, પણ સહેજ વિચારો આ જૂથના મોટાભાગના પુરુષો ૩૫ વર્ષની ઉપરના હતા. એ પેઢીના પુરુષો જેમને એવું હતું કે લાગણીઓની અભિવ્યક્તિ કરવી એ મર્દોનું કામ નથી. લાગણીઓને વ્યક્ત કરવી કે આંખો ભીની કરવી એ તેમને માટે જાણે પ્રતિબંધિત હતું. એટલે આ કામ એમને માટે મુશ્કેલ જ નહીં અત્યંત કપરું હતું.

બીજા દિવસના વર્ગની શરૂઆતમાં મેં પૂછ્યું, ‘મેં સોંપેલું કામ તમે કર્યું તો હશે. તમારામાંથી કોઈ મને કહેશે કે તેમના કાર્યનું પરિણામ શું આવ્યું, જ્યારે તમે તમારા પ્રિય પાત્રને કહ્યું કે તમે તેમને ચાહો છો ત્યારે શું થયું?’

મને ખાતરી હતી કે પહેલો હાથ કોઈ સ્ત્રીનો જ ઊંચો થશે. પણ મારા આશ્ચર્ય વચ્ચે એ સાંજે પુરુષે પહેલો હાથ ઊંચો કર્યો. તે ખુબ રોમાંચિત લાગતો હતો. ૬ ફૂટ ૨ ઇંચ ઊંચાઈનો એ દેખાવડો પુરુષ પોતાની ખુરશીમાંથી ઉભો થયો અને કહેવા લાગ્યો, ‘ડેનિસ, તમે મને એસાઈમેન્ટ આપ્યું ત્યારે મને તમારા પર ખીજ ચડી હતી. પ્રથમ દ્રષ્ટિએ મને તો એવું કોઈ પરિચિત હતું પણ નહીં કે જેને માટે આવા શબ્દો કહેવાનું મને મન થાય. અને એવું હોય તો પણ તમે વળી કોણ મને એવું કરવાનું કહેનારા!? આ તો મારી અંગત બાબત પર આક્રમણ કરવા જેવું થયું.’ ગુસ્સામાં હું ઘરે જવા નીકળી પડ્યો.

ગાડી ચલાવતો હતો ત્યાં મારું મન મને કહેવા લાગ્યું કે મારે કોને આઇ લવ યુ કહેવાનું છે તેની મને બરાબર ખબર છે. પાંચ વર્ષ પહેલા મારા પિતા સાથે મતભેદ થવાથી મેં ઘર છોડ્યું પછી કદી તેમની સાથે વાત કરી ન હતી. રસ્તામાં ક્યારેક સામસામા થઈ જઈએ તો અમે આંખ પણ મેળવતા નહોતા. નાતાલ કે બીજા કોઈ પારિવારિક ઉત્સવો વખતે પરાણે મન વગર બે-ચાર શબ્દોની આપ-લે થઇ હશે. બસ અને તેથી જ તે દિવસે ગાડી ચલાવતાં ચલાવતાં મેં નક્કી કરી લીધું કે હું મારા પિતાને કહીશ કે, હું તેમને કેટલો ચાહું છું.

મને પણ નવાઈ લાગી કે આ નિર્ણય લેવા માત્રથી મને એવું લાગ્યું જાણે મારી છાતી પરથી એક પહાડ ન ખસી ગયો હોય! ઘરે પહોંચીને હું દોડતો બેડરૂમમાં ગયો. સૂતેલી પત્નીને જગાડીને આ વાત કરી. તે તો પથારીમાં જ ઊછળી પડી. મને ભેટી પડી. તેની સામે પહેલી વાર હું રડી પડ્યો. અડધી રાત સુધી અમે કોફી પીતા રહ્યા, વાતો કરતા રહ્યા. ખુબ સુંદર અનુભૂતિ હતી એ!

બીજા દિવસે હું વહેલો ઊઠયો. ખરેખર તો રોમાંચ અને ઉત્તેજનાએ મને ઊંઘવા જ નહોતો દીધો. તે છતાં હું તાજો, હળવો હતો. હું ઓફિસમાં વહેલો પહોંચ્યો. બે-અઢી કલાકમાં મારે આખા દિવસનું કામ પતાવવું હતું.

નવ વાગ્યે મેં ડેડીને ફોન કર્યો. પૂછ્યું કે કામ પતાવ્યા પછી હું તમને મળવા આવી શકું? તેમણે પૂછ્યું, ‘કેમ?’ મેં કહ્યું, ‘મારે તમને કંઈક કહેવું છે.’ ડેડી મુંઝવણથી બોલ્યા, ‘શું વળી?’ મેં કહ્યું, ‘બહુ ચિંતા જેવું નથી, અને બહુ વાર પણ નહીં લાગે.’ તેઓ સંમત થયા. સાડા પાંચે મેં મારા ડેડીના ઘરનો કોલબેલ દબાવ્યો. મને થયું કે ડેડી પોતે જ બારણું ખોલે તો સારું. જો મા ખોલશે તો હું આઇ લવ યુ તેને કહી બેસીશ. સારે નસીબે દરવાજો ડેડીએ જ ખોલ્યો.

મેં એક ક્ષણ પણ ગુમાવ્યા વિના કહી દીધું, ‘ડેડી હું તમને એટલું જ કહેવા આવ્યો છું કે આ આઇ લવ યુ.’ ડેડી પર જાણે જાદુની છડી ફરી ગઈ. તેમના ચહેરા પરની સખ્તાઇ ઓગળી. કરચલીઓમાં કોમળતા આવી અને આંખો છલકાઇ ઊઠી. આંસુના ટીપાં સરી પડ્યા. તેમણે મને પોતાના આલિંગનમાં લઈ લીધો. ‘બેટા, હું પણ તને ખૂબ ચાહું છું....પણ કહી શક્યો નહીં.’

કેવી અદભુત અને મૂલ્યવાન હતી એ ક્ષણ. મને થયું સમય અહીં જ અટકી જાય. આલિંગન કદી ના છૂટે. મા પણ બાજુમાં આવી ગઈ હતી. તેની આંખમાં પણ આંસુ હતા. ડેડીના ખભે માથું રાખીને જ મેં મા તરફ પ્રેમનું ચુંબન હથેળીથી ફેંક્યું અને પછી હું નીકળી ગયો. વર્ષોથી મને આવી સભરતાની અનુભૂતિ થઈ નહોતી.

પણ મારું કહેવાનું પૂરું થતું નથી. મારા ડેડી હાર્ટ પેશન્ટ હતા. અમે મળ્યા તેના બે દિવસ પછી તેમને હૃદયરોગનો હુમલો આવ્યો. તેઓ બેભાન થઈ ગયા અને બેભાન અવસ્થામાં જ મૃત્યુ પામ્યા. જો તે દિવસે મેં તેમને આઇ લવ યુ કહ્યું ન હોત તો કદી ન કહી શક્યો હોત. મારે તમને સૌને એ કહેવું છે કે જે કરવા માંગતા હો તે કરી નાખો. સમયની રાહ ન જુઓ. બસ પોતાની કેદમાંથી છૂટો ને કરી લો, કહી દો- આ જ ક્ષણે, આ જ ક્ષણે...


મિત્રો, અગાઉના લેખોની જેમ આ લેખ ભલે મારુ સર્જન નથી છતાં આપને ગમ્યો હશે જ. આપ તો અમારી આ વેબસાઇટના મૂલ્યવાન સભ્ય છો જ અને એની ખુશી છે. પરંતુ અન્યોને પણ મુલાકાત કરાવી સભ્ય બનાવી સભ્યપદના લાભ મેળવવાનું આહ્વાન કરી શકો છો!

41 views0 comments

Opmerkingen


bottom of page