સામાજિક પરિવર્તનની દિશામાં આજકાલ એક મહત્વની ચર્ચા ‘વસ્તી ઘટાડા’ની થઈ રહી છે ત્યારે સમાજના કેટલાયે કુટુંબોએ પોતાના પરિવારને ‘એક સંતાન’ સાથે સીમિત બનાવ્યું છે. મેં આવા માતા-પિતા પાસેથી ડિજિટલ સર્વે દ્વારા રસપ્રદ પ્રતિભાવો જાણ્યા છે.

આ સર્વેક્ષણમાં એક સંતાનના માતા, પિતા અથવા બંને મળી 102 વ્યક્તિના પ્રતિભાવો નોંધવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન 2023 ના પરિપ્રેક્ષમાં આ સંશોધન સમાજ પરિવર્તનના દ્રષ્ટિકોણને સમજવામાં ઉપયોગી થશે. સર્વેક્ષણમાં અભિપ્રાય આપનારાઓમાંથી 56% વાલીઓએ પોતાના એક સંતાનમાં પુત્રી, જ્યારે 44 % વાલીઓએ એક સંતાનમાં પુત્ર હોવાનું જણાવ્યું હતું.
સર્વેમાં જોડાનાર 50% વાલીઓ 41 વર્ષથી વધુ વયના હતા, 44% વાલીઓ 31 થી 40 વર્ષ વયજૂથના, જ્યારે 6 ટકા વાલીઓ 26 થી 30 વર્ષની વયજૂથના હતા. મતલબ આ સર્વેમાં 25 વર્ષથી નાની ઉંમરના એક સંતાનવાળા કોઈ દંપતિ સામેલ નહોતા. આવા દંપતિઓ આધુનિક જમાનામાં ‘મોડા લગ્ન, મોડા બાળકો’ના અભિગમ તરફ વળ્યા હોવાનો નિર્દેશ કરનારા છે એમ માની શકાય.
આ સંશોધનમાં 91% વાલીઓ ગુજરાતના, 6% વાલીઓ ગુજરાત સિવાયના અન્ય રાજ્યના અને 3 ટકા વિદેશના વાલીઓ હતા. જેમાં 70% વાલીઓએ જણાવ્યું હતું કે એક જ સંતાનથી કુટુંબને સીમિત રાખવા પાછળના પ્રેરકબળ તરીકે કૌટુંબિક જીવનની ગુણવત્તાને, 6% વાલીઓએ સામાજિક અસુરક્ષાને, 2% વાલીઓએ અધ્યાત્માના પ્રભાવને તથા 22% વાલીઓએ કોઈ ખાસ પ્રેરકબળ નહોતું એમ જણાવ્યું હતું.

એક જ સંતાનના વાલી બની રહેવા અંગે 60% વાલીઓએ બંનેની સરખી ઈચ્છા જવાબદાર હોવાનું જણાવ્યું હતું, જ્યારે 13% એ માતાની (સ્ત્રીની), 14% એ બાળકના પિતાની(પુરુષની) અને 14 % વાલીઓએ શારીરિક તકલીફને જવાબદાર ગણાવી હતી. 60 % વાલીઓએ (પ્રથમ છોકરો કે છોકરી જે જન્મે તો પણ) પહેલેથી જ એક જ સંતાન રાખવાનું નક્કી કર્યું હતું. જ્યારે 32% એ પ્રથમ બાળકના જન્મ બાદ એક જ સંતાન રાખવાનું નક્કી કર્યું હતું.
એક જ સંતાનનો નિર્ણય સ્વીકાર્યા પછી તમને સૌથી મોટો લાભ કયો જણાયો છે એવા પ્રશ્નના ઉત્તરમાં 26% વાલીઓએ ઉછેરમાં વધુ ધ્યાન આપી શકાયાનું, જ્યારે 69% વાલીઓએ ઉછેરમાં વધુ ધ્યાન, વધુ સુવિધાની પ્રાપ્તિ તથા શિક્ષણ ખર્ચમાં રાહત એમ ત્રણેય લાભ મળ્યા હોવાનું જણાવ્યું હતું.

એક સંતાનના વાલી તરીકે આપ સૌથી વધુ કઈ બાબતે અધૂરપ અનુભવો છો એ પ્રશ્નના જવાબમાં 67 % વાલીઓએ એક સંતાન બાબતે ખાસ કોઈ મુશ્કેલી નડતી નથી એમ જણાવ્યું, જ્યારે 20 % એ રમતગમતમાં, 10% એ સામાજીક સરખામણી અને બાકીનાએ હરવા-ફરવામાં મુશ્કેલી અનુભવાતી હોવાનું જણાવ્યું હતું.

નજીકના ભવિષ્યમાં બીજા સંતાનના જન્મ બાબતે આપનો શું વિચાર છે? એવા પ્રશ્નના ઉત્તરમાં, 52% વાલીઓ નજીકના ભવિષ્યમાં બીજા સંતાન માટે કોઈ શક્યતા ધરાવતા નહોતા હોવાનું, 26% વાલીઓએ પોતે એ વિશે વિચારતા જ નથી અને 16% વાલીઓએ માતા કે પિતા કોઈ એકની બિલકુલ ઈચ્છા નથી એમ જણાવ્યું હતું.

એક સંતાનના અમલ પછી 67 % વાલીઓ માને છે કે તેમને સંતાન બાબતે કોઈ જ છૂપો ડર નથી જ્યારે બાકીના વાલીઓમાંથી 16%ને સંતાન સ્વચ્છંદી બની જવાનો તથા 15% ને સંતાનના અપમૃત્યુનો ડર સતાવતો હોવાનું જણાવ્યું હતું. લગભગ પાંચ ટકાને અપહરણ કે શારીરિક શોષણનો ડર સતાવતો હોવાનું જણાવ્યું હતું. જો કે આ નજીવી સંખ્યાઓ સામાજિક અનિશ્ચિતતા અને સુરક્ષા વિશે આત્મમંથન કરવા પ્રેરે છે.
પોતાનાથી જુદા ધર્મ-જાતિ-સંપ્રદાયના પરિણીત યુગલોને શું સલાહ આપશો એવા પ્રશ્નના ઉત્તરમાં 58% વાલીઓએ બાળકની જાતિ જાણીને ગર્ભપાત ન કરાવવા, 24% એ એક જ સંતાન રાખવા (પોતાના જેવો આદર્શ અપનાવવા!), અને 18% એ ‘બે થી વધુ સંતાન તો વિચારશો જ નહીં’ એવી સલાહ આપી હતી.

એક સંતાનના આદર્શથી તમને સમાજ તરફથી ખાસ કયો લાભ મળ્યો હતો એ પ્રશ્નના જવાબમાં એક જ સંતાનના વાલી તરીકે સમાજ તરફથી કશું જ મળ્યું નથી તેવું 83% વાલીઓએ, 8% એ પ્રસંશા મળી, 7% એ ટીકા-ટીપ્પણી મળી હોવાનું જ્યારે 2% એ ખાસ સુવિધા કે લાભો મળ્યા હોવાનું જણાવ્યું હતું. એક સંતાન રાખવાના નિર્ણયથી કોણ સૌથી વધુ નિરાશ થયું હતું એવા પ્રશ્નોના ઉત્તરમાં 16% વાલીઓએ માતા-પિતા, 12%એ સૌથી નજીકના સગા સંબંધીઓ, 1%એ મિત્રો અને 71% વાલીઓએ આ ત્રણમાંથી કોઈપણ નારાજ નહોતા થયા હોવાનું જણાવ્યું હતું.

તમારા એક સંતાન રાખવાના ખ્યાલને અપનાવવા પાછળ ભવિષ્યની કઈ ઈચ્છા હતી તેવા પ્રશ્નોના જવાબમાં 66% વાલીઓએ કોઈપણ ઈચ્છા કે અપેક્ષા નહીં, 21% વાલીઓએ કોઈપણ ધર્મની નવી પેઢી આવો આદર્શ અપનાવે તેવી અને 13% વાલીઓએ દેશના બધા ધર્મના યુગલો આ ખ્યાલ અપનાવે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

એક સંતાનના વાલી તરીકે તમે સરકાર કે સમાજ પાસે કઈ એક મુખ્ય અપેક્ષા રાખો છો એ પ્રશ્નના જવાબમાં 44% વાલીઓએ સંતાનની સુરક્ષાને અગ્રિમતા આપવાની, 33% વાલીઓએ રોજગારને અગ્રિમતા આપવાની, 18% વાલીઓએ આરોગ્ય સારવારમાં અગ્રિમતા મળે તેવી, અને 5% વાલીઓએ કર(ટેક્સ)માં રાહત મળે તેવી મુખ્ય અપેક્ષા વ્યક્ત કરી હતી.

મિત્રો અને વાલીઓ, આ નાનું સંશોધન ભલે વ્યાપક પરિણામો ન દર્શાવે તેમ છતાં સામાજિક ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થાઓ, એનજીઓ, સામાજિક નીતિ ઘડનારી સંસ્થાઓને આવનારા સમય માટે દિશાસૂચન કરવામાં ઉપયોગી નીવડશે એવી આશા અસ્થાને નથી.
Comments