એક મમ્મીએ પોતાની દીકરીની વાતચીતના આવા અંશો સાંભળ્યા હતા: ‘...અરે યાર, છોડને બધું. તું તારે****લઈ લે! એમાં શું? આપણા ગ્રુપના ઘણા કરે જ છે. વાત વાતમાં****બોલે છે. તું નાહક શરમાય છે. F*** યાર! આપણા જમાનાની આવી ભાષા બોલવામાં વાંધો શું છે?!’
મમ્મી ડઘાઈ ગઈ હતી. તે સીધી દીકરી પાસે જઈને ઠપકા સાથે બોલી, ‘આ શું બકે છે? આવું ક્યાંથી શીખી લાવી? આપણા ઘરમાં આવું બોલાય છે કદી?!’ એક સામટા પ્રશ્નો છતાં ડર્યા વિના તેણી બોલી, ‘સ્કૂલમાં ને દોસ્તારો બધા જ બોલે છે, કોઈને આશ્ચર્ય થતું નથી!’ મમ્મીએ સામે પૂછ્યું, ‘તારાથી આવા શબ્દોનો ઉપયોગ બંધ નથી થતો? તેણીનો જવાબ હતો, ‘...તો પછી હું તેમની સાથે કઈ રીતે વાતચીત કરીશ, મારે બધાથી જુદા નથી પડવું!
શક્ય છે આ પ્રશ્ન હજી બહુ થોડા કુટુંબો કે ઘરો સુધી જ પહોંચ્યો હશે. પણ અશ્લીલ ભાષાઓનો અતિરેક જીવનની દિશા અને દશા બદલી શકે છે એ વિશે બે મત નથી. મમ્મીની ચિંતા આ કારણે જ હતી! આવી ભાષા શિક્ષક, આચાર્ય કે વાલીઓની જાણ બહાર બોલાતી હોય તો પણ શૈક્ષણિક સંસ્થાઓ અને સભ્ય કુટુંબોએ સાવધાન થવાની જરૂર છે.
જો શાળાઓમાં કે ઘરમાંથી આવી ગાળ-ગલોચ કે અશ્લીલ ટિપ્પણી વિશે શીખવાતું ન હોય તો પછી આ તરુણો શીખે ક્યાંથી છે? બેશક, સૌથી પહેલી આંગળી સોશિયલ મીડિયા પર જ ચીંધાય. તેના પર અપ્રત્યક્ષક સ્વરૂપે તમોગુણી માણસો શબ્દ, ચિત્ર કે વિડીયો દ્વારા તેને હવા આપી રહ્યા છે. આવું કરનારાઓમાં છોકરાઓ(પુરુષો)નું અધિપત્ય ખરું, પણ મોર્ડન છોકરીઓ(સ્ત્રીઓ)ને સંપૂર્ણ નિર્દોષ જાહેર કરી શકાય તેમ નથી.
મુંબઈ જેવા મોટા શહેરોમાં વર્ષો પહેલા છોકરીઓ હૂકાબારની મજા લેતી હતી, તો આટલા વર્ષો પછી એમાં ઘણું આધુનિકપણું (એડવાન્સમેન્ટ) છલકાતું હશે, ખરું? સમાચારપત્રોનું અવલોકન કરીએ તો હવે નાના શહેરો પણ આવી વાકછટા કે વ્યવહારોથી બાકાત નથી જણાતા.
ભારતની શિક્ષણ વ્યવસ્થા આમ તો નૈતિક મૂલ્યોના શિક્ષણ પર ઘણો ભાર આપે છે, છતાં જાતીય વિષયક ચર્ચાઓ જેવી કે જાતીય સમાગમ, જાતીય અંગોની રચના અને કાર્યો, ચુંબન, વિજાતીય મૈત્રી, જાતીય રોગો, જાતીય ભાષા વગેરે પ્રત્યે ભારે સૂગ કે અણગમો દાખવે છે. શિક્ષક અને વાલીઓ આવી વાતોને સાંભળતા જ તેનાથી ‘પલાયન’ થઈ જતા હોય છે!! એટલે માત્ર ભાષા શિક્ષકોની જ જવાબદારી છે તેમ માનવું પણ અયોગ્ય છે. આમ છતાં આ સમસ્યા માટે સમાધાનકારી ઉપાય વિશે હું આપને આટલું જણાવું:
1) જો કોઈ વિદ્યાર્થી (સંતાન) અશ્લીલ શબ્દ સાંભળે છે કે બોલે છે તો તરત તીવ્ર પ્રત્યાઘાત ના આપો, પરંતુ તેના જવાબ રૂપે કયા વધુ સારા શબ્દો ઉપયોગમાં લઈ શકાય તેના વૈકલ્પિક શબ્દો જણાવો અને સમજાવો!
2) એને સમજાવો કે સમૂહમાં આવી ભાષા કે શબ્દો ઉપયોગમાં લેવાથી કે અશ્લીલ ચેનચાળા કરવાથી અન્ય લોકોમાં તેની પોતાની છાપ બગડે છે.
3) આવા વિદ્યાર્થી(સંતાન)ને તાત્કાલિક સ્વરૂપે બધાની વચ્ચે ઠપકો કે ઢોલ-થપાટ ન કરો કેમ કે, તેનાથી વધુ નકારાત્મક અસર થઈ શકે છે!
4) શક્ય છે ઘણીવાર બોલનાર, આવા શબ્દોના અર્થ જાણ્યા વિના જ ઉપયોગમાં લેતા હોય છે તેથી ધીરજપૂર્વક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક દ્રષ્ટિકોણથી આ દૂષણને અટકાવવા પ્રયત્ન કરવો જોઈએ.
5) આવી હલકી ભાષાના ઉપયોગને અટકાવવા માટે માત્ર એક વખત નહીં, પરંતુ વારંવાર(અનેક) પ્રયત્ન કરતા રહેવું જરૂરી છે. જો જરૂર
જણાય તો મનોચિકિત્સક કે માર્ગદર્શક(Counselor)ની સલાહ તરફ વળવું જોઈએ.
6) અને હા, તમારા (વિદ્યાર્થી) સંતાનની સોશિયલ મીડિયાની ગતિવિધિ પર નજર રાખો.
વાચક મિત્રો, આ સામાજિક અને શૈક્ષણિક સમસ્યા છે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે અનેક વખત અનુભવી ચૂક્યા હોઈશું. પણ હવે આ વિચારો જાહેરમાં મૂક્યા છે જેથી વિશાળ વાચકો સુધી પહોંચે. આપ તેના પ્રસારમાં સહભાગી થશે એવી શ્રદ્ધા છે.
અને હા, આપ ઈચ્છો તો આવા વિચારપ્રેરક અને સત્વશીલ લેખો વાંચવા માટે અમારી સાથે નીચેની લીંક દ્વારા સભ્ય બનો અને અન્યને પણ બનાવશો.
નમસ્તે વિજયભાઈ,
આ લેખ આ સમયે જરૂરી છે અને શાળામાં પણ વાલી મિટિંગમાં આની વાત કરવી જોઈએ.