top of page

કારકિર્દી એટલે પૈસા?! જરા સંભાલ કે!!

મિત્રો, સમગ્ર સૃષ્ટિમાં કશું સ્થાયી નથી. કદાચ એટલે જ આપણને આ દુનિયા ગમે છે! તેમ છતાં, બદલાતી કૌટુંબિક વ્યવસ્થા અને કુટુંબના સભ્યોનો બદલાતો અભિગમ સામાજિક શાંતિને દૂર રાખવા મથી રહ્યો છે. બધું બદલાય છે તેમ છતાં શાંતિનો અનુભવ ઓછો થાય છે. આવું શાને થાય છે એ પ્રશ્નનો ઉત્તર આસાન નથી તો પણ એક મહત્ત્વનું કારણ કારકિર્દીના નિર્ણયનું છે જ.

કારકિર્દીના સંદર્ભમાં વિચારીશું તો મોટાભાગના વાલીઓ પોતાના સંતાનો(ખાસ કરીને પુત્રના)ના શિક્ષણમાં અસાધારણ રોકાણ કરવા તૈયાર થઈ જાય છે. મોટો દાક્તર કે ઇજનેર બને, વિદેશમાં જઈ ભણે, અવનવા કોર્ષ કરે...ને એમાં ને એમા મા-બાપો ફુલાય. વર્ષો પછી વાસ્તવિક્તા સમજાય ત્યારે આ જ સંતાનો વાલીઓની સંવેદનાનું શોષણ કરવા માંડે ત્યારે જાણે ‘વૃદ્ધાશ્રમ’ની વ્યવસ્થાને બળ મળતું હોય તેવું લાગે. સુખની શોધ અને તેને પામવાની ઘેલછા કુટુંબને સમરાંગણ બનાવી મૂકતી હોય છે. કારકિર્દીની પસંદગી કેટલી યોગ્ય હતી કે અયોગ્ય હતી તેનું ભાન કુટુંબ અને સમાજને મોડુ થાય છે એટલે આ સિલસિલો અટકતો નથી. આ લેખમાં કારકિર્દી વિશેની ધારણાઓ (ભ્રમણાઓ!)નું ચિંતન કરવું છે.

પહેલી ભ્રમણા, કારકિર્દીનો નિર્ણય ધોરણ દશ કે બારમાં, વિદ્યાર્થીઓ આવે પછી જ કરવાનો હોય. જે તે સંતાનની પ્રાથમિક શિક્ષણની તરાહ, તેને ગમતી પ્રવૃત્તિઓ, તેની આવડત અને કુટુંબની આર્થિક-સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સંતાન ધોરણ આઠ કે નવમા આવે ત્યારે જ નક્કી કરવી જોઈએ. આપણે બહુધા કારકિર્દીનો નિર્ણય એકાદ અઠવાડિયામાં જ કરી દેતા હોઈએ છીએ!

બીજી ભ્રમણા, જેમાં શોખ હોય તેવી કારકિર્દી પસંદ કરાય. આમાં ભલભલા લોકો અટવાઈ પડ્યા છે. રસ કે શોખથી મનોરંજન કે મઝા મળે, પણ જરૂરી નથી કે તેનાથી રૂપિયા(આવક) મળશે જ. આર્થિક ક્ષમતા કેળવવા માટે આવડત કે ક્ષમતા જોઈએ, મજા આવે તેવું કામ નહીં. બહુ થોડા અપવાદો મળશે ખરા કે જેમાં પોતાના શોખને પોતાના વ્યવસાય કે ધંધો બનાવ્યો હોય. પરંતુ આવું ભાગ્યે જ જોવા મળે છે માટે પહેલા સંતાનની ક્ષમતા પર ધ્યાન આપો, શોખ પર નહીં!

ત્રીજી ભ્રમણા, એ છે કે જેમાં વધુ કમાણી થાય તેવી ક્ષેત્રો ઉત્તમ કહેવાય. જરૂરિયાતની પૂર્તિ માટે નાણાંની આવશ્યકતાને નકારી ન શકાય. પરંતુ નોકરીમાં વધુ નાણાં, વધુ સંતોષ આપે છે તે સાચું નથી જ. મોટાભાગના લોકોને પૂછશો તો ઉત્તર આ જ હશે, ‘સેટિસફેકસન? એની વાત છોડો!’ કમાણીની વાત અનંત છે એટલે જે તે વ્યક્તિએ પોતાની જરૂરિયાતો અને ઇચ્છાઓ વચ્ચે સ્પષ્ટ લક્ષ્મણ રેખા દોરવી જરૂરી છે. આની ચર્ચા કારકિર્દી નિર્ણયના શરૂઆતના તબક્કે થવી જ જોઈએ. નાણાં બધી જ વસ્તુઓ ખરીદી શકે છે, પરંતુ કારકિર્દીમાં સૌથી અગ્રિમ મૂકવાની ભૂલ ઘણાબધા કરતાં હોય છે.

ચોથી ભ્રમણા, પોતાના મિત્ર કે સગા જે ફિલ્ડમાં છે તેમાં જવું શ્રેષ્ઠ રહેશે. દરેક વ્યક્તિની ક્ષમતા ભાગ્યે જ સરખી હોય શકે. આવડતને સંબંધો

સાથે ખાસ નિસબત હોતી નથી. આપણે ત્યાં બહુધા દાક્તરો પોતાના સંતાનોને પોતાના જ ફિલ્ડમાં લાવવા હઠાગ્રહી હોય છે! તેમનામાં ક્ષમતા હોય તો વાંધો નથી, પણ અક્ષમ વ્યક્તિ(સંતાનો) માટે આવા ઠોકી બેસાડવામાં આવતાં નિર્ણયો જોખમી બને છે(અને બન્યા પણ છે!).

પાંચમી ભ્રમણા, જેમાં ઓછામાં ઓછી તકલીફ તેમાં જવું હિતાવહ છે. જગતમાં કોઈપણ ક્ષેત્ર મહેનત વિનાનું નથી. કોઈ શારીરિક શ્રમ કરે છે, કોઈ માનસિક રીતે વધુ કામ કરે છે તો કોઈ શરીર-મન બંનેનો વધુ ઉપયોગ કરે છે. અમુક કામો એક જગ્યાએ બેસીને જ કરવાના હોય, અમુક માટે બહાર ફરવું પડે! એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે એ.સી.રૂમમાં બેસીને કામ કરવાનું સૌથી શાંતિ અને સલામતભર્યું હોય છે. આવા લોકોએ આરોગ્યના ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે! અને

છઠ્ઠી ભ્રમણા એ છે કે પહેલાં ગમે તેમાં કૂદી પડવાનું, પછી બધું આવડી જ જાય! આ જોખમી રસ્તો છે. આમ કરનાર માટે એટલું તો સ્પષ્ટ થઈ જાય કે પોતે નિર્ણય નથી લઈ શકતી કે તેનામાં કઈ આવડત છે. આવું કરનારા પુરુષાર્થ કરતાં નસીબ પર વધુ મદાર રાખતા હોય છે. લાગ્યું તો તીર નહિતર તુક્કો! વારંવાર એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં કુદવાની વૃત્તિ જીવનમાં સાતત્યપૂર્ણ કામ અપાવી શકતી નથી.

સારાંશમાં, જીવનનો મહત્ત્વનો નિર્ણય કરતી વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓ પૂરતી ચર્ચા કરે, એકમેકને આદર આપે અને પોતાની ક્ષમતા, સંસાધનો અને ભાવી જીવન વિશેની પોતાની સંકલ્પના સાથે રાખે એ અત્યંત આવશ્યક છે.


વ્હાલા મિત્રો, આપને આ લેખ અચૂક ગમ્યો હશે જ. અવનવા વિષયો સાથેની ચર્ચા અને જાણકારી માટે નીચેની લિન્ક દ્વારા અમારા સભ્ય બનો અને અન્યોને પણ જોડશો એવી શ્રદ્ધા છે :


108 views0 comments

Comentários


bottom of page