top of page

કોરોના પછીની રોજગારીથી ચિંતિત છો? આ રહ્યાં સમાધાન!

  • Writer: Dr.Vijay Manu Patel
    Dr.Vijay Manu Patel
  • Sep 20, 2021
  • 4 min read

તમારી દ્રષ્ટિ એ આજની સૌથી મોટી આર્થિક સમસ્યા કઈ એવો કોઈ પ્રશ્ન પૂછે તો બહુધા આર્થિક સંકળામણ અથવા બેરોજગારી એવો જવાબ મળે. આમાં શંકા કરવા જેવું નથી કેમ કે છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાની જે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઇ તેમાં આર્થિક નુકસાનની ચિંતા ‘ઘર ઘર કી કહાની’ જેવી બની છે. હજીયે ભૌગોલિક અંતર, માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા સાવ છોડી દેવા માટે આપણે તૈયાર નથી ત્યારે હવે આમાંથી બહાર નીકળવાના કોઈ રસ્તાઓ કે વિકલ્પો છે? થોડું ચિંતન કરીએ ત્યારે.

પ્રથમ તો ઘરેથી કામ કરો (વર્ક ફ્રોમ હોમ)નો જ વિકલ્પ સૂઝે છે. આજ સુધી ધંધાકીય જગતનું સત્ય એ જ હતું કે ઓફિસમાં એ.સી. કે પંખા નીચે બેસીને કામ કરો તો જ કામના પૈસા વસુલ થાય અને વ્યવહાર ચાલુ રહે. કેમ કે, જો ઓફિસ જેવું વાતાવરણ અને મેનેજર (કે બોસ) હોય તો જ ધ્યેયો પૂર્ણ થઈ શકે એમ લાગતું. કોરોના મહામારીએ મનના આ બધા જ ખ્યાલોમાં ભૂકંપ સર્જી દીધો છે. હવે કર્મચારીએ પોતાની ઓફિસની જગ્યા છોડીને દૂરથી એટલે કે ઘરેથી જ કામ કરીને પરિણામો આપવાના છે.

જો તમે કમ્પ્યુટર કે ટેલિફોનથી જ તમારી કામગીરી કરતા હતા તો હવે તમને ઘરેથી આ કામ કરવામાં કોઈ તકલીફ પડશે નહીં, ખરું? તેથી હવે ઘણાં કામો જેવા કે, કમ્પ્યુટરની સાંકેતિક ભાષા લેખન, ડિઝાઇનિંગ, ઈ-મેલથી સંદેશાવ્યવહાર, વેચાણ પહેલા અને પછીની ગ્રાહક સેવાઓ, સર્જનાત્મક કાર્ય, હિસાબો, ભરતી, તાલીમ-માર્ગદર્શન, માહિતી અને વિશ્લેષણ જેવા કામો ઘેરબેઠા જ કરવાના રહેશે. આ કામો સંપૂર્ણપણે ઘરથી જ કરવા પડશે. આ બધા કામોમાં ઓફિસ વ્યવસ્થાની હવે જરૂર લાગે છે ખરી?

તમે હેરફેર તથા પ્રત્યક્ષ વાતચીત કે વસ્તુઓ સાથે સંકળાયેલા, બાંધકામ, વાહન વ્યવહાર, સંગ્રહ, ગોડાઉન, લેબોરેટરી જેવા પ્રત્યક્ષ અને અનિવાર્ય ભૌતિક હાજરીના સ્થળે સાથે જોડાયેલા હોવ તો જઈને જ તમારે પૂરા કરવા પડશે. આવા કામોમાં વર્ક ફ્રોમ હોમ ચાલશે નહીં. હા, કોઈ ડ્રોન જેવી તકનીકી વિકસે અને ભવિષ્યમાં એ અમલી બને તો!!

અત્યાર સુધી તમારા કાર્યની જે જરૂરિયાત અને લાયકાત હતી (job profile) એમાં પણ હવે તમારે બે બાબતે નિર્ણય કરવા પડશે: એક, જો કર્મચારીઓને ઘટાડવાનો નિર્ણય થાય તો શક્ય છે તમને તમારી કામગીરીથી જુદી કામગીરી સોંપવામાં આવે તો તેને માટે તૈયાર રહેવું, અને બીજી વાત, જો વર્તમાન અને સામાજિક અંતર જાળવવાના, ખર્ચ ઘટાડવાના કે વેપારી ગ્રાહકોના બદલાયેલા વર્તનના પ્રશ્નો ચાલુ જ રહે તો તમારે પણ તે મુજબ પોતાના વર્તન વ્યવહારમાં ફેરફાર કરવો પડશે. મતલબ તમારો કાર્યભાર બદલાઈ પણ શકે છે, અને વધી પણ શકે છે!

જો તમે વેચાણ કામગીરીના મુખ્ય અધિકારી હોવ તો તમારે વધુ ગ્રાહક ખાતાઓ સંભાળવાનું આવી શકે છે તેથી તમારા પોતાના કાર્યને અગ્રિમતા પણ બદલવી પડશે. જો ગ્રાહકો સામાજિક અંતર જાળવી રાખે તો પછી તમારે પણ એનું પાલન કરવું પડે અને તેથી પ્રવાસ કે હેરફેર ઘટાડીને વિડીયોકોલ, ટેલિફોન અને ઇમેલ જેવા માધ્યમથી જ કામ ચલાવવું પડશે. મતલબ વેચાણને લગતા ફોન વધી જાય અને તેમ છતાં અસરકારક વેચાણ લક્ષ્ય સુધી ન પહોંચી શકાય તેવું બને તો આવી સ્થિતિ થોડી તણાવપૂર્ણ બની શકે, ખરું ને?

હા, જેઓ પોતાના સામાનની ઘરબેઠા ડિલીવરી ઈચ્છે છે તેવા કામમાં આપ જોડાયેલાં હશો તો કોઈ ખાસ ચિંતા નથી! કેશ કાઉન્ટર પર બેઠેલા કેશિયરની કામગીરી હવે ડીલીવરી બોય અને ડ્રાઇવર તરફ વધારે વળી ગઈ છે સમજો! તે જ રીતે બિલ બનાવનાર કે કેરિયર કાઉન્સેલરના હવે પ્રત્યક્ષ દર્શન થાય જ એવું જરૂરી નથી. કમ્પ્યુટરના એપ્લિકેશન કે સોફ્ટવેરનું સમારકામ પણ ઓનલાઇન થઇ જશે પણ હાર્ડવેર માટે તો રૂબરૂ મુલાકાત કરવી જ પડે.

કોઈપણ કર્મચારી ટૂંકાગાળામાં તો પોતાની જાવક (કે ખર્ચ) ઓછામાં ઓછા રહે અને પોતાની રોજીરોટી(આવક) વધે તેવા પ્રયત્ન કરતો હોય છે, તેથી ટૂંકાગાળામાં નિરાશા કે આર્થિક તંગીનો અનુભવ થાય તો પણ તે પોતાની નોકરી ટકી રહે તે માટે પ્રયત્નશીલ રહે છે. પોતાના વર્તમાન પગાર કાપ ઉપરાંત અગાઉના વર્ષની જેમ બોનસ મળે તેમ ઈચ્છતા હો તો પણ એ અત્યારે જ શક્ય બની શકે નહીં કેમ કે જ્યારે ધંધામાં વૃદ્ધિ થતી હોય તો જ એ શક્ય બનશે! જો પ્રવાસન જેવા વ્યવસાય સાથે આપ જોડાયેલાં હશો તો તેનું દુઃખ ઘણું વધારે હશે, શક્ય છે તમે નોકરી ગુમાવી હોય અથવા તમારે ટૂંક સમયમાં જ નોકરી પણ ગુમાવવી પડે.

જો ધંધાનો માલિક નુકસાન ભોગવતો હશે તો તમારા પગારમાં કાપ આવવાની પૂરી શક્યતા છે તેથી બીજી તરફ નજર દોડાવવાની શરુ કરી દો. પણ તેમાંયે લાંબા સમય માટે ટકી શકાશે કે કેમ તે અચૂક વિચારો. જો તમારા કામથી તમે ખૂબ જ સંતુષ્ટ અને આત્મવિશ્વાસુ હોવ તો બોસને તમારા દેખાવ (Performance)મુજબ વધારાના કમિશન વિશે વાત કરી શકાય, જેથી કમ સે કમ તમારા વર્તમાન પગારમાં કાપ આવતો તો અટકી શકે!!

તમારે એ પણ વિચારવું જોઈએ કે ધંધા કે પેઢીનો ખર્ચ ઘટે અથવા પેઢીની આવકમાં વધારો થાય તેવા પ્રોજેક્ટ, કાર્યો અને ભૂમિકા કઈ છે? જો આવો કોઈ રસ્તો તમે બોસ કે અધિકારીને બતાવશો તો તમારા પગાર ઘટવાના ચાન્સ ઓછા! અને લાભ થાય તેવું કંઈક વિચારશો તો વિકટ પરિસ્થિતિમાં પણ ટકી રહેવાના ચાન્સ વધુ રહેશે. જો કે તમે બીજી જગ્યાએ વધુ આવક કમાવવાના સ્ત્રોત વિશે વિચારશો તો તમારા ઉપરીને એ પસંદ ન જ આવશે. આ માટે તમારી મજબૂરીને યોગ્ય રીતે (એટલે કે ઉપરીના ગળે ઊતરે એમ!) રજૂ કરવાની ત્રેવડ રાખો. અઠવાડિયાના અંતે કે રજાના દિવસોએ અન્ય પ્રકારની કામગીરી જેવી કે માર્ગદર્શન, લેખન, નામુ લખવું વગેરે દ્વારા તમામ બાબતે નિખાલસતાથી રજૂઆત કરો. છાનીછપની પ્રવૃત્તિઓ કરવાથી અવિશ્વાસ પેદા થશે જે વર્તમાન નોકરી પર નકારાત્મક પ્રભાવ લાવી શકે છે.

મિત્ર, છેલ્લા દોઢ વર્ષમાં જે પરિસ્થિતિ ઉદભવી છે તે હવે સમાપ્ત થઈ જશે અને ફરી ક્યારેય ન આવશે એવું માનવાની ભૂલ ન કરતા. જો અતિશય કીમતી જીવન જ અનિશ્ચિત હોય તો ધંધા-રોજગારમાં અનિશ્ચિતતા ન હોય એવું બની શકે ખરું? તેથી આટલી બાબતો ને ધ્યાન રાખજો:

(1) શક્ય છે બદલાયેલી પરિસ્થિતિને કારણે તમારી આવડત નકામી કે જુનવાણી થઈ ગઈ હોય (જેમ કે વાહનમાં પંચર બનાવવાની રીત!) તેથી આવડતને હંમેશાં સમય મુજબ ઢાળતા રહેજો.

(2) બહુવિધ કૌશલ્ય કેળવજો. તમે ફક્ત એકાદ કામ કે આવડતથી જ આખી જીંદગીને વધુ સારી રીતે ટકાવી શકશો નહી અને

(3) માત્ર પેઢી કે બોસે જ બદલાતા રહેવું જોઇએ એમ નહીં, તમે પણ પોતાને બદલવા સતત તૈયાર અને તત્પર રહેજો.

સારાંશમાં, પરિવર્તન અને પડકારો જ આપણને વધુ આગળ વધવા માટેનું એક પ્રેરકબળ બને છે, તેથી સાંવેગિક પરિપક્વતા અને માનસિક સંતોષ દ્વારા પોતાની જાતમાં સતત પરિવર્તન કરતા રહેશો તો તમારા વિઘ્નોના પથ્થરો જ પગથિયા બનીને તમને મંજિલે પહોંચાડશે! તેથી, થોભો, વિચારો ને આગળ વધો!

Comentarios


bottom of page