ગૃહકાર્ય વિદ્યાર્થીઓને ગમે ખરું? આનો ઉત્તર બહુધા ‘ના’ જ હશે, ખરું ને? હકીકત એ છે કે ઘણાને એ ન ગમતું હોવા છતાં પણ સદીઓથી વિદ્યાર્થીઓને ગૃહકાર્ય આપવાની રીતરસમ કે પરંપરા ચાલતી આવી છે. તો આજે જણાવું છે તમને તેના લાભાલાભ વિશે.
લાભ:
1) શિક્ષક અને વિદ્યાર્થીને એકમેકને નજીક લાવવામાં ગૃહકાર્ય નિમિત્તે બને છે. વર્ગ સમય પહેલા કે પછી જે તે વિષય વસ્તુ અંગેની ચર્ચા અને સમસ્યાનું સમાધાન ગૃહકાર્ય દ્વારા શક્ય બને છે.
2) કુટુંબના સભ્યોને જોડે છે! શાળાનું ગૃહ કાર્ય કરતી વખતે ન સમજાતા પ્રશ્ન કે જવાબો માટે ઘરના
સભ્યોની મદદ હાથવગી હોય છે, ખરું ને?! આમ તે પરિવારના સભ્યોને પણ નજીક લાવે છે.
3)શાળાની સોટીઓમાં દેખાવ સુધારવામાં મદદરૂપ છે. ગૃહકાર્ય વધારાનો મહાવરો આપે છે. નિયમિત ગૃહકાર્ય વિષયને તૈયાર કરવામાં ઉપયોગી નીવડે છે.
4) તે જવાબદારી શીખવે છે! ગૃહકાર્યને નિશ્ચિત સમયમાં પૂરું કરવાના આદેશથી વિદ્યાર્થીઓ કામમાં ચોક્કસ બને છે. નિયત સમયમાં કોઈ કામ પૂરું કરવાની ટેવ પડે છે.
મિત્રો, આ બધા લાભો હોવા છતાં ઘણા લોકો માને છે કે શાળામાં છ-સાત કલાક વિતાવ્યા પછી પણ ઘરે ભણવાનું હોય ખરું? તો જણાવું તમને કેટલાક ગેરલાભ.
ગેરલાભ:
1) તે વિદ્યાર્થીઓના ફુરસદ અને આરામના સમયને ઘટાડે છે, જેનાથી લાંબે ગાળે અભ્યાસકીય ક્ષમતા પર પણ નકારાત્મક અસર પડી શકે છે.
2) કુટુંબના સભ્યો સાથેનો ગુણવત્તાયુક્ત સમય ઘટાડે છે! વિદ્યાર્થીઓના સામાજિક અને સાંવેગિક વિકાસમાં કૌટુંબિક વાતાવરણ અને સભ્યો સાથેનો સંવાદ ખૂબ મહત્વનો હોય છે. ગૃહકાર્યથી તેમાં અંતર પડી જાય છે.
3) વાલી અને વિદ્યાર્થી વચ્ચે સંઘર્ષ જન્માવે છે. વાલીઓ ઈચ્છતા હોય છે કે પોતાનું સંતાન ગૃહકાર્ય પૂરું કરે જ. જ્યારે વિદ્યાર્થી અભ્યાસના અતિરેકમાં તેને ન કરવા અથવા અધૂરું છોડવા પ્રયત્ન કરતા હોય છે.
4) વધુ પડતું ગૃહકાર્ય છેતરપિંડીને પ્રોત્સાહિત કરે છે. વિદ્યાર્થીઓ ઝડપથી ગૃહ કાર્ય પૂરું કરવા ટૂંકા રસ્તાઓ અપનાવશે જેનાથી કોઈ ખાસ લાભ મળતો નથી.
5) ઘણી વખત વ્યસ્તતાને લીધે કે વારંવારની પ્રવૃત્તિ બનવાને કારણે શિક્ષકો ગૃહકાર્યને બરાબર ચકાસતા હોતા નથી, પરિણામે આ પ્રવૃત્તિ આકર્ષક બની શકતી નથી.
Comments