ઘણા બધા લોકોને એવું લાગી રહ્યું છે કે કોરોનામાં શિક્ષણ બંધ થઈ ગયું છે. પરંતુ કોરોનાએ શિક્ષણની પ્રક્રિયા જુદી રીતે જીવંત રાખી છે કેમ કે દેખીતી રીતે ભલે શિક્ષણની પ્રક્રિયા નજર સમક્ષ ચાલતી નથી, પરંતુ અંદરખાનેથી આ મહામારીથી જીવનમાં ઘણું બધું શીખવા મળી રહ્યું છે. માણસ પોતાને બહુ ચઢિયાતો અને ચતુર સમજે છે પણ હમણાં તે જાણે લાચારીમાં જીવી રહ્યો છે, ખરું ને?
કોઈ વ્યક્તિ વિશે ઘણી વખત આપણે એવું બોલતાં પણ હોઈએ છે કે ‘આ વ્યક્તિ ખૂબ હોશિયાર કે ચતુર છે’ ખાસ કરીને આવું વાક્ય આપણે એવા સંજોગોમાં કરતા હોઈએ છે કે સામેવાળી વ્યક્તિ ખૂબ ભણેલી-ગણેલી હોય અને તેની પાસે બધી સમસ્યાના તરત જ ઉકેલ મળી જતા હોય. સમાજમાં આવી વ્યક્તિઓની બોલબાલા અને આદર-સન્માન વધી જતાં હોય છે.
આ કારણસર ઘણી વખત સામાન્ય બાળકોના માતા-પિતા લઘુતાનો ભાવ અનુભવતા હોય છે એમને એવું લાગતું હોય કે મારું સંતાન સારા માર્ક્સ નથી લાવતું એટલે એ એક સામાન્ય બાળક છે અને બહુ ઝાઝું ભણી શકશે નહીં. ઘણાં લોકોની જે માન્યતા છે તે મુજબ તેઓ એવું માની લેતા હોય છે કે જે ગાયક હોય છે તે બુદ્ધિમાન નથી હોતો. સડક પર ગાડી સમારકામ કરવાવાળો કે પછી ચપ્પલ-બુટ રિપેર કરવા વાળો મોચી બુદ્ધિમાન નહીં હોઈ શકે. તો પ્રશ્ન એ થાય કે ચતુર કે ઈન્ટેલિજન્ટ હોવા માટે કઈ કઈ બાબતો અનિવાર્ય છે?
પહેલી ક્ષમતા હોય છે ભાષાની સમજ અને રજુઆતની. જેમાં શબ્દ-ભંડોળ, વાક્યો અને તેમાં છુપાયેલા અર્થ ઓળખવાની કાબેલિયત. બીજી હોય છે તાર્કિક-ગણિતીય ક્ષમતા, જેમાં આંકડાઓની ગોઠવણી અને તેની રજૂઆત પરથી તેનું અર્થઘટન તારવવાની ક્ષમતા. ત્રીજી ક્ષમતા છે આકૃતિઓની ગોઠવણી કે તેને બદલવાની કુશળતા. ખાસ કરીને પાયલોટ અને ચિત્રકારોમાં આ કાબેલિયત વધારે હોય છે. ચોથી છે શરીરના સ્પર્શ કે હલનચલનની કુશળતા જેની જિમ્નાસ્ટિક કે ડાન્સ જેવી પ્રવૃત્તિમાં ઘણી ઉપયોગી થતી હોય છે.
આ ઉપરાંત આવે છે પોતાની લાગણીને સમજવાની અને તેને નિયંત્રિત કરવાની ક્ષમતા. તેવી જ રીતે બીજી વ્યક્તિઓની જરૂરિયાતો અને ભાવનાઓને સમજવા માટેની કુશળતા પણ તેમાં સમાવિષ્ટ છે. જે પ્રાકૃતિક ચીજવસ્તુઓ છે એની સાથેનો લગાવ કે તેને ઓળખવાની ક્ષમતા નેચરલ ઇન્ટેલિજન્સ કહી શકાય. આવા લોકો વનસ્પતિ કે પ્રાણીશાસ્ત્ર સાથે વધુ સંકળાયેલા હોય છે.
આ બધી ક્ષમતાઓ જોઈને આપણે વિચારી શકીએ છીએ કે જે વ્યક્તિ કે વિદ્યાર્થી માત્ર પોતાની શાળાકીય શૈક્ષણિક કારકિર્દી સારી ધરાવતો હોય તે જ ભવિષ્યમાં સારું જીવન જીવશે એમ માની શકાય નહીં. દુનિયાના શ્રેષ્ઠ ક્રિકેટર સચિન તેંદુલકર અને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે શાળા શિક્ષણ બહુ પહેલેથી જ છોડી દીધું હતું! મહાન વૈજ્ઞાનિક એડિસનને તેની માતાએ જ શાળામાંથી ઉઠાડી લીધો હતો. કેમ કે તેના શિક્ષકે તેને નબળો અને ધીમો વિદ્યાર્થી ગણ્યો હતો. ચાર્લ્સ ડાર્વિન પણ આમાંની જ વ્યક્તિ હતા. કેટલીક વખત આનાથી ઊલટું, વ્યવસાયિક જિંદગીમાં સફળ થયા હોય પણ અંગત જીવનમાં નિષ્ફળ નીવડ્યા હોવાના દાખલાઓ મળી શકે છે. બોલીવુડની મનોરંજનની દુનિયતામાં આવા ઘણા ઉદાહરણો હોય શકે છે. જો કે અનેક પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓએ શાળા જીવનમાં માર્ક્સ પર નહીં પણ પોતાની ખરી ક્ષમતા અને પોતાના સપનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું એ નોંધવા જેવી બાબત કહેવાય.
માનવીની ચતુરાઇ કે હોંશિયારી વિષયક સંશોધનમાં એ સાબિત થયું છે કે જીવનની સફળતાઓમાં IQ નું યોગદાન માત્ર ૨૦ ટકા છે જ્યારે EQ નું યોગદાન ૮૦ ટકા હોય છે. જે વ્યક્તિઓમાં EQ વધુ હોય છે તે પોતાની લાગણી અને અનુભવોને બીજાઓની લાગણીઓને સમજવામાં સારી રીતે ઉપયોગ કરી શકે છે. આવા લોકો પોતાની વ્યક્તિગત જિંદગીમાં તો સફળ રહે જ છે, પરંતુ અન્યોના જીવનની મુશ્કેલીઓને અને પણ બહુ સરળતાથી ઉકેલી શકે છે.
તમે કેટલા બુદ્ધિશાળી કે ચતુર છે છો એ ઘણી વખત તમારી આસપાસનો સમાજ પણ નક્કી કરતો હોય છે. જેમ કે પશ્ચિમી દેશોમાં ટેકનોલોજીની કુશળતાવાળા લોકોને વધુ મહત્વ આપવામાં આવે છે. એટલે એવા લોકો ત્યાં બુદ્ધિશાળી કે ચતુર ગણાય છે. આમ તો દુનિયામાં રહેતી કોઈપણ વ્યક્તિમાં કોઈ ને કોઈ ચતુરતા કે કુશળતા હોય જ છે તેથી દરેક વ્યક્તિએ પોતાની જાતને ક્યારેય પણ હીન ગણવી જોઈએ નહીં. કોઈપણ પ્રકારની આવડત કે ક્ષમતા તમને જીવનમાં સફળ બનાવી શકે છે.
ઘણી વખત IQ કે EQ બંનેને બદલે સામાજિક સેવા તરફનો વ્યક્તિનો અસાધારણ લગાવ તેમણે પ્રસિદ્ધિ અને સફળતા અપાવતો હોય છે. આપે ‘જોય ઓફ ગિવિંગ’ની વાત સાંભળી હશે જેમાં વ્યક્તિને બીજાને મદદરૂપ થવામાં અનેરો સંતોષ અને આનંદ મળતો હોય છે. મહાત્મા ગાંધી ઇચ્છતે તો દક્ષિણ આફ્રિકામાં માત્ર વકીલાત કરી ને જીવન ગુજારી શકતે. પરંતુ તેમણે ભારતના કરોડો લોકોને ગુલામીમાંથી મુક્ત કરવાનું સૂઝયું. મહેન્દ્રસિંહ ધોની રેલવેની નોકરી કરીને આરામથી જિંદગી વિતાવી શકતે પરંતુ તેણે ભારત માટે રમવાનું વિચાર્યું.
ઇન્ટેલિજન્સ કે ચતુરપણું જન્મજાત હોઈ શકે છે. પરંતુ તેને યોગ્ય વાતાવરણ અને ઇન્દ્રિયોની કેળવણી દ્વારા વિકસિત કરી શકાય છે. ઇન્દ્રિયની ક્ષમતા વિકસિત કરવા માટે પ્રવૃત્તિઓ, વાતાવરણ અને શાસ્ત્રનો ઉપયોગ થવો અનિવાર્ય છે. સંશોધનમાં જણાયું છે કે બાળકના જન્મથી પાંચ વર્ષ સુધીમાં જ મગજની 85% ક્ષમતાઓનો વિકાસ થઈ જાય છે. મતલબ કે જીનીયસ કે ચતુર માનવી પેદા કરવા માટે ૦ થી ૫ વર્ષની શિક્ષણ વ્યવસ્થા અસરકારક હોવી જોઈએ. એટલા માટે જ નવી શિક્ષા નીતિમાં બુનિયાદી કે પાયાના શિક્ષણ ઉપર ખુબ જ ભાર મૂકવામાં આવ્યો છે અને તેને ‘ફાઉન્ડેશન સ્ટેજ’ તરીકે ઓળખાવાયું છે. આ સમયગાળામાં જ બાળકમાં આંકડા, અક્ષર, રંગ, આકાર વગેરેની પાયાની ક્ષમતા વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ ક્ષમતાઓ વિકસે પછી જ અવલોકન શક્તિ, તાર્કિક ક્ષમતા, વિશ્લેષણ ક્ષમતા વગેરેનો વિકાસ થઈ શકે છે. જેને ઇન્ટેલિજન્ટ માણસો ગણવામાં આવે છે તે બીજું કંઈ નથી પરંતુ આવી ક્ષમતાઓ ઉપર એમનો અદભુત કાબુ હોય છે. ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં શરૂઆતથી લેખન પ્રવૃત્તિ પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો. વિચારની કેળવણી બાબતે બહુ ઓછું ધ્યાન અપાયું હતું પરિણામે વધતી વય સાથે કુશળ અને તાલીમબાજ માણસો મળવાને બદલે માત્ર ભણેલા માણસોનો સમૂહ જ હાથ લાગ્યો!
બુદ્ધિ ક્ષમતાને વિકસિત કરવામાં ટેકનોલોજીની ઉપયોગીતા મદદરૂપ થાય છે કેમ કે મશીનો સાથે કામ કરવાથી સર્જનાત્મકતા. ધીરજ અને કલ્પનાશક્તિ જેવા ગુણો વિકસી શકે છે જોકે એનાથી માનવીય સ્પર્શનો લોપ થવાની ભીતિ રહે છે. તેમ છતાં વિજ્ઞાનને હંમેશા ચતુરપણા સાથે સંબંધ રહ્યો છે. દુનિયાના વિકસિત દેશોના નાગરિકોના વર્તન અને વ્યવહારમાં સારા-નરસાને પારખવાની જે વિવેક બુદ્ધિ છે તે વિજ્ઞાન અને કલાના સમન્વયમાંથી નીપજેલી ચતુરાઇ જ છે એમ કહીએ તો ખોટું નથી. ઇન્ટેલિજન્સ માત્ર વ્યક્તિની જ નહીં પણ રાષ્ટ્રની પણ તાકાત છે.
Comments