top of page
Writer's pictureDr.Vijay Manu Patel

જો જો! લાગણી(ભાવના)માં બહેકી ન જતાં!

ઘણી વખત આપણને લાગતું હોય છે કે સામેવાળી વ્યક્તિ જે કંઈ કહે છે તે આપણને બિલકુલ પસંદ હોતું નથી આવી સ્થિતિ ઘણી વખત ‘ન કહેવાય ન સહેવાય’ જેવી લાગે અને આપણે મૌન થઈ જતા હોઈએ છે, ખરું? આવું કોઈ પણ વ્યક્તિને કોઈપણ વ્યક્તિ સાથે અનુભવાતું હોય છે. જેમાં એક વ્યક્તિને શોષણ કે અપમાન થતું હોવાનું અનુભવાય છે. તમે જોયું હશે કે તમારા મિત્રનો મિત્ર હંમેશા તેની ટીકા જ કરતો હોય. તમારા બોસ સાથેની દરેક મીટિંગ પછી તમે તમારા વિશે ખરાબ લાગણી અનુભવતા હોવ એવું પણ લાગ્યું હશે. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે આ તંદુરસ્ત ક્રિયા-પ્રતિક્રિયાઓ નથી તો આ ભાવનાત્મક દુર્વ્યવહારના સંકેતો હોઈ શકે છે.

લાગણીનો કે ભાવનાત્મક દુરુપયોગ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ડર, અપમાન અને અલગ પાડવાની યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા સાથે ચાલાકી કરે છે. આ વર્તણૂકને વહેલી તકે ઓળખવી મહત્વપૂર્ણ છે જેથી કરીને તમે તમારી જાતને અથવા કોઈ પ્રિય વ્યક્તિને મદદ કરી શકો. આવી પ્રયુક્તિને કેવી રીતે ઓળખી શકાય?

ધ ઈમોશનલી એબ્યુઝિવ રિલેશનશિપ સહિત અનેક પુસ્તકોના લેખક બેવર્લી એન્જેલના જણાવ્યા અનુસાર, ભાવનાત્મક દુર્વ્યવહાર એ કોઈપણ બિન-શારીરિક વર્તન છે જેનો ઉદ્દેશ્ય અન્ય વ્યક્તિને અંકુશિત કે સજા કરવાનો, ઉતારી પાડવાનો અથવા અલગ કરવાનો હોય છે. આવો ભાવનાત્મક દુર્વ્યવહાર ઘણા પ્રકારના સંબંધોમાં થઈ શકે છે, માત્ર રોમેન્ટિક સંબંધોમાં જ નહીં. તે માતાપિતા અને બાળક, શેઠ અને નોકર(કર્મચારી), શિક્ષક, કોચ કે વિદ્યાર્થીના સંબંધમાં પણ હોઈ શકે છે.

લેખિકા એન્જેલના જણાવ્યા મુજબ, ભાવનાત્મક દુર્વ્યવહાર અજાણતા થતો હોય તેવું બની શકે છે, જેમાં વ્યક્તિને ખ્યાલ નથી આવતો કે તેઓ કોઈ બીજાને નુકસાન પહોંચાડી રહ્યા છે. આવું ખૂબ નજીકના સંબંધોમાં જોવા મળે છે, અને ઘણુંખરું આની સામે વ્યક્તિ ભાગ્યે જ વિરોધ નોંધાવતી હોય છે. હવે જાણીએ ભાવનાત્મક દુરુપયોગના ચિહ્નો. આમ તો વ્યક્તિએ વ્યક્તિએ તે અલગ અલગ દેખાઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે નીચેની વર્તણૂકો દ્વારા ઓળખી શકાય છે.

1. અપમાન (Insult)

દુરુપયોગ કરનાર સતત કોઈ બીજાને, એકલા અથવા અન્ય લોકોની સામે અપમાનિત કરે છે. જ્યારે પીડિત વાત કરે છે ત્યારે તેઓ તેની વાત પર ખંધું હાસ્ય કરે છે, તેમને કોઈ ઉપનામ આપી દે, ચહેરો બગાડે કે તેમના તરફથી આંખો ફેરવી દે છે. તેઓ પીડિત વ્યક્તિ જે પણ કરે છે તેની બિન-રચનાત્મક રીતે ટીકા પણ કરી શકે છે! આવો વ્યવહાર અપમાનજનક કહેવાય, અને સતત અપમાન કોઈપણ વ્યક્તિના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે.

2. સાંવેગિક શોષણ (Emotional Blackmail)

બીજો દુર્વ્યવહાર બ્લેકમેલ કરવાનો છે. આ એક પ્રકારે વ્યક્તિની લાગણીની છેડતી કે દમન છે. જો પીડિત માંગણીઓ ન સ્વીકારે તો દુરુપયોગકર્તા પીડિત પાસેથી કંઈક રોકવાની કે અમુક જ પ્રકારના વર્તન કરવાની ધમકી આપે છે. જેમાં નીચેની જેવી માંગણીઓ સામેલ હોય છે:

  • જો તું સારા માર્કસ નહીં લાવશે તો હું દિવસમાં એક જ વાર જમીશ.(અથવા જમવાનું છોડી દઇશ!)

  • જો તમે મારી સાથે મારી ઈચ્છા મુજબ સેક્સ નહિ કરો, તો હું તેને બીજે ક્યાંક શોધીશ.

  • જો તમે મારી ઈચ્છા પ્રમાણે નહિ કરો તો નોકરીમાંથી છૂટા કરીશ.

  • જો તમે બાઇક નહીં અપાવશો તો ઘર છોડી ચાલી જઈશ.

  • જો તમે X સાથે દોસ્તી રાખશો તો હું Y ને દોસ્ત બનાવીશ.

3. કૃત્રિમ ઢોંગ (Gaslighting)

અહીં દુર્વ્યવહાર કરનાર વ્યક્તિ, પીડિતને તેના પોતાના પર જ અવિશ્વાસ કરવા પ્રેરિત કરે છે! મતલબ, કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક અન્ય વ્યક્તિ સાથે તેમના પોતાના વિચારો અથવા વાસ્તવિકતા પર શંકા કરવા અથવા અવિશ્વાસ કરવા માટે છેડછાડ કરે છે. ઘણીવાર લાંબા સમય સુધી દુરુપયોગકર્તા કપટી નાટક સર્જે છે અને પીડિત વ્યક્તિ અનુભવવા લાગે છે કે સંબંધમાં રહેલા તણાવ માટે પોતે જ દોષી છે! પરિણામે, પીડિત ઘણીવાર ગુનેગાર પર નિર્ભરતા દાખવતી થઈ જાય છે અને આત્મવિશ્વાસ, આત્મસન્માન અને માનસિક સ્થિરતા પણ ગુમાવી દે છે. આ ખતરનાક વિડંબણા હોય છે.

4. મિલકત પર આક્રમણ

ભાવનાત્મક દુરુપયોગ એ પણ છે કે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને સંપત્તિ દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. એક વિચારક ડૉ. કાર કહે છે કે દુરુપયોગ કરનાર અન્ય વ્યક્તિની સંપત્તિ કે તેમના નાણાં પર નિયંત્રણ પણ લઈ શકે છે અથવા અમુક વસ્તુઓ, પાલતુ પ્રાણીઓને પણ બંધક બનાવી શકે છે. સારાંશમાં, ભાવનાત્મક દુરુપયોગ એ શોષણ કે હડપ કરવાની પ્રવૃત્તિ જ છે. પરંતુ કેટલીક વખત તે સાહજિક રીતે થતું હોય છે તો કેટલીક વખત પાકી ગણતરી સાથે થતું હોય છે. આપ ચિંતન કરો અને સાવધ રહો!

મિત્રો, આવી રસપ્રદ અને ઉપયોગી સામગ્રી વાંચવા-માણવા માટે નીચેની લિન્ક દ્વારા સભ્ય બનો, અને અન્યોને પણ બનાવો:


60 views0 comments

Comments


bottom of page