top of page

જાણો દુનિયાની ભાષાઓનું મહત્વ!

માનવજાતે પ્રાકૃતિક રહસ્યો અને પ્રાદેશિક વિવિધતાઓને જાણવા માટે શક્ય હોય એટલું ભ્રમણ કરવું પડે આ માટે ભાષાની જાણકારી વિનાનું ભ્રમણ માત્ર ‘રખડપટ્ટી’ જ બની જાય! વિકાસની વિસ્તરતી ક્ષિતિજોમાં હવે ધરતીના એક છેડાથી બીજા છેડા સુધીની દુનિયા સુધી પહોંચવું તો આસાન બન્યું છે. પણ એકબીજાના સંવાદ માટે તો જે તે ભાષાનું કૌશલ્ય જોઈશે જ ને? વૈશ્વિકીકરણના વધતા વ્યાપ સાથે વિદેશી ભાષાઓ શીખવા તરફનું વલણ વધતું જણાય છે. ચાલો, જાણીએ કે વિશ્વમાં કઈ કઈ ભાષાઓ સૌથી લોકપ્રિય બની છે?

મેનડ્રેઇન-ચાઇનીઝ ભાષા ધંધાકીય વિસ્તારના સંદર્ભમાં સૌથી મહત્વની ભાષા બની છે. વિશ્વમાં અંદાજે સવા અબજ લોકો બોલે છે. જેમાંથી લગભગ નવ મિલિયન મેન્ડરિન ભાષા બોલનારા છે. કેટલાક નિષ્ણાતોના મતે ભારત અને ચીન વચ્ચેના વેપારને કારણે આ ભાષાઓ શીખવાનું વલણ વધ્યું છે. ભારતીય ઉદ્યોગ સંસ્થાના આંકડાઓ મુજબ છેલ્લા 15 વર્ષમાં ભારતમાં જુદા જુદા ક્ષેત્રમાં ચીનની 150 કંપનીઓએ 30 બિલિયન ડોલરનું મૂડીરોકાણ કર્યું છે. અર્થાત્ ચીનની આવી કંપનીઓમાં રોજગારીની તકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ વધશે એમાં આ ભાષા શીખવી અનિવાર્ય બનશે.

ચાઈનીઝ પછી દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષા છે સ્પેનિશ. આ ભાષા દુનિયાના લગભગ 53 કરોડ લોકો દ્વારા 21 જેટલા દેશોમાં બોલાય છે. આપણે ત્યાં પણ ઘણી યુરોપીયન કમ્પનીઓએ પોતાના ઔદ્યોગિક એકમો સ્થાપેલા છે જેમાં ટ્રાવેલ, ભાષાંતર, શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સંદેશાવ્યવહાર જેવા ધંધાકીય ક્ષેત્રો સમાવિષ્ટ છે. પોર્ટુગીઝ ભાષા લગભગ 230 મિલિયન લોકો બોલે છે. જર્મની, ફ્રેંચ અને ઈટાલિયન કરતા પોર્ટુગીઝ વસ્તીમાં આગળ છે અને આ તેની રાષ્ટ્રીય ભાષા છે. ભારત અને બ્રાઝિલ વચ્ચેના રાજદ્વારી સંબંધો સુધારતા તેનો વ્યાપ ઠીક ઠીક વધ્યો છે. તેથી હિસાબી વ્યવસ્થા, ટેકનિકલ સહાય, નાણા નિકાસ, પ્રવાસ અને શિક્ષણમાં તેની માંગ વધી રહી છે.

જર્મન ભાષા દુનિયામાં ત્રીજા નંબરની લોકપ્રિય ભાષા છે. જે યુરોપ અને જાપાનમાં અંગ્રેજી પછી સૌથી વધુ વપરાય છે. જર્મની ભાષાને જન્મજાત બોલનારા લગભગ 89 થી 110 મિલિયન લોકો છે. જર્મનીઓ માટે ઘણી નોકરીઓ અમેરિકામાં છે, તેથી જર્મન ભાષા આવડતી હોય તો જર્મની અને અમેરિકા બંને દેશમાં નોકરીની તકો વધી જાય છે સ્વાભાવિક છે. દુનિયાના પાંચ ખંડોમાં લગભગ 220 મિલિયન લોકો ફ્રેન્ચ ભાષા બોલનારા છે. દરેક ફ્રેંચ યુનિવર્સિટી ઉપરાંત યુરોપની મોટાભાગની બિઝનેસ સ્કૂલ (સંસ્થાઓ)માં આ ભાષા શીખવાની તક મળે છે. જો આ ભાષાનું સારું જ્ઞાન હોય તો ફ્રાંસ સરકાર અનુસ્નાતક અભ્યાસક્રમોમાં કેટલીક ખાસ સહાય આપે છે. જો તમે હોટેલ, ફેશન, આર્ટ્સ અને થિયેટર સાથે સંકળાયેલા હોય તો વિશ્વમાં ગમે ત્યાં નોકરી વ્યવસાયની સારી તક ઉપલબ્ધ બને છે.

વિશ્વમાં અંદાજે ૩૦૦ મિલિયન લોકો રશિયન ભાષા બોલે છે. રશિયા સાથે ભારતના સંબંધો ઘણા જૂના અને મજબૂત છે. ઇજનેરી, ઓઇલ-ગેસ, શસ્ત્ર ઉત્પાદન વગેરે જેવા ક્ષેત્રમાં બંને દેશમાં દેશની ભાગીદારીથી અનેક એકમો સંકળાયેલા છે તેથી વ્યક્તિના બાયોડેટામાં રશિયન ભાષાની જાણકારી કે જ્ઞાન વ્યક્તિનું મહત્વ વધારી દે છે. અંગ્રેજી અને ચાઈનીઝ પછી એશિયામાં ઇન્ટરનેટ પર દેખાતી બીજી કોઈ મહત્વની ભાષા હોય તો તે છે જાપાનીઝ. ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી જાપાની કંપનીઓ અને કર્મચારીઓ સાથે સંદેશાવ્યવહાર વધ્યો છે. સોની, ટોશીબા, હોન્ડા, ટોયોટો જેવી કંપનીઓનું વિશાળ બજાર ભારતમાં છે, તેથી જાપાનીઝ ભાષા બોલનારાઓ માટે અહીં જ મોટી તકો પ્રાપ્ત થઈ શકે તેમ છે.

પ્રથમ ભાષા તરીકે 63 મિલિયન લોકો ઇટાલિયન ભાષા બોલનારા છે, જ્યારે ત્રણ મિલિયન લોકો તેને બીજી ભાષા તરીકે ઉપયોગમાં લઇ રહ્યા છે, ઇટાલીની કેટલીક જાણીતી કંપનીઓ જેવી કે Gucci, Fiat, Benetton, Ferrari, Lloyd વગેરેથી ભારતીઓ અજાણ નથી. ફિલ્મ ઉદ્યોગ તથા ડિઝાઇનના ક્ષેત્રે આવા એકમોના ધંધાકીય વ્યવહારો ઘણા છે તેથી આવા ક્ષેત્રે આગળ વધવા માંગતા હોય તેઓએ ઇટાલિયન ભાષાનું જ્ઞાન મેળવી લેવું જોઈએ.

દુનિયાના આરબ દેશોમાં સૌથી વધુ બોલાતી ભાષા અરેબિક છે. જેનો ઉપયોગ લગભગ ૩૦૦ મિલિયન લોકો કરે છે. વિશ્વના 14 દેશોની તે પોતાની ભાષા છે. દુબઈ, બહેરીન, કતાર, ઓમાન અને કુવૈત જેવા દેશો સાથે વેપાર-વાણિજ્ય કે પ્રવાસ સાથે જોડાયેલી પેઢીઓને આ ભાષાની જાણકારીવાળા માણસોની ઘણી જરૂર રહેતી હોય છે. દક્ષિણ કોરિયામાં 48 મિલિયન, ઉત્તર કોરિયામાં 24 મિલિયન, ચીનમાં બે મિલિયન અમેરિકામાં એક મિલિયન અને જાપાનમાં પાંચ લાખ લોકો દ્વારા બોલાતી ભાષા વૈશ્વિક વ્યાપાર ધંધાની મહત્વની ભાષા છે. સેમસંગ, LG, હુન્ડાઈ જેવી કંપનીઓ આપણે માટે અજાણી નથી આવી કંપનીઓના વિદેશી એકમોમાં પોતાની ભાષા જાણનારાઓની ખાસ માંગ રહેતી હોય છે.

આ બધી જ ભાષાઓનું પોતાનું અલગ બંધારણ છે. તેમાં અંક અને અક્ષરો છે. સાથે જ તે બધાના મહત્વ અને ખાસ ઉપયોગો અને સ્થાન છે. જે અંગ્રેજીમાં બોલાય છે, તે જ ગુજરાતી કે અરેબિકમાં કઈંક ક જુદી જ રીતે બોલવું પડે! એટલા માટે ઘણીબધી ભાષાઓ શીખવી માણસ માટે કપરું કામ છે. વિનોબાજી 14 જેટલી ભાષાઓ બોલી શકતા હતા એ આપણે માટે વિરલ અને ગૌરવવંતુ ઉદાહરણ છે, ખરું? આપણે ત્યાં ગણિત-વિજ્ઞાનના મહત્વ સામે ભાષા શિક્ષણ ગૌણ અથવા નેપથ્યમાં ધકેલાયેલું જણાય છે ત્યારે આ વિચારો વાચકોને પ્રેરિત કરવામાં ઉપયોગી નીવડશે તેવી શ્રદ્ધા છે.

ભાષા અભિવ્યક્તિનું ઘરેણું છે, અને અભિવ્યક્તિની કળા શીખવી પડે! જો આપ રસ ધરાવતા હોવ તો નીચેની લિન્ક દ્વારા અમારા mini course માં જોડાવ...


24 views0 comments

Comments


bottom of page