રવિવારની સવારે ચા ની સાથે છાપાઓ લઈને જમીન પર બેસવાનો જે થોડો અવસર મળે છે, મને લાગે છે કે તે જ આખા અઠવાડિયાની ચાપુક અમથી શિક્ષણમય સવાર હોય છે. બાકી તો રોજીંદી ઘટમાળમાં શિક્ષણ સાથે સંકળાયેલ લોકો માટેય, માત્ર જૂની રેકર્ડ વગાડ્યા કરવાની હારાકીરી જ હોય છે. તમે બધા ભલે મારી સાથે સંમત ન થાવ તો પણ બદલાતી જીવન પદ્ધતિમાં શિક્ષણ વ્યવસ્થા ગુરુકૂલ સ્ટાઇલની રહે તેમાં મન નથી માનતું!
યુગો યુગોથી જોવાતું આવ્યું છે કે વર્તમાનમાં, હંમેશા લોકો ક્યાં તો ભૂતકાળની અથવા તો ભવિષ્યની સ્થિતિની પળોજણમાં જ ઉલઝ્યા રહે છે. શિક્ષણ પણ તેમાથી બાકાત નથી. હા, એક વાતનો આનંદ એ રહે ખરો કે લોકો લખે છે, વાંચે છે, ચિંતન-મનન કરે છે. અર્થાત ખાંખાખોળા કરવાની આ પ્રવૃત્તિ શિક્ષણમાય ભલે ન હોય, શિક્ષણ સાથે સંબંધિત તો છે પછી ભલે ને તેમાં વર્તમાન સિવાયની ચર્ચા વધુ થતી હોય.
આપણને (સમગ્ર મનુષ્ય જાતને) મોટેભાગે ઇતિહાસ સાથે સરખામણી કરવાની આદત પડી ગઈ છે. વળી તે એટલી સાહજિક હોય છે કે ભલભલા અનુભવી અને વિદ્વાન વ્યક્તિઓ પણ તેમાંથી બાકાત રહી શક્તા નથી. ઈતિહાસનું મહત્ત્વ એટલા માટે છે કે ભૂતકાળની સારી બાબતો આપણે ટકાવી શકીએ અને જે ભૂલો થઈ હોય તેમાંથી બચી શકીએ. પણ આવું થાય છે ખરું? ઇતિહાસ સાથે જેમણે સરખામણી કરી છે તેઓએ ભૂલો સુધારવાની વાત તો ઠીક, હંમેશા વિવાદો ઊભા કર્યા છે અને અરાજકતા જ સર્જી છે. છૂટાછવાયા અપવાદોને બાદ કરો તો આપ મારા વિચાર સાથે સંમત થઈ શકશો.
શિક્ષણની ચર્ચામાં પણ જ્યારે જ્યારે ઇતિહાસ કે પ્રાચીન વ્યવસ્થાને યાદ કરાઇ છે કે સરખામણી સ્વરૂપે રજૂ કરવામાં આવી છે ત્યારે મોટેભાગે આપણને હતાશા કે દુ:ખ જ હાથ લાગ્યા છે! પહેલાના જમાનામાં તો સુંદર મઝાના આશ્રમમાં રહેવાનુ , અહા ! કેવા મઝાના સાદગીપૂર્ણ ગુરુઓ, ગુરુ-શિષ્યો વચ્ચે કેવા ગરિમાપુર્ણ સંબંધો... એમ હજી થોડું ઉમેરતા રહેવાય. પણ એ વ્યવસ્થામાં સ્ત્રીઓનું મહત્ત્વ કેટલું સ્વીકાર્ય હતું? ભણવા માટે તેમને કેટલી અનુકૂળતા અપાતી? આખા દેશની વિશાળ વસ્તીને સાક્ષર બનાવવામાં ગુરુકૂલ વ્યવસ્થા કારગત હતી? અભ્યાસક્રમની ચોક્કસ રૂપરેખા વિના બેરોજગારી કે ગરીબીનો પ્રશ્ન હલ કરવા તે સક્ષમ હતી?
આવા પ્રશ્નો વિચારીએ તો આજની આધુનિક શિક્ષણ વ્યવસ્થા ચઢિયાતી જણાય છે. તેમાં ઉપરના જેવા અનેક પ્રશ્નોનું સમાધાન મળે છે. પૌરાણિક શિક્ષણ વ્યવસ્થામાં જે સારું હતું તેમાં શારીરિક શ્રમ ઉપર ભાર, નિયમોનું ચુસ્ત પાલન વગેરેને ગણાવી શકીએ અને તેને અપનાવવાના પ્રયત્નો વર્તમાન પરિવર્તનોના સંદર્ભમાં કરતાં રહીએ, પરંતુ સાંપ્રત સમયમાં શિક્ષકો બાઇક કે કારને બદલે ચાલતા કે સાઇકલ પર આવે એ શક્ય બનવાનું નથી તો પછી તેની ટીકા-ટીપ્પણી શાને?
આશ્રમ કે જંગલમાં રહીને ભણનારા શિષ્યોમાંના મોટાભાગના (કૃષ્ણ, અર્જુન, કર્ણ..)બહુ ધનાઢ્ય પરિવારના હતા. એમના ગુરુઓ(ઋષિઓ)નું ભરણ, પોષણ અને રક્ષણ રાજાઓ દ્વારા થતું હતું. આજનો શિક્ષક બીમાર પડે તો કયો પાડોશી (કે સમાજ સભ્ય) રૂપિયા લઈને તેની પાસે પહોંચી જાય છે?!
કેટલાક લોકો કહે છે કે પહેલાના શિષ્યો આજના વિદ્યાર્થીઓ કરતાં ઘણા આજ્ઞાંકિત હતા. સાચી વાત, કેમ કે તે વખતની સમાજવ્યવસ્થા જ પુરુષોના ધાક-ધમકી અને મારથી નિયંત્રિત હતી! મનીપાવર અને મસલપાવરની બોલબાલા જૂના જમાનામાં પણ વધુ સક્રિય અને અમલી હતી. છોકરો સોંપેલું કામ ન કરે કે ભણવાની આનાકાની કરે તો ઋષિઓના જમાનાના વાલીઓ ડાહ્યાડમરા હતા એમ માનો છો? શારીરિક શિક્ષા અને હિંસાના ભયમાં એ શિક્ષણ વ્યવસ્થા ચાલતી હતી. યોગ્ય હતી શું? તો પછી આ બધાથી મુક્ત આજની વ્યવસ્થાને નકામી શાને ગણવી?
વર્તમાનની ટીકા કરવા માટે, ઇતિહાસની સારી વાતો રજૂ કરીને, તેની નબળી અને ધૃણાસ્પદ બાબતોનો ઢાંકપિછોડો કરવાની માનસિકતા બદલવાની જરૂર છે. કાળક્રમે સામાજિક વ્યવસ્થા બદલાય એટલે શિક્ષણ બદલાય, આમાં કોણ પહેલું બદલાય છે તેની 'બુદ્ધિજીવી ચર્ચા' માં પાછા ન પડીએ. બંને એકમેકના પૂરક છે એટલું સ્વીકારી લઈએ અને આડેધડ મુલવણી કરવાનું માંડી વાળીએ.
શાસન વ્યવસ્થામાં 'સરકાર' હંમેશા સર્વોપરી જ રહેવાની અને ભારત જેવા દેશમાં સર્વધર્મ, સર્વજાતિ અને સાક્ષર-નિરક્ષર બધા લોકોને પ્રજાના પ્રતિનિધિ બનવાની તક મળે છે એટલે શિક્ષણ વ્યવસ્થા કોના હાથમાં જાય છે, જે તે સરકારની કામ કરવાની ફિલસૂફી કેવી છે વગેરે બાબતોનો પ્રભાવ રહેવાનો જ. પરિણામે કોઈપણ કાળે શિક્ષણ વ્યવસ્થા 'સો ટકા' થવાની જ નથી!
તો હવે આપણે શું કરવાનું? આપણી અંદર જે શ્રેષ્ઠ છે તે અન્યોને આપતા રહેવાનુ. ઈતિહાસની સારી વાતો અપનાવવી અને ભૂલોનું પુનરાવર્તન ન કરવાનું. ને એમ દીવે દીવો પ્રગટાવતા રહેવાનુ!!
Comments