top of page

ટ્રાફિક વ્યવસ્થા માટે કેટલાક સુચનો

Updated: Feb 2, 2022

સુજ્ઞ વાચક મિત્રો,

ભારતના દરેક મોટા શહેરની એક સમસ્યા ટ્રાફિકની છે. આના ઉકેલ માટે કેટલાક સૂચનો સીધા ઈમેલ દ્વારા સુરત ટ્રાફિક વિભાગને પહોંચાડ્યા છે. અહીં એ સૂચનો આપને માટે પણ મૂક્યા છે આપના પ્રતિભાવો મળશે એવી આશા છે. વાંચો ત્યારે...

1) ગમે તે સ્થળે પાર્ક કરેલા વાહનોને ઉપાડી જતું વાહન(Towing Van) અને કર્મચારીઓ “ચોરી કરીને ભાગતા” હોય તે રીતે શા માટે વર્તે છે? આવા કિસ્સામાં જો કસૂરવાર તૈયાર હોય તો પોલીસ ખાતું સ્થળ પર જ દંડની વસૂલાત શા માટે નથી કરતું?

2) જે સ્થળેથી વાહન ઉપાડીને ટ્રાફિક વાન લઈ જાય છે તેની જાણ વાહન ચાલકને કરાતી નથી. ઉપાડી લીધેલું વાહન ક્યાંથી છોડવાનું છે તેની કોઇ જાણકારી પોલીસ ખાતું છોડી જતી નથી. આ અંગે ટ્રાફિક પોલીસ વાહનોના નંબર થકી વાહનચાલકને તુરંત સીધા જ ટૂંકા સંદેશા(Text Message)થી જાણ કેમ ન કરી શકે?

3) વાહનો છોડાવવા દંડ ભરવાની જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ (UPI, Google Pay, Paytm)ની સુવિધા શા માટે નથી હોતી? સરકાર ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહિત કરે છે તો પોલીસ ખાતું એવી વ્યવસ્થાથી દૂર કેમ ભાગે છે?

4) ગાઢ કાળા રંગના કાચ લગાડેલ કેટલીયે કાર શહેરમાં કે બહાર ફરે છે. શું આ બધી જ ખાસ વ્યક્તિઓ માટેની જ હોય છે? આવા કાચ લગાડેલ કાર પાસેથી દંડ વસૂલ કરવા ઉપરાંત તાત્કાલિક એવા કાચ દૂર કરાવી દેવાનું કાયદો ના પાડે છે શું? કે પોલીસ ખાતું સ્વયં કોઈ ટૂંકા રસ્તા અપનાવી કાયદાની અવગણના કરે છે?!

5) ટ્રાફિક નિયમન સંબંધિત જઘન્ય ગુના (જેવા કે કોઈને અડફટે લેવા, અસાધારણ ઝડપથી વાહન ચલાવવું, ટોલ નાકાના કર્મચારીને મારવા વગેરે) કરનાર વાહનચાલકો પાસે દંડ ઉપરાંત એક માસ કે વધુ સમય સુધી વાહન અને લાયસન્સ બંને તત્કાલિક ધોરણે જપ્ત થવા જોઈએ. આવું થાય છે ખરું?

6) ખાનગી ધંધાદારી મકાનો, એપાર્ટમેન્સ, ઓડિટોરિયમ, ખુલ્લા પાર્ટી પ્લોટ કે સરકારી મકાનોના પ્લાન મંજૂર કરવાની સાથે ટ્રાફિક પોલીસ કચેરી પાસેથી પણ પાર્કિંગ સુવિધાની યોગ્યતાની મંજૂરી ફરજિયાત મેળવવા બાબતે ટ્રાફિક પોલીસ વિભાગ સરકારને શા માટે નથી જણાવતી? પહેલા પાર્કિંગ વગરની જગ્યાઓ ઊભી કરવા દેવી, ને પછી વાહનો ઉપાડી જવા એ કમાણી કરવા માટે છે શું?!

7) રસ્તો ક્રોસ કરનાર રાહદારી, ઝેબ્રા ક્રોસિંગથી જ રસ્તો ક્રોસ કરે તે માટે શહેર ટ્રાફિક પોલીસ મોટા પાયે ખાસ અભિયાન શરૂ કરે. ગમે ત્યાંથી રસ્તો ક્રોસ કરનાર રાહદારી પાસેથી પણ સ્થળ પર નાની રકમનો દંડ વસૂલવાનું ન વિચારી શકે ?

8) લાયસન્સ મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શી અને કડક માપદંડો (કસોટી) સાથે થાય છે ખરી?! ટ્રાફિક વિભાગ અને RTO વચ્ચે યોગ્ય અને કાર્યક્ષમ સંકલન દેખાતું નથી, તેથી નિયમો અને કાયદાની એસી-તેસી થાય છે. ઘણી વખત ટ્રાફિક સાથે સંકળાયેલા લોકો જ આમાં સામેલ હોય છે! આનો ઉપાય તો પોલીસ ખાતું જ આપી શકે ને?!


પ્રજાકીય સુખાકારી અને સુશાસન સ્થપાય તે માટે પરિવહનના નિશ્ચિત ધારા-ધોરણોનું પાલન દરેક નાગરિકે કરવું જોઈએ, પણ તેની સાથે આ વ્યવસ્થા સંભાળનાર વિભાગ(કે ખાતા)ની ત્રેવડ પણ એટલી જ મહત્ત્વની છે. એક નાગરિક તરીકે આટલા વિચારો તમારી સમક્ષ મૂક્યા છે, આશા છે કે આપને યોગ્ય લાગ્યા હશે. આપના પ્રતિભાવો આપશો તો આવા પ્રશ્નોની રજૂઆત માટે નવું બળ મળશે.


આ ઉપયોગી અને અનોખી વેબસાઇટમાં છે

ઓનલાઈન કોર્સિસ, પુસ્તકો અને અદભૂત લેખોનો ખજાનો!

નવું જાણવા અને શીખવા માટે સભ્ય બનો, આજે જ. ક્લિક કરો આ લિન્ક પર:

61 views0 comments

Comments


bottom of page