top of page

તરુણોની આત્મહત્યા: થોડાં ઉપાયો

શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ અનેક પ્રશ્નો હવે આવવાના નક્કી છે. સરકારે શાળાઓ શરૂ થવાની જાહેરાત કરી છે છતાં એ બધું રાતોરાત યથાવત થવાનું નથી જ. ઓનલાઈન કે ઓફલાઈન ભણતા વિદ્યાર્થીઓને સર્વેક્ષણમાં એક પ્રશ્ન પુછાયો હતો કે, ‘તમને અભ્યાસનું ટેન્શન રહે છે?’ અડધાથી વધુ વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો હતો કે, ‘હા, હું હંમેશા તણાવ અને ઉગ્રતા અનુભવું છું.’ કિશોર અને તરૂણ અવસ્થાના બાળકોની પાસે શાળા અને ઘર જે અપેક્ષાઓ રાખે છે તેનાથી તેઓ બહુ ચિંતિત હોય છે. તેઓ ભલે બોલી શકતા ન હોય પરંતુ તેમના મનમાં જે મથામણ ચાલતી હોય છે તેને શબ્દોમાં ઢાળું તો ‘…અમારે ઓછા સમયમાં ઘણું બધું કરવાનું દબાણ હોય છે અને અમને સાંભળવા વડીલો પણ ઘણી વખત તૈયાર હોતા નથી...’

આવા બાળકો માટે ગૃહકાર્યનો બોજ અને ઈતર પ્રવૃત્તિ(રમત, સંગીત, નૃત્ય વગેરે શીખવા)નો બોજ માનસિક દબાણ ઊભો કરતો હોય છે. માતાઓ કબૂલે છે કે પોતાના સંતાનને જીવનની ઘણી બધી કલાઓ શીખવવા માટે પોતે આમથી તેમ દોડતી જ રહે છે. બાળકોને માંડ અન્ય પ્રવૃત્તિ કરવાનો સમય મળતો હોય ત્યાં તેમણે પોતાની ગમતી પ્રવૃત્તિનો અવકાશ જ ક્યાંથી હોય? તેવા સંજોગોમાં ફૂટબોલ રમનારે વિડીયો ગેમથી અને સાઇકલ ચલાવનાર શોખીને બેડમિન્ટનથી કામ ચલાવી લેવું પડતું હોય છે!!

તરુણોની સમસ્યા ગુંગળામણની હોય છે. તેમને કહેવું ઘણું હોય છે, પણ બોલવાની તક નથી હોતી! જ્યાં તક હોય છે ત્યારે બોલવા માટે હિંમત આપનારું કોઇ નથી હોતું. પરિણામે સંવેદના ઉત્તેજના બનીને સમાજને આંચકો આપી જતી હોય છે. તરુણોની સાથેની સમસ્યા ઘણું ખરું અભ્યાસ અને મોબાઈલ સાથે જ સંકળાયેલી હતી. ક્યાંક રિલેશનશિપનો મુદ્દો પણ હશે. તરુણો સાથે સંકળાયેલા આવા જ તો મુખ્ય પ્રશ્ન હોય છે ને?! આ બધાને સંભાળવામાં બાળકોના કે તરુણોના મનોવિજ્ઞાનને સમજવું પડે. પણ આવા ઘરો કેટલા હોય છે?

શાળાની પરીક્ષામાં જ ઉત્તમ દેખાવ પાછળ સૌથી વધુ સમય વ્યતીત કરનારા વાલીઓ પોતાના સંતાનોની સંવેદના અને ઈચ્છાઓને સમજવા કેટલો સમય ફાળવતા હશે? કદાચ નહિવત. હા, વડીલો સામે ઘરની બીજી સમસ્યાઓ હશે. આર્થિક સંકડામણ, નાદુરસ્ત તબિયત કે સ્વકેન્દ્રીય પ્રવૃત્તિઓનો લગાવ જેવા મુદ્દાઓ પણ ઘર ઘરની કહાની હોય છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે વડીલો અને તરુણોની માનસિકતા જુદી હોય છે. જીવનના પડકારોને સહન કરવાની ક્ષમતા બંને ઉંમરના લોકો માટે એક સરખી હોતી નથી.

શક્ય છે કોરોના પછીની સ્થિતિમાં આવી આફતો વધશે. તેથી રૂપિયા કમાવાની સાથે-સાથે ધીરજ અને કુટુંબના સભ્યો વચ્ચેનો પરસ્પર સહકાર અને સંવાદ પણ ચાલવો જોઈએ. આખરે સંપત્તિ કે રૂપિયા કમાવવાનું લક્ષ્ય સ્વજનોને ખોવા માટેનું તો ન જ હોય ને?! હવે શાળાઓ શરૂ થઈ છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓએ શાળાએ જવા અતિઉત્સાહી હશે, તો વળી કેટલાક ગભરુ બની ગયા હશે. આ બંને આત્યંતિક સ્થિતિમાં મગજને શાંત અને સ્થિર રાખવાની જવાબદારી વડીલો અને વાલીઓની જ છે. કંઈક એવું ન બને કે થોડા કટુવેણ કે ગુસ્સો અણધારી પરિસ્થિતિ સર્જી દે.

તરુણોમાં હોર્મોન અને વ્યક્તિત્વના ફેરફારો, વૈચારિક પ્રક્રિયાની અપરિપક્વતા, જાતીય ફેરફારો અને આવેગો, મિત્રોનો વધતો જતો પ્રભાવ, ઘટતી જતી રમત વ્યાયામની પ્રવૃત્તિઓ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોના વધુ ઉપયોગ જેવા અનેક પરિબળો જોવા મળે છે. આને પરિણામે તેઓ સતત તણાવ અનુભવતા હોય છે. સાંપ્રત સમયમાં અભ્યાસલક્ષી તાણ, કૌટુંબિક પરિબળો, વાલીઓની ઊંચી અપેક્ષાઓ, ભણતર પછીની અનિશ્ચિતતાઓ વગેરે જેવા કારણોને લીધે પણ તરૂણો અને યુવાનો હતાશા તરફ ધકેલાઈ જતા હોય છે, જે તેઓના માનસ પર ગંભીર નકારાત્મક અસરો પેદા કરે છે અને આત્મહત્યા તરફ પણ દોરી જતી હોય છે.

આ સમસ્યાના ઉકેલ માટે શિક્ષકો અને વાલીઓએ કેટલાક અવલોકનો કરવા જેવા છે. જો સંતાન કે તરુણો એકલા રહેવાનું વધારે પસંદ કરવા માંડે, વધુ પડતા બેચેન કે અપસેટ રહેતા હોય, વારંવાર ગુસ્સો કે રડવું આવતું હોય, આંખ મિલાવ્યા વિના વાતો કરતા હોય, શાળાએ જવામાં આળસ કે અનિયમિતતા દાખવતા હોય તો આવા ફેરફારોને અવગણવા જોઈએ નહીં. હા, એવું જરૂરી નથી કે આવા તરુણો આત્મહત્યા તરફ જ જશે પરંતુ સજાગ રહેવું જરૂરી હોય છે.

આવા સંજોગોમાં બીજું શું કરી શકાય? આવી વ્યક્તિ કે તરૂણોને બોલવાની તક આપો! તેને પોતાની મુશ્કેલી અંગે જે વાત કરવી હોય તે ખુલ્લા દિલે કહી શકે તેવું વાતાવરણ પેદા કરો. તેને શાંતિથી સાંભળો અને હા, કોઈ તાત્કાલિક સલાહ કે સૂચન આપવાનું ટાળો! આટલું કરવાથી પણ એમને ધીમે ધીમે નિરાશા કે હતાશામાંથી બહાર લાવી શકાય છે. માતા-પિતા, શિક્ષકો, શાળા કોલેજના સંચાલકો એમ તમામે પણ આત્મહત્યા અંગેની તમામ પ્રકારની જરૂરી જાણકારી મેળવવી જ જોઈએ.

કેટલાક સંશોધનો મુજબ ભારતમાં ૧૫થી ૨૯ વર્ષના તરૂણો અને યુવાનોમાં સૌથી વધુ મૃત્યુ આત્મહત્યાને કારણે થાય છે. અને તેથી જ ભારત દુનિયામાં ‘સ્યૂસાઇડ કેપિટલ ઓફ વર્લ્ડ’ તરીકે પણ ઓળખાય છે. આવા મોટાભાગના કિસ્સામાં(૯૦ ટકા કિસ્સાઓમાં) જોવા મળ્યું છે કે બાળકનો વાલી સાથે સંવાદ જ ઓછો હોય છે! તેથી વાલીને છેલ્લી ઘડી સુધી અંદાજ આવતો જ નથી. જે કિસ્સામાં આવું હતાશાજનક કે નિરાશાજનક અવલોકન જણાય છે ત્યારે તેની તરફ ‘સામાન્ય વર્તન’ સમજીને આંખ આડા કાન કરી દેવાતા હોય છે.

ઘણી વખત તરૂણો અને યુવાનોની આત્મહત્યા માટે શૈક્ષણિક સંસ્થા કે શિક્ષકોને જ જવાબદાર ઠેરવી દેવાતા હોય છે. હકીકત એ છે કે હંમેશાં આવી ઘટનાઓ માટે શિક્ષકો જ જવાબદાર હોતા નથી. હા, જો શાળામાં કાઉન્સેલર કે માનસિક આરોગ્ય સંબંધિત સારી સુવિધા ન હોય તો તે જે તે સંસ્થાની ઉણપ ગણી શકાય. ઉપરાંત, કેટલાક સંજોગોમાં શિક્ષકનું ક્રૂર કે અયોગ્ય વર્તન પણ તરુણમાં માનસિક હતાશાની તીવ્રતા વધારી દઇને આત્મહત્યા સુધી દોરી જતું હોય છે.

તેથી જ સમાજે વિચારવાનું રહે છે કે આવા આત્મહત્યાના બનાવવામાં કોઈ એક બે વ્યક્તિઓને જવાબદાર ઠેરવવા પાછળ પણ ઘણા લાંબા સમયનું અવલોકન હોવું જરૂરી છે. આપણે સૌ એ માટે થોડુંક ચિંતન અને મનન અવશ્ય કરીએ જ અને અપમૃત્યુમાંથી નવી પેઢીને બચાવીએ.

125 views2 comments

2 Comments


નિરાશાજનક ચિત્ર મળે!

Like

"...હકીકત એ છે કે હંમેશાં આવી ઘટનાઓ માટે શિક્ષકો જ જવાબદાર હોતા નથી. હા, જો શાળામાં કાઉન્સેલર કે માનસિક આરોગ્ય સંબંધિત સારી સુવિધા ન હોય તો તે જે તે સંસ્થાની ઉણપ ગણી શકાય."


ગુજરાતની કેટલી શાળાઓમાં ફૂલ-ટાઈમ કાઉન્સેલર છે? આ બાબતે સર્વે કરવા જેવો ખરો...

Like
bottom of page