સામાજિક પુનઃ રચના માટે શિક્ષણના ક્ષેત્ર કામ કરતી અનેક સંસ્થાઓ કાર્યરત છે તેમાં ધૂણી ધખાવનારી બે સંસ્થા એલ. એન. ટી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને નાયક ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી (ખારેલ) ખાતે કાર્યરત છે જે સરકાર સાથે સહયોગ સાથે સાધી ઉમદા કાર્ય કરી રહી છે. આ સંસ્થાઓ વિદ્યા (શિક્ષણ ઉત્કર્ષ) અને ઉદ્યમ (રોજગારી નિર્માણ)ના નામે બે મહત્વના ક્ષેત્રોમાં કામ કરી રહી છે.
વિદ્યા અંતર્ગત દક્ષિણ નવસારી જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓમાં ગણિત, વિજ્ઞાન-ટેકનોલોજીની સાથે સંસ્કારની પ્રવૃત્તિઓ ચલાવાય છે. ઉપરાંત શિક્ષકોના તાલીમ વર્ગો દ્વારા તેમની સજ્જતા વધારવાના પ્રયાસો ચાલે છે. જેમાં તાલીમ તજજ્ઞ તરીકે જોડાવાની બીજી તક મળી છે તેનો આનંદ છે. ઉદ્યમ અંતર્ગત ધોરણ 10 કે 12 પછી ન જ ભણી શકનારા આસપાસના ગામડાના યુવાનોને કૌશલ્યની કેળવણી માટે એક વિશાળ સંકુલ પણ ઊભું કરવામાં આવ્યું છે. ટ્રસ્ટ અને સંકુલના સૌને ખૂબ ખૂબ અભિનંદન. (આ બંને સંબંધિત ફોટા નીચે છે.)
શહેરથી દૂર આવેલી શાળાના શિક્ષકો વ્યવસાયિક રીતે પાછળ રહેવા માટે સુવિધાઓનો અભાવ, વિદ્યાર્થીઓનો નબળો પાયો અને વર્ગખંડના પડકારોનો અભાવ એ મહત્વના કારણો હોય છે. જો કે નવાઈની વાત એ છે કે જો શિક્ષકોનો હકારાત્મક અભિગમ કે ઝનૂન હોય તો આમાં 70% થી વધુ સફળતા મળી શકે છે.
દૂરસ્થ વિસ્તારના શિક્ષકોને ભાગ્યે જ મળતા પ્રેરણા કે પ્રોત્સાહન તાલીમી તજજ્ઞ જરૂર પૂરા પાડી શકે, પરંતુ એ સ્થાનિક સમાજ, સંસ્થા કે જૂથો દ્વારા પણ નિરંતર મળતા રહેવા જોઈએ. સરકારી વ્યવસ્થામાં નાણાકીય લાભ સિવાય ખાસ કશું જ અપાતું નથી. વળી, તેને બદલે ઘણીવખત વ્યવસાયિક ધાર બુઠ્ઠી થઈ જાય તેવા પ્રકલ્પો અને આદેશો જ વધુ હાવી બનાવી દેવાતા હોય છે!
આવા સંજોગોમાં નવસારી જિલ્લાના વાણિજ્ય પ્રવાહના લગભગ ૩8 શિક્ષકોને તાલીમ આપવાનો બે દિવસીય અવસર તા ૬ અને ૭ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ પ્રાપ્ત થયો. વાણિજ્યના શિક્ષકો માટેની પદ્ધતિસરની તાલીમનો અહીં આ સૌપ્રથમ અવસર હતો એવું શિક્ષકો તથા આયોજકોનું કહેવું હતું.
આ તાલીમમાં તજજ્ઞ દ્વારા વાણિજ્યના મુખ્ય વિષયના અધ્યાપનમાં ચોકસાઈ ઉપરાંત, પ્રશ્નપત્ર કૌશલ્ય પ્રત્યક્ષીકરણ, વર્ગખંડની
નવીન અધ્યાપન પદ્ધતિના સાદ્રષ્ટાંત ઉદાહરણો, અને મૂલ્યાંકન સામગ્રીના પ્રત્યક્ષીકરણનો અનુભવ આપવામાં આવ્યો. એક તજજ્ઞ તરીકે મારે પણ સતત શીખતા રહેવાનો અવસર હતો કેમ કે, વિદ્યાર્થીઓને ભણાવવા કરતા શિક્ષકોને ભણાવવું વધારે જવાબદારી પૂર્વકનું કાર્ય બનતું હોય છે. આ તાલીમમાં શિક્ષકોનો ઉત્સાહ અને એકાગ્રતા નોંધપાત્ર જણાયા હતા. આયોજકોને હૈયે પણ તેની ખુશી હશે જ વળી. સૌને અભિનંદન!
શિક્ષણની કોઈ પણ તાલીમ જો નવી શિક્ષણનીતિના ખ્યાલો સાથે શિક્ષણ મનોવિજ્ઞાન(પેડાગોજી)ને જોડીને આપવામાં આવે એ અત્યંત જરૂરી અને ફળદાયી પણ નીવડે છે. વાણિજ્યના શિક્ષકો માટેની આ તાલીમ એ રીતે ઉત્તમ અને સાનુકૂળ હતી એવું તાલીમી શિક્ષકોના પ્રતિભાવો પરથી જાણવા મળ્યું હતું.
L & T સંલગ્ન ટ્રસ્ટ દ્વારા નવસારી શહેર અને આસપાસના ગામડાની શાળાના શિક્ષણ ઉત્કર્ષ માટે જે કાર્યો થઈ રહ્યાં છે તેમાંનું એક આયોજન આ વાણિજ્ય પ્રવાહના શિક્ષકોની તાલીમનું હતું. અને આવી એક વ્યાવસાયિક તાલીમનો હિસ્સો બનવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું એની ખુશી હતી. કેટલીક વધુ ક્ષણો આ રહી.
આપ સૌ મિત્રોને આ વેબસાઇટ પસંદ આવી હશે જ. નવું જાણવા અને શીખવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.
Comments