ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાંના ભારતને યાદ કરું છું તો મને ગામડાની સ્ત્રીઓનું ‘ઘમ્મર વલોણું’ યાદ આવે છે. મોટા માટલામાં લાંબા વાંસ નીચે લાકડાનું એક ચક્કર લગાડેલું હોય અને પછી સામસામે બે સ્ત્રીઓ વાંસ પર વીંટાળેલી દોરી ખેંચીને દહીં-છાશ વલોવીને માખણ કાઢવાનું કામ કરતી. હવે એ પેઢી દૂર થઈને નવી સ્ત્રીઓનો જમાનો આવ્યો છે. તેમના હાથમાં ઘમ્મર વલોણું નથી, પણ ઈલેકટ્રિક બ્લેન્ડર (આધુનિક વલોણું) આવી ગયું છે! તેમના છોકરાઓ હવે કાપડના ચીંથરામાંથી બનાવેલ દડી, ગિલ્લી દંડા કે ભમરડા રમતાં નથી, તેઓ તો રમે છે બેટરીથી ચાલતાં સ્વયં સંચાલિત ઈલેકટ્રોનિકસ રમકડા!

વિશ્વમાં અને દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે ઝડપથી કમ્પ્યુટર, મોબાઈલ, ટેલિફોન, ટેલિવિઝન, એ.સી., વૉશિંગ મશીન, ઈલેકટ્રોનિકસ રમકડાં, ઈ.વી.કાર, સોલાર સંચાલિત ઉત્પાદનો વગેરે જેવા ઉપકરણોનો વપરાશ વઘ્યો છે તે જોતાં તેના ભંગાર કે કચરાના નિકાલની સમસ્યા માથાનો દુઃખાવો બનવાની છે. કેમ કે આવી વસ્તુઓમાં ઝેરી ધાતુ તત્ત્વો ઉપરાંત કેડમિયમ, સીસુ, પારો, આર્સેનિક જેવા ભયાનક રસાયણો મોજૂદ હોય છે. જો તેને જમીનમાં દાટવામાં ન આવે તો તે માત્ર હવાને જ નહિ, ભૂગર્ભના પાણીને પણ નુકસાન કરી શકે છે.
દુનિયામાં 2022માં 62 મિલિયન ટન ઈ-કચરો ઉત્પન્ન થયો હતો, જે 2010 થી 82% વધારે છે 2030માં વધુ 32% વધીને 82 મિલિયન ટન થવાના માર્ગ પર છે. UNના ચોથા ગ્લોબલ ઇ-વેસ્ટ મોનિટર (GEM)ના મતે વિશ્વમાં ઇલેક્ટ્રોનિક કચરાનું ઉત્પાદન, ઇ-વેસ્ટ રિસાયક્લિંગ કરતાં પાંચ ગણું ઝડપથી વધી રહ્યું છે. વિશ્વભરમાં, ઈ-વેસ્ટનું વાર્ષિક ધોરણે ઉત્પાદન 2.6 મિલિયન ટન વધી રહ્યું છે! વધુમાં, આવનારા વર્ષોમાં માઈક્રોસોફ્ટ ‘વિન્ડોઝ 10’ ની સમાપ્તિ લાખો કમ્પ્યુટર્સને નકામા બનાવી દે તેવા સમાચાર છે. કેનાલિસનો અંદાજ છે કે વિન્ડોઝ 10 માટે માઈક્રોસોફ્ટની સત્તાવાર સમાપ્તિ જે ઑક્ટોબર 14, 2025ની છે, તે પછી OS સાથે અસંગતતાને કારણે લગભગ પાંચમા ભાગના ઉપકરણો ઈ-વેસ્ટ થઈ જશે! જો કે, માઇક્રોસોફ્ટે એક નિવેદન બહાર પાડીને જાહેરાત કરી છે કે Windows 10 માટે એક્સટેન્ડેડ સિક્યુરિટી અપડેટ્સ ઓક્ટોબર 2028 સુધી ઉપલબ્ધ રહેશે. આફત થોડી લંબાશે એટલો હાશકારો બીજું શું?!
ચીન અને અમેરિકા પછી ભારત હાલમાં વૈશ્વિક સ્તરે ઈ-વેસ્ટના સૌથી મોટા ઉત્પાદકમાં ત્રીજું સ્થાન ધરાવે છે, ભારતમાં ઈ-કચરાનું પ્રમાણ 2021-22માં નોંધપાત્ર રીતે વધીને 1.6 મિલિયન ટન થયું છે. ભારતના 65 શહેરો કુલ ઉત્પાદિત ઈ-કચરાના 60% થી વધુ, જ્યારે 10 રાજ્યો કુલ ઈ-કચરાના 70% પેદા કરે છે.

અધુરામાં પૂરુ અન્ય દેશો પર રહેમ નજર રાખવામાં આપણે એમનો કચરો પણ આપણે ત્યાં લાવતાં રહ્યા છે. (જાણે ભારત દુનિયાની કચરાપેટી?!) ગુજરાતના અલંગમાં જહાજ તોડવાનો મોટો વેપાર ચાલે છે. દર વર્ષે દેશ વિદેશના લગભગ ત્રણસો નાના-મોટા જહાજોને ચાલીસેક હજાર મજૂરો વડે તોડવાનું કામ થાય છે. તેના ભંગારમાં લોખંડ, લાકડા સાથે પ્લાસ્ટિક અને ઝેરીલા ધાતુ તત્વો પણ સમાવિષ્ટ હોય છે. ભારતમાં વિકસિત દેશોમાંથી વપરાયેલા (સેકન્ડ હેન્ડ) માલસામાનનો પણ ધીખતો ધંધો ચાલે છે, તેમાં આવા પ્રદુષણ ફેલાવનારા તત્ત્વો (બેટરી, રસાયણો) પણ સામેલ હોય જ છે. વિકસિત દેશો પોતાનો ઈ-કચરો પછાત દેશોમાં ઠાલવવાની કૂટનીતિ રમી રહ્યા છે!
આમ તો વિશ્વમાં પેદા થતાં કુલ કચરામાં ઈલેકટ્રોનિકસ કચરાનો હિસ્સો નાનો છે પરંતુ તેમાં ઝડપથી વધારો થશે એ નક્કી છે અને તે ચિંતાજનક એટલા માટે છે કે તેમાં જુદા જુદા પ્રકારના લગભગ એક હજાર જેટલાં ઝેરી તત્વોની હાજરી હોય છે, જે માનવ સહિતના જીવોની મગજ અને સંકલન પ્રણાલીને નુકસાન પહોંચાડી શકે છે.
સિમેન્ટ ઉદ્યોગ રાખના ઉપયોગથી ઊર્જાની જરૂરિયાત પૂર્ણ કરે છે, લોખંડ-પોલાદના કારખાનાઓ લોખંડ-પોલાદના ભંગારનો પુનઃ ઉપયોગ કરે છે. કાગળ ઉદ્યોગ નવા કાગળ બનાવવા માટે જુના કાગળોનું રિસાયકલીંગ કરે છે. જરૂરિયાત એ શોધની જનની છે એમ માનીને ઈલેકટ્રોનિકસ ઉપકરણો બનાવતી કંપનીઓ પાસેથી પણ એવી અપેક્ષા રાખીએ કે ઈ-કચરાના નિકાલનો કોઈ કારગર ઉપાય શોધી આપે. વિકસિત દેશોની તુલનામાં આપણને માટે આ સમસ્યા ભલે અત્યારે બહુ ઓછી નડે છે પરંતુ ઈલેકિટ્રક-ઈલેકટ્રોનિકસ ઉપકરણોની વધતી માંગ આવનારા સમયમાં આ સમસ્યાને મોટું સ્વરૂપ આપશે જ. એટલે જેમ આપણે ‘સેવ પાવર’, ‘સેવ વૉટર’ના નારા લગાવી રહ્યા છીએ તેમ આવનારા સમયમાં કદાચ આપણે એક વધુ નારો ઉમેરવો પડશે ‘સેવ ઈ-વેસ્ટ!’ સમસ્યાણી ગંભીરતાને રજૂ કરતી પંક્તિથી સમાપન કરીએ.
ઈલેક્ટ્રોનિક્સ સાધનોની દોડમાં ભૂલી ગયા Rest,
માથે ચઢી રહ્યો નકામા ઉપકરણોનો E-Waste !
મિત્રો, ભારત પાસે આ સમસ્યાના શું ઉપાયો છે એ આવતા લેખમાં...
Comments