top of page

દુનિયાભરના ઈ-કચરામાં તેજી જ તેજી! (2)

આપણે અગાઉના લેખમાં જાણ્યું કે દુનિયા અને દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે ઝડપથી કમ્પ્યુટર, મોબાઈલ, ટેલિફોન, ટેલિવિઝન, એ.સી. વૉશિંગ મશીન, ઈલેકટ્રોનિકસ રમકડાં, ઈ. વી. સાધનો વગેરે જેવા ઉપકરણોનો વપરાશ વઘ્યો છે તે જોતાં તેના ભંગાર કે કચરાના નિકાલની સમસ્યા માથાનો દુઃખાવો બનવાની છે. આવા સંજોગોમાં ભારતમાં કેવું પરિવર્તન આવશે કે આવવું જોઈએ તેની વાત હવે કરીએ.

પર્યાવરણ દૂષિત કરનારા કચરાઓમાં કેટલાકનું સંપૂર્ણ, કેટલાકનું આંશિક અને કેટલાકનું નહિવત પુનઃસ્થાપન(Recycling) થઈ શકે છે. હા, આ બધાનું રિસાયકલીંગ કરનારી કંપનીઓનું માટે એક નવું રોજગારક્ષેત્ર વિકસી રહ્યું છે, છતાં એ કામ આસાન નથી. ઈ-વેસ્ટ મેનેજમેન્ટ કરનારી કંપની સાથે સંકળાયેલ નીતિન ગુપ્તાનું કહેવું છે કે-‘રિસાયકલીંગ ધંધો શરૂ કરવા માટે ત્રણ તબક્કા છેઃ એક, વન મંત્રાલય, બીજું રાજય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને ત્રીજું કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ. આ ત્રણેય પાસેથી પરવાનગી લેવાનું કામ મુશ્કેલ એટલા માટે છે કે આ ત્રણેય એજન્સીઓ વચ્ચે યોગ્ય સંકલન નથી!’ એમની વાતમાં શંકા કરવા જેવી નથી કેમ કે આપણી અમલદારશાહી વ્યવસ્થામાં નાગરિકોને સીધો અને સરળ રસ્તો બતાવવામાં આવતો જ નથી.

પણ હવે દેશ બદલાઈ રહ્યો છે! ભારત સરકારે ઈ-કચરાના નિયમન અને સંચાલન માટે સુધારેલા ઇ-વેસ્ટ મેનેજમેન્ટ નિયમો-2022 નિર્ધારિત કર્યા છે. જે અંતર્ગત ભારત સરકાર ટૂંક સમયમાં એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી(EPR)સર્ટિફિકેટના વેપારને સરળ બનાવવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ લઈને આવશે, જે દેશને નિષ્ક્રિય મોબાઈલ ફોન અને લેપટોપ જેવા ઈ-વેસ્ટના વધતા જોખમને પહોંચી વળવામાં મદદ કરશે.

EPR એ એક નીતિ છે જે ઉત્પાદનના મૃત્યુ પછીના જીવનનો બોજ ઉત્પાદકના ખભા પર મૂકે છે. આનો અર્થ એ છે કે કંપનીઓ તેમના ઉત્પાદનોને એકવાર કાઢી નાખ્યા પછી તેને એકત્ર કરવા અને રિસાયકલ કરવા માટે જવાબદાર રહેશે. EPRનો ઉદ્દેશ્ય કંપનીઓને એવા ઉત્પાદનો ડિઝાઇન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે કે જેનો પુનઃઉપયોગ અથવા રિસાયકલ કરવામાં સરળ હોય, લાંબા ગાળે કચરો અને પ્રદૂષણ ઘટી શકે.

કંપનીઓ તેમના પોતાના કચરાને એકત્ર કરીને અને પ્રક્રિયા કરીને અથવા તેમના સંગ્રહના લક્ષ્યાંકને વટાવી ગયેલી સંસ્થાઓ પાસેથી EPR પ્રમાણપત્રો ખરીદીને આ જવાબદારી પૂરી કરી શકે છે. હવાના પ્રદૂષણ માટે જે અમલમાં છે તે ગ્રીન ક્રેડિટ અથવા કાર્બન ક્રેડિટની જેમ જ આ ટ્રેડેબલ ક્રેડિટ્સ છે, મતલબ પર્યાવરણ જાળવો અને કમાણી કરો.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(CPCB) દ્વારા વિકસિત આગામી પ્લેટફોર્મ EPR સર્ટિફિકેટ માર્કેટમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છે, જે પારદર્શિતા અને કાર્યક્ષમતા બંનેને વધારશે. આ પહેલનો હેતુ પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત બનાવવા અને માર્ગદર્શિકાઓ સાથે વધુ સારી રીતે અમલ કરવાની સુવિધા આપવાનો પણ છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC)ની સૂચના અનુસાર, CPCBની ભલામણોના આધારે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર નવા પ્લેટફોર્મનું સંચાલન અને નિયમન કરવામાં આવશે. હા, આ બધાનો અમલ કેમ થાય છે તેના પર બધો આધાર રહે, ખરું!? 

હવે કેટલાક ક્રાંતિકારી વિચારો વિશે પણ તમને જણાવું. ભારત ઈ-વેસ્ટને વધુ અસરકારક રીતે ઘટાડવા અને રિસાયક્લિંગની ક્ષમતા વધારવા તરફ કેવી રીતે કામ કરી શકે? આ રહ્યા કેટલાક સંકલિત ઉપાયો:

ઈકચરાનો સંગ્રહ: ઈકચરાના સંગ્રહ માટે એક વ્યાપક નિયમનકારી માળખું બનાવવાની જરૂર છે,જેમાંફરજિયાત રજીસ્ટ્રેશન હોયતથા કલેક્શનસેન્ટરો અને રિસાયકલર્સની લાયસન્સિંગ પ્રક્રિયાને કાયદેસરઅનેપ્રમાણભૂત બનાવવા માટેનો સમાવેશ થતો હોય.

ટેક્સક્રેડિટ્સ: આવા કચરા માટે  ટેક્સ  ક્રેડિટ  સિસ્ટમ  અમલમાં  મૂકવી  જે  ઇલેક્ટ્રોનિક્સ  ઉત્પાદકોને વિસ્તૃત  આયુષ્ય અને સમારકામની  સુવિધાઓ સાથે ઉત્પાદનો ડિઝાઇન કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. આની પાછળનો આશય ઇકો-ફ્રેન્ડલી ડિઝાઇનના અમલને પ્રોત્સાહન આપવાનો છે.

ATM!: જાહેર સ્થળોએ ઈ-વેસ્ટ એટીએમ સ્થાપિત કરવા, જ્યાં વ્યક્તિઓ જૂના ઈલેક્ટ્રોનિક ઉપકરણો જમા કરી શકે છે અને તેના બદલામાં, જાહેર પરિવહન અથવા આવશ્યક ચીજવસ્તુઓ માટે નાના નાના નાણાકીય પ્રોત્સાહનો અથવા વાઉચર્સ મેળવી શકે! અને આવી જગ્યાએ જો ઈ-વેસ્ટ રિસાયક્લિંગ વિશે જાગૃતિ લાવવા માટે શૈક્ષણિક ડિસ્પ્લે મૂકવામાં આવે તો ભયો ભયો!

ટ્રેકિંગ અને સર્ટિફિકેશન: ઇલેક્ટ્રોનિક ઉપકરણોના સમગ્ર જીવનચક્રને ટ્રેક કરવા માટે બ્લોકચેન આધારિત સિસ્ટમની સ્થાપના કરવી. દરેક ઉપકરણમાં ડિજિટલ પ્રમાણપત્ર હોય જે તેના ઉત્પાદન, માલિકી અને વેચાણ કે નિકાલના ઇતિહાસની નોંધ રાખે. આનાથી અયોગ્ય રીતે  નિકાલ કરનારા જવાબદાર પક્ષકારોને શોધી કાઢવાનું અને તેમને જવાબદાર રાખવાનું સરળ બનશે.

આર્ટ એન્ડ અવેરનેસ: ઈ-વેસ્ટમાંથી બનેલા કલા નમૂના દ્વારા જાગૃતિને પ્રોત્સાહન આપવું જોઈએ. કલાકારોને કચરાની  સમસ્યાની  તીવ્રતાને સૂઝપૂર્વક દર્શાવવા અને યોગ્ય નિકાલ અંગે જાગૃતિ લાવવા માટે જાહેર જગ્યાઓ પર શિલ્પો અથવા પ્રદર્શનો  બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે.

પર્યાવરણની સમસ્યા માનવ સભ્યતા અને વિસ્તાર સાથે સંકળાયેલી છે. તે માનવસર્જિત છે અને સ્વયં માનવજાતે જ તેનો ઉકેલ શોધવો રહ્યો. પણ માણસની વિશ્વસનીયતા વિશે હેનરી ડેવિડ થોરોનો આ વિચાર અંતમાં મમળાવી જુઓ.  

હાશ! માણસ ઉડી નથી શકતો,

નહિતર પૃથ્વીની સાથે

આકાશને પણ બગાડી મૂકતે!

41 views0 comments

Comments


bottom of page