top of page

દિલ હૈ કી માનતા નહીં!!

  • Writer: Dr.Vijay Manu Patel
    Dr.Vijay Manu Patel
  • Jan 8, 2022
  • 4 min read

મારા એક સ્નેહી વિદેશમાં ઘણા વર્ષોથી નોકરી અર્થે રહ્યાં છે અને તેઓનું વારંવાર મૂળ વતન ભારતમાં આવવાનું થયા કરે. એક દિવસ તેઓએ જણાવ્યુ કે આપણે ત્યાં વિચિત્રતા ગજબની છે. મેં કહ્યું, ‘કેમ એવું તો બધે જ હોય ને?’ તેઓ બોલ્યા, ‘હા, પણ જુઓ સામે નજર કરો… શાકભાજી રસ્તા પર વેચાય છે ને ટી.વી.,ફ્રીઝ પેલા એ..સી શૉ રૂમમાં વેચાય છે!’ અવલોકન સટીક હતું અને વેદના વિચારણીય હતી.

શાકભાજી જીવવા માટે વધારે અગત્યની વસ્તુ છે. તેથી તે તાપ-તડકા અને ધૂળ ઉડતા રસ્તા પર ન વેચાવી જોઈએ એ વાત સો ટચની સોના જેવી છે. બીજી તરફ ટી.વી. જેવી વસ્તુઓ જીવવા માટે ઓછી અગત્યની ગણાય તેના માટે એરકન્ડિશન્ડ શૉ રૂમની જરૂર નથી. મગજ અહીં જ ચકરાવે ચઢે. જે શાકભાજીને સાચવવા માટે ઠંડા વાતાવરણની જરૂર રહે છે તેવી વસ્તુઓ એ.સી., કૂલર કે ફ્રીઝને વેચવા માટે ઠંડા વાતાવરણની શી જરૂર?

મોટા મોટા અને ઠંડા ઠંડા મોલ્સમાં શાકભાજી જેવી નાશવંત વસ્તુઓ વેચાવવાને બદલે રસ્તા પર વેચાય એવા ભારત દેશની વિષમતા સ્નેહીજનની ખટકી હતી. સ્નેહી સાથેની વાતચીતનો સૂર એવો હતો કે શાકભાજીને રાખવા-વેચવા માટે એ.સી.ની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોય તો પછી ટી.વી. ફ્રીઝ કે ઘરઘંટી વેચવાના શૉ રૂમ માટે પણ એ ફરજિયાત રીતે ન જ હોવી જોઈએ. દેશના સીમિત સાધનોની ફાળવણી જ ખોટી રીતે થાય તો તે માત્ર સમાજની જ નહીં શાસકોની પણ મૂર્ખામી ગણાય!

તાર્કિક રીતે સાચી જણાતી આ દલીલ વ્યવહારમાં મૂકવી સરળ જણાતી નથી કેમ કે, શાક્ભાજીના સર્જક અને વેચનારને સાવ ઓછો નફો મળે છે તેથી તે કોલ્ડ સ્ટોરેજવાળી જગ્યા પસંદ કરી શકે તેમ જ નથી. વળી, શાકભાજીના ભાવ જરાક જ વધે તેમાં તો સમાજની દરેક વ્યક્તિ હો..હા..કરી મૂકે છે. જીવન જરૂરિયાતની વસ્તુ ‘આટલી મોંઘી હોય કે’ની બૂમરાણ મચાવનારો સમાજ ધૂળ, તડકામાં વેચાતી શાકભાજી માટે 10 રૂપિયા પણ વધારે ચૂકવવા તૈયાર નથી થતો તે કેટલી હાસ્યાસ્પદ વાત લાગે છે?

આપણને ક્યારેય એવો વિચાર નથી આવતો કે આટલા તાપ અને ધૂળ કચરાવાળી શાકભાજી આપણા જીવનનો ઉત્તમ આધાર કેવી રીતે બની શકે? વધારે વિચિત્રતા તો એ છે કે ટી.વી, ફ્રીઝ જેવી મોજશોખની વસ્તુ ખરીદવામાં એ.સી. શૉ રૂમને અગ્રિમતા આપીએ છીએ પણ તેમાં 500 રૂપિયા ઓછા કરવાની ઓફર સુધ્ધાં નથી કરતાં! (ત્યાં સ્ટેટસનો સવાલ લાગે છે, ખરું ને?)

અર્થશાસ્ત્રના ખ્યાલ મુજબ વસ્તુના માંગ-પુરવઠાને આધારે બજારના નિર્ણયો લેવાતા હોય છે એમ માનીને સંતોષ માની શકાય, પણ મુદ્દો વિચારણીય તો છે જ. દુનિયાના વિકસિત દેશોમાં શાકભાજી જેવી નાશવંત વસ્તુઓ રસ્તા પર કે એ.સી. વિના વેચાતી હશે તેવી શક્યતા નહિવત જ હશે. કેમ કે ત્યાં લોકોમાં જ એવી સમજ પેદા થઈ હોય છે કે આહાર માટેની વસ્તુઓ આરોગ્યપ્રદ અવસ્થામાં જ ખરીદાતી-વેચાતી હોવી જોઈએ.

આમ જોવા જઈએ તો આ પ્રશ્નનું સમાધાન મેળવવાની જવાબદારી શૈક્ષણિક સંસ્થાઓની છે. વિજ્ઞાનમાં આહારની સૂટેવો ભણાવાય છે પરંતુ એ જ ભણાવનારા અને ભણનારાઓ ખાવાની વસ્તુઓ બાબતે આટલું ઊંડાણપૂર્વકનું વિચારતા જ નથી. અરે દેશના કેટલાંયે શહેરોમાં તો હોટેલ કે રેસ્ટોરન્ટ કરતાં લોકો રસ્તા પર જ વધુ આરોગે છે! ને એમાંય વળી પચાસ ટકા લોકો તો રસોઈ માટેનો ‘ઑવન’ ખરીદવા માટે હોંશે હોંશે એરકન્ડીશન્ડ શૉ રૂમમાં જાય છે!!

લોકોને જીવન જીવવાની કળા શીખવવાનું કામ સમાજનું નથી પણ શાળા-કોલેજોનું છે. જે દેશમાં શાળા-કોલેજનું શિક્ષણ આવો ભેદ સમજાવતુ થાય ત્યાં ઉપરના જેવી મૂંઝવણ(કે વિષમતા) ભાગ્યે જ પેદા થાય. ઊઘાડો કે વાસી ખોરાક ન ખાવાની વાત કે પછી આડેધડ પાણીનો બગાડ ન કરવાની વાત દરેક પુખ્ત ઉંમરની વ્યક્તિ તેના શાળા-કોલેજકાળ દરમ્યાન ભણી જ હોય છે.

છતાં આમ થવા પાછળની અધૂરપ એ જણાય છે કે આ બધી શાણી વાતો માત્ર વાંચન અને લેખનમાં જ સમેટાઇ જાય છે, પેઢી દર પેઢી! સ્વચ્છતા, આરોગ્ય કે શિષ્ટાચાર વિશે નિબંધ લખવા કરતાં તેને અમલમાં મૂકવામાં વધારે ડહાપણ છે એટલું જ નહીં નરી આવશ્યકતા પણ હોય છે. પરંતુ સમાજને આવું ડહાપણ શિક્ષકો(કે શૈક્ષણિક સંસ્થાઓ)પાસેથી મળતું જ નથી, તેથી ભણેલી માતાઓ(સ્ત્રીઓ)ને પણ એ ખ્યાલ જ નથી આવતો કે શાકભાજી ખરીદવા-વેચવા માટે ખુલ્લી જગ્યા કે રસ્તો યોગ્ય સ્થાન નથી. (હા, તેઓ આવી જગ્યાએથી ખરીદેલા શાકભાજી પાણીથી ધોઈને સંતોષ માને છે ખરા!)

થોડા વર્ષો પહેલાની સરકારે જ્યારે શાકભાજીના ક્ષેત્રે FDIને છૂટ આપી હતી ત્યારે લોકોએ કાગારોળ મચાવેલી. મોટા એરકન્ડીશન્ડ મોલ આવશે તો બિચારા લારી કે ફૂટપાથ પર વેચનારાઓની રોજી છીનવાઈ જશે. આવી છે આપણી માનસિકતા. ધૂળ-કચરા, તાપ ને પવનમાં દૂષિત બનેલી ખાદ્ય વસ્તુઓ પ્રત્યેનો આપણો મોહ આજેય એવો જ છે. ફેરિયાના દૂધ જેવો. ભલે પાણીવાળું દૂધ પીવું પડે, પણ કોથળીનું તો નહીં જ! સારા દૂધ માટે દૂર જવું પોષાય નહિઁ, પણ મોબાઈલ કે પિત્ઝા માટે તો એરકંડિશન્ડ શૉ રૂમમાં જ જવાય ભલે તે પાંચ કિલોમીટર દૂર કેમ ન હોય!

આવી વસ્તુઓનો ધંધો કરનારા પણ દુકાનમાં એ.સી. પહેલા મુકાવશે. ને બીજી તરફ લારીવાળા લસણ-કોથમીર પર કંતાનના ટૂકડા પર પાણી છાંટી છાંટીને ચલાવશે. આરોગ્યપ્રદ જીવન માટે જે સૌથી મહત્ત્વની બાબતો છે તેમાં જ લોકો ‘મૂર્ખ’ રીતે વર્તે છે.. (માત્ર શાકભાજી જ રસ્તા ઉપરથી નથી ખરીદતા, રસ્તા પર ઊભા ઊભા પાણીપૂરી, ભેળપૂરી કે શેરડીનો રસ પણ ઝાપટે છે!)

સરકાર પક્ષેય કાચું કપાય છે, અને કોર્પોરેટ જગતમાં પણ અન્યાયી ધંધાકીય રીતરસમો હોંશે હોંશે અપનાવાય છે. પહેલાં આડેધડ ગંદકી, બગાડ અને અસમાનતા પેદા કરવી અને પછી તેને નાબૂદ કરવાની ઝુંબેશ (અભિયાન) ઉપાડવાની ભારતીય માનસિકતા સાચે જ અજુગતિ લાગે છે. પેલા સ્નેહીજનની વાત મુદ્દાની હતી અને છે તેથી આપ સૌની વચ્ચે મૂકી છે. આમાં નિર્ણય દરેકે પોતાની રીતે કરવાનો છે.

પ્રજા અને રાજા બંને મંથન કરે અને સીમીત સાધનો દ્વારા ઉન્નત જીવન કેમ બનાવી શકાય તે તરફ પોતાને અભિમુખ કરે તો જ સાચો વિકાસ કર્યો કહેવાશે. શિક્ષણ સંસ્થાઓની સાર્થકતા પણ તેમાં જ છે.

મિત્રો, આ લેખ ગમ્યો કે ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરજો અને અમારા સભ્ય બની બીજા લાભો મેળવવાનું ચૂકશો નહીં. સભ્ય બનવા આ લિન્ક પર Click કરો: https://www.vpeducare.com/pricing


 
 
 

Commentaires


bottom of page