તનુજા વિમાસણમાં પડી ગઈ હતી. તેને જોઈને બેનપણી સુરેખા બોલી, ‘કેમ રે, આજે કંઈ મૂડ ઓફ જણાય છે.’ તનુજા બોલી, ‘તો શું! મારા હસબન્ડને થોડા થોડા દિવસે નવી વાનગી જોઈએ છે.’ સાચી વાત છે મારેય એ મૂંઝવણ તો ખરી જ. સુરેખાએ સૂર પુરાવ્યો હતો. વાત ભલે ઘરની અને આહારની હતી, પણ એ જ વાત વર્ગખંડમાં પણ લાગુ પડે તેવી છે. એકની એક રીતે વર્ષોથી વિષયો ભણાવાય છે. પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક કક્ષા સુધી એક જ પ્રવચન પદ્ધતિથી મોટા ભાગના શિક્ષકો ભણાવ્યે જાય છે. તો સ્વભાવિક છે કે વિદ્યાર્થીઓની અપેક્ષા પણ કંઈક નવીન વાનગી (પદ્ધતિ)ની હોય કે નહીં?
માણસનો સ્વભાવ છે કે રોજ એકની એક રીતભાતે ઊઠવું, બેસવું ખાવું કે સૂવું એને કંટાળાનો અનુભવ કરાવે છે. જ્યારે તેમાં બદલાવ આવે છે ત્યારે મન જુદી જ અનુભૂતિ કરે છે, ખરું? તો પછી શાળા શિક્ષણની એકધારી રીતભાતમાં બાળકોને કંઈક નવીન રીતે ભણવાનું મળે તો તેઓ ખુશીથી છલકાઇ ન ઉઠે? અવશ્ય ગમે જ. બીબાંઢાળ કે ઘરેડમાં ચાલતી જિંદગી નિરસતાનો અનુભવ કરાવે છે, જ્યારે સમયાંતરે બદલાતી જિંદગી તાજગીનો અનુભવ કરાવે છે. તો વિચારીએ શિક્ષણમાં નવીનીકરણ(Innovation) શું છે અને કઈ રીતે આવે?
નવીનતા શબ્દ જોતા કે સાંભળતા જ પ્રસન્નતા અનુભવાય છે. કશુંક નાવિન્યપણું હંમેશાં લોકોને આકર્ષે છે કેમ કે, તે એવું દર્શાવે છે કે તમે અન્ય કરતા જુદુ કરો છો. તમારું કામ કંઈક અનોખું છે. તેનો બીજો અર્થ છે પોતાની સિદ્ધતા માટે પડકાર ઉપાડી લેવો. તો નવીનતા ખરેખર છે શું? શિક્ષણના સંદર્ભમાં જ વિચારીએ તો શિક્ષણની પ્રક્રિયા વધુ રસપ્રદ અને વાસ્તવિક બને તે માટેનો કોઈ પણ વિચાર કે પ્રવૃત્તિને અમલમાં મૂકવી એટલે નાવીન્યતા. આ માટેનો એક રસ્તો વિદ્યાર્થીઓને ક્રમસહ ઉચ્ચ વિચારશક્તિ તરફ પ્રેરે તેવી પ્રવૃત્તિઓમાં સામેલ કરતાં જવાનો છે.
અહીં જણાવું કે બ્લૂમની ફિલસૂફી મુજબ યાદ કરવું, સમજવું અને અમલમાં મૂકવું આ ત્રણ ક્રિયાઓ સામાન્ય શિક્ષણ પ્રક્રિયા(કેળવણી)માં આવે જ્યારે વિશ્લેષણ કરવું, મૂલ્યાંકન કરવું અને સર્જન કરવું એ ઉચ્ચ વિચાર શિક્ષણપ્રક્રિયામાં આવે. એ દ્રષ્ટિએ વિદ્યાર્થીઓને વિચારતા કરવાની પ્રવૃત્તિઓનું સૌથી વધુ ભાથું મળવું જોઈએ. માત્ર યાદ રાખવાનું નહીં, પણ નવેસરથી વિચારણા કરવાની કેળવણી નવીનતા તરફ જવાની પૂર્વશરત છે. સરળ શબ્દોમાં, ચોકઠામાંથી બહાર(Out of Box )વિચારવાની ટેવ વિકસાવવી જોઈએ. માહિતી મેળવીને ભરી રાખવાને બદલે તેના પર વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જનની પ્રક્રિયા થવી જોઈએ. તેથી વિદ્યાર્થીઓને વિચારતા કરે તેવું શિક્ષણ જ ઉત્તમ શિક્ષણ બને છે.
એની સાથે મનોવિજ્ઞાનના સિદ્ધાંતોની જાણકારી હોવી જરૂરી છે. જો એ હશે તો જ શિક્ષક દ્વારા તૈયાર થતું સાહિત્ય કે પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને વિચારતા કરી શકે. આ બાબતે મોન્ટેસોરી, ગિજુભાઈ કે માતાજીના કેળવણી વિષયક વિચારો જરૂર ઉપયોગી થઈ પડે. વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક અને સંશોધન આધારિત સાહિત્ય દ્વારા શીખે એ ખૂબ જ અગત્યનું છે. એના થકી જ દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત રીતે વિચારતા શીખે છે, અને પુનરાવર્તિત રીતે શીખતા રહે છે. બજારમાં મળતા પરીક્ષાલક્ષી સાહિત્ય પાછળ પડેલુ શિક્ષણજગત સાચે જ દયાપાત્ર છે!
જો શાળાઓમાં વિચારવા વિશે શીખવવામાં આવે તો કેટલું અદભૂત બને. જે તે વિષયવસ્તુ વિશે વિદ્યાર્થી વાંચે, સાંભળે પછી પોતાના વિચાર(Idea )ને વિસ્તારે, અમલમાં મૂકે, મૂલ્યાંકન કરે અને પછી કંઈક નવું સર્જન કરે તો શિક્ષણ ખરા અર્થમાં સાર્થક બને. ગુજરાતી કાવ્યમાં આવતા સાવ સામાન્ય શબ્દ ‘પાણી’ ને માત્ર બોલીને આગળ નીકળી જવાને બદલે જો શિક્ષક, ‘પાણી શબ્દનો સમાવેશ થતું વાક્ય બોલો’ એમ બે-ચાર વિદ્યાર્થીઓને પૂછે તો વિદ્યાર્થીઓની વિચારશક્તિ કલ્પના કે સર્જનના કેવા કેવા રંગો પુરશે તેનો અનુભવ ખૂબ જ આહલાદક હશે! ખરું ને?!
એ જ રીતે વિજ્ઞાનમાં આંખની રચના ભણાવતા શિક્ષક આંખનું ચિત્ર બતાવી તેમાંના વિવિધ ભાગો (અંગો)ની ઓળખ આપીને આગળ ચાલી જતા હોય છે. પણ જો આંખની બાહ્ય રેખાનું વર્તુળ(Outline) દોરી તેમાં રેટિનાનું સ્થાન બતાવવાનું જણાવે તો વિદ્યાર્થીએ સમજપૂર્વક વિચારવું પડે. એનાથી વિશેષ રેટિનાનું સ્થાન થોડું આગળ હોત તો શું થઈ શકે? એવો પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થીની તાર્કિક વિચાર ક્ષમતાને નવું આકાશ મળશે! કલ્પનાની નવી ક્ષિતિજો વિદ્યાર્થીઓને ઉચ્ચ વિચાર ક્ષમતા વિકસવા તરફ દોરી જશે. શિક્ષકોએ આ માટે ‘તારી પાસે કઈ યુક્તિ છે?’, ‘હવે શું થઈ શકે?’, ‘આમાં બીજો કયો વિકલ્પ હશે?’ જેવા પ્રશ્નો પૂછવા પડે. શિક્ષકોની તાલીમમાં આવું હોય છે કે નહીં તેની મને જાણ નથી!
વિદ્યાર્થીઓને નવીન વિચાર તરફ દોરી જવા માટે ‘જો આમ કરું તો શું થશે?’ એવો પ્રશ્ન શિક્ષક પાસે હંમેશા રહેવો જોઈએ. હા, તેનો સચોટ જવાબ શિક્ષક પાસે હોવો જોઈએ! અહીં ઘણાબધા શિક્ષકો નાપાસ થઈ જશે અથવા નાપાસ થવાની બીકે પોતે જ તર્ક કે બૌદ્ધિક વિચારને બળ મળે તેવું કશું કરવા તૈયાર થતા નથી. વળી વિદ્યાર્થીઓને વિચારતા કરવાની પ્રવૃત્તિ જે તે વિષયને ભણાવતી વખતે જ થવી જોઈએ. જો એમ ન થઈ શકે તો શાળા સિવાયના સમય કે પ્રોક્સી તાસમાં એવી તક ઝડપી લેવી જોઈએ. વૈજ્ઞાનિક અભિગમ વિના નવીનતાનો આવિર્ભાવ ન થઈ શકે, તેથી શિક્ષકો અને વાલીઓએ પહેલાં સ્વયંને નવીન રીતે વિચારતા શીખવવું જોઈએ.
વર્ગખંડમાં નવીન પ્રયોગો કે નવીન પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને અચૂક આકર્ષે જ છે. જો આવી રીતે દરેક વિષયમાં સમયાંતરે નવીન પ્રવૃત્તિઓ કે પદ્ધતિઓ દ્વારા ભણાવવામાં આવે તો વિદ્યાર્થીના સમગ્ર પરિણામ ઉપર હકારાત્મક અસર પડે જ છે. સતત આ રીતે ભણવાથી તેમનામાં માત્ર માહિતી એકઠી કરવાને બદલે તેના વિશ્લેષણ અને અનુમાન કરવાની ક્ષમતા વધવા માંડે છે. તેમનામાં પ્રશ્ન પૂછવાની જુગુપ્સા અને તત્પરતા પણ વધશે. આવી પ્રક્રિયા વિનાના વર્ગખંડો વિદ્યાર્થીઓના સમૂહથી વિશેષ કંઇ હોઇ શકે ખરા? દેશમાં કુશાગ્ર બુદ્ધિશાળી માણસોની સંખ્યા વધે તે દેશની તાકાત ગણાય અને તેના મૂળ તો શાળાશિક્ષણમાં જ હોય છે એ બાબતે કોઇ શંકા નથી.
જો કે શાળાઓમાં આવું વાતાવરણ કે તાલીમી શિક્ષકો તૈયાર કરવામાં આવે, પરંતુ ઘર કે સમાજનું વાતાવરણ એને પૂરક ન હોય તો ધાર્યું પરિણામ ન મળે. આ માટે શાળા અને વાલીઓ વચ્ચેની વર્ષમાં બે-ત્રણ મુલાકાતો જરૂરી બને. વાલીઓને પણ માહિતી મળવી જોઈએ કે શાળાએ કઈ રીતે વિદ્યાર્થીઓના વિકાસનું આયોજન કર્યું છે અને તેમાં કુટુંબે કઈ રીતે જોડાવાનું છે. કેમ કે, વિદ્યાર્થીઓના નવીન વિચારોના સર્જનની પ્રક્રિયા નિયમિત રીતે ચાલવી જોઈએ. સત્ર કે સેમેસ્ટર પૂરું થાય, પણ બૌદ્ધિક વિચારની પ્રક્રિયા ઊર્ધ્વગામી રહેવી જોઈએ. સંચાલકો પણ આ બાબતે બિલકુલ સ્પષ્ટ હોવા જ જોઈએ.
સતત બદલાવું એ શિક્ષણનું હાર્દ છે. તેથી નવીનતા કોઈ નવો ખ્યાલ કે વિચાર નથી, છતાં એ કાયમી (સનાતન) છે તે અચૂક માનવાનું છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ મજાનું બને તે માટે વિદ્યાર્થીઓમાં નવીન વિચારો સતત જીવંત રહેવા જોઈએ, અને હા, શિક્ષકોના પણ!!
જો આપ શિક્ષક હોવ તો શિક્ષક સજ્જતા માટે શું કરશો? નીચેના mini online ગુજરાતી કોર્સ પર ક્લિક કરો:
Comentarios