જેનાથી સમાજ બને છે તેવા બે મહત્વના અંગો સ્ત્રી અને પુરુષ છે. સ્વાભાવિક છે કે આવા સમાજમાં જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થાય છે તે પણ સ્ત્રી-પુરુષોના કારણે જ થાય છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના એક ગામ ખાતે બનેલી દર્દનાક ઘટના સ્ત્રી અપમાન, શોષણ અને બર્બરતાપૂર્ણ હત્યાનો ત્રિવેણી સંગમ હતો. ભૂતકાળમાં આવું બન્યું જ હતું તેથી દેશમાં આ ઘટના નવી નહોતી. અગાઉ પણ આવી દર્દનાક ઘટનાઓ બની છે અને આવી કેટલીએ ઘટનાઓ રોજેરોજ બને છે અને એમ છતાં ચર્ચા વિના લુપ્ત થઈ જાય છે.
સ્ત્રી અત્યાચાર અને શોષણનો મુદ્દો આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે કેમ કે સ્ત્રીની શારીરિક રચના જ તેના શોષણનું કારણ બને છે. જો કે એમાં સ્ત્રી તરીકે જન્મ લેનાર જીવને આપણે દોષિત ઠેરવી શકીએ નહીં. મનુષ્ય તરીકે આપણી કેટલીક શારીરિક જરૂરિયાતો છે અને કેટલીક માનસિક જરૂરિયાતો છે. આ બધી જરૂરિયાતો જન્મજાત વૃત્તિ તરીકે શરીરમાં હોય જ છે. તે ક્યારે જાગૃત બને કે વિકૃત બને તેનો આધાર સામાજિક વ્યવસ્થા, અનુશાસન અને સભ્યતા ઉપર રહે છે. જ્યાં આ ત્રણે શ્રેષ્ઠ કક્ષાએ હોય છે ત્યાં નારી સન્માન, નારી ગૌરવ અને નારી સંવેદના યોગ્ય રીતે જળવાતી હોય તેમ જણાય છે.

શ્રી મહર્ષિ અરવિંદના ઉપાસક અને વૈચારિક રીતે સમકક્ષ એવા શ્રી માતાજીના થોડાક વિચારો અહીં મૂકું છું: મનુષ્યની પ્રવૃત્તિઓ મુખ્યત્વે પાંચ પ્રકારની હોય છે, અને તે દરેક પ્રવૃત્તિ અંગેની કેળવણી જ્યારે માણસને અપાશે ત્યારે તે એક સંપૂર્ણ કેળવણી બની શકશે. આ પાંચ પ્રવૃત્તિઓ એટલે શરીરની, પ્રાણની, મનની, ચિત્તની અને આત્માની છે. કેળવણી પણ આ પાંચ પ્રકારની હોવી જ જોઈએ. સામાન્ય રીતે એમ બને છે કે વ્યક્તિ જેમ મોટી થતી જાય છે તેમ તેમ આ કેળવણીના સ્વરૂપો એક પછી એક વ્યક્તિના જીવનમાં દાખલ થતા જાય છે. પરંતુ એનો અર્થ એ નથી કે માણસને એક પ્રકારની કેળવણી અટકી જાય અને પછી જ બીજા પ્રકારની શરૂ થવી જોઈએ. આ પાંચેય કેળવણી એકબીજાની પૂરક બનીને માણસનું જીવન પૂરું થાય ત્યાં સુધી ચાલુ રહેવી જોઈએ.
આપણી શિક્ષણ વ્યવસ્થા માત્ર શરીર અને કંઈક અંશે મનની સીમિત કેળવણી પ્રત્યે જ ધ્યાન આપે છે. પ્રાણ તત્વ. ચિત તત્વ કે આત્માની કેળવણી વૈધિક શિક્ષણમાં ભાગ્યે જ પોતાનું સ્થાન બનાવી શકી છે. સમાજ દ્વારા એવું માની પણ લેવાયું છે કે આ બધી કેળવણી જીવનના પાછલા વર્ષોની છે, તેને શાળામાં આપવાની કોઈ જરૂર નથી! કદાચ આ કારણથી સ્ત્રી પ્રત્યે સન્માન કે સૌહાર્દની ભાવના રોજિંદા જીવનમાં ભાગ્યે જ જોવા મળે છે. સ્ત્રીને મનુષ્યના એક જુદા સ્વરૂપ તરીકે પણ પુરુષ પ્રધાન સમાજ જોતો નથી. એને તો બસ, જરૂરિયાતપૂર્તિના સાધન તરીકે જ એ જુએ છે!
આ સંદર્ભમાં ફરી માતાજીના વિચારો જાણીએ. સ્ત્રી પુરુષની દાસ છે. તેને પુરુષની શક્તિ પ્રત્યે આકર્ષણ છે. સ્ત્રીને ગૃહ જોઈતું હોય છે અને એ ગૃહમાંથી મળતી સલામતી તેને જોઈતી હોય છે. સૌથી વિશેષ તો સ્ત્રીને માતૃત્વની આસક્તિ વળગેલી છે. આ બધી વસ્તુઓ સ્ત્રીને પુરુષની દાસ બનાવી રાખે છે. એ જ રીતે પુરુષ પણ એનો દાસ છે. એનામાં સ્વામિત્વનો ભાવ રહેલો છે. તે સત્તા અને અધિપત્ય માટે તરસતો હોય છે. તેમનામાં જાતીય સંબંધની ભુખ છે. પરિણીત જીવનમાંથી મળતી નાની-મોટી સુખ-સગવડોમાં તેને આસક્તિ છે. અને આ બધું જ તેને સ્ત્રીનો દાસ બનાવી મૂકે છે. આમ સ્ત્રી-પુરુષ એકબીજાના ગુલામ જ છે કેમ કે એ બંનેમાં કામનાઓ, રાગદ્વેષ અને આસક્તિઓ રહેલી છે. આને કારણે જ કોઈ પણ કાયદો સ્ત્રીને સંપૂર્ણ મુક્તિ અપાવી શકશે નહીં. આ મુક્તિ સ્ત્રીએ પોતે જ મેળવવી પડશે. પુરુષોએ પણ આવી આસક્તિમાંથી સ્વયં જ મુક્તિ મેળવવી પડશે.

સમાજમાં બીજું એક દૃશ્ય એવું પણ જોવા મળે છે કે સ્ત્રીઓ જ સ્ત્રીઓને સુરક્ષા કે સલામતી તો આપતી નથી પરંતુ તે જ તેની ઈર્ષા, શોષણ અને બદનામી કરતી હોય છે. આવું કદાચ એટલા માટે જોવા મળે છે કે નાનપણથી જ દરેક સ્ત્રી એવું જ શીખીને આવે છે કે તેનો દરજ્જો પુરુષથી નીચે છે. સ્ત્રીઓની આ દ્રઢ થયેલી વિચારસરણી પુરુષ પ્રધાનતાને વધુ બહેકાવે છે. વળી, સ્ત્રીના શોષણ, બળાત્કાર કે હત્યા જેવા કોઈ પ્રસંગો મોટાપાયે સમાચાર બને છે ત્યારે સૌથી પહેલા આપણે સરકાર તરફ આંગળી ઉઠાવીએ છીએ.
સરકાર અને પોલીસમાં પણ સમાજના ઘણા એવા લોકો કામ કરી રહ્યા છે જેમની વિચારસરણીમાં સ્ત્રીનો દરજ્જો નીચો હોવાની વાત ઘર કરી ગઈ છે. આવા વિભાગોમાં સ્ત્રી કર્મચારીઓની સંખ્યા સાવ જ છે, તેથી સ્ત્રીના દુઃખ અને સ્ત્રીની નજરથી જોવાનો સદંતર અભાવ વર્તાય છે. ગંભીર કૌટુંબિક કે સામાજિક કોર્ટ કચેરીના મામલામાં ન્યાયાધીશ દ્વારા જે આદેશ કે ચુકાદો આપવામાં આવે છે તેમાં પણ ઘણી વખત પુરુષ પ્રધાનતા છલકતી જોવા મળે છે. ભલે આવા લોકો ઓછા હોય તો પણ સ્ત્રી પુરુષ સમાનતામાં એ બાધક તો બને જ છે.
આનો ઉપાય શું ? પહેલો ઉપાય સ્ત્રીઓને વિચારસરણીમાં પરિવર્તન લાવવાનો છે. આજની સ્ત્રીના આત્મસન્માનમાં ઉણપ છે કારણ કે તેને વિશ્વાસ હોતો નથી કે તેનામાં એવી કાબેલિયત છે કે તે પોતાની સીમાઓને વધારીને આઝાદ થઈ શકે છે. દરેક સ્ત્રી પોતાની દીકરીને માટે એક ઉદાહરણ હોય છે. જ્યારે સ્ત્રીમાં આત્મસન્માન અને આત્મવિશ્વાસ પ્રગટે છે ત્યારે તે પોતાની દીકરીને પણ એ શીખવી શકે છે. જે સ્ત્રી પોતાના સપનાઓ પુરા કરવાની કોશિશ કરે છે તે પોતાની દીકરીની કલ્પનાઓને સાકાર કરવામાં પણ સાહસિક બનતી હોય છે.
તો દરેક પુરુષ પોતે પણ પોતાના પુત્ર માટે એક ઉદાહરણ હોય છે. આપણા બાળકો કેવળ કહેવાથી નથી શીખતા. તેઓ આપણા વર્તનને ખૂબ ધ્યાનથી જુએ છે અને તેનાથી શીખે છે. જ્યારે પુરુષ પોતાની પત્નીનો આદર કરે છે અને તેને ઊંચો દરજ્જો આપે છે ત્યારે તે પોતાના પુત્રને પણ સ્ત્રીનો આદર કરવાનું શીખવી જતો હોય છે! જો ઘરમાં સ્ત્રીનો દરજ્જો ઊંચો છે તો બહારની દુનિયા પણ તેને ઈજ્જત આપશે. જો ઘરમાં સ્ત્રીની સીમાઓ નાની કે કમજોર હોય તો બહારની દુનિયા તેને માટે વધુ અસલામત બનશે જ. એટલે સ્ત્રીની સાથે પુરુષે પણ પોતાની વિચારસરણીમાં આમૂલ પરિવર્તન લાવવું પડશે તો જ નિર્ભયાકાંડ નું પુનરાવર્તન આ દેશમાંથી નિર્મૂળ થઈ શકશે.
આમ, સ્ત્રીને વ્યક્તિગત અને સ્વતંત્ર જીવ તરીકે જોવી હશે તો આપણે કેટલીક બાબતોમાં ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ, જેમ કે આપણી કોશિશ એવી હોવી જોઈએ કે આપણે એવા પરિવારો બનાવીએ કે જેમાં પુરુષ કે સ્ત્રી સૌને સમાન પ્રેમ, સમાન શિક્ષણ અને સમાન સામાજીક તકો પ્રાપ્ત થાય. પરિવારના કોઈપણ સભ્યની સાથે જો આપણે યોગ્ય વર્તન નહીં કરીશું તો તેની અસર આવનારી પેઢી પર પડશે જ. એટલે બાળકોને સ્ત્રી-પુરુષ સમાનતાના સિદ્ધાંતો સાથે જીવવાની કેળવણી આપવી જોઈએ.
અંતમાં, સ્ત્રી હત્યા અને બળાત્કાર કરનારાઓને માટે મૈથ્યુનો આ વિચાર મૂકીએ: જો તેઓ પોતાના આત્માને હારીને સમગ્ર સંસાર જીતી લીધાનો સંતોષ માનતા હોય તો તેઓ વિચારે કે તેઓએ શું મેળવ્યું?!
Comments