માત્ર ૧૭ વર્ષની ભારતીય કુસ્તીબાજ રિતિકા ફોગાટે ૧૫મી માર્ચે આપઘાત કરી લીધો એ સમાચાર પાછળનું એક કારણ રાજ્યકક્ષાની ફાઇનલ મેચમાં માત્ર એક પોઈન્ટને કારણે થયેલી તેણીની હાર હતી. મતલબ કોઈપણ હારનો માર્જિન જેટલો ઓછો હોય તેટલો તે વધુ ઘાતક બને! ખરું? શરીરથી ચુસ્ત અને મજબૂત રિતિકા મનને મજબૂત બનાવી શકી નહોતી એ સંદેશ બાબતે સૌ કોઈએ વિચારી તો લેવું જ જોઈએ. કોરોનાની વૈશ્વિક મહામારીની પરિસ્થિતિમાં લાખો અને કરોડો લોકો મનથી નબળા થયા છે એ બાબતે કોઈ પ્રમાણપત્રની આવશ્યકતા નથી.
રોજ સવાર પડે છે. નિત્ય કર્મો આટોપાય છે. થોડી ઘણી પ્રવૃત્તિઓ થાય છે. તેમાંની કેટલીક તો કમને જ થાય છે. સાંજ પડે છે, ટીવી જોવાય છે અને પછી સુઈ જવાય છે. છેલ્લા એક વર્ષથી લગભગ આમ જ ચાલે છે. વિચાર આવે છે કે જેલમાં આનાથી કંઈક જુદું હશે ખરું?! પોતાના ઘર-પરિવારના સભ્યો, સગા સંબંધીઓ અને પડોશીઓ સાથે સંવાદ થાય છે તેમ છતાં માણસને એકલું એકલું અનુભવાય છે. એક સૂક્ષ્મ વિષ્ણુનો આટલો બધો દુષ્પ્રભાવ હોય છે કે?
વિચારીએ તો ફરી નિરાશા આવી જાય છે. કંઈ જ કરવાનું મન થતું નથી. કોઈપણ વ્યક્તિને ફરજિયાત કોઈ કામમાં ન રોકો ત્યાં સુધી તેમનાથી જાતે કશું જ થતું નથી. માણસમાં રહેલી પહેલવૃત્તિ જાણે જગતમાંથી જ અલોપ થઈ ગઈ છે! આવું દરેક ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિમાં રોકાયેલી વ્યક્તિને થતું હશે. તો પછી શિક્ષકો વિદ્યાર્થીઓ તેમાંથી બાકાત ન જ રહી શકે ને? એક વર્ષથી ઘરના પાંજરામાં પુરાઈ રહેલા સંતાનો બળવાખોર બની ગયા છે. તો શિક્ષકોને કામચોરી, આળસ અને શોર્ટકટથી કામ પૂરું કરી દેવાના દુષ્ટ વિચારો આવી રહ્યા છે!!
આવું થવા પાછળ બાહ્ય પરિબળોની અસર અવશ્ય હોય છે. પરંતુ મનુષ્ય શરીરની રચનામાં થતાં ફેરફારો પણ જવાબદાર હોય જ છે. આહાર અને વિચારોનું સંતુલન ન જળવાય ત્યારે મન ઉદાસ અને શરીર આળસનો અનુભવ કરવા માંડે છે. દાક્તરી જગત પાસે આનો ઉપાય છે અને તેનો સમયે-સમયે સ્વીકાર કરવામાં જ ડહાપણ છે. તેની સાથે પોતાની આસપાસની દુનિયામાંથી નિરાશ કે અંધકાર દૂર કરી પ્રકાશ પાથરવાના અંગેના બિનદાક્તરી ઉપાયો વિશે પણ વિચારવાની જરૂર છે. બીજા શબ્દોમાં, ધરતી પર સ્વર્ગની કલ્પના કેવી રીતે સાકાર કરી શકાય તે વિશે વિચારવાની જરૂર છે.
આ માટેનો પ્રથમ ઉપાય છે: સ્વસ્થ શરીર. આપણું શરીર એક યંત્ર છે એના અંગો (ભાગો) બરાબર કામ કરતા રહે તો જ વ્યક્તિ સુખનો અનુભવ કરી શકે છે. રોગીષ્ઠ, કૃશ અને ઢીલું શરીર એ બગડેલા મશીન જેવું છે, જે માત્ર નિરાશા, ઈર્ષ્યા, ક્રોધ, વાસના, અનિદ્રાના તત્વો જ પેદા કરે છે. આવા શરીરનું મન(વિચારો) પણ રોગી જ હોવાનું. તે વાસના, લોભ અને સંપત્તિ જેવી બાબતોને જ પોતાના તરફ ખેંચે છે. બસ, પછી તો તે પોતાના જીવનને સ્વર્ગ અને બદલે નરક તરફ જ ધકેલશે. જીવનમાં તે બંધન, દુઃખ, સંઘર્ષ અને અધૂરપનો જ અનુભવ કરવા માંડશે. તેનાથી વિરુદ્ધ જેનું શરીર સંપૂર્ણ તંદુરસ્ત હશે તે સ્વર્ગના આનંદની અનુભૂતિ પામે છે.
બીજો ઉપાય છે મનુષ્યનું જીવન પ્રત્યેનો અભિગમ. જે વ્યક્તિઓ સતત નકારાત્મક કે નિરાશાજનક વિચારો લઈને ફરે છે તેઓને સ્વભાવિક રીતે જ નિરાશા-હતાશા સાંપડશે. આવી વ્યક્તિઓને રડવા કૂટવાનું ભાથું પણ શોધવા જવું પડતું નથી! કોઈ શિક્ષક માત્ર વિદ્યાર્થીને જવાબ ન આવવાથી 15 મિનિટનું ભાષણ આપી દે, તો વળી પાંચ મિનિટ વહેલો બેલ વગાડવા બદલ પટાવાળાને માર્મિક ઠપકો આપી દેનારા આચાર્ય કે સંચાલકો પણ આપણી આસપાસ હશે જ ને? એક વખત આવી પરિસ્થિતિને સાથે લઈ ચાલવાની ટેવ પડી જાય પછી એટલી સાહજિક બની જતી હોય છે કે વ્યક્તિને નકારાત્મક વ્યવહાર કે વિચાર અંગે જરા સરખોયે ખ્યાલ નથી આવતો. આવી સ્થિતિ લાંબા ગાળા માટે ભયજનક બની શકે છે.
બીજી તરફ જેઓ આશાવાદી, ઊર્જાવાન તથા હકારાત્મક વાતો (વિચારો) સાથે જીવતા હોય છે તેઓ સતત ખુશ રહીને બીજાને પણ પ્રેરિત કરતા હોય છે. તાત્પર્ય એ જ છે કે આપણા મનમાં જેવું હોય છે તેવી જ સૃષ્ટિ આપણી આસપાસ રચાતી હોય છે. આપણી સુખ-દુઃખની છાયા આપણા અભિગમ પર જ નિર્ભર રહેતી હોય છે એમ માનવું જ રહ્યું. જે બહાર છે તેની અસર અંદર (એટલે કે વિચારો પર) પડે જ છે તેથી સ્વર્ગ જેવા વાતાવરણની અનુભૂતિ માટે ઘરની ચાર દીવાલને પાર કરીને બહાર ફરતા રહેવું જોઈએ.
ઘડીક ઊંડું મનોમંથન કરીએ તો સાર એ જણાય છે કે સાંસારિક ઘટમાળમાંથી ક્યારે અથવા દરરોજ થોડો થોડો સમય એકાંત પસંદ કરવું જોઈએ. કેમકે એવી સ્થિતિમાંથી જ વ્યક્તિ પોતાના અસ્તિત્વ વિશે કે પોતાના મનથી ઉપરનું કંઈક વિચારી શકે છે. સવારથી સાંજ ભાગતી જીંદગીમાં ઘડીભર વિસામો લેવાનું શિક્ષણ આપણી વૈધિક વ્યવસ્થામાં છે ખરું? આ પ્રશ્ન સટીક છે, અને શિક્ષણ ક્ષેત્રના સૌ કોઈએ મંથન કરવા જેવો છે.
આર્થિક પ્રવૃત્તિ માટે દોડાદોડ કરતાં માનવીને જો ‘લોભિયા’ ગણીએ તો માર્કશીટના ટકા પાછળ દોડતા શાળાના વિદ્યાર્થીઓને (અને હા, કેટલાક શિક્ષકો અને વાલીઓને પણ!) ‘લોભિયા’ જ ગણવા પડે! શૈક્ષણિક સંસ્થાઓમાં ગુણ(marks) વધારવા જેટલી તનતોડ મહેનત થાય છે તેટલી વ્યક્તિમાં ગુણ (virtues)વધારવા માટે થાય છે ખરી?! જીવનમાં હકારાત્મક કે પ્રોત્સાહક ગુણો વિના સુખની આશા રાખવી ઠગારી છે. આ વાત વર્ગખંડમાં કોણ અને ક્યારે સમજાવે છે?!
વોલ્ટર સ્કોટનું ઉદાહરણ પ્રેરિત કરનારૂ છે. પોતાનું છાપખાનું (પ્રેસ) ચલાવતા આ વ્યક્તિ ઉપર મોટી રકમનો દેવું થઈ ગયું હતું. આના જેવા અનેક કિસ્સા આપે પણ જાણ્યા હશે. (ભારતમાં અમિતાભ બચ્ચનની એબીસી કંપનીની નાદારીના કિનારે આવેલી સ્થિતિ આપને અચૂક યાદ હશે) પેલા વોલ્ટરે આ સ્થિતિમાંથી બહાર આવવા માટે સતત ૩૦-૪૦ વર્ષ સુધી વાર્તાઓ નવલકથાઓ લખી અને એની કમાણીમાંથી પોતાનું બધું જ દેવું ચૂકવી દીધું હતું. માત્ર અભિગમમાં ફેરફાર લાવીને આવી અનેક મુસીબતોમાંથી વ્યક્તિ પોતાની જાતને હેમખેમ બહાર લાવી જ શકે છે.
ડેલ કાર્નેગીનો વિચાર છે કે મનુષ્ય પોતાની ચિંતા, ભય અને બીમારીઓને આશાવાદી અભિગમ દ્વારા સરળતાથી ભગાડી શકે છે. લાર્સન નામના બીજા એક વિચારકે શું કહ્યું હતું એ પણ વાંચો: જીવનમાં એવી બહુ ઓછી વસ્તુઓ છે તેનો પ્રભાવ પ્રસન્નતા કરતાં પણ વધુ આપણા મન અને શરીર ઉપર થાય છે. આત્મા, શરીર તથા મન બધાની મુખ્ય શક્તિ ‘આનંદ’ જ છે. જે આનંદમાં નથી રહેતા તેવા હજારો મનુષ્યનો વિલય થઈ ગયો છે. તેથી જ આપણે પ્રસન્નતા વાતાવરણ તથા વિચારો માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. સુખ-દુ:ખ, આશા-નિરાશા એ આપણી મનોસ્થિતિ છે એ ખરું, પણ એમ માનીને બેસી રહેવાનું કર્મ કે લક્ષણ માનવીનું નથી જ. શરીર-મનની તંદુરસ્તી પોતાની જવાબદારી છે એમ સ્વીકારીને પોતાના અભિગમને એ દિશા તરફ વાળવા પ્રયત્ન કરીએ.
Commentaires