ગુજરાતી સાહિત્યનું એક ઉમદા વ્યક્તિત્વ એટલે ફાધર વાલેસ. લેખક તરીકે તેઓ બિનગુજરાતી હોવા છતાં એમનાં પુસ્તકોની શૈલી મૂળ ગુજરાતીઓને પણ ટપી જાય એવી હતી, અને એ સૌ કોઈને માટે આકર્ષિત પણ રહી છે. તેથી તેમના દરેક ગુજરાતી પુસ્તકો ચપોચપ વેચાય છે અને વંચાય પણ છે. શિક્ષણમંગલ એ ‘મંગલ’ શબ્દ સાથે જોડાયેલા લગ્નમંગલ, કુટુંબમંગલ, ધર્મમંગલ જેવી શ્રેણીનું સંભવતઃ અંતિમ પુસ્તક છે, જેની પ્રથમ આવૃત્તિ 2009માં પ્રકાશિત થઇ હતી. ત્યાર પછી એ છપાતું તો રહ્યું જ છે. નામ મુજબ તેની ચર્ચામાં શિક્ષણ કેન્દ્ર સ્થાને છે. બાળપણથી લઈ યુવાનોના શિક્ષણપ્રશ્નો અને અનુભવોને જાણે પોતે અનુભવ્યા હોય તે રીતે અહીં રજૂ કરવામાં આવ્યા છે.
વર્ગખંડથી લઈને ઘર સુધીની તેમની ચર્ચા અત્યંત સરળ હોવા છતાં પણ પૂરતી ગંભીરતા સાથે રજુ થયેલી જોવા મળે છે પરીક્ષાના ઓપ્શન, કોર્સ બહારનો પ્રશ્ન, અપેક્ષિત પ્રશ્નોની અપેક્ષિત પરીક્ષા અને ઓપ્શનના રાજકારણ જેવા પ્રકરણોએ એમના ભારતીય અને શિક્ષણ જીવ હોવાની સાબિતી આપી છે. દેશના યુવાધનને સાચા માર્ગે વાળવાની તેમની ચિંતા તેમના ‘નવી પેઢીને’ પુસ્તકમાં રજૂ થયેલી હતી અને તેવો અનુભવ અહીં પણ વાચકને કરાવે છે.
મારા એક પુસ્તક ‘કાચની આરપાર ઊડે પતંગિયા!’ જેવા જ કઇંક વિચારો આ પુસ્તકમાં લેખકે વિસ્તારથી અને પોતાના અંદાજથી રજૂ કર્યા હોય તેવું લાગ્યું છે. 61 પ્રકરણ અને 224 પાનામાં લખાયેલું આ પુસ્તક શિક્ષકો, વાલીઓ, તરૂણો અને યુવાનોએ અચૂક વાંચવા જેવું છે.
- ડૉ. વિજય મનુ પટેલ (કટાર લેખક)
Comments