બેટી બચાવો, બેટી પઢાવોના વિચાર સાથે દેશમાં સામાજિક ક્રાંતિ થઈ રહી હોય ત્યારે સ્ત્રી શોષણ અને અપમાનના પ્રતીકરૂપ અપમૃત્યુ, બળાત્કાર, શારીરિક છેડતી અને અશ્લીલ ટીકાઓ જેવા શબ્દો ખટકતાં હોય છેે. છોકરીઓ કે સ્ત્રીઓને ભાગે આ બધુ મોટેભાગે પુરુષો તરફથી જ આવે છે તેથી દેશમાં હવે ‘બેટા પઢાવો, બેટી બચાવો’ના નવા સામાજીક આંદોલનની જરૂર છે!
ભારતીય સમાજમાં છોકરીના જન્મ સાથે જ અનેક મર્યાદાઓની બેડી લાગી જાય છે. જ્યારે છોકરાના જન્મ બાબતે નરી સ્વછંદતાને જાણ્યે-અજાણ્યે પોષવાનું શરૂ થઈ જાય છે. આમ કરવામાં સ્ત્રીઓ પોતે પણ ભાન ભૂલે છે એ આશ્ચર્યજનક છે. છોકરાઓને સામાજિક કેળવણી આપવા વિષે ઝાઝી ચર્ચા થતી નથી એટલે આજે એ વિશે થોડા વિચારો વહેચું.
છોકરીઓ સ્વભાવે નમ્ર અને શાંતિપ્રિય હોય છે જ્યારે છોકરાઓ ચંચળ અને આક્રમક હોય છે, ખરું? આ બંને પ્રકારમાંથી કયા સ્વભાવને સારો ગણી શકાય તેના ઉત્તરમાં મહત્તમ પસંદગી છોકરીવાળા સ્વભાવ તરફ જ ઢળે છે છતાં ભારતના ઘણા કુટુંબોમાં બાળકોના આક્રમક સ્વભાવ માટે ગૌરવ અનુભવાય છે, બોલો! અજુગતું લાગશે જપણ આ અવલોકન સાવ ખોટું નથી એ પણ એટલું જ સાચું છે!
છોકરાઓના વર્તન સુધારાની દિશામાં શું થઈ શકે? દરેક મા-બાપે જાતિભેદને ધ્યાનમાં રાખ્યા વિના જાહેર વર્તનો શીખવવાની જરૂર છે. નમ્રતા, વિવેક, આદર, પ્રામાણિક્તા, વિરોધ વગેરેમાં જાતિને શું લેવાદેવા છે? છોકરાઓમાં વારંવાર ગુસ્સે થવાની આદતને કદીપણ પ્રોત્સાહિત કરવી ન જોઈએ. ઘરના કોઈપણ સભ્ય સાથે ઊંચા અવાજમાં વાત ન કરવાની કેળવણી (કે અંકુશ) વડીલોના હાથમાં છે. છોકરાઓને સમજાવટ દ્વારા હિંસાત્મક વર્તનથી જેમ બને તેમ જલદીથી વિમુખ કરવાના પ્રયત્નો ઘરના વડીલોએ કરવાની જરૂર છે.
તમારાં છોકરાઓએ બીજાની સામે (ઘરના કે બહારના) શરમમાં મુકાવું પડે તેવા અન્યોના વર્તનથી તેમને બચવવાની જરૂર છે. મનોવિજ્ઞાનના મતે, ઘરના સભ્યો, સગાસંબંધીઓ કે મિત્રો તરફથી છોકરાઓએ જો વારંવાર શરમિંદગી અનુભવવી પડતી હોય તો તેવા છોકરાઓ હિંસક કે આક્રમક બની જવા સંભવ છે. એટલે મહોલ્લામાં કે સામાજિક મેળાવડાઓમાં પોતાના છોકરા માટે અન્યો દ્વારા કોઈ અજુગતિ ટીકા-ટિપ્પણી ન થાય તેનું ધ્યાન વાલીઓએ રાખવું જોઈએ. જેમ છોકરીઓને અન્યો સાથે વાતચીત કે ચર્ચામાં સામેલ થવામાં અટકાવીએ છીએ તે રીતે છોકરાઓને પણ અન્યો સાથે મળવા-ભણવામાં ધ્યાન રાખવું જોઈએ. આપણાં બધાનો એવો પણ અનુભવ છે કે અપશબ્દો, ગાળ કે છીછરી ટીપ્પણી છોકરાઓ દ્વારા જ વધુ થતી હોય છે. પોતાનું સંતાન (છોકરો) કેવા મિત્રોના જૂથમાં વધુ રહે છે તેના ઉપર દેખરેખ રાખવાનું કામ વાલીઓનું છે એ ન ભુલશો.
આધુનિક સમયમાં છોકરાઓ પર સૌથી વધુ પ્રભાવ હોય તો ઇલેક્ટ્રોનિક્સ સાધનો(gadgets)નો છે. આની ઘેલછા કેવા પરિણામો લાવે છે તે સમાચાર રૂપે અખબારોમાં ચમકતું રહે છે. તેથી છોકરાઓની ‘ઇન્ટરનેટ’ પ્રવૃતિઓ પર નજર રાખવી આધુનિક મા-બાપોનું કર્તવ્ય બને છે. બાળકો મોબાઈલ કે કમ્પ્યુટર પર રમતો રમે છે તે કેવા પ્રકારની છે તેની જાણકારી અને દેખરેખ વાલીએ જ રાખવી પડશે. જો હિંસાત્મક રમતોમાં છોકારાઓ વધુ સામેલ થશે (મોટાભાગની રમતો આવી જ હોય છે!) તો લાંબેગાળે તેનું વર્તન પણ ઉદંડ અને આક્રમક જ હશે. વારંવાર યુદ્ધ કે હિંસાત્મક દ્રશ્યોવાળી ફિલ્મ જોવાના શોખીન છોકરાઓના મા-બાપે પણ ચેતી જવાની જરૂર છે!
ઘણાબધાને પસંદ ન આવે તેવી એક પ્રવૃત્તિ પાલતુ પ્રાણી રાખવાની છે. કૂતરો, બિલાડી, સસલું, કાચબો કે અન્ય પક્ષીને ઘરમાં રાખવાથી છોકરાને જવાબદારીપૂર્વકનું કામ મળે છે. આવા મૂંગા પ્રાણીઓને સંભાળવાની કામગીરી તેમનામાં સહાનુભૂતિ જન્માવે છે, જે પેલા હિંસાત્મક વર્તનમાંથી તેઓને બચાવી લે છે. જો પ્રાણીઓ-પક્ષીઓ સાથે છોકરાઓ સારું વર્તન કરશે તો તેની આસપાસના માણસો સાથે પણ તેવું જ વર્તન કરવા પ્રેરાશે. છોકરાઓના વર્તનને સુધારવાનો આ સાવ નોખો પ્રયોગ છે. જે ઘરોમાં ગુસ્સાનું પ્રભુત્વ છે તેવા વડીલોને આ ઉપાય અજમાવી જોવા સલાહ છે!
વાલીઓએ છોકરાની બાહ્ય રમતો (ખાસ કરીને મેદાન કે ખુલ્લી જગ્યાઓમાં રમાતી હોય તેવી)માં પ્રોત્સાહિત કરવાની જરૂર છે. આજકાલ શહેરોમાં આની ભારે ઉણપ વર્તાય છે. રમવાની ખુલ્લી જગ્યા ન હોવાના કારણે નહીં પણ ગોખણિયા અને પરીક્ષાલક્ષી શિક્ષણને કારણે છોકરા-છોકરીઓ અને વાલીઓ રમત કે શારીરિક પ્રવ્રત્તિથી લગભગ વિમુખ બની ગયા છે. આવા ઘરના છોકરાઓ ‘રખડપટ્ટી’ દ્વારા મનોરંજન મેળવે છે, જેમાંથી વ્યસનો, છેડતી, અપશબ્દો અને હિંસા જેવા અવગુણો ગ્રહણ કરે છે. બહુધા વાલીઓ આ બાબતે મૌન સેવે છે અથવા અજ્ઞાત હોય છે.
છોકરાઓને પણ સૌંદર્ય ગમે છે. ઘર કે બહારની દુનિયામાં રહેલા વૃક્ષો, ફૂલો, નદી-તળાવો, ઘરની સુશોભિત વસ્તુઓ વગેરે તરફ ધ્યાન દોરતા વાલીઓએ શીખવવાની જરૂર છે. આ બધુ ન થાય ત્યારે છોકરાઓના સૌંદર્યની શોધ માત્ર છોકરી કે સ્ત્રી પુરતી જ સીમિત થઈ જાય છે! આ મનોવૈજ્ઞાનિક વાસ્તવિક્તા છે. છોકરાઓને દુનિયામાં ઠેર ઠેર પડેલી સુંદરતાનો અનુભવ કરાવવાની જવાબદારી વડીલો અને વાલીઓની છે. જ્યારે આમ નથી થતું ત્યારે છોકરાઓ ભટકી જાય છે અને તેના દુષ્પરિણામો કુટુંબ અને સમાજે ભોગવવાનો વારો આવે છે. તેથી હે વાલીઓ અને વાચકો! મંથન કરજો અને આ ઉપાયો અચૂક અજમાવજો.
Comments