top of page

બુદ્ધિ અને સિદ્ધિને શું લેવાદેવા?!

થોડાં મહિના પહેલા બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. વાતનો મુદ્દો સંતાનોની સરખામણીનો હતો. બંને પાડોશીના સંતાનોમાં એકનો ભણવામાં હોંશિયાર અને બીજો સામાન્ય. બસ, આમાં જ સંઘર્ષ થયો હતો. તેમાંના એકથી બોલાઈ ગયું હતું કે, ‘મારા છોકરાનો IQ તો તમારા કરતાં ઊંચો છે!’ આ ઊંચ-નીચમાં જ બંને પાડોશીઓ વચ્ચે ખટરાગ પેદા થઈ ગયો હતો. તેઓને IQ વિશે ઝાઝી સમજ નહોતી છતાં એ ખ્યાલ બખેડા પેદા કરી ગયો હતો. જો કે આજે ઘણાં લોકો IQ વધારવામાં પડ્યા હોય છે એ હકીકત છે.

જ્યારે મનોવૈજ્ઞાનિક આલ્ફ્રેડ બાઈનેટે ૧૯૦૪માં ફ્રેન્ચની શાળાના વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતા ચકાસવા માટેની કસોટીનું નિર્માણ કર્યું હતું ત્યારે કદાચ તેને ખબર નહીં હશે કે તેમનું સંશોધન દુનિયાની કાયાપલટ કરશે. આગલી સદી (એટલે કે 20મી સદી)માં ઔદ્યોગિક અને શૈક્ષણિક જગતમાં બુદ્ધિઆંક અને સિદ્ધિ કસોટીએ મોટું પરિવર્તન આણ્યું હતું. બુદ્ધિ કસોટી બાબતે અનેકવાર વિવાદો અને સમીક્ષાઓ થઈ છે ત્યારે બાઈનેટે બુદ્ધિને કઈ રીતે જોઈ હતી એવો પ્રશ્ન થાય. તેનો જવાબ એટલો જ છે ‘સામાન્ય બુદ્ધિ!’ તેમના મતે પરિસ્થિતિ અનુસાર સારું અનુમાન કે સારો નિર્ણય એટલે બુદ્ધિ.

જો કે તેઓ કહે છે કે બુદ્ધિ એ ઘણીબધી આવડતોનો સમન્વય છે, અને તે આસપાસની પરિસ્થિતિ કે વાતાવરણ મુજબ ઘડાય છે. તેમના સંશોધનનો મુખ્ય હેતુ તો વિદ્યાર્થીઓની જુદી જુદી ક્ષમતાઓના વિકાસ માટે શિક્ષકો દ્વારા યોગ્ય અધ્યાપન પદ્ધતિ અપનાવાય તે છે. જે વિદ્યાર્થી ગણિતમાં કાચો છે તેને માટે ખાસ પ્રકારની રીતે ભણાવાય એ જરૂરી છે. પણ અગાઉ કહ્યું તેમ કેટલાક લોકો બુદ્ધિને ક્ષમતાઓનું સંયોજન ગણે છે, જ્યારે બીજા કેટલાક તેને સ્વતંત્ર જિનેટિક ગુણ સમજે છે.

ઔદ્યોગિક ક્રાંતિ પછી શિક્ષણનું મહત્વ વધ્યું એમ માનવું યોગ્ય ગણાશે, કેમ કે જુદી-જુદી ઔદ્યોગિક વસ્તુઓના ઉત્પાદન માટે તકનીકી અને ક્રિયાત્મક કૌશલ્યની માંગ વધી હતી. જેણે શિક્ષણની માંગને પણ વધારી. લોકોએ વધુ સારું શિક્ષણ મેળવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને આ પ્રક્રિયામાં બુદ્ધિઆંકની બોલબાલા વધી. જો કોઈ વિદ્યાર્થીની જાતિ, સામાજિક પ્રતિષ્ઠા કે શિષ્ટાચાર ધ્યાનાકર્ષક જણાય તો તેને સારું શિક્ષણ મેળવવાની તકો પણ વધારે મળતી.

આજેપણ દુનિયાભરમાં બુદ્ધિક્ષમતા અને સિદ્ધિ કસોટીની બોલબાલા ઘટી નથી, ખાસ કરીને શિક્ષણ જગતમાં! એક વાત સ્પષ્ટ છે કે આ બંને કસોટી કે માપનની ક્રિયામાં ક્રમશઃ ફેરફાર અને સુધારાઓ થતાં રહ્યાં છે. હાર્વડ ગાર્ડનરના મતે હવેનો જમાનો બહુમુખી ભૌતિક ક્ષમતા (મલ્ટીપલ ઇન્ટેલિજન્સ)નો છે. તેમની પોતાની બુદ્ધિ કસોટી માત્ર શાબ્દિક કે ગણિત ક્ષમતાનું જ માપન નથી કરતી પણ સંગીત, તકનીકી, શારીરિક અને સામાજિક ક્ષમતાને પણ ચકાસે છે. તેવી જ રીતે રોબર્ટ સ્ટેનબર્ગ દ્વારા ત્રિપરિમાણીય થિયરી રજુ થઈ જે અંતર્ગત વિશ્લેષણાત્મક, સર્જનાત્મક અને વ્યવહારુ બૌદ્ધિક ક્ષમતાનું માપન થઈ શકે છે.

1920 ની શરૂઆતમાં લેવિસ ટર્મને ઊંચી ભૌતિક ક્ષમતાવાળા બાળકોની સાંવેગિક અને સામાજિક વિકાસ કૌશલ્યની તપાસ કરવા એક સંશોધન હાથ ધર્યું હતું. તેમણે જેમની ઉંમર 8 થી 12 વર્ષની વચ્ચે હોય અને જેઓનો સરેરાશ બુદ્ધિઆંક (IQ) 150 હોય (તેમાં 80 જેટલાના IQ 170 થી વધુ હતા.) તેવા કેલિફોર્નિયાના 1500 વિદ્યાર્થીઓને પસંદ કર્યા હતા. થોડા વર્ષો સુધી તેમણે આ બાળકોનું સતત મૂલ્યાંકન કર્યું. અને તેમાં તેમણે અનુભવ્યું હતું કે મોટાભાગના બાળકો શારીરિક અને સામાજિક રીતે સારું અનુકૂલન ધરાવતા હતા. તેઓ ઓછા IQવાળા બાળકો કરતાં માત્ર શૈક્ષણિક દેખાવની રીતે જ નહીં, પરંતુ તંદુરસ્તી, ઊંચાઈ, મજબૂતાઈ અને સાવચેતીના સંદર્ભમાં વધુ ચડિયાતા જણાયા હતા.

ટર્મનના સંશોધનોનું જે સામાન્યીકરણ હતું તે મુજબ જૂથમાં ઊંચા આઇક્યુવાળા લોકો અમુક ચોક્કસ પ્રકારના કામોમાં ઉંચુ પ્રભુત્વ ધરાવતા હોય છે. જ્યારે સામાન્ય કે નીચા બુદ્ધિઆંક વાળા લોકો સામાન્ય પ્રકારના કામોમાં વધુ રોકાયેલા જણાય છે. આમ તો જીવનના દરેક ક્ષેત્રે સફળ થનારા બધા જ લોકો ઊંચો બુદ્ધિઆંક ધરાવતા હોવાના અપવાદો મળે છે. જેમ કે ગાંધીજી, નેલ્સન મંડેલા કે નીતા અંબાણીને ઊંચો બુદ્ધિ આંક ધરાવનાર ગણીશું?! તેમણે મેળવેલી સિદ્ધિને તેમની વ્યવહાર કુશળતા સાથે વધારે નિસબત હતી, નહીં કે બુદ્ધિના ઊંચા ગુણાંક સાથે!

બદલાતી સમાજ વ્યવસ્થા અને પરિવર્તનો વ્યક્તિના મનોજગતને પણ પ્રભાવિત કરે છે તેથી હવે ઊંચા IQની સાથે EQ (સાંવેગિક સમતુલા આંક)ની ચર્ચા થવા માંડી છે. શેરબજાર કે ગરીબીના આંક સાથે ખુશીના આંક (હેપીનેસ ઇન્ડેક્ષ)ની બોલબાલા વધી રહી છે. મનોવિશ્લેષણના સિદ્ધાંતો ક્યારેક આપણને મૂંઝવે છે તો ક્યારેક ઝૂમાવી દે છે! છતાં રોજબરોજ IQ-EQ જેવા આંકોમાં ઉલઝી રહેવાનું કોઈને ગમતું નથી. જો સિદ્ધિને જ સફળતા ગણશો તો બૌદ્ધિક ક્ષમતાને હળવાશથી લેવાશે, પણ જો બૌદ્ધિક ક્ષમતાને સિદ્ધિ સાથે જોડીશું તો એ બધાના નસીબમાં નથી એવું સત્ય સ્વીકારવું રહ્યું.

હાલ તો શિક્ષણ નેપથ્યેમાં ધકેલાયું છે. જો કે આત્મનિર્ભર ભારત અભિયાન અને કોરોના સામેના જંગમાં બુદ્ધિ કે સિદ્ધિ કરતાં આવડત (skill)નું મહત્વ વધી ગયું છે. એટલે જેની જેટલી બૌધિક ક્ષમતા હોય તે મુજબ તેઓ તેનો ઉપયોગ કરવામાં અને પ્રાપ્ત કરવામાં વ્યસ્ત છે. ભલે એમ કરતાં કરતાં કદાચ નાની મોટી સિદ્ધિ કે સફળતા હાથ લાગી જાય તો એ ભયો ભયો. બુદ્ધિઆંક શું છે, કેટલો છે એની પળોજણમાં પડવા કરતાં એ જેટલી છે તેનો મહત્તમ ઉપયોગ સૌ કોઈ કરે એય ઘણું ઘણું છે. શું માનો છો?

46 views0 comments

Comments


bottom of page