top of page

બાળ વિકાસમાં શાળાનું મહત્વ

શાળા એ એવું સ્થાન છે જ્યાં મનુષ્યની શ્રેષ્ઠતા માટેની મથામણ પ્રક્રિયા ચાલતી હોય છે આ પ્રક્રિયા અતિસૂક્ષ્મ કારીગરી જેવી હોય છે તેથી એ મુશ્કેલ સર્જરીથી ઓછી પડકારજનક નથી જ. ભલે, લોકો શિક્ષણને એક સાહજિક પ્રક્રિયા માનતા હોય પણ, ત્રણ વર્ષના બાળકથી તે અઢાર વર્ષનું ન થાય ત્યાં સુધી તેના વિકાસ માટે જે કંઈ શ્રેષ્ઠતમ કરવાનું હોય છે તે સ્થાનનું નામ જ શાળા છે. માતા-પિતા બાળકને જન્મ આપે છે પણ તેની અંદર ઉત્તમ અને ટકાઉ ઇંધણ ભરવામાં શિક્ષકો કે શાળાની ભૂમિકા નોંધપાત્ર જ રહે છે એ બાબતનો કોઈ ઇનકાર ન કરી શકે.

જીવનની આવનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટેની શારીરિક, સાંવેગિક, સાંસ્કૃતિક અને બૌદ્ધિક સમજણ તથા આવડતને પુસ્તકોનાં પાનાઓમાંથી બાળકોમાં ઉતારવાની ત્રેવડ શાળા કે શિક્ષકો પાસે ન હોય તો સર્વાંગી વિકાસની પરિભાષા જ ખોટકાઇ પડે, ખરું? શાળા શિક્ષણમાં આવા સર્વાંગી વિકાસ બાબતે સ્પષ્ટતા અને પ્રવૃત્તિઓ સામેલ હોવી જોઈએ. આ વિશે આપણે જુદા જુદા મુદ્દાના સંદર્ભમાં થોડાક વિચારો વાગોળીએ.

શાળામાં સૌથી વધુ કોઈ વિકાસ બાબતે ભાર અપાતો હોય તો તે છે માનસિક કે બૌદ્ધિક વિકાસ. આ તબક્કે જુદી જુદી વ્યક્તિઓ, સાહિત્ય, ઇતિહાસ, ગણિત જેવી અનેક વિષય વસ્તુઓનો આછો ખ્યાલ મેળવાય છે. આવા અનુભવો બાળકોની વૈચારિક પ્રક્રિયાને ઘડવાનું કામ કરે છે. જો કોઈ બાળક જુદા જુદા સાંસ્કૃતિક વાતાવરણમાંથી આવતું હોય તો તેની વૈચારિક પરિપક્વતા ઝડપી અને રોમાંચક હોય છે તેવો અનુભવ ક્યારેક આપને પણ થયો જ હશે.

મનુષ્યને આપણે સામાજિક પ્રાણી ગણીએ છીએ અને તેના સામાજીકરણની પ્રક્રિયા પણ શાળામાંથી જ શરૂ થાય છે. હા, ત્યારબાદ કુટુંબ અને સગાસંબંધીઓ સાથેના વ્યવહાર દ્વારા તે વધુ વિકસિત થાય છે. પોતાની વયસમકક્ષની વ્યક્તિઓ સાથેના વ્યવહારોથી જ બાળકો નવા વિચારો, નવી પ્રયુક્તિઓ અને પોષણ મેળવે છે. શાળાના ભાવાવરણથી જ તેઓમાં સમાનુભૂતિ, મિત્રતા, ભાગીદારી અને સહકાર જેવા ગુણો વિકસે છે. જેઓ શાળાના શિક્ષણથી વંચિત રહી જાય છે, તેઓમાં બહુધા આ મૂલ્યો ઉજાગર થતા નથી, પરિણામે તેઓ સંભવતઃ અસામાજીક તત્વોમાં ખપી જતાં હોય છે.

બાળકોને શાળાઓ ખૂબ ગમે છે તેની પાછળનું એક મહત્વનું કારણ રમત-ગમતનું અસ્તિત્વ છે. ઘરમાં તેઓને સીમિત અવકાશ મળે છે, તેથી પોતાની ઊર્જાને બહાર ભણવા માટે શાળાનું મેદાન ખૂબ આકર્ષિત કરતું હોય છે. કેટલાંક તરુણોને તો વિજાતીય આકર્ષણ કરતાં પણ મેદાન અને રમતોનું ભારે વળગણ હોય છે! કેટલાંક સંશોધનોનો સાર એ છે કે બાળકો અચાનક ઊભી થતી પરિસ્થિતિને સંભાળતા જેટલું ઘરમાં રહીને શીખે છે, તેના કરતાં શાળાના મેદાનમાં પોતાની સમકક્ષ સાથીઓ વચ્ચે રહીને ઘણુંબધું શીખે છે. મેદાન પરની રમતો ઉપરાંત કલા-સંસ્કૃતિ આધારિત પ્રવૃત્તિઓ તેમનામાં કશુંક હકારાત્મક અને ઉત્પાદક એવું કંઈક રોપે છે જે તેના સર્વાંગી વિકાસમાં અનોખુ હોય છે.

વર્ષો પહેલા શાળાનું કામ શું હતું? ઇતિહાસ વિશે જાણવાનું, અઘરા અઘરા ગણિતના દાખલા અને કોયડાઓ ઉકેલવાનું કે પછી કવિતાઓ મોઢે કરવાનું સ્થાન હતું, ખરું? આજના સમયમાં બાળકો પાસે પ્રણાલિકાગત કરતા નવીન રીતે શીખવાના સાધનો અને પ્રવૃત્તિઓ છે. તેમની સામે હવે સીધા સાદા ચાર્ટ કે ચિત્રો નથી, પણ તાર્કિક ક્ષમતાને વિકસાવે એવા સાધનો, આકારો અને ડિજિટલ ઉપકરણો છે! તેમની કલ્પનાશક્તિને છલાંગ મરાવે તેવા પાઠ્યક્રમ અને શિક્ષણ વ્યવસ્થા છે. હવે આ બધું જ શાળાઓમાં પ્રાપ્ય છે તેથી શાળાઓ બાળકોના સર્વાંગી વિકાસમાં પહેલાં કરતાં વધુ સમૃદ્ધ બની છે એમ કહેવું અયોગ્ય ન કહેવાય.

જીવન એ જીવવાની સાથે શીખવાની પણ પ્રક્રિયા છે. ઘરમાં કે વડીલો પાસેથી જે શીખવા મળે છે તે એકતરફી પ્રકારનું હોય છે. તેમાં સંઘર્ષ કે પડકાર જેવી પરિસ્થિતિ વિશે સંભવતઃ વિચારાતું જ નથી હોતું. શાળામાં હંમેશા એટલી સરળ પરિસ્થિતિ હોતી નથી. જીવનના ચઢાવ-ઉતાર અને સાથીઓ વચ્ચેના સંવાદ-વિખવાદ દ્વારા જીવન જીવવાની કળા શાળામાંથી જ શીખવા મળે છે. તેથી જ તો શિક્ષણને સમાજનો આધાર (કે પાયો) ગણવામાં આવે છે.

ઉપરાંત, તે આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસ અને વૃદ્ધિમાં પણ અસર કરતું પરિબળ છે. સમાજના સર્વાંગી વિકાસનો આધાર પણ શિક્ષણ વ્યવસ્થા પર રહેલો છે, તેથી શાળાઓ ભવિષ્યના ઉત્તમ નાગરિકોના ઘડતર દ્વારા રાષ્ટ્રનિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરે છે. કોઈપણ દેશના મજબૂત અર્થતંત્ર કે શાસન પ્રણાલીને ટકાવી રાખવા માટે જે તે દેશના શિક્ષણની ગુણવત્તા જોવામાં આવે છે એ વાતમાં તથ્ય છે.

પ્રખ્યાત તત્વચિંતક ગેટેનો વિચાર છે કે: બધા બાળકોમાં જો એમનામાં રહેલી શક્યતાઓ પ્રમાણે વિકાસ થાય તો આ જગત વિભૂતિઓથી ભરાઈ જાય. બીજમાં જેમ વૃક્ષ છુપાયેલું છે, તેમ દરેક બાળકમાં તેના ભાવિની મહાન શક્યતાઓ છુપાયેલી હોય છે. આ ચિંતનનો જે મર્મ છે તે બાળકને આકાશ આપવાનો છે. આવું આકાશ ઘર પછી શાળાઓ પાસે જ હોય છે. બાળ મનોવિજ્ઞાન, બાળકોના સર્વાંગી વિકાસમાં ચોક્કસ મહત્વનું સાબિત થાય છે. તેથી શાળાઓ પણ શિક્ષણના મનોવિજ્ઞાનને આત્મસાત કરે એ ખુબ જરૂરી બની રહે છે.

પરીક્ષાઓ પાસ કરીને બાળક કે વ્યક્તિ જો માત્ર ‘ઘરડો માણસ’ જ બની રહેવાનો હોય તો શાળાઓની ભૂમિકાનું કોઈ વજૂદ રહે છે ખરું? વિચારણીય પ્રશ્ન છે. શિક્ષણ જગતના સૌ કોઈએ આ બાબતે મંથન કરવું રહ્યું. શાળા સંચાલકો, વાલીઓ અને શિક્ષકો બાળકોના સંવર્ધન, માવજત અને ક્ષમતા વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા છે. તેથી શાળાઓ માત્ર મકાન જેવી નહીં, પરંતુ શ્રેષ્ઠ માનવ સર્જતા ‘દેવાલયો’ જેવી હોવી જોઈએ.

સંતાનોને જન્મ આપવો એ ઘટના સામાજિક ગૌરવ અપાવે, પણ સંતાનને શ્રેષ્ઠતા તરફ યોગ્ય રીતે લઈ જવામાં મદદરૂપ થવું એ વાલી અને શિક્ષકોને જુદા પ્રકારનું ગૌરવ અનુભવવા જેવું બને. વર્તમાનમાં ઘણા મહિનાઓ પછી કેટલાયે બાળકો હજી શાળાએ પહોંચ્યા નથી ત્યારે શાળાની અધૂરપ તેમના સર્વાંગી વિકાસમાં બાધારૂપ બની ગઈ છે. આવા સંજોગોમાં આ અધૂરાપણાની પૂર્તિ કઈ રીતે કરી શકાય તે બાબતે આપ પણ મંથન કરો એવી અપેક્ષા છે.

અત્યારે આપણે ત્યાં જે ચાલે છે તે શિક્ષણની શ્રદ્ધા અને દ્રષ્ટિ મેકોલેએ આપેલી છે. જેનું પ્રયોજન અને ઉદ્દેશ અંગ્રેજોની રાજનીતિની જરૂરિયાતને પૂરી પાડવાનો હતો. એમાં કોઈ રાષ્ટ્રહિત નહોતું. એ જમાનો હવે ક્યારનો ગયો છે, તેથી શિક્ષણપ્રથાનો આત્મા બદલાવો જોઈએ. પણ હજી એમ જ ચાલે છે, કેટલાકને તેમાં આરામ દેખાય છે! તમને થશે કે ગાંધીજીના આ વિચારોને બાળકોના શિક્ષણ સાથે શું સંબંધ? પરંતુ એમની આ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે. બાળકોના સર્વાંગી વિકાસમાં શાળાની ભૂમિકા વિશે જે ઉપરની ચર્ચા કરી છે તેના મૂળમાં ગાંધીજીની ‘પાયાની’ કેળવણીની જ તો વાત હતી. શિક્ષણ જે તે સમયને અનુરૂપ હોય તેની સાથે તેને સર્વાંગી બનાવે તેવું હોય તેવું ગાંધીજી પણ ઇચ્છતા હતા.

દિવસે દિવસે નવી નવી શાળાઓ ખૂલતી જાય છે ત્યારે તે પોતે પોતાની ભૂમિકાથી વાકેફ રહે તે જોવાની જવાબદારી સરકાર કરતાં પણ સંચાલકોની વધુ કહેવાય. અંતે, જ્યાં માનવ સભ્યતા છે ત્યાં શાળાથી વિમુખ સમાજની કલ્પના જ અર્થહીન છે એ વાતને મમળાવીએ.


109 views0 comments

コメント


bottom of page