આમ તો ‘ભણવા’ વિશેના વિચારો અટકતા નથી એ વાત સાચી છે, પણ આજે એવા વિચારો (કે માન્યતા) વિશે વાંચીએ અને વિચારીએ જે ભણતર સાથે સો ટકા સુસંગત નથી.
પ્રવૃત્તિ (પ્રેક્ટિકલ) દ્વારા અપાતું શિક્ષણ વધુ અસરકારક હોય છે. મોટાભાગના વાચકો આ સાથે મહદઅંશે સંમત થશે, પરંતુ અભ્યાસક્રમના વિષયવસ્તુ સાથે સંબંધિત પ્રવૃત્તિ હોય તો જ તે ચિરંજીવ અને ફળદાયી બને છે. મતલબ એ કે હવાનું પ્રદૂષણ અટકાવવા માટે વિદ્યાર્થીઓએ ‘બાઇક રેલી’ કરે તો એ કેવું અજુગતું બને?! શિક્ષક પાસે શૈક્ષણિક લાયકાત હોય તો તે ઉત્તમ શિક્ષક બની જાય આ માન્યતા પણ ભ્રામક છે. સારા શિક્ષક થવા માટે સૈદ્ધાંતિક જાણકારીની સાથે મનોવિજ્ઞાન, વ્યવહારુ આભિગમ અને સર્જનશીલતા જેવા ગુણો પણ અતિ આવશ્યક બને છે.
એક મોટી ભ્રામક માન્યતા એ છે કે જેમ શિક્ષણ પાછળનો ખર્ચ વધુ તેમ શિક્ષણ વધુ સાર્થક. મતલબ લક્ષ્મી હોય ત્યાં જ સરસ્વતી હોઈ શકે! આ વિચાર સાથે પણ સો ટકા સંમત ન જ થવાય. આપણી આસપાસ એવા અનેક ઉદાહરણો મળશે જેમાં સામાન્ય શાળાનો વિદ્યાર્થી ઓલમ્પિક કે ખેલ મહાકુંભનો વિજેતા બન્યો હોય. હાલમાં પૂર્ણ થયેલા ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતના વિજેતાઓમાંના ઘણાબધા સામાન્ય જ હતા ને? બધા ચેસ ચેમ્પિયન ખેલાડીઓ કઈં શ્રીમંત શાળાઓના જ વિદ્યાર્થીઓ હોય એવું માની શકાય કે?
જો બાળક સાથે બાળક થઈએ તો તે વધુ સારી રીતે શીખે છે. આ ખ્યાલ પણ આપણને સંપૂર્ણ સંતોષ આપી શકે તેમ નથી. ઘણા શિક્ષકોનો અનુભવ એવો છે કે આમ કરવામાં ‘એ લોકો’ માથે ચઢી જાય છે! આમ પણ વડીલોએ બાળક જેવા થવું એ બધાના ગજાની વાત નથી. પોતાના અનુભવો, વિચારો અને અહમને નીચે ઉતારવાનું કામ અતિ મુશ્કેલ છે. કદાચ એટલે જ ઘણાબધા શિક્ષકો ધીમે ધીમે બિનઅસરકારક બની જતાં હોય છે.
જો વધુ ગુણ લાવવા હોય તો વધુ હોમવર્ક કરવું પડે અને જે વધુ ગૃહકાર્ય કરે તે બહુ સારું ભણે છે એમ કહેવાય. આ વિચાર પણ ચિંતાજનક છે. વધુ ભણતા હોવું એટલે સતત લખતા-વાંચતાં રહેવું એ ભ્રામક દ્રશ્ય છે. શીખવાની ક્રિયામાં વાંચન-લેખન એક ભાગ માત્ર છે. તેમાં તો વિચારવાની, જોવાની, સ્પર્શવાની અને સર્જનની પ્રક્રિયા પણ સામેલ હોય છે. ગૃહકાર્ય આ બધાનો હંમેશાં સરવાળો નથી હોતું!
શહેરના વિદ્યાર્થીઓ વધુ તેજસ્વી હોય છે કેમ કે તમને સારું ભોજન મળે છે. આ વાત સાથે ઘણાબધા એ રીતે સંમત થશે કે આહાર વિના શરીરનો, અને શરીર વિના મનની શક્તિનો વિકાસ શક્ય નથી. અહીં સારું ભોજન એટલે શું? એ બાબતે મતમતાંતર રહેવાના. શહેર હોય કે ગામડું, બંનેને સમતોલ આહારની સરખી જ જરૂર રહે છે. જો સમતોલ આહાર પ્રાપ્ય થતો હોય તો ‘વિસ્તાર’ કોઈ ભેદ સર્જી શકે તેમ નથી, એટલે શહેરના વિદ્યાર્થી કે ગામડાના વિદ્યાર્થીઓ વચ્ચે અભ્યાસકીય પરિણામો બાબતે ભેદ હોય તો માત્ર ‘ભોજન’ને કારણે હોય છે એમ માનવું ઉચીત જણાતું નથી.
શિક્ષકો પગાર વધુ લે છે અને ઓછું ભણાવે છે! આમ તો આ ફરિયાદ છે, પણ એ એટલી વ્યાપક બનેલી છે કે જાણે એ જ માન્યતા બની ગઈ હોય. આમાં થોડી સચ્ચાઈ હોય તો પણ સંપૂર્ણ નથી. મોટાભાગના શિક્ષકો પોતાના ભાગના કાર્યથી વાકેફ હોય છે અને ન્યાય આપવા પ્રયત્નશીલ રહે છે છતાં અન્ય પ્રકારના હસ્તક્ષેપ કે સંજોગો તેમને વિચલિત કરે છે. વેગવાન થતી જીવનશૈલીમાં શિક્ષકો ધંધાદારી નહીં પણ ગણતરીબાજ તો બન્યા છે એ ખરું તો પણ આને ‘કામચોરી’માં ખપાવી દેવું ઉચીત નથી. વિદ્યાર્થીની સફળતા કે નિષ્ફળતામાં શિક્ષકો પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે જ છતાં બધાને માટે આવી ઉપમા વાપરવી યોગ્ય નથી.
જો વિદ્યાર્થીઓને થોડું ટેન્શન આપીએ ને તો જ ભણે છે! બહુ હોંશભેર બોલાતું આવું વિધાન આપે પણ સાંભળ્યું જ હશે. શક્ય છે કદાચ તમે જ ક્યારેક બોલ્યા હોવ. પણ આ સંપૂર્ણતાથી દૂર છે. હા, તણાવની પરિસ્થિતિમાં કેટલાક માણસો વધુ ક્ષમતાથી કામ કરી શક્યા હોવાના ઉદાહરણો મળી શકે તેમ છે, તો પણ બધાને માટે આ સાચું નથી. એટલું જ નહીં, તણાવની સ્થિતિમાં ધાર્યા કરતાં જુદું જ કરી દેવાના ચાન્સ ઘણા રહે છે. વાલીઓ-શિક્ષકોએ આ વાત ધ્યાનમાં રાખવા જેવી ખરી. તણાવ રાખીને ભણવાથી કદાચ પાસ થઈ જવાય છે, પરંતુ ‘મેરીટ લિસ્ટ’માં સામેલ થવામાં શંકા જ રહે છે.
જો પાઠ્યપુસ્તક વાંચીએ તો બીજું સાહિત્ય જરૂરી નથી. ઘણા વિદ્યાર્થીઓએ અને વાલીઓ આવું માનનારા છે. એ સાચું છે કે પાઠ્યપુસ્તક જ પરીક્ષાના પ્રશ્નપત્રનો મૂળભૂત આધાર છે, એમ છતાં વધુ સારા ગુણાંક માટે તર્કશક્તિ કે મૌલિક અભિવ્યક્તિ ખીલવવા બાહ્ય વાંચન તથા સ્વાધ્યાય પુસ્તકો મદદરૂપ થાય છે. ગણિતના કેટલાક ખ્યાલો, મહાવરા વિના આત્મસાત ન થાય અને પાઠ્યપુસ્તકો સિવાયનું વાંચ્યા વિના સારો નિબંધ ન લખી શકાય એ હકીકત છે. જો કે, પુસ્તકો સિવાયનું ઘણુબધું સાહિત્ય વાંચનારા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં છે એ આશ્ચર્યજનક બાબત તો છે.
અમુક ઉંમર સુધીમાં જ ભણીએ તો જ ભણતર કામ લાગે! આ વિચાર પણ અધૂરો છે. સંશોધનનો સાર એ જણાયો છે કે ભણવા ને શીખવા માટેની કોઈ નિશ્ચિત ઉંમર નથી. વૈધિક શિક્ષણની વ્યવસ્થા હોવા છતાં આ સત્ય છે. આધુનિક સમયમાં ઇન્ટરનેટના માધ્યમથી ગમે તે ઉંમરની વ્યક્તિ, ગમે તે અભ્યાસક્રમમાં ભણી શકે છે. કોઈક સંજોગોને કારણે વૈધિક શિક્ષણમાં દાખલ ન થયેલ વ્યક્તિઓ ઘણી મોટી ઉંમરે પણ સ્નાતક કે પીએચ.ડી. સુધી ભણ્યા હોવાના સમાચારો અખબારોમાં ચમકે છે ખરા.
કમ્પ્યુટર અને મોબાઈલ ભણવામાં અવરોધક છે. આજકાલનો આ સૌથી વધુ ચર્ચાસ્પદ વિચાર છે. વિચિત્ર એટલે લાગે છે કે આધુનિક સમયમાં શિક્ષણના માધ્યમોમાં સૌથી વધુ અસરદાર અને લોકપ્રિય સાધનો આ જ છે! કદાચ શિક્ષણની કલ્પના જ આ બે વિના અધૂરી છે એમ કહું તો અતિશયોક્તિ નથી. જો તેના ઉપયોગમાં દિશા અને ઉદ્દેશ નિશ્ચિત રાખીએ તો ભણતરને વધુ ધારદાર બનાવે એવા છે. આ સાધનો ટીકાપાત્ર એટલે બન્યા છે કે આપણે સૌ તેનાથી ભટકી જઈએ છીએ.
ખુબ સાચી વાત છે સાહેબ, ખરેખર ચિંતન ની જરૂર છે. સમાજ માં સામાન્ય રીતે સ્વીકાર્ય ખ્યાલો વિરૂદ્ધ જ્યારે તમે રજૂઆત કરો છો ત્યારે વિરોધ થવાની પૂરી શક્યતા છે, પરંતુ જ્યારે આપ જેવા શિક્ષણવિદ આવી રજૂઆત કરે ત્યારે પરિવર્તન થઈ શકે , આભાર સર અમારી મન ની વાતો રજૂઆત કરવા બદલ