top of page

ભારતમાં ઉપલબ્ધ શૈક્ષણિક અભ્યાસક્રમ માળખાનો પરિચય

ભારતીય સમાજમાં ભણવું એ ભલે મનુષ્યની પાયાની જરૂરિયાતમાં ન ગણાતું હોય, પરંતુ ધીમે ધીમે તે અનિવાર્યતા બની રહી છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં તે બાબતે વ્યાપક ચર્ચાઓ સાથે લોકજાગૃતિ જણાઈ છે. દેશમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટેની મુખ્ય જવાબદારી જે તે રાજ્ય સરકાર પર નાંખવામાં આવેલી છે એટલે રાજ્ય શિક્ષણ વિભાગો અસ્તિત્વમાં છે. તેની સાથે અન્ય કેટલાક એકમોએ પોતાની અલગ શિક્ષણ વ્યવસ્થા અપનાવી છે. સામાન્ય વાલીઓ (અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોને પણ) આ વિશે ઓછી જાણકારી છે એ દ્રષ્ટિએ આ લેખ પ્રસ્તુત બનશે.

CBSE (Central Board of Secondary Education) એ દેશનું પ્રચલિત એવું જાહેર એકમ છે, જે રાષ્ટ્રીય માળખાને અનુરૂપ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાના અભ્યાસક્રમો નક્કી કરે છે. આ બોર્ડ સમગ્ર દેશમાં ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાનું સંચાલન કરે છે. દેશની સર્વોચ્ચ સંસ્થા NCERT (National Council on Education Research and Training) દ્વારા બોર્ડને માન્યતા પ્રાપ્ત થયેલી છે. આ બોર્ડ હસ્તક પોતાના ‘કેન્દ્રિય વિદ્યાલયો(Central Schools)’છે જે ખાસ કરીને સરકારી કર્મચારીની ટ્રાન્સફરેબલ નોકરીમાં, તેઓના સંતાનોને સાતત્યપૂર્ણ અભ્યાસ માટેની અનૂકુળતા કરી આપે છે. હવે ઘણી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પણ CBSEની તરાહ અપનાવી રહી છે.

આ બોર્ડના લાભ એ છે કે દેશની લગભગ બધી કોલેજો દ્વારા તેની પરીક્ષાના પરિણામો સ્વીકૃત છે. રાષ્ટ્રીય સ્તરની પ્રતિભાશોધ કે સ્કોલરશીપ પરીક્ષાઓ માટે યોગ્ય અભ્યાસક્રમ ધરાવે છે. તેની સામે ગેરલાભ એ છે કે જે તે રાજ્યમાં પોતાના બોર્ડના વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની વધુ તકો મળે છે તેના પ્રમાણમાં CBSE વિદ્યાર્થીઓ માટે ઘણી ઓછી સીટો હોય છે એટલે ઊંચા મેરિટવાળા વિદ્યાર્થીઓને રાજ્ય સંચાલિત કોલેજ/યુનિ. સંસ્થાઓમાં પ્રવેશ મેળવવું અનિશ્ચિત રહે છે. ઉપરાંત લલિતકલા અને સાહિત્યમાં અભ્યાસ માટે અહીં મર્યાદિત તકો રહેલી છે.

CISCE (Council for the Indian School Certificate Examination) એ બ્રિટીશ શાસન દરમ્યાન શિક્ષણ વ્યવસ્થાની કામગીરી કરતું હતું તે હવે આ નામથી ઓળખાય છે. આ બોર્ડ પોતાના અભ્યાસક્રમ સાથે ત્રણ પ્રકારની જાહેર પરીક્ષાઓનું આયોજન કરે છે. 1) ધોરણ 10 માટેની ICSE (Indian Certificate Secondary Education) 2) ધોરણ 12 માટેની ISC (Indian School Certificate) અને, 3) ધોરણ 12 માટેની CVE (Certificate for Vocational Education)

વિશ્વમાં ભારત સહિત UAE, સિંગાપુર, ઇન્ડોનેશિયા મળીને લગભગ 1000 શાળાઓએ આવી શૈક્ષણિક તરાહ અપનાવેલી છે. ધોરણ 10 અને 12 માં વિદ્યાર્થીઓને 23 ભારતીય અને 12 વિદેશી ભાષાના વિકલ્પો મળે છે. અહીં વિશ્લેષણાત્મક આવડત ખીલવવા પર વિશેષ ભાર અપાય છે. તેની સાથે વિષયોની પસંદગીના અનેક વિકલ્પો મળે છે પરંતુ મર્યાદા એ રહે છે કે રાજ્ય બોર્ડ કે યુનિ.માં પ્રવેશ માટે મર્યાદિત સીટો હોય છે. વળી એકતરફ, અભ્યાસક્રમ અન્ય બોર્ડ કરતાં વધુ કઠિન મનાય છે અને બીજીતરફ કુશળ શિક્ષકો સરળતાથી ઉપલબ્ધ નથી!

IBS (International Baccalaureate Schools) એ જીનીવા (સ્વિત્ઝરલેન્ડ) ખાતે 1968માં સ્થપાયેલ શૈક્ષણિક સંગઠનના સંચાલન હેઠળ ચાલતી શાળાઓ છે. વિશ્વમાં લગભગ 144 દેશોમાં 3500થી વધુ (અને ભારતમાં 130 જેટલી) શાળાઓ આ અભ્યાસક્રમ તરાહ મુજબ ચાલે છે. આ તરાહ મુજબ ત્રણ પ્રકારના અભ્યાસક્રમો નિર્ધારિત થયેલા છે. એક, નર્સરીથી ધોરણ 5 સુધીનો(Primary Year Program ). બે, ધોરણ 6થી 10 સુધીનો(Middle Year Program) અને ત્રણ, ધોરણ 11, 12 માટેનો (Diploma Program). દુનિયાની મોટાભાગની યુનિવર્સિટીએ આ બોર્ડને માન્યતા આપેલ છે (CBSE, ICSE માટે આ સાચું નથી) સુવિધા અને સુસજ્જ માળખું ધરાવતી શાળાઓ છે.

એવું કહેવાય છે કે IBમાં ભણનારા ખુલ્લા મનના બનવાનું શીખે છે. અભ્યાસક્રમમાં અનેક પ્રોજેકટ કાર્યો પૂર્ણ કરવાના હોય છે. તેથી વ્યક્તિની વૈચારિક ક્ષિતિજો વિસ્તરે છે. વૈશ્વિક નાગરિક થવાના ગુણો વિકસે છે. અહીં સમાજને મદદરૂપ થાય તેવું 150 કલાકનું સ્વૈછિક કાર્ય કરવાનું હોય છે. આ બધુ જ અંગ્રેજી માધ્યમમાં કરવાનું હોવાથી અંગ્રેજી ભાષાની સમૃદ્ધિ નીખરે છે.

IGCSE (International General Certificate of Secondary Education) કેમ્બ્રિજ શૈક્ષણિક માળખા સાથે સંકળાયેલું આ એકમ આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ માત્ર અંગ્રેજીમાં જ અભ્યાસની તક આપે છે. ભારતમાં લગભગ 200 જેટલી શાળાઓમાં આ અભ્યાસક્રમ તરાહ અપનાવાયેલી છે. વિશ્વના ભારત, USA, UK જેવા 120 દેશોમાં આવી શાળાઓ કાર્યરત છે. વિશ્વની મોટાભાગની યુનિવર્સિટી દ્વારા સ્વીકૃત છે. અંગ્રેજી ભાષા અને તકનિકી વિષયો પર વધુ ભાર આપનારી આ સંસ્થાઓની મર્યાદા એ બાબતે રહે છે કે ઘણી ઊંચી ફી સાથે મહાનગરોમાં જ ઉપલબ્ધ હોય છે તેથી ટ્યુશન અને પુસ્તકો મેળવવામાં મુશ્કેલી રહે છે. વળી, બદલીને અન્ય બોર્ડમાં જવા બાબતે પણ ઘણી પ્રતિકૂળતા રહે છે.

હવે રાજ્ય બોર્ડ વિશે જાણીએ. ભારતમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત લગભગ 30 જેટલા પરીક્ષા બોર્ડ છે જે મુખ્યત્વે ધોરણ 10 અને 12 ની જાહેર પરીક્ષાઓનું સંચાલન કરે છે. મોટાભાગના રાજ્ય બોર્ડોએ NCERTની તરાહને અપનાવી છે.

અહીં જે તે માતૃભાષામાં પાયાનું શિક્ષણ મેળવવાની તક મળે છે. આર્થિક ભારણ ઓછું અને સરળતાથી શિક્ષકો અને પુસ્તકોની ઉપલબ્ધિના વ્યાપક લાભો છે. ઉપરાંત રાજ્યની પોતાની કોલેજો/યુનિ.માં પ્રવેશ મેળવવાની વધુ તકો આકર્ષણનું કારણ છે. આમ છતાં આપવાદોને બાદ કરતાં મોટાભાગના રાજ્ય બોર્ડની પરીક્ષાઓ વિશ્વસનીયતા ધરાવતી નથી, તેથી ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ પરીક્ષાઓની તૈયારી અનિવાર્ય બની રહે છે, જે ઘણુખરું અંગ્રેજી ભાષામાં હોય છે.

અંતે, થોડી તુલના સારાશમાં. CISCE, અને IBS અભ્યાસક્રમનું શિક્ષણ સંપૂર્ણ અંગ્રેજીમાં હોય છે, CBSE અભ્યાસક્રમનું શિક્ષણ હિન્દી અને અંગ્રેજીમાં જ્યારે રાજ્ય બોર્ડના અભ્યાસક્રમનું શિક્ષણ અંગ્રેજીની સાથે જે તે પ્રાદેશિક ભાષાઓમાં લેવાનું હોય છે. બધા જ બોર્ડો NCERTની સાથે સંકળાયેલા હોય છે, છતાં IB અને IGCSE આંતરરાષ્ટ્રીય ધોરણોને વધુ અપનાવે છે તેની સાથે ભાષા, કળા અને વિજ્ઞાનનું યોગ્ય સંતુલન જોવા મળે છે. જે કે, કઠિનતાની દ્રષ્ટિએ આ બંને અભ્યાસક્રમો ટોચ પર છે!

CBSEનો અભ્યાસક્રમ દેશના માળખાના સંદર્ભમાં વધુ સુસંગત મનાય છે. દાક્તરી-ઈજનેરી માટે જરૂરી સૈદ્ધાંતિક સમજણ માટે તેમાં ભાર છે, યાદશક્તિ પર વધુ જોર અપાય છે (આપવું પડે!) જ્યારે IB અને ICSEના અભ્યાસક્રમમાં જ્ઞાનને અમલ સાથે (વ્યવહારુ ઉપયોગિતા સાથે) જોડવાની વાત પર ઝોક છે.

લાંબો સમય ભારતમાં રહીને ભણવા માટે રાજ્ય બોર્ડ કે CBSE સારા વિકલ્પો છે, કેમ કે મોટાભાગની પ્રવેશ પરીક્ષાઓ આ અભ્યાસક્રમને અનુસરે છે. પરંતુ વૈશ્વિક આવન-જાવન સાથે વૈશ્વિક નાગરિક બનવાની ચાનક હોય તો અન્ય વિકલ્પો વિચારી શકાય.

વાચક મિત્રો, આ સરખામણી આપને નિર્ણય લેવામાં ઉપયોગી થઈ શકે એમ છતાં દરેક બોર્ડની નીતીઓમાં સમયાંતરે ફેરફારો થતાં રહે છે. વળી, જે તે વ્યક્તિના હેતુ કે પરિસ્થિત સાથે તેની સુસંગતતા બદલાતી રહેતી હોય છે તેથી જે તે સમયે ચકાસણી કરીને નિર્ણય કરવામાં ડહાપણ છે.


16 views1 comment

1 commento


ખૂબ સરસ સર જી

Mi piace
bottom of page