એક વડીલ કહી રહ્યા’તા, ‘શું જમાનો આવ્યો છે. હાથમાં મોબાઈલ આવ્યા ને મુખડાઓ મૌન થઈ ગ્યાં! શેરી મહોલ્લાએ થતી એ ગોષ્ઠિ, સૂમસામ ફળીયાનો પત્થર થઈ ગઈ!’ સામાજિક વિકાસમાં આવેલા પરિવર્તનની વેદના એમની વાતમાં છલકાતી હતી. દેશના યુવાનો અને વડીલો બધા જાણે બંધિયાર જગતના કેદી થઈ ગયા છે એવી એમની વ્યથા હતી. પણ શું સાચે જ આવું અનુભવાય છે? આજે યુવાનોના સંદર્ભમાં જ વાત આગળ વધારીએ.
ભારતીય યુવાનોમાં ભણવા વિશેની ચાનક વધી છે તે આનંદદાયક છે, પરંતુ તેમાં ગંભીરતા કેટલી છે એ ચિંતનનો વિષય બની રહ્યો છે. માત્ર વિદેશી સુવિધાઓના લોભમાં કે પરિવાર તથા સગા-સંબંધીઓની જવાબદારીમાંથી છટકી જવાની મનોવૃત્તિથી વિદેશ ભણવા જાય છે તે અંગે સર્વે થયાનું જણાયું નથી, પરંતુ સમાજમાં જે દાખલાઓ બની રહ્યા છે તેના પરથી કહી શકાય કે એવા યુવાનો પણ ઘણાં હશે. માબાપે દેવું કરીને વિદેશ મોકલ્યા હોય અને પછી ભારતમાં તેઓ રિબાઈને જિંદગી જીવી રહ્યા હોય એવા સમાચારો ક્યારેક છાપે તો ચઢે જ છે ને?
આપણા યુવાનો ક્રિકેટ, વિડીયો કે શોપિંગ જેવી બાબતમાં જેટલા પાવરધા બની રહ્યા છે, તેની તુલનામાં ગુણવત્તાલક્ષી શિક્ષણ મેળવવામાં, આવડતમાં વૃદ્ધિ કરવામાં અને સામાજિક સંબંધો જાળવવાની બાબતમાં ઘણા ઊણા ઉતરી રહ્યા છે. મોટા કોર્પોરેટ યુનિટમાં ઇન્ટરવ્યૂ આપનારા ઘણા યુવાનો અધૂરી કેળવણી કે કૌશલ્યને લીધે બેરોજગારીમાં ધકેલાઈ રહ્યા છે.
એક માહિતી મુજબ, કુલ બેરોજગાર વસ્તીમાં મોટા પ્રમાણમાં યુવાનોનો સમાવેશ થાય છે, પરંતુ તેઓ એકંદર યુવા વસ્તીની માત્ર થોડી ટકાવારી જ છે. ભારતમાં 2023માં આશરે 361 મિલિયન(36 કરોડ 10 લાખ) કુલ યુવાનોમાંથી માત્ર 5 ટકા યુવાનો અને 664 મિલિયન(66 કરોડ 40 લાખ) પુખ્ત વયના લોકો(30+ વર્ષ)માંથી 0.6 ટકા પુખ્ત વયના લોકો બેરોજગાર હતા. દેખીતી રીતે આ આંકડાઓ નાના લાગે છતાં એ ચિંતાજનક ગણાય. દેશમાં ‘તકો છે પણ ક્ષમતા નથી’ એ સત્ય યુવાનો સ્વીકારે અને તેમાં સુધારો કરવા પ્રયત્ન કરે તો આ સમસ્યા પણ ઘણેઅંશે ઉકલી જાય તેમ છે.
જાણીતા ચિંતક અને લેખક શ્રી ચેતન ભગત કહે છે કે, ‘હું પ્રેરક વક્તા તરીકે દેશભરમાં પ્રવાસ કરું છું, અને કોલેજના વિદ્યાર્થીઓને સંબોધિત કરું છું. મને એ કહેતા દુઃખ થાય છે કે સરેરાશ વિદ્યાર્થીઓ ગેરલાયકાતનું ભયાનક સ્તર ધરાવે છે! જો યુવાનો કોઈ પણ બાબતમાં મગજ દોડાવવાની જ ના પાડશે તો આપણે કેવી રીતે વિકસિત થઈશું?’
આ વાત તો નબળી શૈક્ષણિક ફળશ્રુતિના સંદર્ભમાં એમણે જણાવી હશે પરંતુ ભારતના શહેરોમાં કોઈપણ જગ્યાએ દેખાતા યુવાનો તરફ નજર કરીએ તો એમાં આટલી બાબતોનું સામાન્ય અવલોકન આપણને મળે. એક, તેની પાસે બહુ ઊંચી અપેક્ષાઓ છે. બે, આ અપેક્ષાઓ ભવિષ્યમાં પૂર્ણ કરવા માટે તેની પાસે વિશ્વાસપૂર્વક કહી શકે તેવી આવડત(કૌશલ્ય) નથી. ધ્યાન રહે શોખ અને કૌશલ્ય એક જ બાબત નથી! ત્રણ, અન્યો તરફ આદર માટે પહેલવૃત્તિનો અભાવ દેખાય છે. ચોથું, બાહ્ય સૌંદર્ય પ્રત્યે અતિ સભાન છે, પરંતુ આહારની બાબતે મહદઅંશે અતિ બેફિકર છે.
સવાલ એ છે કે ભારતીય યુવાનો વિશે આવું નકારાત્મક ચિત્ર શા માટે દેખાય છે. ભારતીય યુવાનો કયા કારણોસર હતાશ કે ‘એનિમલ’ જેવા અનુભવાય છે? આ બાબતે કેટલાક વિશ્લેષકોના મતે આ કારણો જવાબદાર છે: પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટેની દોડ તણાવપૂર્ણ છે. સતત વિકસતું જોબ માર્કેટ અને સ્થિર રોજગાર મેળવવાના પડકારો ભારતીય યુવાનોને તડપાવે છે. ઉપરાંત, ઘણા યુવાનો પર વિદ્યાર્થી લોનનો બોજ હોય છે અથવા તેમને સ્થિર આવક મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
વળી, ભારતીય સમાજ કૌટુંબિક મૂલ્યો, પરંપરા અને સામાજિક ધોરણો પર વધુ ભાર મૂકે છે. આ અપેક્ષાઓ ઘણીવાર વ્યક્તિની મહત્વાકાંક્ષાઓ અને પસંદગીઓ સંતુલિત નથી કરી શકતા તેથી ભાવનાત્મક ઉથલપાથલ થઈ રહી છે. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ, સાયબર ધમકીઓ અને અન્ય લોકોના જીવન સાથે સતત સરખામણી યુવા ભારતીયોમાં અયોગ્યતા અને નિમ્ન આત્મસન્માનની લાગણીઓ પેદા કરી રહ્યાં છે.
આ બધાને કારણે તરુણો અને યુવાનો દારૂ અને માદક દ્રવ્યોના વ્યસને સરી પડતાં જણાય છે. માનસિક હતાશા ખંખેરી શાંતિ મેળવવાના સાધન તરીકે તેનો ઉપયોગ કરવા તરફ વળે છે, જે સમસ્યા ઉકેલવાને બદલે વધુ બહેકાવે છે! ભારતીય સમાજમાં હજીયે માનસિક સ્વાસ્થ્ય અંગેની સમસ્યાઓની સારવાર લેવા અંગે ‘છુપાછૂપીના ખેલ’ ચાલી રહ્યા છે! કોઈપણ સમસ્યાઓના ઉકેલને બદલે ટાળી દેવાની માનસિકતા સામાજિક માળખાને વધુ ખોખલું બનાવી રહી છે.
મિત્રો, છેલ્લા દશેક વર્ષમાં આંતરમાળખાકીય રીતે દેશ વધુ મજબૂત થયો છે. નવા ઉદ્યોગો, નવા સેવાક્ષેત્રો અને નાના સ્વરોજગારો વિકસ્યા છે. હજી એમાં પ્રગતિ થવાની જ છે. બસ, તમારે તમારી શૈક્ષણિક અને વ્યાવસાયિક કાબેલિયત સિદ્ધ કરવામાં પાછીપાની નથી કરવાની. દેખાડા કરવાની વૃતિમાંથી બહાર આવી દરેક કામ અને વ્યક્તિને સ્વીકારવાની ત્રેવડ રાખો. અને હા, કોઈ નિશ્ચિત ધ્યેય નક્કી કરો. કેમ કે, એના વિનાની તમારી દશા ‘નાવિક વિનાની હોડી’ જેવી જ થશે! સમજે?! જાનમ સમજા કરો..!!
Σχόλια