એ દિવસે આવેશમાં એ તરુણથી બોલી જવાયું હતું, ‘...આ વધારાના દાખલા ગણવા આપો છો તે ઘરકામ કરીને તેનો લાભ શું મળશે? સવાલના જવાબો લખી લખીને હવે એવી અરુચી પેદા થઈ ગઈ છે કે ભણવાનું જ પડતું મેલી દઉં!’ એ તરુણ આજની પેઢીનું પ્રતિનિધિત્વ કરતો હતો એમ કહેવામા અતિશયોક્તિ ન જ થશે. આવા આક્રમક વિદ્યાર્થીઓ દરેક શાળાના દરેક વર્ગખંડમાં એકાદ-બે તો મળી જ આવશે. તેઓનો અજંપો ‘ભણ્યા પછી શું લાભ?’નો હોય છે કેમ કે શાળાના તરુણોને ભવિષ્યની કોઈ ચિંતા હોતી નથી એ હકીકત છે. જે થોડાઘણા ગંભીરતાથી ભણનારાઓ હોય છે તેઓ બહુધા સ્વભાવને કારણે અથવા ભયને કારણે હોય છે એવો મારો અનુભવ છે.
ભણવું એ માણસને વધુ ઉચ્ચ માણસ(superman) બનાવે છે એ વિચારને સમજવા તરુણ પેઢી સક્ષમ નથી. એટલે એ શિક્ષણને માત્ર ‘આવક કમાવવાના સાધન’ તરીકે જુએ છે. આ લાભ ટૂંકાગાળામાં મળતો નથી એટલે મોટાભાગના તરુણો ભણતરથી વિચલિત થઈ જાય છે. બીજી તરફ વાલીઓ સંતાનો પાસેની ઊંચી અપેક્ષાઓથી છલોછલ હોય છે. જ્યાં આવી વિષમ પરિસ્થિતી પેદા થાય છે ત્યાં માત્ર વર્ગખંડ જ નહીં, શાળા સમય પછીના જે તે સ્થળોએ પણ અશાંતિ અને ચિંતા રહેતી હોય છે.
ભણતરનો મતલબ માત્ર લખવા-વાંચતા શીખવાનો નથી, પણ પોતાને સતત શ્રેષ્ઠતા તરફ લઈ જવાની પ્રક્રિયા છે. સારું જીવન જીવવા માટે સારો સમાજ બનાવો જોઈએ અને એ માટે બધા લોકોએ વૈધિક શિક્ષણ મેળવવું અનિવાર્ય બને છે. ભારતની 2011ની વસ્તી ગણતરી મુજબ દેશના 75 ટકા લોકો વાંચી-લખી શકે છે પણ સારું વિચારી શકે છે એમ કહી શકાય નહીં. એટલા માટે પાયાના શિક્ષણથી દેશની પરિસ્થિતિને ઝાઝી સુધારી શકાતી નથી. તેને માટે તો ઉચ્ચ કક્ષાના શિક્ષણ સુધીની ટકાવારી વધવી જોઈએ. આ બાબતે આપણે હજીયે ઘણા પાછળ છીએ. આને કારણે જ ભૌતિક વિકાસ વધવા છતાં સુશાસનના સારા ફળો આપણને જોઈએ તેવા મળી રહ્યા નથી.
દેશમાં સાક્ષરતા વધી હોવા છતાં સામાજિક ભેદભાવો, જાતિગત અસમાનતાઓ કે ધાર્મિક સંકુચિતતા ઘટવાનું નામ નથી લેતા. સામાન્ય પ્રકારના શિક્ષણથી આ દૂર ન થઈ શકે. એક દ્રશ્ય વાંચો. એક વખત એક શિક્ષકે ધોરણ બારના વર્ગમાં ખુલ્લો પ્રશ્ન પૂછ્યો કે, ‘માની લો કે તમારા બે સંતાનો છે એક છોકરો અને એક છોકરી. સંજોગવશાત તમે બેમાંથી એકને ભણાવી શકવા સક્ષમ છો તો તમે કોને ભણાવવું પસંદ કરશો: છોકરાને કે છોકરીને? થોડા ખચકાટ પછી જે થોડા જવાબ આપવા તૈયાર થયા હતા તેમણે બહુધા છોકરાને ભણાવવા પર પસંદગી ઉતારી હતી. તેની પાછળનો તેમનો તર્ક એ હતો કે ભવિષ્યમાં ઘરખર્ચની જવાબદારી તો પુરુષે જ ઉઠાવવાની હોય છે, છોકરી તો લગ્ન કરીને બીજે જતી રહેશે! જવાબનો તર્ક લોકપ્રિય અને બહુજન સમાજના પ્રતિબિંબરૂપ હતો, ખરું ને?
શિક્ષકે થોડા સ્મિત સાથે પોતાની વાત રજૂ કરી હતી,’...જો તમે છોકરાને ભણાવવા માંગતા હોવ તો તેમાં માત્ર છોકરો જ શિક્ષિત થશે. તે ઘરની જવાબદારી સંભાળી શકશે એ ખરું, પણ તેમ કરવામાં તે બીજાને શિક્ષિત કરવા માટેનો સમય ફાળવી શકશે નહીં...જો તમે છોકરીને ભણાવશો તો તે ઘરની જવાબદારીઓ પૂર્ણ કરવા સાથે પોતાના બાળકોને પણ ભણાવી શકશે, જેનાથી સમગ્ર પરિવાર શિક્ષિત બનશે!’ વર્ગમાં શાંતિ પથરાઈ હતી. આમ તો આ વાત સ્ત્રી સાક્ષરતાને પોષક લાગશે, પણ આવી સમજ ઉચ્ચ વૈચારિક ક્ષમતા પ્રાપ્ત કરી હોય તે જ આપી શકે છે એ ગર્ભિત વાત વિચારજો. એટલે દેશમાં માત્ર શિક્ષકો નહીં, વિચારશીલ શિક્ષકોની જરૂર છે.
એ ખરું કે સરકાર પાયાના શિક્ષણ પર જ વધુ ભાર આપે છે કેમ કે ઉચ્ચ શિક્ષણ તરફનો રસ્તો તેમાંથી જ પસાર થાય છે. જો પાયાના શિક્ષણથી જ દેશની પ્રજા અળગી રહી જાય તો ભૌતિક પ્રગતિની સાથે માનવ સભ્યતા પણ થંભી જાય. એટલા માટે જ દેશમાં લાંબાગાળાની (અને લગભગ કાયમી કહી શકો તેવી) રાષ્ટ્રીય સર્વ શિક્ષા અભિયાનની યોજના અમલમાં મુકાયેલી છે અને તેમાં દર વર્ષે લગભગ 25 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવામાં પ્રાથમિક શિક્ષણ પ્રક્રિયામા તેમના બાળકો દાખલ થાય એ ખૂબ જરૂરી છે. સરકારના પ્રયત્નો એ દિશામાં રહ્યા છે જેની નોંધ લઈએ.
પરંતુ જો પ્રાથમિક કક્ષાના શિક્ષણની ગુણવત્તા જ જળવાય તો? આપણે ત્યાં દુનિયામાં સૌથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ છે, પરંતુ ગામડાથી લઈને મોટા શહેરોની યુનિવર્સિટીઓ સુધીમાં શિક્ષણની ગુણવત્તા સંતોષકારક રહી નથી. એટલે જે તે કક્ષાનું શાળા કે કોલેજ કક્ષાનું શિક્ષણ પૂરું કર્યા પછી તેની કોઈ જ ઉપયોગિતા રહેતી નથી. ન તો એ આવક કમાવવામાં, ન તો સર્જનશીલ બનવામાં કે ન તો જીવનને ઉન્નત બનાવતા વિચારો કેળવવામાં ઉપયોગી નીવડે છે. ઉચ્ચ શિક્ષણમાં પણ આવી સ્થિતિ છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ સ્નાતકની પદવી મેળવે છે અને એમ છતાં મોટાભાગના માત્ર ‘કામ વિનાના નાગરિકો’ બનીને રહી જાય છે!
રોજીરોટી મેળવવા માટે ‘આવડતનું શિક્ષણ’ મળવું જોઈએ તેની આપણે ત્યાં ભારે ઊણપ વર્તાય છે. આઝાદીના 72 વર્ષ પછી પણ આપણે માટે આ ચિંતાનો વિષય છે. માત્ર આવડતમાં જ પાછળ છીએ એવું નથી, સારા કે સર્જનશીલ વિચારોની કેળવણીમાં પણ આપણે પાછળ રહી ગયા છીએ. શિક્ષણનું કામ વિદ્યાર્થીઓ (કે બાળકોને) વિચારતા કરતાં શીખવવાનું છે એ મૂળ વિચાર જ આપણી શિક્ષણ વ્યવસ્થામાંથી ગુમ થઈ ગયો છે. પરિણામલક્ષી સમાજને લીધે શૈક્ષણિક સંસ્થાઓ વિચારને બદલે યાદશક્તિ તરફ લપસી પડી છે, અને એ એવી લપસેલી છે કે હજી ખાડામાંથી બહાર આવી શકી નથી! આને અક્ષમતા કહીશું કે નસીબ?!
ખૂબ જરૂરી વિચારો છે. તરુણના વિચારોને યોગ્ય દિશા મળવી જરૂરી છે , કારણકે દેશનું ભવિષ્ય તેઓના વિચારો પર આધારિત છે