હાલના સમયમાં મોટાભાગના માણસની સૌથી મોટી સમસ્યા કઈ? કદાચ, માનસિક અશાંતિ, ખરું ને? સામાજીક પ્રાણી તરીકે આપણે સૌ વિચારશીલ છીએ એટલે આ સમસ્યા છે એમ કહું તો ખોટું નથી. એ પણ સત્ય છે કે માણસ પોતે શરીરની તકલીફ દૂર કરવા માટે જેટલો ઉતાવળો રહે છે, તેટલો મનના અસંતોષ કે પીડા દૂર કરવા બાબતે સક્રિય નથી જ! આ કારણે જ માનસિક રોગો વિસ્તારી રહ્યા છે.
જો આપને નીચેનામાંથી એક કે વધુ ચિન્હો વારંવાર અનુભવાતા જણાય તો એ બાબતે જરૂર નિદાન માટે વિચારશો:
· ઊંઘમાં ખલેલ પડે છે.
· ઘડીકમાં ‘આમ કરું’ ને ઘડીકમાં ‘પેલું કરું’ એમ મૂડ બદલાયા કરે.
· પહેલા જે પ્રવૃત્તિમાં આનંદ આવતો, તે પ્રવૃતિ હવે અણગમતી લાગે.
· કોઈ પણ કામ કરવામાં તકલીફ અનુભવાય.
· એકાગ્ર ન થવાય, વિચાર રજુ કરવામાં પણ સંકોચ થાય.
· અવાજ, ગંધ, સ્પર્શ બાબતે વધુ ઉત્તેજના અનુભવાય.
· ઉંમરના પ્રમાણમાં અતાર્કિક કે ચમત્કારિક વિચારો આવે.
· બીજા શું કહેશે એવું સતત અનુભવાય.
· પરિસ્થિતિ કે વ્યક્તિથી ગભરાટ અનુભવાય.
આવા લક્ષણો ક્ષણિક કે ટૂંકાગાળાના હોય તો તેને સ્વાભાવિક ગણજો. પણ એની તીવ્રતા વધુ હોય અને બે-ત્રણ મહિનાથી વધુ સમયથી અનુભવાતા હોય તો આમાંથી કોઈ એક કે વધુ ઉપાયો અજમાવી જોજો જ નહીં, અપનાવજો હા:
Ø મારે કઈંક સારું કરવું જોઈએ એટલું વિચારીને બેસી ન રહેવું, જે તે કામ કે પ્રવૃત્તિ કરવા જ માંડવી!
Ø તકલીફ અંગે કુટુંબીજનો, મિત્રો કે કર્મચારીઓ સાથે સંવાદ અચૂક કરતાં રહેવું.
Ø ગંભીર અને કરૂણ ગીતો કે પ્રવચનોથી થોડો સમય દૂર થઈ જવું!
Ø બહાર(ખુલ્લામાં) ચાલવાની કસરત યોગ્ય જ ગણાશે.
જો આ બધા ઉપાયો પછી પણ અસંતોષ નિરાશા જણાય તો બીજા કોઈ ઉપાયોનો વિચાર કર્યા વિના સીધી મનોચિકિત્સક પાસે રજૂઆત કરીને નિદાન કરાવવું. કેમ કે આ લોકો પાસે જ તમારી સમસ્યાનું ઉત્તમ નિદાન હોય છે એમાં બેમત નથી.
જીવન મઝાનું છે તેથી સૌને શરીર સાથે મનથી પણ તંદુરસ્ત રહેવા માટે મંગલ કામના!!
Comments