`બધુ શોધાશે, પણ આ મોબાઇલની લતમાંથી છૂટવાની કોઈ દવા નહીં શોધાય!` મમ્મી બડબડતા રસોડામાં ચાલી ગયા હતા. આવો અજંપો માત્ર મમ્મીઓને જ નથી પપ્પા અને દાદા-દાદીઓનો પણ છે જ. જો કે નવું સંશોધન સૂચવે છે કે યુવાન મગજ માટે મોબાઈલ એટલા ખરાબ નથી કે જેટલી ચિંતા આ લોકો કરી રહ્યા છે. તેમ છતાં, દરેક શિક્ષક જાણે છે કે આ સાધન સમસ્યારૂપ તો છે, જે ભણતરની ઝડપ ઘટાડે છે અને પરિણામ પણ બગાડે છે.
મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગ બાબતે ફોર્ટિસ હોસ્પિટલના બાળ મનોચિકિત્સક સમીર પરીખનું કહેવું છે કે મોબાઇલના અતિરેકને કારણે એકાગ્રતામાં વિક્ષેપ, સાથી મિત્રોને કારણે વધતું માનસિક દબાણ, માતા-પિતા સાથે ઘટતો સંવાદ, અભ્યાસમાં નબળો દેખાવ જેવા ચિંતાજનક પરિણામો જોવા મળે છે. મોબાઇલમાં સતત સંગીત સાંભળવાથી, ગેમ રમવાથી, ચેટિંગ કે વીડિયો કોલિંગ કરવાને કારણે અથવા સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવાને કારણે આંખો તો નબળી થાય જ છે પરંતુ ઊંઘમાં પણ વિક્ષેપ પડે છે. સાઇબર છેતરપિંડીનો ભોગ બનવાથી લાંબે ગાળે હતાશા જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે. પાછલા વર્ષમાં ચીન અને સિંગાપોરમાં પછી ભારત ત્રીજા ક્રમે છે જેમાં 8 થી 17 વર્ષના 7600 બાળકો ઇન્ટરનેટ પરની ગુંડાગર્દી(Cyber bullying)નો ભોગ બન્યા હતા!
કેટલાક લોકો સ્પષ્ટપણે માને છે કે તેનો વ્યાપક ઉપયોગ વ્યસન જ બની જાય છે તો બીજા વળી તેને આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં શીખવા માટેનું અનિવાર્ય સાધન માને છે. ખરેખર તો મોબાઈલના ઉપયોગ માટે માત્ર ત્રણ જ અભિગમો છે- કોઈ પણ સમયે ઉપયોગ કરો, ચોક્કસ કે મર્યાદિત સંજોગોમાં જ કરો અથવા સંપૂર્ણ પ્રતિબંધનો ઉપયોગ કરો.
આ ચર્ચા ભારતના સંદર્ભમાં જ છે, જ્યાં મોબાઇલના ઉપયોગની ચિંતા વધી છે. હાલની સ્થિતિમાં જ્યારે ઓનલાઈન શિક્ષણનો વ્યાપક અમલ થઈ રહ્યો છે ત્યારે શિશુ અને તરુણો બાબતે કુટુંબોની ચિંતા ઘણી વધી છે એમાં બે મત નથી. આવા સંજોગોમાં દરેક કુટુંબોએ એક લક્ષ્મણ રેખા તો દોરવી જ જોઈએ. શું માનો છો?
Comments