top of page

યુવાનોને, કઇંક કહેવું છે!

આજકાલના વિદ્યાર્થીઓ અપેક્ષાઓ બહુ ઊંચી રાખે છે, પણ કામ કરવા બાબતે ભારે બેદરકાર રહે છે. આવા ઉદગાર એક અનુભવી શિક્ષકના મુખેથી નીકળ્યા હતા. અન્ય એક શિક્ષક અને એક અધ્યાપક એમ ત્રણેય પોતાની રોજિંદી સાંધ્ય મિટિંગમાં આ વાત સાંભળીને ચર્ચાએ ચડયા હતા. અધ્યાપકે કહ્યું હતું કે, તમારી વાત સાચી છે એ લોકો જાણે હવામાં ઉડે છે! ભણતરની સાથે ગણતર(કે ઘડતર)માં કાચા રહી જતા વિદ્યાર્થીઓ કે યુવાનોની એ વાતને જ આજે આગળ વધારીએ.

વિદ્યાર્થીઓની પાત્રતા અંગે એવું કહેવાય છે કે વિદ્યાર્થીઓ સફળતા હાંસલ કરવા માટે વ્યક્તિગત જવાબદારી લીધા વિના શૈક્ષણિક સફળતા મેળવવાની વૃત્તિ અને અપેક્ષા રાખે છે. એક સંશોધનમાં જણાયું હતું કે ધંધાકીય ક્ષેત્રના 370 વિદ્યાર્થીઓ, સંશોધન દ્વારા વિકસાવેલ સાધનો વિશેની ‘નિમ્ન જાણકારી’ ધરાવતા હતા! આવા વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળ દરમિયાન પોતાના અધ્યાપકો પાસે પોતાની ક્ષમતા કરતાં વધુ જ અપેક્ષાઓ રાખી જ હશે. પોતાની પાત્રતા અને યોગ્ય ઠેરવવા માટે વાસ્તવિક રીતે ક્ષમતાવાન વિદ્યાર્થીઓ વિનમ્રતા અને મહેનતુ હોવાનું વધુ જણાયું છે.

ગુજરાતીમાં એક કહેવત છે કે ખાલી ચણો વાગે ઘણો. આનો મર્મ સ્પષ્ટ કરતી બીજી એક કહેવત પણ ગુજરાતીમાં જ છે અને તે છે અધૂરો ઘડો છલકાય ઘણો! વાતનો સૂર એ જ છે કે પોતાની પાત્રતા વિશે ઊંચું આકલન કરનારા વિદ્યાર્થીઓ પોતાની મહેનત અને સમજણ બાબતે ઘણાઅંશે નબળા જણાયા છે. જો હું પ્રયત્ન કરું તો અધ્યાપકોએ તેને ધ્યાનમાં લેવો જ જોઈએ, જો હું કટઑફ માર્કસની નજીક હોઉં તો તેમણે થોડો ધક્કો મારવો જોઈએ! જો અધ્યાપક જ બરાબર સમજાવી ન શક્યા તો પછી હું કઈ રીતે બરાબર શીખી શકું? જો મને મદદની જરૂર હોય તો અધ્યાપકે ધ્યાન આપવું જોઈએ કે મારી મદદ કરવા આવવું જોઈએ, હું મોડો પડ્યો હોઉં કે વહેલો ચાલી જાઉં તો પણ અધ્યાપકને કંઈ પડી જ નહોતી લ્યો! મને તો એવા જ અભ્યાસક્રમ પસંદ છે જ્યાં ખાસ મહેનત કરવાની જરૂર ન હોય!

આ વિધાનો એવા કોલેજ યુવાનોના છે જેવો ભણ્યા પછી પોતાની પાત્રતાને યોગ્ય અથવા વધુ ઊંચી માનતા હોય છે. અધ્યાપકો કે શિક્ષકો માટે આવા વિદ્યાર્થીઓ પડકારરૂપ હોય છે. શાળાઓના શિક્ષકો આ બાબતે શું વિચારતા હોય છે એ વિશે કહેવું મુશ્કેલ છે કેમ કે વિદ્યાર્થીઓને પાત્રતા વિશેના વિચાર શાળાના વર્ગખંડનો કેન્દ્રવર્તી વિચાર હોતો નથી. તેમનું કામ અભ્યાસક્રમના વિષયવસ્તુને નિયત સમયમર્યાદામાં આગળ ધપાવી દેવાનું હોય છે, એટલે વિદ્યાર્થીમાં કેટલી અને કઈ પાત્રતા ઉમેરાઈ તે બાબતે શાળા કક્ષાએ ખાસ ધ્યાન અપાતું હોવાનું જણાતું નથી. હા, કોઈ સ્પર્ધાત્મક વાતાવરણમાં વિદ્યાર્થીની અમુક ક્ષમતા વિશે કેટલાક અંશે જાણકારી મળી શકે છે ખરી, પરંતુ તે પણ માત્ર મર્યાદિત વિદ્યાર્થીઓ પૂરતી જ.

વિદ્યાર્થીઓની પાત્રતાના મુદ્દો ખાસ કરીને રોજગારી સાથે વધુ સંકળાયેલો છે એટલે એ સ્નાતક કે અનુસ્નાતક કક્ષા પછી જ ઉજાગર થતો હોય છે. કોલેજ કક્ષાએ ભણનારા યુવાનો મહત્વકાંક્ષાથી ભરપુર હોય છે. તેમની ઉપર સામાજિક વર્ચસ્વ સ્થાપિત કરવાનું દબાણ પણ કંઈક અંશે ખરું જ. એક તરફ આ બંને અપેક્ષાઓ અને બીજી તરફ કામ કરવાની ઓછી વૃત્તિ. આને કારણે ખરેખર યોગ્યતા અને ક્ષમતા વિકસાવવા પાછળ વધુ સમય અને મહેનત થતી નથી. જ્યારે જરૂરિયાત કે અહં તીવ્ર બને ત્યારે પોતાની અપાત્રતા કે અણઆવડત માટે તેઓ બીજા ઉપર દોષનો ટોપલો નાખીને પોતાનો બચાવ કરવાની કોશિશ કરતા રહેશે.

વિવેકાનંદજીનો જન્મદિવસ (12મી જાન્યુઆરી-યુવા દિન) એ ખરા અર્થમાં યુવાનના લક્ષણો ધરાવનારનું પ્રતીક છે, ભલે આજના યુવાનો એમને જુનવાણી, રાષ્ટ્રવાદી કે ધર્મ-અધ્યાત્મનું પ્રતીક માનતા હોય. યુવાનો પોતાની પાત્રતા માટે શું અને કેટલું કરી શકે તે તો આવા વ્યક્તિત્વ વિશે થોડું જાણે તો જ ખબર પડે. શાળા-કોલેજના યુવાનો પોતાની પાત્રતા (કે ક્ષમતા) વિશે મહદંશે રોજગારીના સંદર્ભમાં વિચારે છે, પણ હકીકત એ છે કે એ પોતાના વ્યક્તિત્વનો એક હિસ્સો માત્ર છે.

એક પુસ્તકમાં વાંચેલા વિચારો અહીં મુકું: હે યુવાન! તું તારા જીવનમાં ગમે તેટલી સિદ્ધિ મેળવે પણ પોતાની જાતને પૂછતો રહેજે કે શું હું મારી ક્ષમતાને ન્યાય આપું છું? માણસનું સર્જન તો, કંઈક નવું સર્જન કરે તે માટે કરવામાં આવ્યું હોય છે. જન્મતાની સાથે જ માતા-પિતા, સગાવહાલાં, શિક્ષકો અને પછી સમાજ દ્વારા માણસને બનાવવામાં ઘણું બધું રોકાણ કરવામાં આવે છે. પરિણામે દરેક વ્યક્તિનું એક કર્તવ્ય બને છે કે પોતાની પૂરી ક્ષમતાને અનુરૂપ જીવે. હે યુવાન સફળતા તું બીજાની સરખામણીમાં જે મેળવે છે તે નથી, પણ તારી ક્ષમતાની સરખામણીએ જે સિદ્ધ કરે છે તે છે.

આ વિચારોનો મર્મ તો, તરુણો અને યુવાનો પોતાના સામર્થ્યને વિકસાવી પોતાની પાત્રતા સિદ્ધ કરે તે જ છે. એમાં શિક્ષક અધ્યાપકની ભૂમિકા સૌથી મહત્વની બની રહે છે એ બાબતે કોઇ શંકા નથી તેથી વિવેકાનંદને યુવાનોના પ્રતીક તરીકે જ જોવા કરતાં, તેને શિક્ષક અધ્યાપકોના માર્ગદર્શક તરીકે જોવામાં આવે તે જરૂરી છે. તેથી હવે દડો દરેક શિક્ષક-અધ્યાપકોના હાથમાં પણ છે એમ વિચારીને આગળ વધીએ. શું માનો છો વિદ્યાર્થીઓ અને ગુરુજનો?


25 views0 comments

Comments


bottom of page