top of page
Writer's pictureDr.Vijay Manu Patel

વર્ગખંડમાં એકાગ્રતાની ઊણપ!

યોગના મહત્વથી પ્રેરિત થઈને સાંપ્રત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દુનિયાને યોગ દિવસની ભેટ ધરી. ભારતીય સંસ્કૃતિના મહત્ત્વના અંગ કહેવાય એવા યોગ-પ્રાણાયમને એ રીતે સમગ્ર દુનિયાએ આવકારી. પણ ખાટલે મોટી ખોડ હોય તેમ ભારતના અડધાથી વધારે ઘરોમાં યોગ પ્રવૃત્તિનું અસ્તિત્વ જ નથી! કારણો જે હશે તે પણ આપણી પ્રજા શરીર-મનને ઉન્નત કરવાની પ્રવૃત્તિ તરીકે હજી સુધી તેને સ્વીકારવા બાબતે સંશયિત રહી છે. સમૃદ્ધ દેશો પાયાની સુવિધાઓ સારી રીતે પૂર્ણ કરી શકે છે, તેથી તેઓ યોગ તરફ વધુ આકર્ષાય છે એવી દલીલોમાં થોડુંઘણું વજૂદ હોઈ શકે વધારે તો નહીં જ.

                એક વડીલ અને શિક્ષણવિદ્દે ચિંતા વ્યક્ત કરી હતી કે, ‘દિવસે દિવસે સમાજમાં નકારાત્મક પ્રવૃત્તિઓ, દ્વેષભાવ, અપરાધભાવ કે કૌટુંબિક ક્લેશો વધી રહ્યા છે, તો પછી એને દેશની પ્રગતિ કેમ કહેવી?’ એમની વાત વિચારણીય હતી. જો કે એની પાછળનું કારણ શું તેની સમજૂતીમાં એમણે જ કહ્યું હતું કે, ‘માનવ શરીર જે પંચમહાભૂત તત્વ (અગ્નિ, પાણી, વાયુ, પૃથ્વી, આકાશ)નું બન્યું છે તેમાં જ ગરબડ થઈ રહી છે!’ ગૂઢ અને અધ્યાત્મ વિચાર તરફની એમની વાત બધાને કદાચ ન આકર્ષે અને ન સમજાય, પણ શાળા કે સમાજ સાથે સંકળાયેલા સૌ કોઈએ એ દિશામાં વિચારવું જરૂરી બન્યું છે.


વ્યક્તિગત જીવન હોય કે વ્યવસાયિક જીવન, જો કોઈપણ વ્યક્તિ પોતાના કામ કે પ્રવૃત્તિ પર એકાગ્રતાથી જોડાઈ શકતો ન હોય તો ગમે તેટલું બળ કે ઉત્સાહ હશે તો શું કામ લાગશે? આવી સ્થિતિને કારણે વ્યક્તિથી સતત ભૂલો થતી રહેશે. એક વ્યક્તિ તરીકે આપણે  પણ કોઈપણ કાર્ય સંપૂર્ણ રીતે કરી જ ના શકીએ. જો આવું જ રહે તો કામમાંથી મળતો આનંદ હાથ જ લાગશે નહીં, જે ધ્યેય વિચાર્યું હોય તે પામી જ નહીં શકાશે. પરિણામ શું? અજંપો અને અરાજકતા ખરું?

                શાળા શિક્ષણના સંદર્ભમાં વિચારીએ તો હવે એવી ફરિયાદો વારંવાર સંભળાય છે કે છોકરાઓ બરાબર ધ્યાન જ નથી આપતા. અડધો કલાકના તાસમાં પણ પાંચ વાર તો તેઓને ‘શાંતિ રાખો...શાંતિ રાખો’ એમ ટપારવા જ પડે છે. આ સ્થિતિ દરેક શાળાની છે. આવી સ્થિતિમાં બાહ્ય પ્રેરક પ્રવચનોનું શાળાકીય આયોજન કેટલું અસરકારક રહેતું હશે તે વિશે વિચારો તો નિરાશા સાંભળવાના ચાન્સ ઘણા છે. બાળમન ચંચળ હોય છે એ ખરું, પણ એ અભ્યાસમાં એકાગ્ર જ ન થઈ શકે તો શિક્ષણનો હેતુ સરે ખરો?

                 એક વખત એક વ્યક્તિની કાંડા ઘડિયાળ ખોવાઈ ગઈ હતી. તેણે આખું ઘર ફેંદી નાખ્યું, પણ તે શોધી શક્યો નહીં. તેથી તેણે બહાર રમતા થોડા છોકરાઓને બોલાવ્યા અને પોતાની ઘડિયાળ શોધવાના કામમાં જોતરી દીધા. તેની સાથે તેણે લાલચ પણ મૂકી કે જે કોઈ ઘડિયાળ શોધી આપશે તેને ઈનામ સ્વરૂપે ચોકલેટ મળશે! બધા બાળકો ઉત્સાહ, જોશ અને પોતાની ક્ષમતાથી શોધખોળ કરવા માંડ્યા. અડધો કલાક થયો તો પણ તેઓ શોધી શક્યા નહીં.

             આ બધામાં એક બાળક એવો હતો જેનામાં માત્ર ઉત્સાહ કે જોશ જ નહોતો, પણ  સમજદારી પણ હતી. તેણે પેલી વ્યક્તિને કહ્યું કે જો તમારી ઘડીયાળ આ જ રૂમમાં હોય તો હું શોધી શકું. પણ એને માટે બધાએ આ રૂમની બહાર જવું પડશે. વ્યક્તિ સંમત થયો એટલે બધાને બહાર કાઢીને તેણે અંદરથી દરવાજો બંધ કરી દીધો. પાંચ જ મિનિટમાં તેણે હાથમાં ઘડિયાળ સાથે દરવાજો ખોલ્યો!

                પેલી વ્યક્તિએ પૂછ્યું આ ઘડિયાળ શોધવામાં તો કેટલા બધા લોકો હારી-થાકી ગયા તો તેં કઈ રીતે શોધી કાઢી? છોકરાએ કહ્યું કે, ‘જ્યારે ઓરડામાં નીરવ શાંતિ પથરાઈ હતી ત્યારે હું વચ્ચે એકાગ્ર ચિત્તે બેસી ગયો હતો. મને ટીક ટીક અવાજ સંભળાવા લાગ્યો. મેં  એ દિશા તરફ જોયું તો કાંડા ઘડિયાળ કબાટ પાછળ પડી હતી. એ બાળકે ઘડિયાળને જોશથી નહીં, પણ હોશથી શોધી કાઢી હતી. એકાગ્રતાનો ચમત્કાર હતો! જે અસામાન્ય લાગતું હતું તે આટલું સામાન્ય હતું ?!

                જીવનમાં આપણે બધા ઘણુંખરું ઠરેલપણુ ભૂલવા લાગ્યા છે. બસ, બધું જ અસાધારણ અને ઓછા સમયમાં જાણી લેવું છે. એ શક્ય બનતું નથી કેમકે વિચાર-વિચાર કરવામાં મન ‘નિર્ણય’ લેવા જ સક્ષમ રહેતું નથી! આપણને જે કંઈ કામ મળે છે તેને લઈને ઉત્સાહિત તો ઘણા થઈએ છીએ પણ એકાગ્ર થવા તૈયાર નથી. ખરેખર તો સફળતાની સૌથી મહત્ત્વની ચાવી જ આ છે. હવે આ જ વાત શાળાના વર્ગખંડ શિક્ષણ બાબતે પણ વિચારવી રહી.

                નબળા પરિણામવાળી શાળાઓ જો માત્ર વર્ગમાં વિદ્યાર્થીઓ એકાગ્ર થાય પછી જ જે તે વિષય વસ્તુ ભણાવવાનું શરૂ કરે તો પણ પરિણામ પર તેની હકારાત્મક અસર વર્તાઈ શકે છે. આવો પ્રયોગ એકાદ મહિના સુધી કરવામાં આવે તો તેનાથી થતા લાભ કે ગેરલાભની પરખ થઈ જાય. સવાલ એટલો જ રહે છે કે વર્ગમાં વિદ્યાર્થીઓને એકાગ્ર કઈ રીતે કરી શકાય? તો તેને માટે પાછા મૂળ વાત પર જ આવવું પડે તેમ છે, એટલે કે શાળામાં યોગ-પ્રાણાયામને ટાઈમ ટેબલમાં સ્થાન મળવું જોઈએ.

આપણે ત્યાં સરકારે હજી શાળાઓમાં યોગ કે ધ્યાનનો સ્વતંત્ર તાસ ગોઠવાય એવો આદેશ કર્યો નથી.  હા, રમતની સાથે યોગનું નામ જરૂર જોડી દીધું છે! એક જાણકારી મુજબ નેપાળ સરકારે ધોરણ ૯ થી ૧૨માં યોગનો અભ્યાસક્રમ દાખલ કરવા માટેનું મન બનાવી લીધું છે.

               આપણે ત્યાં જે પ્રગતિશીલ શાળાઓ છે તેઓ પોતાના ખર્ચે વિદ્યાર્થીઓને યોગ દ્વારા એકાગ્રતા કેળવવાની માટેની મથામણ જરૂર કરે છે, પણ આવી શાળાઓની સંખ્યા ઘણી ઓછી છે. મોટાભાગની શાળાઓએ તો યોગ, સંગીત, જેવી પ્રવૃત્તિ ને તિલાંજલિ જ આપી દીધી છે, એ કારણથી કે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક કે પ્રવેશ પરીક્ષાઓનું ખુબ ભારણ રહે છે.  વિચિત્રતા તો એ છે કે આવી દોડને કારણે જ વિદ્યાર્થીઓમાં અભ્યાસની એકાગ્રતા ગુમ થઈ રહી છે. ખાસ કરીને શહેરની શાળાઓના વર્ગો અશાંત અને ખાલી થવા લાગ્યા છે. એવી દોડ શરૂ થઈ છે કે જાણે વર્ગખંડમાં જઈ પૂછવું પડે કે ‘એકાગ્રતા તુમ કહાં હો?!’ આવી સ્થિતિમાં હવે કોણ, કોને સત્ય સમજાવશે?!

                અંતે, એકાગ્રતાનો ખ્યાલ આમ તો અધ્યાત્મ સાથે જોડાયેલો છે, પણ શિક્ષણનો એક ઉદ્દેશ વિદ્યાર્થીની (વ્યક્તિની) અધ્યાત્મિક ઉન્નતિ પણ છે એ ન ભૂલવું જોઈએ. સરળ વાત એટલી જ છે કે જીવનનાં કોઇપણ ક્ષેત્રમાં પ્રગતિ અને પરિણામલક્ષી કામ કરવું હશે તો એકાગ્રતા કેળવવા વિના આરો નથી. માનો યા ન માનો!!


3 views0 comments

Recent Posts

See All

コメント


bottom of page