...એ અનોખી સાંજ હતી. શૂન્યમનસ્ક બનેલી બે આંખો હતી. એ દીવાસ્વપ્નમાં ખોવાયેલી હતી કે સંસ્મરણોમાં?! બારી બહાર આકાશમાં વિખરાયેલા રંગોની આભા ખાસ આકર્ષિત તો નહોતી, છતાં સામ્રાજ્ય તો એનું જ છવાયેલું હતું!
ઓરડાની બારી બહાર વિજય પોતાના અંતર મનમાં સુખ અને સફળતા વિશે મનોમંથન કરી રહ્યો હતો. પિસ્તાળીસ વટાવ્યા પછી જીવનમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું એનો હિસાબ માંડી રહ્યો હતો. તેના હાથમાં કાગળ-પેન તો નહોતા છતાં તેના માનસપટ પર છૂટા-છવાયા આવા કેટલાક વિચારો અનુભવાયા હતા.
1) બાળપણની સ્મૃતિ ઝટ ભૂંસાતી નથી, તેથી વ્યક્તિએ પોતે તથા બાળકો અને તરુણોને હંમેશા ઉત્તમ અનુભવો આપવા જેવું પુણ્ય એકેય નથી.
2) કામના સ્થળે કામ તો બધા જ કરતા હોય છે, પણ એ કામમાં જેઓ કશુંક નવીન’ ઉમેરે છે, તેઓ કાર્યસ્થળનો સંતોષ વધુ પામે છે.
3) ઘણુંખરું પેઢી કે સંસ્થાની સફળતા, વ્યક્તિ (કે કર્મચારી)થી પેઢી (કે સંસ્થા) તરફ વહેતી હોય છે. અપવાદરૂપે જ તેની દિશા વિપરીત પણ હોઈ શકે છે.
4) કોઈ પણ સંબંધને કાયમી માનવો એ મોટો ભ્રમ સમજી લેજો. આજે જે છે તેમાંના ઘણા આવતીકાલે તમારી સાથે નહીં હોય તેમ માનીને ચાલનારા વધુ સુખ પામે છે. જિંદગી ગમે ત્યારે કરવટ બદલી શકે છે!
5) જીવનમાં યુવાન વયે ભૌતિક સંપત્તિ વ્યક્તિ પર હાવી રહે છે. સમય વિતતા તેનો મોહ ભંગ થવા લાગે છે. એમ છતાં આ અનુભવ યુવાનોને કદી વહેંચવો નહીં, કેમ કે એ લોકો એને માનશે જ નહીં!
6) દરેક ઉંમરના સમયગાળા સાથે અમુક પ્રકારના જ વિચારોનું વર્ચસ્વ રહે છે. જેમાં અવ્યવસ્થા ઉભી કરવાથી લાભ કરતાં નુકસાન વધારે થવા સંભવ છે. સવાલ વિચારોને સમજવાનો અને તેને યોગ્ય રીતે અમલમાં મૂકવાનો હોય છે. આ કુશળતા કેળવજો!
7) નાણામાં કે સંપત્તિમાં વૃદ્ધિ કરવી એને જ સફળતા ગણવા જેવી નથી. આ બંને હોવા છતાં નિષ્ફળ નીવડેલાની યાદી તો તમારી પાસે હશે જ ને? મેં જોયું છે કે જેમાં સંતોષ મળ્યો, બસ તેમાં સફળતા અનુભવાઈ!
8) દુનિયા પ્રથમ નજરે તો તમારા બાહ્ય સૌંદર્યથી જ આકર્ષિત થાય છે. જો પરિચય લાંબો ટકે તો અન્ય ગુણોને ધ્યાનમાં લેવાય છે. બાકી પહેલી નજરના પ્રેમમાં પણ બાહ્યસૌંદર્ય જ હાવી રહેતું હોય છે. હા, કોઈપણ સ્પર્ધાઓમાં ‘સફળતા’ પણ ઘણુંખરું તો રૂપરંગની જ ઓશિયાળી બની રહેતી હોય છે.
9) સુખી થવા માટે દર વખતે સફળતા જ જવાબદાર હોય એવું નથી. તેથી સફળતા સાપેક્ષ ખ્યાલ છે એમ માની હતાશ ન થવું.
10) સ્વયંને જેવા છે તેવા સ્વરૂપમાં સ્વીકારવાનું સૌથી કઠિન છે, કેમ કે શ્રેષ્ઠતા કે સફળતાની શોધ હંમેશા બીજાનામાં જ વધુ દેખાય છે! એટલે સ્વયંની ખોજ માટેનો સમય પણ રાખજો.
...વિજય હજીયે વિચારોમાં જ ડૂબેલો હતો. શક્ય છે તેના વિચારો હજી કોઈ નવી કલ્પના કે સંસ્મરણોની દુનિયામાં ખોવાયા હશે, પણ તમે આજે તેના વિચારો પર જરૂર વિચારતા થયા હશો, ખરું?
आप भी कभी विजय की तरह सोचिएगा: अब तक जीवनमे क्या पाया, जीवन को कैसे समझा?!
Comments