આપણે જાણીએ છીએ કે દુનિયાના દરેક દેશમાં શિક્ષણ વ્યવસ્થા છે અને તેમ છતાં એક સરખી શિક્ષણની વ્યવસ્થા માટેનું કોઈ તૈયાર મિશ્રણ (રેસીપી) ઉપલબ્ધ નથી! આમ થવું શક્ય પણ નથી કેમ કે દુનિયાના દરેક દેશની પોતાની સ્થિતિ, સંજોગો, સંસ્કૃતિ અને જરૂરિયાતો જુદી જુદી છે. તે ઉપરાંત વિકાસની કક્ષામાં પણ ભારે અસમાનતા છે, તેથી કોઈ ચોક્કસ દેશના જેવી જ શિક્ષણ વ્યવસ્થા અન્ય કોઈ દેશ બનાવી જ ન શકે. તો શું સારી શિક્ષણ વ્યવસ્થા માટેની કોઈ વાનગી વિશે વિચારી જ ન શકાય?! અનુભવ અને વાંચન થકી જે જાણ્યું તેમાંથી એક ઉત્તમ શિક્ષણ વાનગી ‘લિજ્જતદાર શિક્ષણ’ બનાવીને આપની સમક્ષ રજુ કરું છું. શું છે આ વાનગીની ત્રણ મુખ્ય વસ્તુઓ?
૧) શરીર-મનના વિકાસની પ્રવૃત્તિઓ ઉમેરો!
શિક્ષણના અનેક ઉદ્દેશો હોઈ શકે, પરંતુ તેના મૂળમાં તો વિચાર ક્ષમતાને ઉત્તરોત્તર વધારતા રહેવાની કામગીરી જ છે. આ ક્ષમતાને વિકસાવવા માટે માત્ર માનસિક પ્રવૃત્તિઓનો જ અતિરેક કરવામાં નરી મૂર્ખામી છે. શરીર અને મન એ બે એક જ યંત્રના બે ભાગો છે અને પરસ્પર એકમેક સાથે સંકળાયેલા છે. કબડ્ડી, ખો-ખો રમતા વિદ્યાર્થીઓના શું માત્ર હાથ-પગ જ સક્રિય હોય છે? ના. તેનું મગજ સતત ક્ષણે ક્ષણે જાગૃત અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં રોકાયેલું રહે છે. એટલે શિક્ષણની વાનગીમાં યોગ્ય માત્રામાં વિવિધ પ્રવૃત્તિઓને ઉમેરવાનું ભૂલશો નહીં.
૨) મનોવિજ્ઞાનના મસાલા વાપરો!
શિક્ષણની પ્રક્રિયા શરીર-મનના ઉત્કર્ષ અને વિકાસની પ્રક્રિયા છે, જેમાં વિચાર અને વર્તન-વ્યવહારની અગ્રિમ ભૂમિકા રહે છે. એટલા માટે મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, પ્રયોગો અને શક્યતાઓને શિક્ષણમાં લાવવા જ પડે. જો આ શાસ્ત્રના નિયમ કે સંશોધનોરૂપી મસાલાનો ઉપયોગ શીખવાની પ્રક્રિયામાં ન થશે તો એવું શિક્ષણ ક્યારે માનવ વિકાસને પોષક નહીં જ બનશે. વિચારો, બીજા ધોરણના (સાત-આઠ વર્ષના) વિદ્યાર્થીઓને દેશના વડાપ્રધાન વિશે કે ગ્રામ્ય જીવનના વર્ણન વિશેના પ્રશ્નો પૂછવા શું યોગ્ય કે સુરુચિપૂર્ણ ગણાશે?!
૩) અક્ષમ શિક્ષકોને દૂર કરો, શ્રેષ્ઠને ભેળવો!
પાઉંભાજીની શ્રેષ્ઠતા માત્ર મસાલા પર નિર્ભર નથી હોતી, તેમાં વપરાયેલા ફ્લાવર, ટામેટા, વટાણા જેવા શાકભાજીની ગુણવત્તા પર
પણ રહેલી હોય છે એ બાબતે તમે સંમત થશો જ. તેથી વર્ગખંડ કે શાળા શિક્ષણના ઉત્તમ પરિણામો (કે નિષ્પત્તિ) જોઈતા હોય તો સક્ષમ, ઉત્સાહી અને સર્જનશીલ શિક્ષકો ઉમેરવા પડે! ઉત્તમ વિદ્યાર્થીઓ ઉત્તમ શિક્ષક સર્જે એમ કહેવા કરતાં, ઉત્તમ શિક્ષકો જ ઉત્તમ વિદ્યાર્થીઓ સર્જે છે એ સૌથી વધુ સ્વીકૃત સત્ય બને છે. મતલબ, શિક્ષણની ઉત્તમ વાનગીમાં સક્ષમ શિક્ષકો જ જોઈએ. વળી, આવા ઉત્તમ શિક્ષકોને એકમેક સાથે બરાબર ભેળવવાનું (એકસાથે કામ કરવાનો સમાન અવકાશ આપવાનું) ભૂલવું જોઈએ નહીં. હા, ઉત્તમ શિક્ષકો પ્રાપ્ત કરવા માટે જુનવાણી અને જર્જરીત તાલીમ સંસ્થાઓના ઢાંચા(વાસણ)નું પતન કરી નવનિર્માણ પણ જોઇશે જ.
આ ત્રણ વસ્તુઓને ઉમેર્યા પછી કુશળ રસોઈકારે(આચાર્ય-સંચાલકે)એક અભિગમ ઉમેરવાનો રહે છે અને તે છે:
વાનગીને વારંવાર ન ચાખો!
જે શીખવાય છે તેમાંથી આપણું વર્તમાન શિક્ષણ વિશ્વાસ ગુમાવી રહ્યું હોય તેમ જણાય છે, તેથી તે ચકાસણી માટે (લાંબી-ટૂંકી પરીક્ષાઓ લઈ) વારંવારના મૂલ્યાંકનને રવાડે ચડી ગયું છે! જે પણ ભણાવ્યું છે તે બરાબર યાદ છે કે નહીંના સતત ભયને લીધે શિક્ષકો, આચાર્યો અને સરકાર પણ વારંવાર કોઈને કોઈ રીતે શિક્ષણને ચાખ્યા (ચકાસ્યા)જ કરે છે! કોઈ વાનગી બનાવવામાં એક કે બે વાર ચાખવાનું હોય, વારંવાર ચાખ્યા કરશો તો શું થશે? છેલ્લે એવી વાનગીમાં કોઈ રસ જ ન રહેશે, ખરું ને?!
સુજ્ઞ પ્રબુદ્ધજનો, ‘લિજ્જતદાર શિક્ષણ’ની આવી વાનગી બનાવી શકવામાં તમારું ભલે પ્રત્યક્ષ યોગદાન ન હોય પરંતુ આંખોથી વાંચી, મન: ચિંતનના અનુભવથી તેનો આસ્વાદ્ય તો જરૂર માણજો. જો પસંદ આવે તો શુભેચ્છાના શબ્દો રૂપી ઓર્ડર પણ કરજો!!
અમારી સાથે નવું તથા મઝાનું જાણવા-માણવા નીચેની લિન્ક દ્વારા સભ્ય બની connect રહો! :
Comments