top of page

શિક્ષિત સ્ત્રીઓ ખરેખર સુખી અને પ્રસન્ન છે?

કોઈ પણ રાજ્ય કે સમાજની તંદુરસ્તી વિશે વિચારીએ ત્યારે તેમાં સ્ત્રી-પુરુષોના એકમેક સાથેના પરસ્પરના વર્તન-વ્યવહાર કેવા છે તેને જાણવા પડે. આમ તો આ પ્રશ્ન વૈશ્વિક છે, છતાં ગુજરાતની 93 ટકા સ્ત્રીઓએ આ અંગે પોતાના અભિપ્રાય આપ્યા છે તે જાણવું રસપ્રદ અને વિચારવા લાયક છે.

આ સર્વેક્ષણ મારા પૂર્વસંશોધન અનુભવો અને મંથન થકી ઓનલાઇન સ્વરૂપે કર્યું છે. જેમાં મહદંશે 36 વર્ષથી વધુ ઉંમરની 61 ટકા સ્ત્રીઓ સમાવિષ્ટ હતી જ્યારે 21 ટકા સ્ત્રીઓ 26 થી 35 વયની હતી. આ સર્વેક્ષણમાં ભાગ લેનારી 52 ટકા સ્ત્રીઓએ લઘુત્તમ અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતુ, 38 ટકા સ્ત્રીઓએ ડિપ્લોમા કે સ્નાતક સુધીનું અને 11 ટકા સ્ત્રીઓએ ધોરણ 12 કે તેથી ઓછું શિક્ષણ મેળવ્યું હતું આમ આ સર્વેક્ષણ શિક્ષિત સ્ત્રીઓ દ્વારા અપાયેલા અભિપ્રાયો પર વધુ આધારિત રહેલુ હતું, નિરક્ષર કે ગામડાની સ્ત્રીઓ આમાં ખાસ સામેલ નહોતી. આ સર્વેક્ષણના પ્રશ્નો પુખ્ત વિચારણા, પૂર્વ ચર્ચા અને ચકાસણી બાદ તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમાંથી નીપજેલા તારણોને હું ત્રણ ભાગમાં વહેંચીને અહીં મૂકું છું:


(A ) સ્ત્રીઓએ વિચારવા જેવા તારણો:

(આ તારણો સ્ત્રીઓને સ્વયમ પોતાની સ્થિતિ સુધારવા માટે વિચારવા પ્રેરિત કરે તેવો તેવા છે.)

 • 35 ટકા સ્ત્રીઓએ જણાવ્યું હતું કે તેનું કુટુંબ તેને કામ કરનારી સામાન્ય સ્ત્રી જ સમજે છે! 23 ટકા સ્ત્રીઓનું કહેવું હતું કે કુટુંબ પોતાને મેનેજર કે વ્યવસ્થાપક તરીકે મૂલવે છે, જ્યારે 22 ટકા સ્ત્રીઓએ જણાવ્યું હતું કે તેમનું કુટુંબ તેમને દેવી લક્ષ્મીનો અવતાર માને છે.

 • આસપાસના સમાજમાં સ્ત્રી તરીકે તમારું સ્થાન કેવું અનુભવાયું છે તેના ઉત્તરમાં 71 ટકા સ્ત્રીઓએ સન્માનનીય તથા 20 ટકા સ્ત્રીઓએ સામાન્ય ઘરકૂકડી સ્ત્રી માનતા હોવાનું જણાવ્યું હતું.

 • એક નોંધપાત્ર તારણ એ પણ જણાવ્યું છે કે સ્ત્રી સુરક્ષા સલામતી માટે 70 ટકા સ્ત્રીઓ કોઈપણ રીતે નારી સુરક્ષા ગૃહ, સ્થાનિક એનજીઓ કે સ્થાનિક મહિલા મંડળ સાથે સંકળાયેલ(જાણકારી) નહોતી!

 • ઉપરાંત, સ્ત્રી અપમાન કે શોષણની ફરિયાદ માટે આપવામાં આવેલ હેલ્પલાઇન નંબરમાંથી કયો સાચો નથી? તે પ્રશ્નના ઉત્તરમાં સાચો જવાબ આપનાર માત્ર 30 ટકા સ્ત્રીઓ જ હતી! મતલબ 70 ટકા સ્ત્રીઓને પોતાની મદદ કરે તેવા હેલ્પલાઈન નંબરની એકદમ ચોક્કસ જાણકારી નહોતી!

 • પોતાની સલામતી કે સુરક્ષા માટે આજ સુધીમાં તમે કયો ઉપાય અમલમાં મૂક્યો છે તેના જવાબમાં 14 ટકા સ્ત્રીઓએ જીમ કે રમતના તાલીમ વર્ગમાં જોડાયા હતા, 17 ટકા સ્ત્રીઓએ સ્વરક્ષણની તાલીમ લીધી હતી, આઠ ટકા સ્ત્રીઓએ એનસીસીમાં જોડાયા હતા એમ જણાવ્યું હતું. જ્યારે 60 ટકા સ્ત્રીઓએ આ ત્રણમાંથી એકેયમાં જોડાયાં નહોતાં એમ જણાવ્યું હતું!

મિત્રો, આપને લાગ્યું જ હશે કે આ પરિણામો સ્ત્રીઓ માટે ખરેખર આત્મમંથન કરવા જેવા છે. જ્યારે પીડિત થવાય ત્યારે સમાજ, શાસન વ્યવસ્થા કે પુરુષોને દોષ દેવા કરતાં આ મુદ્દાઓ વિશે સ્ત્રીઓએ વિચારવા જેવુ નથી શું?!


(B) પુરુષોએ વિચારવા જેવાં તારણો:

(સ્ત્રી-પુરુષની રોજિંદી જીવનશૈલીમાં પુરુષોનું આધિપત્ય આ તારણોમાં છલકાતું જોવા મળ્યું છે.)

 • સ્ત્રીઓના પોતાના પ્રશ્નો કે સમસ્યાના ઉકેલ બાબતે જવાબ આપતા સ્ત્રીઓએ જણાવ્યું હતું કે આ બાબતે 45 ટકા પુરુષો મૌન રહે છે, 24 ટકા આક્રમક બોલચાલ કે દલીલબાજી કરે છે, 14 ટકા પુરુષો મોઢું ફેરવી લે છે એમ જણાવ્યું હતું. માત્ર 17 ટકા સ્ત્રીઓએ કહ્યું હતું કે પુરુષો અમારી સમસ્યા ઉકેલવામાં હકારાત્મક હોય છે.

 • સર્વેક્ષણમાં અભિપ્રાય આપનારી 48 ટકા સ્ત્રીઓએ કહ્યું હતું કે, અમને શોખ મુજબની પ્રવૃત્તિ કરવામાં સૌથી વધુ અન્યાય થાય છે! 24 ટકા સ્ત્રીઓએ ઘરકામમાં, 16% સ્ત્રીઓએ આરોગ્ય જાળવણીમાં અને 12 ટકા સ્ત્રીઓએ હરવા-ફરવામાં અન્યાય થતો હોવાનું જણાવ્યું હતું.

 • પુરુષોના કેવા વર્તનો તમને બિલકુલ પસંદ નથી એવા પ્રશ્નના જવાબમાં સર્વેક્ષણમાં ભાગ લેનારી 44 ટકા સ્ત્રીઓએ પુરુષો વાત વાતમાં ગુસ્સો કરે, 16 ટકા સ્ત્રીઓએ શારીરિક બળજબરી કરે, અને 10 ટકા સ્ત્રીઓએ ધુમ્રપાનનો સહારો લે તેમ જણાવ્યું હતું. અન્યએ ત્રણમાંથી એકેય નહીંનો વિકલ્પ પસંદ કર્યો હતો.

 • સ્ત્રી સન્માન અને સુરક્ષા જાળવવા માટે તમે કઈ પ્રવૃત્તિને સૌથી વધુ પ્રોત્સાહિત કરશો એ પ્રશ્નના જવાબમાં સૌથી વધુ 46 ટકા સ્ત્રીઓએ સ્ત્રી-પુરુષ માટે કાયદાનું શિક્ષણ ફરજીયાત હોવું જોઈએ એમ જણાવ્યું હતું. 25 ટકા સ્ત્રીઓએ પુરુષો કે છોકરાઓની ઘરકામમાં સહકાર આપવાની, 15 ટકા સ્ત્રીઓએ ગલીના નાકે (ચાર રસ્તે) પુરુષ કે છોકરાઓના ટોળટપ્પા બંધ કરવાની અને 14 ટકા સ્ત્રીઓએ સ્ત્રીઓની કુટુંબમાં પસંદગી બાબતે દખલ ન કરવાની પ્રવૃત્તિની તરફેણ કરી હતી.

 • સ્ત્રીનું શારીરિક અને માનસિક શોષણ ક્યાં વધુ થયાનું લાગ્યું? આ પ્રશ્નના ઉત્તરમાં લગભગ 55 ટકા સ્ત્રીઓએ કુટુંબના સભ્યો કે સગા સંબંધીઓમાં, જ્યારે 31 ટકા સ્ત્રીઓએ કામના સ્થળે વધુ શોષણ થાય છે તેમ જણાવ્યું હતું. મતલબ સ્ત્રીઓનું શારીરિક અને માનસિક શોષણ અટકાવવું હોય તો ‘કુટુંબ’ અને ‘કામનુ સ્થળ’ સૌથી પહેલા ધ્યાનમાં લેવા પડે!

 • સ્ત્રી તરીકે પુરુષો કે છોકરાઓ પાસે તમે શાની સૌથી વધુ અપેક્ષા રાખો છો તેના જવાબોમાં 34 ટકા સ્ત્રીઓએ કોઇ પણ બદલાની અપેક્ષા વિના મદદ કરે, 33 ટકા સ્ત્રીઓએ પોતાની પસંદગીનો સહર્ષ સ્વીકાર કરે, 24 ટકા સ્ત્રીઓએ વ્યસન અને હિંસાથી મુક્ત રહે તથા 9 ટકા સ્ત્રીઓએ કોઈની પણ જાતીય સતામણી ન કરે તેમ જણાવ્યું હતું.

 • છોકરા કે પુરુષોને નાનપણથી કેવું શિક્ષણ આપવું જોઈએ કે જેથી સ્ત્રી સમાનતાની ભાવના વધે એવા પ્રશ્નના જવાબમાં 49 ટકા સ્ત્રીઓએ ઘર બહારની પ્રવૃતિઓમાં સહકારના, 30 ટકા સ્ત્રીઓએ જાતીય પ્રશ્નોની મુક્ત ચર્ચા કરવાના જ્યારે 17 ટકા સ્ત્રીઓએ રસોઈ કામમાં મદદરૂપ થવાના શિક્ષણને મહત્ત્વનું ગણાવ્યું હતું.

મિત્રો, સ્ત્રી-પુરુષ સમાનતાના આદર્શ વચ્ચે સંતુલન જાળવવું હોય તો પુરુષોએ પોતાના જૂના ખ્યાલોમાંથી બહાર આવવું પડશે. સ્ત્રી સાક્ષરતા વધશે તો તેઓ કામમાં ભાગીદારી ઇચ્છશે જ, માટે ઉપરના મુદ્દાઓ વિશે પણ વિચાર કરજો જ.


(C) સ્ત્રી-પુરૂષ બન્નેએ વિચારવા જેવા તારણ:

(આ તારણો સંયુક્ત રીતે ચર્ચા-સંવાદ કરવાના પ્રયત્નોથી જ સમસ્યાના ઉકેલ તરફ જવા પ્રેરિત કરનારા છે.)

 • સર્વેક્ષણની 59 ટકા સ્ત્રીઓને સ્ત્રી તરીકેના જન્મમાં જવાબદારી, જ્યારે 30 ટકા સ્ત્રીઓને સંઘર્ષ અનુભવાયો હતો. 5 ટકા સ્ત્રીઓને ભય અને માત્ર 6 ટકા સ્ત્રીઓને સ્વતંત્રતાનો અનુભવ થયો છે!

 • 41 ટકા સ્ત્રીઓને ઘરની સમસ્યા ઉકેલવામાં અને 21 ટકા સ્ત્રીઓને કામના સ્થળના પ્રશ્નો ઉકેલવામાં પોતે એકલી પડી ગયાનું લાગ્યું હતું, પરંતુ કોઈપણ પ્રકારની સમસ્યા ઉકેલમાં પોતે એકલી પડી ગઈ છે એવું 34 ટકા સ્ત્રીઓએ જણાવ્યું હતું!

 • આ સંદર્ભમાં જ મળેલા બીજા એક પ્રશ્ન, સ્ત્રીઓના ભાગે આવતા સંઘર્ષ અને શોષણ માટે કોણ વધુ જવાબદાર છે? તેમાં 48 ટકા સ્ત્રીઓએ પુરુષોના અસહકારને ગણાવ્યો હતો! જ્યારે 24 ટકા સ્ત્રીઓએ નબળા સ્ત્રી સંગઠન, 17 ટકા સ્ત્રીઓએ સ્ત્રી નિરક્ષરતા અને 11 ટકા સ્ત્રીઓએ સ્ત્રીની શારીરિક મર્યાદાને જવાબદાર ગણાવી હતી.

 • સ્ત્રીઓના સૌથી વધુ અજંપા માટે કોણ વધુ જવાબદાર એ પ્રશ્નના ઉત્તરમાં 46 ટકા સ્ત્રીઓએ જણાવ્યું હતું કે સ્ત્રીઓ પોતે જ છે! જ્યારે ૩૭ ટકા સ્ત્રીઓએ પુરુષોની માનસિકતાને કારણ તરીકે દર્શાવી હતી. 15 ટકા સ્ત્રીઓએ આ માટે ટી. વી.-મોબાઈલને જવાબદાર માન્યા હતા.

 • સ્ત્રીઓ સાથે અપમાનજનક કે શોષિત વર્તન સાવ અજાણ્યા પુરુષો દ્વારા થાય છે તેવું માત્ર 17 ટકા સ્ત્રીઓએ જણાવ્યું હતું, પરંતુ ઘરના પુરુષો દ્વારા થાય છે તેવું 34 ટકા સ્ત્રીઓએ અને 16 ટકા સ્ત્રીઓએ ઘર સિવાયના પરિચિત પુરુષો દ્વારા થયાનું જણાવ્યું હતું. જો કે કોઈપણ સ્ત્રીઓ દ્વારા પોતાનું શોષણ થાય છે તેવું 33 ટકા સ્ત્રીઓએ જણાવ્યું હતું.

 • એક ખાસ પ્રશ્ન, જાહેરમાં સ્ત્રીઓ સાથેના અમાનવીય કે અપમાનજનક વર્તન-વ્યવહાર કરવા માટે સરકાર કે પોલીસ ખાતાએ કેવા પગલાં લેવા જોઈએ તેના જવાબમાં 36 ટકા સ્ત્રીઓએ જાહેરમાં ઢોલથપાટ કરવાની, 36 ટકા સ્ત્રીઓએ 24 કલાક કે તેથી વધુની જેલ કરવાની, 9 ટકા સ્ત્રીઓએ તાત્કાલિક નાણાકીય દંડ કરવાની જ્યારે 19 ટકા સ્ત્રીઓએ મૌખિક માફી લેવડાવવાની તરફેણ કરી હતી.

 • વધુ ભણવાથી(ડિગ્રી શિક્ષણ લેવાથી) સ્ત્રી અપમાન અને શોષણ અટકી જાય છે એ વાત સાથે 15 ટકા સ્ત્રીઓએ 100 ટકા સાચી વાત છે એમ કહ્યું, જ્યારે 15 ટકા સ્ત્રીઓએ 50 ટકા સાચી વાત છે એમ જણાવ્યું હતું. આ સંદર્ભે 53 ટકા સ્ત્રીઓનો અભિપ્રાય એ હતો કે આ સમસ્યાને શિક્ષણની કક્ષા સાથે કોઈ લેવાદેવા નથી! જો આમ હોય ‘બેટી પઢાવો, બેટી બચાવો’ અભિયાનનું શું? એ વિશે સરકારે અને સામાજિક સંસ્થાઓ વિચારવું રહ્યું.

મિત્રો, સમાજના બે ભિન્ન છતાં પૂરક એવા સ્ત્રી-પુરુષ બંનેએ પોતાના વિચારોમાં પરિવર્તન લાવવું જ પડશે. રોજીંદી ઘણી પ્રવૃતિમાં એકમેકની ભાગીદારી જ સહજીવનને મધુર બનાવશે. સામાજિક સંસ્થાઓએ પણ એમાં પોતાનું યોગદાન કેવી રીતે આપી શકે તે વિચારવું રહ્યું.

સારાંશમાં કહું તો, દુનિયાભરની સ્ત્રીઓને માટે સમાનતાનો આદર્શ એક મોટી કઠણાઇ બનેલો છે ત્યારે ગુજરાતની બહુધા શિક્ષિત સ્ત્રીઓએ આપેલા આ અભિપ્રાયો સમાજસેવી સંસ્થાઓ, સરકારી તંત્ર અને સ્ત્રી-પુરુષો સ્વયંને પણ વિચારવા મજબૂર કરે તેવા છે. મારા આ સર્વેક્ષણ પાછળનો મૂળભૂત આશય તંદુરસ્ત સમાજ નિર્માણ તરફ દિશાસૂચક બનવાનો જ છે. આશા છે એમાં મારો આ તટસ્થ પ્રયાસ નિમિત્ત બનશે. આ સર્વેક્ષણને દિવ્ય ભાસ્કર તથા સંદેશ એમ બે દૈનિકમાં સ્થાન મળ્યું હતું.


160 views0 comments

Comments


bottom of page