top of page

શાળાઓ સાથે શિક્ષણ ક્યારે ખુલશે?!

માણસે ભણવું જોઈએ? આજકાલ આવો પ્રશ્ન શિક્ષક, વિદ્યાર્થી, વાલી કે અન્ય કોઈને પણ પૂછીએ તો સંભવતઃ કશું જ ઉત્તર ન મળે. કેમ કે આ બધા જ શિક્ષણની વ્યવસ્થાથી જાણે દૂર હડસેલાઇ ગયા છે. અને તેઓ સ્વયં એવા મૂંઝાયેલા છે કે શું જવાબ આપીએ એ જ નક્કી નથી કરી શકતા. આ સ્થિતિ માત્ર કોઈ શહેર કે ગામડાની જ નથી બલ્કે સમગ્ર દેશ અને તેનાથીયે વધુ કહું તો વૈશ્વિક છે. કોરોના પછી માત્ર આર્થિક જ નહીં પણ જીવનના દરેક ક્ષેત્રમાં વાવાઝોડું ફૂંકાઇ ગયું છે ત્યારે અહીં ફરી શિક્ષણના સંદર્ભમાં થોડું વિચારીએ.

દુનિયાના કેટલાક દેશોમાં શાળાઓ 18 અઠવાડિયા (સાડા ચાર માસ) સુધી સંપૂર્ણ બંધ રહી જ્યારે અન્ય ઘણા દેશોમાં તે 34 અઠવાડિયા (સાડા આઠ માસ) કે આખું વર્ષ બંધ જ રહી. આ સ્થિતિમાં હવે ક્રમશઃ સુધારો આવી રહ્યો છે, અથવા લાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે આ માટે યુનેસ્કો, યુનિસેફ અને વર્લ્ડ બેંક દ્વારા સંયુક્ત રૂપે એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેનો આશય અધ્યેતાને ફરી પાછા શાળામાં લાવવા માટે સરકારને સહયોગ આપવાનો હતો. આ માટે વિદ્યાર્થી-શિક્ષકોને શાળામાં લાવવા માટે ડિજિટલ તકનીકી દ્વારા નિદાનાત્મક કાર્ય કરાવવાનું પણ લક્ષ્ય રખાયું હતું આમ હવે મિશ્ર શાળા (હાઇબ્રીડ લર્નિંગ)ની પદ્ધતિ લાંબો સમય રહેવાની છે એ નક્કી સમજવું!

શાળા ફરી શરૂ થાય તે માટે યુનિસેફ દ્વારા સોશિયલ મીડિયા પર ૧૮ કલાકનું એક પ્રચારાત્મક કાર્ય(Campaign) ચલાવવામાં આવ્યું જેમાં યુનેસ્કો પણ જોડાયું. 16 સપ્ટેમ્બર થી 18 કલાક માટે સોશિયલ મીડિયા ચેનલો પરથી એવા પ્રકારનું તમામ લખાણ (Content) હટાવવામાં આવ્યું હતું જે શિક્ષણ સંબંધિત ન હોય. જો કે આવું તો ૯૦ ટકા લોકોને ધ્યાનમાં જ નહીં આવ્યું હશે, ખરું ને? છતાં શાળા તરફ વિદ્યાર્થી અને સમાજ જાગૃત થાય તે હવે જરૂરી છે કેમ કે, શાળા વિમુખ બનેલા કરોડો વિદ્યાર્થીઓમાં ‘અધ્યયનની ખોટ(Learning Loss)’ની ગંભીર સમસ્યા સર્જાઇ છે. જેઓ શિક્ષકો છે અથવા વાલી તરીકે છે તેમને પોતાના બાળકોમાં આ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું હશે.

ગુજરાત સરકાર દ્વારા જે એકમ કસોટી લેવાય છે તેના પ્રશ્નપત્રો અગાઉથી જ લીક થઈ જાય છે તેના ઉત્તરો સુદ્ધાં સોશિયલ મીડિયા પર ફરતા થઈ છે. છતાં સરકાર ચૂપ જ કેમ રહે છે તે આશ્ચર્યજનક અને હાસ્યાસ્પદ પણ લાગ્યું હશે. છતાં એવું જાણવા મળ્યું છે કે આ બધું સરકારને ખબર જ છે તો પછી આવું કેમ? એની પાછળનો તર્ક કદાચ આટલો હશે કે ફૂટેલા તો ફૂટેલા પ્રશ્નપત્રો. જવાબ લખાય તો છે જ!! અભ્યાસલક્ષી કંઈ જ ન કરીને વિદ્યાર્થીઓ શાળા છોડી દે એના કરતાં આ રીતે શાળાઓમાં ટકી રહે તે મોટી ઉપલબ્ધિ જ કહેવાય. આને સરકારની લાચારી કહો કે સુપર આઈડિયા, એ તો તમે જ નક્કી કરી લો!

શાળાઓ ઝડપથી શરૂ થાય એ માટે આવા પ્રચાર-પ્રસાર ઉપરાંત, શાળાઓમાં આરોગ્ય જાળવણીનું યોગ્ય વાતાવરણ તૈયાર થાય તે પણ જરૂરી છે. ઉપર મુજબની વૈશ્વિક સંસ્થાઓ આવું અભિયાન ઉપાડે ત્યારે જે તે દેશની અને રાજ્ય સરકારો પર આવી વ્યવસ્થા માટેનું દબાણ ઊભું થાય છે. શાળાઓએ અને સરકારે પણ માસ્ક. સેનેટાઈઝર, ભૌગોલિક અંતર, શિક્ષક-સેવકો માટે રસીકરણ વગેરે જેવી કામગીરીને વેગ આપવા પડે. તરુણોની સુરક્ષા માટે નવી રસીનો આવિષ્કાર થાય તો શાળાઓ ફરી રાબેતા મુજબ થવાના સંજોગો અનેકગણા વધી જાય. જો કે ભારતમાં ઘણા રાજ્યો શાળાઓના વિદ્યાર્થી-શિક્ષકના આકસ્મિક રેપિડ ટેસ્ટ બાબતે ખૂબ જ સભાન છે તે આનંદની વાત ગણાય.

શાળાઓમાં વિદ્યાર્થીઓ આવવા માંડે એટલું પૂરતું નથી જેમ મહિનાઓ કે વર્ષો સુધી પાંજરામાં પુરી રાખેલા પોપટનું પાંજરું હટાવી દો તો પણ ઘરમાં એ આસાનીથી ઉડી ન શકે, તેમ લગભગ દોઢ વર્ષથી ઘરમાં પુરાયેલા બાળકો શાળાએ જશે તો ખરા પણ સાવ મુંગા-મંતર અને આત્મવિશ્વાસની અધૂરપવાળા હશે તો તે સતત એવા ભયથી પીડિત હોવાના સંજોગો છે કે ‘મને આ નહીં આવડશે તો?’ ઓનલાઇનમાંથી ઓફલાઈનમાં જોડાવાનું એમને માટે મનો-શારીરિક દ્વિધાઓથી ઓછું નહીં જ હશે,ખરું?

શરૂ થયેલી હજીયે ભારતની કેટલીયે શાળાઓનો અનુભવ છે કે વિદ્યાર્થીઓ પૂરતી સંખ્યામાં આવતા જ નથી. આનો અંદાજ પચાસ ટકા સુધીનો મૂકીએ તો પણ એને કઈંક અંશે સારી શરૂઆત ગણવી જોઈએ. બાળકો હોય કે વડીલો, માણસનો મૂળભૂત સ્વભાવ જ છે કે જો ઓછી તકલીફ પડતી હોય તો એવું કામ ઝડપથી સ્વીકારી લેવું! આવું જ શાળા છૂટી અને ઓનલાઈન વ્યવસ્થા આવી તેમાં થયું છે. વાંચો એક અનુભવ.

કર્ણાટકના મનોચિકિત્સક ડોક્ટર સતીશ રમૈયા કહે છે કે, ‘અમે કેટલાક ચિંતિત અને ગભરાયેલા વાલીઓની મુલાકાત લીધી હતી. ઘણા તરુણો શાળાએ આવવા ઈચ્છતા નહોતા. તેઓને ઓનલાઇન શિક્ષણ વધુ સગવડભર્યું અને આરામદાયક લાગતું હતું! જો કે આવા સંતાનોમાં એકાગ્રતાની ભારે ઉણપ જણાઈ હતી. ઓનલાઇનના આ દિવસો દરમિયાન આ બાળકો વિડીયો બંધ રાખીને ભણવાનું ઓછું અને આરામ વધુ ફરમાવતા હતા! કેટલાક તો વળી અસાધારણ જીવનશૈલી અપનાવતા હતા, એટલે કે ઓનલાઇન વર્ગો શરૂ થવાના પાંચ મિનિટ પહેલા જ ઉઠતાં હતા!! હવે આવા વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે ભયભીત થાય એમાં કોઈ શંકા નથી.

શિક્ષકો-વાલીઓ માટે આવી સ્થિતિ સામાન્ય નથી જ. તેમણે ખૂબ જ સહાનુભૂતિ અને સમજણથી કામ લેવું પડશે. બાળકોને શાળામાં ધક્કો મારવાને બદલે તેઓ શાળાના વાતાવરણમાં પુનઃસ્થાપિત(Adjust) થાય તે બાબતે ધ્યાન આપવું જોઈએ. મતલબ શાળામાં આવ્યા એટલે એ જ જૂની ઘીસીપીટી રીતે આદેશાત્મક શિક્ષણનો મારો શરૂ કરી દેશો તો વાત બગડશે. સાંભળ્યું છે કે કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓને રિસેસના સમયમાં પણ મોટેથી કે જૂથમાં વાતો કરવા બાબતે ઠપકો આપવામાં આવે છે! બોલો, આમાં શું કહીશું?

તરુણાવસ્થાના બાળકો(વિદ્યાર્થીઓ)ને ખાસ સાંભળવા જોઈએ, કેમ કે આ ઉંમરમાં આમેય શરીર-મન અને ઘર બાબતે સંઘર્ષ ચાલતો હોય છે એવામાં જો શાળા ઉમેરાય તો? વળી, શક્ય છે કે કોઈકના ઘરમાં covid 19 માં કોઈનું મૃત્યુ થયું હોય અથવા હોસ્પિટલમાં દાખલ થવાની ઘટના બની હોય તો આવા સંજોગોમાં વિદ્યાર્થીઓને હળવાશ કે રમુજી શૈલીમાં અધ્યયન પ્રક્રિયામાં જોડવામાં આવે તો ધીમે ધીમે તેમનો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરી શકાય છે.

શાળાના શિક્ષકોની માનસિકતા બાબતે પણ વિચારવું જોઈએ કેમ કે તેઓ પણ શિક્ષણથી વિમુખ (આઉટ ઓફ ટ્રેક!) થયા હશે. શાળાઓ શરૂ થાય ત્યારે તેમની પાસે પણ ઉત્સાહ અને નવીનતા જોઈશે. આવા શિક્ષકો મળશે કે? જેઓ નિવૃત્તિને આરે પહોંચ્યા છે તેઓને બાદ કરીએ તો પણ 80% શિક્ષકો આ બે મુદ્દાના સંદર્ભે નાપાસ થાય તો નવાઈ નહીં! ઓનલાઈનથી ફાવતું થયું હોય તેવા શિક્ષકોને હવે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સમક્ષ વધુ તૈયારી સાથે આવવાનું કામ આસાન તો નહીં જ લાગશે, ખરું ને?

એટલે શાળાના દ્વાર કે મેદાન ખુલે તેની સાથે વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો અને વાલીઓના મનના દ્વાર પણ ખોલવા જોઈએ. હકારાત્મક અભિગમ બધાનો જ જોઈશે. તો જ શાળાઓ સાચા અર્થમાં ખુલશે.

60 views0 comments
bottom of page