શહેરની ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સારી આર્થિક સ્થિતિને કારણે સારી તંદુરસ્તી ધરાવે છે એમ માનવું સંપૂર્ણ સાચું નથી. સારી શાળાઓના આકસ્મિક સર્વેક્ષણમાં એ જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓ સરેરાશ ઓછું પાણી પીએ છે! સરેરાશ કરતાં વધારે વજન(દફતરનું) ઊંચકે છે અને સમતોલ આહારથી ઘણાં દૂર રહે છે. સવારની શાળાઓમાં જતાં લગભગ પચાસ ટકા બાળકો પ્રમાણસર અને પોષણયુક્ત નાસ્તો કર્યા વિના જતાં માલૂમ પડ્યા છે. ફળો ભાગ્યે જ ખાય છે. ઘરની રસોઈને ઉત્તમ માનીને હોંશે હોંશે ખાનારા તરુણો કદાચ શોધવા મુશ્કેલ હોય છે!
શહેરની શાળાઓ પૌષ્ટિક નાસ્તાનું વેચાણથી આયોજન કરતી હોય છે પણ તેની સંખ્યાઓ જૂજ હોય છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે જેમાં સૌથી વધુ મહત્ત્વનું કારણ નાસ્તાની સામાન્ય ગુણવત્તા અને ઊંચા ભાવ હોય છે. દુનિયાના ઘણા દેશોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે નાસ્તા કે ભોજન માટે જે વ્યવસ્થા થતી હોય છે તેની સામે પણ પ્રશ્નો વારંવાર ઉઠતાં હોય છે.
આજની ભાગદોડભરી જીવનશૈલીમાં વાલીઓની વ્યસ્તતા પણ ઘણી વધી છે. આવી સ્થિતિમાં તેઓ દરરોજ પોતાના સંતાનને માટે પૌષ્ટિક નાસ્તાની અનુકૂળતા કરી શકે તેમ નથી એટલે ઘણા માટે તો એ માથાનો દુખાવા જેવો પ્રશ્ન હોય છે. તેથી એવા વાલીઓ શાળામાં થતી આ વ્યવસ્થાની તરફેણ કરતાં હોય છે. તેઓ એવું માનતા હોય છે કે શાળાનો હેતુ ભલે થોડું કમાવાનો હોય, પરંતુ તેઓ વિદ્યાર્થીઓના આરોગ્યને અનુરૂપ તેની વધુ સારી વ્યવસ્થા કરી શકે છે.
જો કે આવી અલાયદી વ્યવસ્થા સંસ્થાને માટે મોટું મૂડીરોકાણ બને છે. રસોઈઘર, કાયમી રસોઈયા, અનાજ-કઠોળ-શાકભાજી વગેરેની ખરીદી, ફર્નિચર પાછળ સંસ્થાએ મોટું રોકાણ કરવું પડતું હોય છે. ઉપરાંત તેનું યોગ્ય સંચાલન થાય તેનું સતત અવલોકન કરતાં રહેવું એ ધંધાકીય અભિગમ વિના શક્ય બને ખરું? જો આટલી માથાકૂટ હોય તો સંસ્થા કશું પણ મફતમાં ન આપી શકે એ પણ સ્વીકારવું રહ્યું.
નાસ્તો કે ભોજન એ આરોગ્ય સાથે સંકળાયેલી બાબત છે અને આરોગ્ય એ શિક્ષણની ગુણવત્તા સાથે જોડાયેલી બાબત છે. એ સંદર્ભમાં આ બંને પરસ્પરની જરૂરિયાત છે. ફિનલેંડમાં શાળા દ્વારા મફતમાં નાસ્તા (કે ભોજન)ની વ્યવસ્થા કરવામાં આવે છે. ફ્રાંસમાં એ સાવ મફત તો નથી, પણ ખૂબ સસ્તી કિમતે પ્રાપ્ય હોય છે. ઈંગ્લેન્ડમાં બાલમંદિર કક્ષા સુધી દરેક બાળકને ગરમાગરમ ભોજન નિશુલ્ક આપવાની વ્યવસ્થા છે. જો કે તે ફરજિયાત નથી, કોઈ ઈચ્છે તો તેમાંથી બાકાત રહી શકે છે.
ભારતીય સંદર્ભમાં સરકારી શાળાઓમાં અમુક ધોરણ સુધી દરરોજ ભોજનની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવેલી છે. ખાનગી શાળાઓમાં એ નથી. શહેરની કેટલીક વિચારશીલ શાળાઓ અઠવાડિયામાં એક-બે દિવસ દરમ્યાન નાસ્તાની સાથે કોઈ એક ફળ ખાવાની સુટેવ વિકસાવી રહી હોવાનું જાણવા મળ્યું છે એ આરોગ્યની જાળવણીનો જુદો અભિગમ તો છે જ.
રોટી, કપડાં,મકાન એ માનવીની પાયાની જરૂરિયાતો છે. શિક્ષણ એમાં સમાવિષ્ટ નથી, પણ હવે એનું મહત્ત્વ ઘણું વધ્યું છે તેથી ભણતા ભણતા ભોજન પણ મળે એવી વ્યવસ્થા વિશે લોકો વધારે વિચારતા થયા છે. આ સંદર્ભમાં શૈક્ષણિક સંસ્થાઓ એ ભોજનાલયો બની શકે ખરા? જવાબ ના જ હોય. હા, માત્ર નાસ્તા જેટલી વ્યવસ્થા શાળાઓ રાખે એ યોગ્ય જ ગણાવું જોઈએ. જો કે રેસિડેન્શીયલ સ્કૂલ્સ આમાં અપવાદ છે. એ વ્યવસ્થા સંપૂર્ણ કે આંશિક સ્વરૂપે ‘આશ્રમ’ જેવી હોય છે. તેમાં ભોજનની ગુણવત્તા બાબતે કોઈ ખાસ વિરોધ નોંધાવતું હોતું નથી, જે હોય તે ચલાવી લેવાનું વાલીઓ પણ સ્વીકારી જ લેતા હોય છે.
Comments