top of page
Writer's pictureDr.Vijay Manu Patel

શાળામાં વાલી મીટીંગનું શું કામ ?!

Updated: Jun 26, 2022

આમ તો આ પ્રશ્ન શિક્ષણના હાર્દ સાથે સંકળાયેલો છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ માત્ર શાળામાં જ થતો નથી એ માટે શાળા સાથે ઘર કે સમાજમાં થતાં વર્તન વ્યવહારની પણ મોટી ભૂમિકા રહે છે. એટલે જ દરેક શાળામાં વાલીઓ સાથેની મિટિંગ અનિવાર્ય હોવી જોઈએ. સાઉથ વેસ્ટ એજ્યુકેશનલ ડેવલપમેન્ટ લેબોરેટરીના વિચાર મુજબ શીખવા માટે જ્યારે શાળા કુટુંબ અને સ્થાનિક સમાજ ભેગા મળે છે ત્યારે બાળકનો શાળામાં દેખાવ સુધરે છે અને તેને લાંબો સમય સુધી શાળા યાદ પણ રહે છે.

સંશોધકોએ જાણ્યું છે કે જે શાળાઓ વાલીઓ સાથે નિયમિત રીતે જોડાયેલી છે ત્યાં તે ઊંચા પરિણામો પ્રાપ્ત કરતી જોવા મળી છે. ઉપરાંત સામાજીક કુશળતા તથા વ્યવહાર માટેનું સાનુકૂળ વાતાવરણ તૈયાર કરી શકે છે. અહીં યાદ કરાવું કે કોઈપણ શાળા સારી કે ચઢિયાતી છે તેનો સૌથી પહેલો અને અગત્યનો માપદંડ તો શાળાનું સમગ્ર શૈક્ષણિક પરિણામ જ રહે છે. શક્ય છે એમાં શાળાનું યોગદાન સૌથી વધુ રહે છે, પરંતુ શાળાની સામાજિક છબીની વાત આવે ત્યારે વાલી સાથેના સંપર્ક અને સંવાદની ભૂમિકા મહત્વની બની રહે છે. તેથી જ શાળા અને વાલીઓ સાથેની મુલાકાતો સમયાનુસાર ચાલુ રહેવી જોઈએ અને સાર્થક પણ બનવી જોઈએ. આ બાબતે સંસ્થાના ધ્યેયો તથા સંચાલક અને આચાર્યના વ્યક્તિત્વો સારી નરસી અસર પેદા કરે છે.

ઘણી શાળાઓના વાલીઓને એવું લાગે છે કે શાળાઓ, મીટીંગો માટે અતિરેક કરે છે. જે પ્રશ્નોનું સમાધાન શાળાની જવાબદારી છે તેને તેઓ અમારા (વાલીઓ) પર નાખે છે. શક્ય છે આ વાલીઓ શાળા સાથે મૌખિક રીતે જોડાઈ શક્યા ન હોય. તેમનો અહમ્ અથવા માનસિક ખ્યાલો શાળા સાથે કનેક્ટ થવા દેતા ન હોય એવું બને! પણ આવા અપવાદરૂપ વાલીઓ દરેક શાળામાં હોઈ શકે છે. જો પ્રત્યક્ષ મુલાકાત શક્ય ન બની શકે તેમ હોય તો આવા વાલીઓને માટે શિક્ષકો સાથે ટેલિફોન દ્વારા, ઈમેલ દ્વારા કે ટૂંકા સંદેશાઓ દ્વારા સંપર્ક કરીને મળી શકાય તેવા વિકલ્પો ખુલ્લા રાખવા જોઈએ, જેથી મીટીંગના હેતુઓ અને નિર્ણયો અંગે કોઇ સંશયને અવકાશ ન રહે.

એક તરફ વાલીઓનો સહકાર શાળા પરિવારને જોડવામાં નિમિત્તે બનતો હોય છે, તો બીજી તરફ વાલીઓ પોતાના બાળપણ અને યુવાનીના દિવસોની સ્મૃતિઓ ધરાવતા હોય છે તેથી કૌટુંબિક સંવાદ બાબતે તેઓ શાળા દ્વારા ઝડપથી પ્રોત્સાહિત પણ થઈ શકતા હોય છે. આમ શાળા અને વાલીઓ પરસ્પર રીતે વિદ્યાર્થીના વિકાસમાં હકારાત્મક વાતાવરણ સર્જી શકે છે. બાળકમાં ઉત્તમ ક્ષમતાઓ હોય પરંતુ ઘર અને સામાજિક પ્રતિકૂળતા અવરોધરૂપ હોઈ શકે છે. તે જ રીતે ઘરના પ્રોત્સાહક વાતાવરણ વચ્ચે શાળામાં વિદ્યાર્થી શુષ્ક જ રહેતો હોય એ પણ શક્ય છે. આવી સ્થિતિમાં સમાધાનનો માર્ગ ‘વાલી મીટીંગ’ દ્વારા જ મળી શકે એ વિશે બે મત નથી, ખરું?

કેટલાક વાલીઓ અસાધારણ રીતે (લગભગ જાસૂસીની કક્ષાની જેમ) પોતાના સંતાનો પર દેખરેખ રાખતા હોય છે. એટલું જ નહીં આને કારણે તેઓ વારંવાર શાળા કે શિક્ષકોને માટે પણ ત્રાસરૂપ બનતા હોય છે. જેમ કારખાનું એ કોઈ ચીજવસ્તુ તૈયાર કરવાની જગ્યા છે, તેમ શાળા એ શીખવા માટેની જગ્યા છે. આવી જગ્યાએ મોટેથી બોલવાનું કે દલીલબાજી કરવાનું શિક્ષકો અને વાલીઓ માટે પણ શોભાસ્પદ ગણાતું નથી. પોતાના સંતાનના અભ્યાસની સતત ચિંતા વાલીઓને જાસૂસ બનાવવા તરફ દોરી જતી હોય છે. પણ દરેક ગતિવિધિઓ ઉપર શંકા રાખીને તેની આસપાસ હેલીકોપ્ટરની જેમ મંડરાતા રહેવું એ વિદ્યાર્થીના વિકાસ ઉપર નકારાત્મક અસર કરનારી બાબત બને છે. આ વિશેનું મનોવિજ્ઞાન કે અનુભવો વાલીઓ સુધી પહોંચે તે માટે વાલી મીટીંગ જ શ્રેષ્ઠ ઉપાય છે એવું નથી લાગતું?

શાળા સંચાલન અને પ્રવૃત્તિઓમાં સંઘર્ષ પેદા ન થાય એવી સમજ વાલીઓએ પણ રાખવાની હોય છે. કેમ કે તેની દૂરગામી અસર જે તે શૈક્ષણિક સંસ્થા અને વાલી પર પડતી હોય છે. એ ન ભૂલવું જોઈએ કે વાલી અને સંચાલકો વચ્ચેની લડાઈમાં વિદ્યાર્થીના વિકાસને હાનિ પહોંચતી હોય છે. શાળાને પણ પોતાના નીતિ નિયમોની મર્યાદા છે, સરકારી નીતિ મુજબ અભ્યાસક્રમ કે મૂલ્યાંકનની પ્રક્રિયામાં સહયોગ આપવાનો હોય છે. તેથી તેમના દ્વારા લેવાતા નિર્ણયો સામૂહિક જ રહેવાના. જો થોડા સમૂહ માટે એમાં વિસંગતતા કે પ્રતિકૂળતા હોય તો વાલી અને સંસ્થા વચ્ચેની મુલાકાત દ્વારા એનો ઉકેલ મેળવવો જોઈએ. શાળાનું વાલી-શિક્ષક મંડળ હકારાત્મક વિકાસ માટે હોવું જોઈએ નહીં કે નકારાત્મક.

વર્તમાન સમયમાં વાલી અને સંતાન વચ્ચે ઠીક ઠીક પ્રમાણમાં સંવાદ વધ્યો છે બંને એકબીજાને પોતાના વિચારો જણાવી શકે છે બન્ને પાસે એક માટેની માહિતી અને અનુભવ છે. પરંતુ શાળાના વિશાળ સમૂહમાં તેઓ અભ્યાસલક્ષી મૂંઝવણ કે અસંતોષ વ્યક્ત કરતા હોતા નથી. આ સ્થિતિમાં શાળાની વાલી મીટીંગ એક ‘મધ્યસ્થી’ તરીકેની ભૂમિકા અદા કરે છે. વ્યક્તિગત લાગતી ફરિયાદો કે સમસ્યા સામૂહિક પણ હોઈ શકે છે તે આવી મીટીંગો દ્વારા જ ખબર પડે છે અને જે ‘ઘણાબધાનો પ્રોબ્લેમ છે એ ખોટું ઠરે એવુંય બને! જો વાલીઓ પોતાની આવડત કે સહયોગથી અન્ય ઘણા વાલીઓને મદદરૂપ પણ થઈ શકે તો સરવાળે શાળાને પણ સમસ્યાઓનું ભારણ ઘટે જ ને?

સંશોધનના તારણો તો એ વાતની પણ પુષ્ટિ કરે છે કે જો શાળાઓ સહકાર અને સહયોગનું યોગ્ય આંતરમાળખું ધરાવતી હોય તો શાળાનો ડ્રોપ આઉટ ગુણોત્તર ઘટે છે અને નવા વિકાસલક્ષી કાર્યોને પ્રેરક બળ મળે છે. ઘણી શાળાઓએ પોતાની આર્થિક ક્ષમતાને વાલી મંડળના સહયોગથી થકી જ મજબૂત કરી છે. તે જ રીતે સક્ષમ શાળાઓએ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના સંશોધનોને વિદ્યાર્થીઓના વિકાસ માટે વાપર્યા છે. હા, શાળા અને વાલીઓ વચ્ચેનો સંબંધ કે સંપર્ક સંતાન શાળામાં રહે ત્યાં સુધીનો જ હોય છે. તેની પાછળનો તર્ક પણ એ જ છે કે બન્ને સાથે રહે ત્યાં સુધી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં કોઇ અડચણ પેદા ન થાય અને સહકાર તથા સુમેળથી શિક્ષણની પ્રક્રિયા આગળ વધે.

અંતમાં, જે શૈક્ષણિક સંસ્થાઓ (શાળાઓ) કુટુંબ અને સમાજ સાથે જોડાયેલી રહે છે ત્યાં વિદ્યાર્થીના વિકાસને આડે ફંટાઈ જવાનો ભય ઓછો રહે છે. એમાં બિનજરૂરી રીતે થતો હસ્તક્ષેપ નુકસાનકારક નીવડી શકે છે. જેમ સમતોલ આહાર શરીર અને મનની તંદુરસ્તીનું શ્રેષ્ઠ સમાધાન છે તેવી જ રીતે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શાળા અને શાળાનું વાલી-શિક્ષક મંડળ પણ શ્રેષ્ઠ સમાધાન બની શકે છે.

‌‌નવુ જાણવા અને શીખવા અમારી સાથે જોડાઓ આ લિંક દ્વારા-

585 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page