શું શિક્ષકો પહેલા જેવા નથી રહ્યા?
- Dr.Vijay Manu Patel
- Sep 18, 2021
- 2 min read
આપ શિક્ષક હો યા ન હોવ, શીર્ષક વાંચીને જરૂર વિચારમાં પડ્યા જ હશો. જો બધુ જ બદલાતું હોય તો એક વ્યક્તિ તરીકે શિક્ષક પણ બદલાય જ, ખરું? તો પછી ઉપરના જેવો પ્રશ્ન કેમ થાય છે? શું શિક્ષકોનું પરિવર્તન સમાજને સ્વીકાર્ય નથી?
જો આપ શિક્ષક ન હોવ તો શિક્ષકો વિશે આવું જ વિચારતા હશો: હવે શિક્ષકો કમાણી ઉપર ધ્યાન આપે છે, બાળકોના વ્યક્તિગત વિકાસમાં એમને ઝાઝો રસ રહ્યો નથી. શિક્ષકો હવે સાદગીપૂર્ણ વસ્ત્રો પહેરતા નથી, સાઇકલ સ્કૂટરને બદલે મોટરગાડીમાં ફરતા થયા છે. નોકરીને બદલે ટ્યુશનની પ્રવૃત્તિમાં ધ્યાન આપે છે. મિત્રો, આપના વિચારો સાથે સંમત થવાય અને કેટલેક અંશે આપનું અવલોકન સાચું પણ છે છતાં આવા પરિવર્તનોને કારણે શિક્ષકોનું માન ઘટી જાય છે એવું માનવું તાર્કિક નથી લાગતું.

પહેલા શિક્ષક સાઈકલ પર આવતા જતા, પગમાં સ્લીપર કે સાદી ચંપલ પહેરતા એ ખરું પણ એ જમાનામાં એટલું જ તો હતું! હવે તેમની સામે અનેક વિકલ્પો આવ્યા છે. સરકારની વિકાસ પ્રક્રિયાને લીધે દેશની આવક વધી એટલે શિક્ષકોનો પગાર વધ્યો છે તો પછી એલ.ઇ.ડી ટીવી કે કાર ખરીદવાનું શા માટે પસંદ ન કરવું જોઈએ? શિક્ષક સિવાયના લોકો, શિક્ષકોની ભૌતિક સુખાકારી વધી છે એટલે તેને માન ન આપવું કે તેમના પ્રત્યે અહોભાવ ન રાખવો એ ભૂલભરેલી અને પક્ષપાતી વિચારસરણી જણાય છે.
જે લોકો શિક્ષકો છે અથવા શિક્ષણના ક્ષેત્રમાં કાર્યરત અન્ય કોઈ હોદ્દા પર છે (અથવા હતા) અને ઉપરના જેવું માને છે તો તેની પાછળના કારણો જુદાં છે આ કારણોમાં સૌથી પહેલું શિક્ષકોની ન બદલાયેલી ભણાવવાની પદ્ધતિ છે. વર્ષો પહેલાની જુનવાણી રીત સાથે માત્ર પાઠ્યપુસ્તકનું ભણાવી કોર્સ પૂર્ણ કરવાની દાનતે શિક્ષકોનું માન ઘટાડ્યું છે. બીજુ, પોતાની જાતને સમય સાથે અપડેટ ન કરવાની માનસિકતા. પોતાના વિષયમાં કોઇપણ પ્રકારના સંશોધન કે સંદર્ભગ્રંથોના ઉપયોગને સ્થાન ન આપીને શિક્ષકોએ પોતાની સર્જનશીલતાને સાવ શુષ્ક કરી દીધી છે. સમાજને આવા શુષ્ક શિક્ષકોમાં રસ રહે ખરો?

નવા જમાના સાથે નવી પેઢી શાળામાં દાખલ થાય છે તેમની સાથે તેમને સમજાય તેવા સાધનોનો વિનિયોગ કરવો પડે. શું શિક્ષકો આ માટે જાગ્યા છે ખરા? સમાજને માત્ર સંપત્તિ પાછળ દોડતા શિક્ષકો સન્માન્ય નથી લાવ્યા અને શિક્ષણ સમાજને જુનવાણી વિચારો અને રીતોવાળા શિક્ષકો ગમ્યા નથી જ! આ બંને કારણોને લીધે શિક્ષકો પોતાનું કૌવત ગુમાવીને ‘પહેલા જેવા નથી રહ્યા’ની નકારાત્મક લાગણીઓનો ભોગ બન્યા છે.
જો આપ શિક્ષક હોવ કે શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા ઉત્સુક હોવ અને આપ એક ઉત્તમ શિક્ષક તરીકેનું માન આપવા માંગતા હોય તો એક નાનકડો કોર્સ તમને ઘણો જ મદદરૂપ નીવડશે તેમાં શંકા નથી. નીચેની લીંક ઉપર ક્લિક કરીને જોડાઈને પોતાની જાતને ઉન્નત બનાવો અને બીજાને પણ જોડે ગુડ લક!
Comments