top of page

સસલાની નહીં, કાચબાની ગતિ શીખવો!

Writer's picture: Dr.Vijay Manu PatelDr.Vijay Manu Patel

માનવીએ પોતાની બુદ્ધિ ક્ષમતા વિકાસ અને સફળતા તરફ દોરી જાય એવા પ્રયત્નોમાં અનાદિકાળથી રુચિ રાખવી છે. પહેલા આવી બાબતોને વારસાગત ઘણી લેવાતી હતી, પણ આજે સાવ એવું નથી. હવે બુદ્ધિ કે તર્ક સિવાયના અન્ય ગુણો, કે જેની જાણકારી અને જાગૃતતા વ્યક્તિને સફળતા તરફ આગળ લઈ જવામાં મદદરૂપ થાય છે તે તરફ ધ્યાન ગયું છે. આવા પ્રકારના ગુણો પ્રાકૃતિક રીતે જ અસ્તિત્વમાં હોય છે, પરંતુ આપણે તે તરફ ઇરાદાપૂર્વક ઝાઝું ધ્યાન આપ્યું નથી.

બાળક પોતાના શિશુકાળથી કેટલીય વાર પડે છે, ઉભા થવા મથામણ કરે છે. ફરી પડે છે, છતાં તે ઊભા થવાનું કે ચાલવાનું છોડતું નથી. આને પ્રાકૃતિક લક્ષણ નહીં કહીશું તો શું કરીશું? દરેક વ્યક્તિ (બાળક)માં આવી જ જુગુપ્સા અને તીવ્ર દ્રઢતા હોય છે. વિચારવાનું એ રહે છે કે આને ટકાવી રાખવા માટે આપણે બધા કેવા અને કેટલા પણ પ્રયત્નો કરીએ છીએ?

લાંબાગાળાના ધ્યેયને સાકાર કરવા માટે અતૂટ રસ અને એકાગ્રતા પૂર્વકના પ્રયત્નો જરૂરી છે. આ બંને વચ્ચેનો સમન્વય એટલે નિરંતર પ્રયાસ. રાલ્ફ વાલ્ડો એમર્સનનો વિચાર છે કે, આપણે જે કરવાનું ચાલુ રાખીએ છીએ તે વધુ સરળ બને છે એટલે નહીં કે વસ્તુની પ્રકૃતિ બદલાઈ જાય છે, પરંતુ આપણી શક્તિ વધી જતી હોય છે! તાત્પર્ય એ જ છે કે ઉધયમેન હી સિધ્હન્તિ. સાતત્યપૂર્ણ પ્રયત્નો જ ધ્યેયસિદ્ધિ કે સફળતાની પૂર્વશરત છે. જો આમ હોય તો શાળાના વિદ્યાર્થીઓને એ માટે કઈ રીતે પ્રેરિત કરી શકાય?

બાળકો(વિદ્યાર્થીઓ) જે પ્રવૃત્તિમાં સામેલ હોય એનું બારીકાઈથી અવલોકન કરતા રહેવું જોઈએ, તેના વખાણ કરતા રહેવું અને તેમને માટે સમય આપતા રહેવું ખૂબ જરૂરી બાબત છે. વડીલ તરીકે આપણને ન ગમતી પ્રવૃત્તિ હોય તો પણ આમ થવું જ જોઈએ. જ્યારે આપણે બાળકોને કશું કરતાં જોઈએ છે ત્યારે તેની સાથે વાતચીત દ્વારા જોડાવું. એમ કરવાથી તેમનામાં પ્રેમ અને સંવેદનાનો ભાવ પેદા થશે. જે તેને એવી પ્રવૃત્તિમાં સતત પ્રયત્નો કરતા રહેવા માટે જોડી રાખશે. રંગકામ કરતા ફર્શ કે કપડાં બગડે તેનાથી પણ વાલીઓ તેઓને હડધૂત કરી દેતા હોય છે. દિવાલ પર લખવા કે ચિતરામણ માટે પ્રયત્ન કરતા બાળકને મોટા અવાજે રોકી દેનારા અનેક ઘરો હશે, ખરું? આવી પ્રવૃત્તિ વિકાસમાં ભય પેદા કરે છે જે પાછળથી અલ્પ વિકાસ કે નકારાત્મક વર્તનમાં પરિવર્તન થઈ જતી હોય છે.

સ્ટીવ જોબનું કહેવું છે કે, વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ વાર્તાકાર છે. તે આવનારી આખી પેઢી માટે લાંબાગાળાનું ચિત્ર (વિઝન), મૂલ્યો (વેલ્યુ) અને કાર્યક્રમો નક્કી કરે છે. વિવિધ પ્રકારના ગુણો વિકસાવવામાં વાર્તાકથનનું યોગદાન ઘણું છે આજે વાર્તા કહેનાર અને સાંભળનાર સાવ ઓછા થઈ ગયા છે, તેથી નવી પેઢીના તરૂણો અને યુવાનોમાં આત્મવિશ્વાસની ઓછપ વર્તાઈ રહી છે.

બાળકો કે વિદ્યાર્થીઓને જ્યારે તેમની વય કક્ષા અનુસાર પૂરતી સ્વાયત્તતા આપવામાં આવે છે ત્યારે તેઓ પોતાની ક્ષમતાનો યોગ્ય રીતે અને સાચી દિશામાં ઉપયોગ કરે છે. આ માટે તેમણે શિક્ષકો અને વાલીઓ તરફથી વિશ્વાસ, ધીરજ અને યોગ્ય પ્રતિચાર મળતો રહેવો જોઈએ. જો તેઓને આપણે મૂલ્યવાન બનાવવા હોય તો તેમની લાગણીઓ અને અભિપ્રાયોને ધ્યાનમાં રાખવાની ટેવ પાડવી જ પડશે. શિક્ષકો અને વડીલોએ પોતાનો અહંકાર છોડીને પોતાનાથી નાની ઉંમરના વિદ્યાર્થીઓને સન્માન આપવાનું ધૈર્ય રાખવું જોઈએ. પોતાના જ્ઞાન કે માહિતીને તેઓના મગજમાં ભરી દેવાને બદલે તેઓને વિચારવાની જેટલી વધુ તક અપાય એટલો તેમની ભણવાની રુચિ વધશે.

નિશ્ચિત ધ્યેય સુધી પહોંચવામાં કે ચોક્કસ પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓમાંથી ધૈર્ય અને એકાગ્રતા જેવા ગુણોની ખીલવણી મહત્વની બની રહે છે. આ માટે વર્ગખંડનું આકાશ પણ ઉપયોગી નીવડે છે. જેમ કે, આ વર્ગમાં ચોરસ આકારની કઈ કઈ વસ્તુઓ મોજુદ છે? આજે વર્ગમાં કોણ ગેરહાજર જણાય છે? કે આજે બીજા તાસમાં શું ભણ્યા હતા? જેવા પ્રશ્નો વિદ્યાર્થીઓને વિચારવા માટે પ્રેરિત કરે છે, અને એ જે એકાગ્રતાની કેળવણી બને છે. એવું પણ કહી શકાય જેમાં શિક્ષક વિદ્યાર્થીઓને પ્રથમ દશ વસ્તુઓ વારાફરતી બતાવે અને થોડી ક્ષણો પછી માત્ર નવ જ બતાવે, તો કઈ વસ્તુnee ગેરહાજરી છે? વાચક તરીકે તમે પણ આ પ્રશ્નોથી ખુશ થયા હશો, ખરું ને ?

આવી રીતે રોજબરોજની ક્રિયાઓમાં અવલોકનની ટેવ પડે એટલે દરેક વસ્તુ કે ક્રિયાને એકાગ્રતાપૂર્વક મૂલવતા શીખે. અતિ ચંચળ વિદ્યાર્થીઓને શાંત કરવામાં આવી પ્રવૃત્તિઓને ઘણી પ્રોત્સાહક નીવડતી હોય છે. આજના વિદ્યાર્થીઓમાં સૌથી પહેલી ખૂટતી કડી હોય તો તે છે ધીરજના અભાવની. આને કારણે ઢંગથી કોઈ પણ બાબત સમજી શકાતી નથી. પરિણામે તે હંમેશા અસંતુષ્ટની સ્થિતિમાં જ રહે છે. આ અધૂરપ જન્મજાત ઓછી હોય છે, પણ પ્રોત્સાહક વાતાવરણના અભાવને લીધે વધુ હોય છે. ઘર અને શાળા જ બાળકોમાં એકધારાપણું અને સતત મહાવરાની ટેવ વિકસાવી શકે આવી શકે છે. પણ કેવી રીતે? એ વિશે આ બંને જગ્યાએ ઝાઝી શોધખોળ થતી જ નથી!

જિંદગી ક્યારેય અવરોધો વિનાની હોઈ શકે નહીં. જો આ સત્યને બધા જ સ્વીકારતા હોય તો બાળકો (વિદ્યાર્થીઓ) સાથે કામ પાર પાડતી વખતે નિષ્ફળતા કે હારની સ્થિતિમાં લોકો શા માટે હિંમત હારી જાય છે? ખરેખર તો સફળતા પહેલાં અનેક નિષ્ફળતાઓનો સામનો કરવાનો હોય છે, એમ માની સંતાનો કે વિદ્યાર્થીઓની ક્ષમતા અને માન્યતાઓને ઊર્ધ્વગામી બનાવવાના પ્રયત્નો શિક્ષણ અને વાલી તરફથી થતાં રહેવા જોઈએ. તેઓને રોજિંદા જીવનની નાની-નાની સફળતાઓનો આનંદ લેવાનું શીખવો તો નાના દુઃખો-નિષ્ફળતાઓને જીરવતા આપોઆપ આવડી જશે.

વિદ્યાર્થીના સતત કે સાતત્યપૂર્ણ અભ્યાસમાં શિક્ષકો અને વાલીઓ દ્વારા ભય મુક્ત વ્યવહારનું મહત્વ હંમેશાં રહ્યું છે અને રહેવાનું છે, કેમ કે બાળકને (વિદ્યાર્થીને) પોતાની અભિવ્યક્તિ માટેની મોકળાશ મળે તો જ એ જે તે કાર્ય કે પ્રવૃત્તિ માટે આગળ વધવા ઈચ્છતા હોય છે. આપણે બધાએ એ સ્વીકારવું જ રહ્યું કે સફળતા એ ટુકડે-ટુકડે થતાં પ્રયત્નોનું પરિણામ નથી, પરંતુ ધ્યેય પ્રાપ્તિ સુધીના નિયમિત રીતે થતાં પ્રયત્નો થકી જ એ પ્રાપ્ત થાય છે.

શાળા શિક્ષણ જીવન શિક્ષણનો પાયો છે, તેમાં સફળ થવાય તો જીવનમાં થવાય. પણ સફળતા એ શરૂઆત નથી એ તો અંતિમ પડાવનું નામ છે ને? ધીરજ સાથેના સતત પ્રયત્નો વિના એ શક્ય નથી તમારા સંતાનો કે વિદ્યાર્થીઓને આ બાબત શીખો અને સમજાવો. કાચબા અને સસલાની વાતને યાદ કરો. ઝડપ નહીં, ધીરજપૂર્વકના સતત પ્રયત્નો જ સફળતા અપાવે છે. યાદ આવ્યું ને?

157 views0 comments

Recent Posts

See All

コメント


bottom of page