ભારતમાં સરકાર માટે શિક્ષણ વ્યવસ્થા ગોઠવવાનું કાર્ય આપણે માનીએ છીએ તેટલું સહેલું નથી. કેમ કે, તેમાં સમાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, વિસ્તાર, વાલીઓની સાક્ષરતા, જાતિ-ધર્મ વગેરે જેવા અનેક પરિબળો સંકળાયેલા છે. અને તેમાંય વળી આપણે ત્યાં તો ભારોભાર ભિન્નતા પ્રવર્તે છે!
બીજા શબ્દોમાં, શહેરની શાળાની સંસ્કૃતિ અને ગામડાની શાળાની સંસ્કૃતિમાં ભિન્નતા છે. જો કે, એટલા માત્રથી બંનેના શૈક્ષણિક અને સામાજીક સ્તરમાં મોટો તફાવત સર્જાય એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સમાવેશી શિક્ષણના ધ્યેયમાં મોટો અવરોધ ગણાય.
આનો મધ્યમ માર્ગ શું હોય? બસ, આ વિચારમાંથી જ મેં (આચાર્યશ્રી, શ્રીમતી વી.ડી. દેસાઈ (વાડીવાલા) શાળા, સુરત) છેલ્લા સાત વર્ષથી શહેર-ગામની શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોને જોડતો એક અનોખો પ્રકલ્પ "સેતુ" શરૂ કર્યો છે.
જેમાં દર વર્ષે પોતાની શાળાના થોડા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પૂરી તૈયારી સાથે એક દિવસ ૪-૫ કલાકો ગામડાની શાળામાં વિતાવે છે.
આ માટે આ વખતે ફરીથી અમે અછારણ ગામની પ્રાથમિક શાળા પસંદ કરી હતી. આ ખાસ હેતુસરની મુલાકાત અને પ્રવૃત્તિઓમાં દર વખતે શહેર-ગામના વિદ્યાર્થીઓ પોતાની વય, જાત અને આર્થિક સ્થિતિને ભૂલીને ઓતપ્રોત થતાં હોવાનું જણાયું છે.
આ વખતની મુલાકાતમાં તા.7 મે 2022 ના રોજ મારી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે અછારણની શાળાના વિદ્યાર્થીઓને નોટબુક તથા ચોકલેટ્સનું વિતરણ કર્યું. ઉપરાંત, શાળાના વિધાર્થીઓને સંસ્કૃતમાં પરિચય શીખવાડવાનું તથા નૃત્ય અને કાગળકામ જેવી પ્રવૃત્તિ દ્વારા કૌશલ્ય કેળવવાનું કામ શહેરની શાળાના વિદ્યાર્થીઓએ કર્યું. આ વખતે ગામના ઉપસરપંચશ્રીએ ઉપસ્થિત રહીને ધોરણ આઠ પૂર્ણ કરી વિદાય પામતા વિદ્યાર્થીઓ અને સેતુ પ્રવૃતિને શુભેચ્છા પાઠવી બિરદાવ્યા હતા.
મારું વ્યક્તિગત રીતે માનવું છે કે જો શહેરની વધુ શાળાઓ ગામડાની શાળા સુધી પહોંચે તો સામાજિક સમરસતા અને શૈક્ષણિક સ્તરમાં સુધારો લાવી શકાય છે. અને હા-
અમારી સાથે ગુણવત્તાલક્ષી, નવું તથા મઝાનું જાણવા-માણવા નીચેની લિન્ક દ્વારા નજીવી કિમતે સ્વયં સભ્ય બનો અને બીજાને પણ બનાવી connect રહો એવી વિનંતી છે.
શહેર-ગામના શિક્ષણ જગતને જોડતી અમારી આ મુલાકાત(પ્રકલ્પ)ની પ્રવૃત્તિને માણવા નીચેની વિડિયો લિન્ક પર ક્લિક કરો:
Commenti