top of page

સ્ત્રી છો? તો આ જાણો !

આ ધરતી પર જેટલા પણ જીવો છે એનું સર્જન અદભૂત અને વિસ્મયકારક છે. આ સર્વજીવોમાં શ્રેષ્ઠ આપણે મનુષ્યો છીએ. પરંતુ એમાં સર્જનહારે નર અને નારી એમ બે સ્વરૂપો ઘડ્યા છે. એની પાછળનો આશય નવા જીવનું સર્જન થતું રહે એ હશે તો પણ કુદરતે બંનેને એકસરખી પ્રસન્નતા કે સંઘર્ષ આપ્યા નથી. નવા જીવના જન્મમાં બંને સહયોગી બને છે, પરંતુ સૌથી વધુ જવાબદારી સ્ત્રી(માતા) પર નાખી છે. એની પાછળનો તર્ક શું હશે એ વિષયમાં ન પડીએ પણ સૌથી વધુ જવાબદારી અને મહેનત છતાં સ્ત્રીઓનું શોષણ અટકતું નથી એ હકીકત છે. આજે નારી સતામણીના ગંભીર વિષય પર થોડી વાત કરીએ.

એ છોકરી ગુમસુમ રહેતી હતી. કંઈક બોલવા ઇચ્છતી હતી, પણ સામાજિક નજર અને વ્યવહારના અનુભવે તેની વાચાને અટકાવી દીધી હતી. ઘરમાં સ્ત્રી-પુરુષના વ્યવહારને તેણે વારંવાર જોયો હતો. ઘરમાં જ વરવું દર્શન હોય તો એક સ્ત્રી તરીકે તે બહાર કેવી રીતે જીવી શકશે તેનો ભય તેના ચહેરા પર દેખાતો હતો. એ સતત વિમાસણમાં હતી કે પોતાની વ્યથાને કોની સાથે વહેંચે. રોજબરોજના અખબારો પર પડતી આછી-પાતળી નજર અને શાળાઓમાં પોતાને કે બીજી છોકરીઓ માટે સંભળાતી અભદ્ર ટીપ્પણી (કોમેન્ટ)ને પોતાના શરીર અને મનમાં જ દબાવીને એ જીવી રહી હતી. અને માત્ર એ જ શું કામ? આખી ધરતી પરની સંભવતઃ બધી જ સ્ત્રીઓ આમ જ જીવતી હશે કે શું?

નારી સતામણીના પ્રશ્નો લગભગ દરેક ઘર અને સંસ્થાઓમાં જોવા મળશે અને છતાં આવા વ્યવહારો તરફ ભાગ્યે જ નોંધ લેવાય છે. હા, ‘મી ટુ’ ની એક હવા થોડા મહિના પહેલાં ચાલી હતી. એનાથી કહેવાતી સુખી-સંપન્ન અને શિક્ષિત સ્ત્રીઓ પણ શોષણનો ભોગ બને છે તે સત્ય ઉજાગર થયું હતું. કામના સ્થળે પાછલે બારણે આજે પણ સ્ત્રીઓનું જાતીય શોષણ થઈ રહ્યું છે, એમાં બે મત નથી. કદાચ એકાદ-બે વર્ષ પહેલાંનું સંશોધન હતું કે ઇન્ડિયન નેશનલ બાર એસોસિએશન દ્વારા 6074 સ્ત્રી-પુરુષો પર એક સર્વેક્ષણ હાથ ધરાયું હતું, જેમાં 38% એ કબૂલ્યું હતું કે કામના સ્થળે પોતાની જાતીય સતામણી થઈ હતી! 69%નો અભિપ્રાય એવો હતો કે આ અંગે સંચાલકોને ફરિયાદ કરવાનું વિચાર્યું હતું. પરંતુ તેમાંના 65% લોકોએ જણાવ્યું હતું કે મોટાભાગની સંસ્થાઓ ફરિયાદ નિકાલ અંગે કાર્યવાહી કરવાની જાતીય સતામણી કાયદા-2013ની જોગવાઈનું પાલન જ કરતી નહોતી!

મોટાભાગના કિસ્સાઓમાં સ્ત્રીઓ પોતાના શોષણ અંગે અવાજ કે ફરિયાદ ઉઠાવતી નથી કેમ કે ક્યાં તો તેમને કાયદાકીય પ્રક્રિયાની જાણકારી નથી હોતી અથવા પોતાનો હોદ્દો કે નોકરી ગુમાવવાનો ડર હોય છે. સ્ત્રીઓની સલામતી-સુરક્ષા બાબતની તાલીમ અને જાગૃતિનો અભાવ જાતીય સતામણીના કિસ્સાઓને પોષનારો બની રહે છે. આ અંગે શું થઈ શકે? કાયદામાં દરેક સ્ત્રીઓને અધિકાર(હક) મળે છે કે પોતાના કામની જગ્યાએ સુરક્ષા અને સલામત વાતાવરણ પ્રાપ્ત થાય. તેથી કામના સ્થળે પાર્ટ ટાઈમ કે ફુલટાઈમ, નિયમિત કે કામચલાઉ, એડહોક કે દૈનિક ઢબે કામ કરનારી દરેક સ્ત્રીને આ કાયદાથી રક્ષણ મળી શકે છે. આ કોઇપણ પ્રકારનું કામ કરતી સ્ત્રીઓને લાગુ પડે છે. જો કોઈ કંપની કે સંસ્થામાં દસ કરતાં વધુ સ્ત્રી કર્મચારીઓ હોય તો સ્થાનિક કક્ષાએ ‘સ્ત્રી સમસ્યા નિવારણ સમિતિ’ની રચના કરવી જરૂરી હોય છે(જો કે એનું કેટલું પાલન થાય છે એ પ્રશ્ન જ છે!).

કેટલાક સંજોગોમાં સ્ત્રી સતામણીનું કૃત્ય આકસ્મિક થતું હોય છે. શરૂઆતમાં તે બિલકુલ સાહજિક અને નિર્દોષ વર્તન અનુભવાતું હોય છે, પરંતુ પછી તે અયોગ્ય અને બિનઅધિકૃત વર્તનમાં ફેરવાઈ જાય છે. એક વાત નક્કી છે કે વ્યક્તિથી સહન થતું હોય કે ન થતું હોય એવું કોઈપણ કાર્ય જે જાતીય રીતે અસ્વીકૃત અને અનિચ્છનીય હોય તે જાતીય સતામણીની વ્યાખ્યામાં આવી જાય છે. કામના સ્થળે થતી આવા પ્રકારની વવર્તણૂક જાતીય સતામણી જ ગણાય છે: શારીરિક સંપર્ક કે વળગણ, જાતીય વર્તન કરવા માટેની માંગ કે વિનંતી, જાતીય સૂચક ચિન્હ (કે ઇશારા) દર્શાવવા, અશ્લીલ ફિલ્મ જોવી (કે બતાવવી), જાતીય વર્તન સૂચક અન્ય કોઈપણ અસ્વીકૃત શાબ્દિક આશાબ્દિક કે શારીરિક વ્યવહાર.

ઉપરોક્ત વર્તન તરફ પ્રેરિત થવા માટે કર્મચારીની કામની પરિસ્થિતિમાં દખલ ઉભી કરવી, ધમકી આપવી, ભવિષ્યના લાભો અટકાવા કે એવી કોઈપણ પ્રકારની હરકત જે કર્મચારીના શારીરિક-માનસિક આરોગ્ય પર વિપરીત અસર ઉપજાવતી હોય તો તેને પણ જાતીય સતામણીની વ્યાખ્યામાં જ સમાવવામાં આવી છે.

આવી સ્થિતિ સર્જાય તો ક્યાં અને ક્યારે ફરિયાદ કરવી? જાતીય સતામણી અંગેની ફરિયાદ સૌ પ્રથમ પોતાની સંસ્થા કે કંપનીની સમિતિને કરવાની હોય છે. જો તેવી વ્યવસ્થા ન હોય તો આસપાસની સ્થાનિક સમિતિને જાણ કરવાની હોય છે. આવી ફરિયાદ લેખિત સ્વરૂપમાં કરવાની હોય અને ગુનો બન્યાના ત્રણ માસ સુધીમાં જ કરી શકાતી હોય છે. જો આ સમયગાળા દરમિયાન વારંવાર સતામણીના સંજોગો બને તો છેલ્લી ઘટના પછીના ત્રણ માસ સુધીમાં કરી શકાય છે. જો વ્યક્તિ પોતે ફરિયાદ કરવા સક્ષમ ન હોય તો સ્થાનિક સમિતિ આ સમય મર્યાદા બીજા ત્રણ માસ સુધી વધારી શકે છે. પરંતુ ઇચ્છવા યોગ્ય એ છે કે ઘટના બને તે તરત જ એની ફરિયાદ નોંધાવી લેવી જોઈએ.

જો વ્યક્તિ લેખિતમાં આવી ફરિયાદ કરવા સક્ષમ ન હોય તો સમિતિના અધિકારીઓ એમા સહાયરૂપ થાય છે. કાયદાની જોગવાઇ મુજબ જો ફરિયાદી શારીરિક-માનસિક રીતે અક્ષમ હોય અથવા તેનું મૃત્યુ થયું હોય તો તેના વારસદાર આવી ફરિયાદ લેખિતમાં નોંધાવી શકે છે. જો કંપની કે સંસ્થા ની આંતરિક સમિતિ ન હોય તો સ્થાનિક સમિતિ આજે ફરિયાદને, ફરિયાદના સાત દિવસની અંદર પોલીસ સ્ટેશને પહોંચાડી શકે છે.

કેટલાક સંજોગોમાં ભોગ બનનાર વ્યક્તિ, સતામણી કરનારી વ્યક્તિઓ સાથે ફરીથી કામ કરવા ઈચ્છતી હોતી નથી. આવા સંજોગોમાં કાયદાની કલમ-૧૨ મુજબ તેને રાહત મળી શકે છે. એમાં સ્થળ ફેરબદલી, ત્રણ માસ માટેની રજાની મંજુરી તથા કાયદાની જોગવાઇ મુજબની અન્ય રાહતો મળી શકે છે. જાતીય સતામણીનો ભોગ બનનાર સ્ત્રીની પીડાને સમજવી કઠિન હોય છે અને તેના વળતરનું કોઈ મૂલ્ય નક્કી ન થઈ શકે, છતાં ફાયદો ભોગ બનનારને નિશ્ચિત વળતર અપાવવામાં મદદરૂપ થઈ શકે છે. જો ગુનો સાબિત થાય તો ગુનો કરનારના પગારમાંથી એ રકમ કાપી લેવામાં આવે છે. જો પગારની રકમ પૂરતી ન હોય તો તેણે પોતાના અન્ય ખાતામાંથી ચૂકવવી પડે. જો આમ ન કરે તો કાયદેસર રીતે અન્ય ઉપાયો વિચારાય છે.

સવાલ એ કે સ્ત્રી આવું વળતર કયા કારણોસર માંગી શકે? માનસિક ત્રાસ પીડાના મૂલ્ય તરીકે, આ બનાવને કારણે ગુમાવવી પડતી કારકિર્દીની તકો બદલ, શારીરિક-માનસિક સારવારના ખર્ચ પેટે, કે ગુનો કરનારની આવક અને સંપત્તિની સદ્ધરતાને કારણે ઉચ્ચક કે હપ્તા દ્વારા આવી રકમ માંગી શકે અને તે ચૂકવવી પડે.

જાતીય સતામણી કે શોષણને ઘણી વખત છુપાવી દેવાનું વલણ જોવા મળે છે તેની પાછળ સ્વયંની સુરક્ષા કે સલામતીની જાગૃતિનો અભાવ હોય છે. તેથી આવા શોષણ સામે લડવાનો એકમાત્ર ઉપાય જાણકારી પ્રાપ્ત કરવાનો છે. મતલબ સાક્ષરતા અને તાલીમ દ્વારા આ સમસ્યા પર અંકુશ લગાવી શકાય છે. આ માટેના અનેક online અભ્યાસક્રમ ઉપલબ્ધ છે. રોજગારી ક્ષેત્રે જોડાયેલી કોઇપણ સ્ત્રી સુધી આવી જાણકારી પહોંચાડીને પરોક્ષ સેવાકાર્ય કર્યાનું પુણ્ય મેળવીએ તેવી અભ્યર્થના.


આ ઉપયોગી અને અનોખી વેબસાઇટમાં છે

ઓનલાઈન કોર્સિસ, પુસ્તકો અને અદભૂત લેખોનો ખજાનો!

નવું જાણવા અને શીખવા માટે સભ્ય બનો, આજે જ. ક્લિક કરો આ લિન્ક પર:


137 views0 comments

Comments


bottom of page