દર વર્ષે સંચાલકો-આચાર્યોએ પોતાની શાળાના જુદા જુદા વર્ગોમાં પ્રવેશ અંગેની કામગીરી શરૂ કરી જ દે છે. આવા સંજોગોમાં વાલીઓ હજી દ્વિધામાં જ છે કે શ્રેષ્ઠ શાળા કે સારી શાળા કોને ગણવી? ઘરની આસપાસ હોય તે જ યોગ્ય કહેવાય? તેનું ભવ્ય મકાન કે રમતનું મેદાન હોય તે વધુ સારી? લોકોના મુખે જેનું નામ વધારે સંભળાય તે સારી શાળા કહેવાય? આવા વિવિધ ખ્યાલો સાથેની મૂંઝવણ શિક્ષણ ક્ષેત્રે પ્રર્વતતી કાયમી અસમંજસતાની છે, ખરું? ઘણા શિક્ષિત કે થોડું દૂરનું વિચારનારા શાળાની શાસન પદ્ધતિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
આંતરરાષ્ટ્રીય લેખક અને શિક્ષણવિદ ડેવિડ મિલર સેડકરે પોતાના સંશોધનને આધારે Five Factor Theory રજુ કરી છે, જે અસરકારક કે સારી શાળાના પાંચ સામાન્ય લક્ષણોની રજૂઆત કરે છે. એમાં
ગુણવત્તાયુક્ત નેતૃત્વ,
વિદ્યાર્થી-શિક્ષકની ઉચ્ચ અપેક્ષાઓ,
વિદ્યાર્થીના વિકાસનું સતત મૂલ્યાંકન,
ધ્યેયો અને દિશા તથા
વિદ્યાર્થીની સુરક્ષા અને સલામતીનો સમાવેશ થાય છે.
જેમ કોઇ પણ દેશની પ્રગતિ તેના શાસક (નેતા) પર નિર્ભર હોય છે. તેમ શૈક્ષણિક સંસ્થાનું ઉત્તમ નેતૃત્વ જ તેની સફળતા માટે નિમિત્ત જ બનતું હોય છે. આવું નેતૃત્વ આચાર્ય, સુપરવાઇઝર કે ખાસ શિક્ષક તરીકેનું હોઈ શકે છે. તેથી આ લોકો માટે ખાસ કાર્યક્રમો, તાલીમ વર્ગો, દેશના જુદા જુદા સ્થળના શિક્ષણવિદો સાથે સંવાદ જેવી પ્રવૃત્તિઓ સંસ્થામાં સતત થતી રહેવી જોઈએ.
સાંપ્રત સમયમાં શિક્ષણના અધ્યાત્મિક અભિગમની આવશ્યકતા વધી છે. વિદ્યાર્થી અને શિક્ષકને એકમેક પાસેથી જે અપેક્ષાઓ છે, તેને સમજવામાં અને સફળ બનાવવામાં આ અભિગમની ઘણી જરૂરિયાત છે. જો કે આપણી શાળાઓમાં અધ્યાત્મ એટલે જ ધર્મ એવો સંકુચિત અર્થ સ્વીકારી લેવાયો છે અને ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મ વિશેની વાત કરવી એ ગેરબંધારણીય કહેવાય એવો ડર રાખનારા શિક્ષકો અધ્યાત્મ(Holistic)ના સાત્વિક અભિગમથી દૂર જ રહી ગયા છે! આ કારણે શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો એક ચિરંજીવ અને મર્મસિદ્ધ સંબંધ સ્થાપિત થતો નથી. આ માટે શાળાઓમાં શું થઈ શકે?
શાળાના દરેક વિદ્યાર્થીઓને કોઈ ને કોઈ કામની જવાબદારીઓ સોંપવી જોઈએ. જવાબદારી જ કર્તવ્યનું ભાન કરાવે છે. આપણી લોકશાહીને ટકાવવા માટે પણ શાળાઓમાં વિવિધ કામ કે પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થીઓને જવાબદારી સોંપો. એમ કરવાથી વિદ્યાર્થી-વિદ્યાર્થી અને વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે આંતરસંપર્ક અને સંવાદ વધે છે, જે એકમેકના વિચારોને સમજવામાં અને એ રીતે વિશ્વાસ પ્રગટાવવામાં ઉપયોગી નીવડે છે. આમાં વાલીઓ અને અન્ય શિક્ષણવિદને પણ સાંકળવા જોઈએ. જે સંસ્થામાં આ પ્રકારના સંવાદ, સંપર્ક અને પ્રક્રિયા (કે પ્રવૃત્તિ)ઓ ચાલુ રહેતી હોય ત્યાં બન્નેને પોતાની અપેક્ષાઓ મહદંશે સંતોષાતી લાગશે.
શિક્ષકોના આત્મવિશ્વાસને વધારવામાં આવી તાલીમ (જો યોગ્ય રીતે અપાય તો) ઘણી જ ઉપયોગી નીવડે છે. તેઓ પોતાની નવીન પ્રયુક્તિઓ કે વિચારોની આપ-લે કરી શકે છે, અને એમ કરતાં શિક્ષકો વચ્ચેના અહમને ઓગાળવાની પણ તક મળે છે. શિક્ષકોમાં ‘મને આવડી જશે’ ની માનસિકતા ગુણવત્તાયુક્ત નેતૃત્વમાં સૌથી મોટો અવરોધ સર્જતી હોય છે. ખુલ્લા મનની ચર્ચાઓ અને પ્રવૃત્તિઓને દરેક શાળાઓએ પ્રોત્સાહન આપવું જ જોઈએ. શાળા એ કોઈ મૌન મંદિર નથી, એ તો મોક પાર્લામેન્ટ છે એ સમજી લેવું જોઈએ.
શિક્ષકો અને શાળા વચ્ચેના ખ્યાલોનું શું? મનુષ્ય સ્વભાવ મુજબ આમાં દરેક જગ્યાએ વિરોધાભાસ અને અંતર પડેલું જોવા મળે છે. શાળાના અને વ્યક્તિના રસ અને ધ્યેયો વચ્ચે સુમેળ દેખાતો નથી. આવા સંજોગોમાં લાંબે ગાળે સંસ્થાની શૈક્ષણિક અને સામાજિક ગુણવત્તા જોખમાતી હોય છે. વળી. પરંતુ સંસ્થાઓના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ધ્યેયો વિશે દરેકે દરેક કર્મચારી વાકેફ રહેવો જોઇએ. આપણી ઘણી ખરી શાળાઓમાં આની ભારે ઊણપ વર્તાય છે. ઉપરાંત શિક્ષકોની સુષુપ્ત ક્ષમતાઓને ઊર્ધ્વગામી કે વિકસિત કરવા માટેના શાળાઓ દ્વારા કોઈ પ્રયત્ન જ નથી થતાં એ પણ દીવા પાછળના અંધારા જેવી જ વાત છે!
સારી શાળા નક્કી કરવા માટે વિદ્યાર્થીઓનું સતત મૂલ્યાંકન કેવી રીતે થાય છે તે પણ જાણવું જરૂરી હોય છે. આમાં શૈક્ષણિક, રમતગમત, સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ, બાહ્ય સ્પર્ધાઓમાં ભાગીદારી તથા વાલી મીટીંગના ક્ષેત્રો સમાવિષ્ટ છે. આસપાસની પરિસ્થિતિ કે ઘટના પ્રત્યે જાગૃતિ માટેના પ્રયત્નોમાં શાળાની કેવી ભાગીદારી છે તે પણ ધ્યાને લેવું જ જોઈએ. ભવિષ્યની પેઢી સાથે સુસંગત એવી કઈ પ્રવૃત્તિઓ કે કાર્યક્રમો સંસ્થા દ્વારા આયોજિત થયા છે અને બ્લોગ કે વેબસાઈટ દ્વારા તેને દૂર સુધી પહોંચાડવાના પ્રયત્નો થયા છે તેને પણ આધાર તરીકે લઈ શકાય. શાળા કે વિદ્યાર્થીઓની ‘અજોડ’ સિધ્ધિઓ કઈ છે? જાહેર પરીક્ષાના પરિણામો અજોડ સિદ્ધિ નથી, પણ કોઈ વિદ્યાર્થી કે શિક્ષક આંતરરાષ્ટ્રીય સ્પર્ધા કે પરિષદમાં ભાગ લે તેને અજોડ ગણવી પડે. આધુનિક તકનીકી બાબતે વિદ્યાર્થી, શિક્ષકો, વાલીઓ કેટલા અગ્રિમ (એડવાન્સ) છે તેને વિશેષ માપદંડ તરીકે લઈ શકાય.
આજકાલ અને હંમેશા જેનાથી સમાજ સતત ચિંતામાં હોય છે તે છે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી. શારીરિક અને માનસિક વિકાસની સાથે સાથે સામાજિક સુરક્ષા (ધુમ્રપાન, આપઘાત વગેરે) માટે શાળા દ્વારા કયા પગલાં (કાઉન્સેલિંગ, જૂથ વીમો વગેરે) લેવામાં આવે છે તે જાણવું જરૂરી છે. શાળા દ્વારા યોજાતા પ્રવાસ કે બાહ્ય મુલાકાતોમાં આપત્તિ વ્યવસ્થાપનના નીતિ નિયમોના પાલન બાબતે સંસ્થા કેટલી પ્રતિબંધ કે કટિબદ્ધ રહે છે એમાં પણ સરકાર અને સમાજને રસ રહે જ છે. અંતે, આ સમગ્ર માપદંડોમાં મહદંશે ખરી ઊતરતી શૈક્ષણિક સંસ્થાઓ પાસે પોતાની સફળ વાર્તા (સક્સેસ સ્ટોરી) હોય જ છે, ખરું? આવી સફળ વાતને સંસ્થાના નેતા લોકો સુધી પહોંચાડી શકે છે કે કેમ તે પણ વિચારણીય તો ખરું જ.
Comentários